July’13 : અપડેટ્સ

. . .

– આપ સૌનું મારા બગીચામાં સ્વાગત છે. આજે કદાચ આપને સવાલ થશે કે ઑગષ્ટમાં આ જુલાઇની અપડેટ્સ કેમ? મારી કોઇ ભુલ તો નથી ને? (જો આ સવાલ નહી થયો હોય તો હવે થશે અને થવો જ જોઇએ !!)

– જુલાઇ મહિનો આખો પુરો થઇ ગયો અને મારા બગીચામાં છેક આજે તેની અપડેટ્સ મુકવાનો ટાઇમ મળ્યો છે એટલે થયું કે ભલે મહિનો બદલાઇ ગયો હોય પણ અપડેટ ચુકી જઇએ એવું ન બનવું જોઇએ. (વરસાદની સીઝન હોય ત્યારે મારી સાથે આવું થાય એ સ્વાભાવિક છે. તેના કારણો માટે જુઓ – ‘આ પોસ્ટ‘)

# સૌ પ્રથમ આખા મહિનાની મુખ્ય હાઇલાઈટ્સ પર એક નજર:

  • વરસાદ – બફારો – ભુવા – અ મ્યુ કો – બિમારી
  • મારી હેલ્થ – છોટુના કારનામાઓ – અન્ય અપડેટ્સ
  • રાજકીય – ઘટનાઓની નોંધ – ટીપ્પણીઓ
  • એક્સ્ટ્રા / નકામી વાતો

# હવે અપડેટ્સની વિસ્તૃતમા નોંધ લઇએ…. શરૂ કરીએ છીએ હવામાન બુલેટીનથી:

– વરસાદ એકંદરે સારો કહી શકાય એવો છે. પણ વાતાવરણમાં બફારો અને ભેજ એટલો છે કે પરસેવે ભીંજાયેલા રહીએ.

– આ વખતે વરસાદમાં હજુસુધી કોઇ મોટા નુકશાનના સમાચાર નથી. (અરે યાર, બે ઇંચ વરસાદ પડે તોયે અમદાવાદના રસ્તાઓમાં પાણી ભરાઇ જાય અને બે-ત્રણ ગરનાળા ઉર્ફે એંડરબ્રીજ બંધ કરવા પડે એ તો હવે સામાન્ય ઘટના કહેવાય.)

– ન્યુઝપેપરમાં દરરોજ રસ્તાઓના ‘ભુવા’ના ફોટો ન જોઇએ આશ્ચર્ય થાય છે! અ.મ્યુ.કો. ની આ એક ઉપલબ્ધી ગણી શકાય. (તેનો મતલબ ભુવા પડતા નથી એવો ન કરવો, આ તો છાપાવાળાઓને હવે ભુવા’ના ફોટો છાપવામાં રસ નથી રહ્યો એટલે..)

– આ ડબલ સિઝનની ગડબડ એટલી છે કે ડૉક્ટરના દવાખાના બિમારોથી ઉભરાઇ રહ્યા છે.

# હવામાન બુલેટીન સમાપ્ત. આગળ આવી રહ્યા છે સ્વાસ્થ્ય વિષયક સમાચાર અને અંગત અપડેટ્સ:

– લેટેસ્ટ વજન : 54 કિલો

– બિમારી લગભગ ગાયબ છે અને હું સંપુર્ણ સ્વસ્થ છું છતાંયે દવાઓ હજુ ચાલું છે. (છ મહિનાની દવામાં હવે બે મહિના બાકી રહ્યા છે.)

– ઘર અને પડોશીઓમાં અત્યારે સિઝનલ બિમારીનો માહોલ છે એટલે મને ઘણું સાવચેત રહેવું પડે એમ છે. (વળી કયાંય જો કંઇ થયું તો…..?? નહી……….)

– વ્રજને થોડી શરદી થઇ છે અને તાવ જેવું પણ છે. (દવા પીવામાં હમણાંથી તે બહુ નખરા કરે છે.)

– હવે તે મને તેની સામે ઘરેથી નીકળવા નથી દેતો અને સાથે આવવાની પણ જીદ કરે છે. ઘરે આવો ત્યારે દુરથી જોઇને મળવા દોડી આવે છે. (આવીને તેને તેડી લેવા માથે હાથ ઉંચા કરીને એવી મસ્ત સ્માઇલ આપે કે તમે ગમે એટલા થાકેલા હોવ પણ એકવાર તેને લેવા માટે લલચાઇ જ જાઓ.)

– અમારી દોસ્તી વધુ મજબુત બનતી જાય છે અને સૌથી સારી વાત એ છે કે એ મને અને મારી આદતોને સારી રીતે સમજે છે અને હું તેને અને તેની આદતોને. (આ ટ્યુનીંગ જ અમને એકબીજા સાથે ગાઢરીતે જોડી રાખે છે.)

– અરે હા, મારા ટીનટીન દ્વારા ગવાયેલું સૌ પ્રથમ ગીત સાંભળો..

કેવું લાગ્યું તે કહેજો..

– થોડા દિવસોમાં વ્રજની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે. તે દિવસને યાદગાર બનાવવાનો વિચાર છે, જોઇએ હવે કેવો પ્લાન બની શકે છે.

# થોડી રાજકારણની અને રાજકારણીઓની વાતો: (મારી ટુંકી સમજણ પ્રમાણે)

– ૧૨ રૂપીયામાં ભોજન, તોફાનોથી આતંકવાદની શરૂઆત અને ઓબામા સાથે પત્રવ્યવહાર વગેરે વગેરે ઘટનાઓ આપણાં રાજકારણીઓની બાલિશ સોચ છતી કરે છે. (કોઇએ સાચી જ વાત કહી છે કે પુખ્ત વ્યક્તિમાં પણ કયાંક ખુણે એક બાળક જીવતો હોય છે!)

– સરકારને દેશની સરહદના સુરક્ષા મુદ્દે ચીનથી સવધાન રહેવાની અક્કલ હવે આવી હોય એવું જણાય છે. (ચલો, દેર આયે દુરસ્ત આયે!)

– બધા રાજકીય પક્ષોને ગુંડા અને ગુનેગાર લોકો વગર ચાલે એમ નથી એટલે સુપ્રિમ કોર્ટના તે અંગેના ચુકાદાને આ લોકો પુરા જોરથી ઉખાડીને દુર ફેંકી દેશે. (આ બાબતે તેઓની એકતા કાબીલે-દાદ કહેવી પડે!)

– તૈયારીઓ ઘણાં દિવસોથી ચાલું છે અને થોડા દિવસોમાં તો ૨૦૧૪ની ચુટણીના પડઘમ, રણશીંગુ અને પીપુડા-નગારા વાગવાના ઓફિસીયલી શરૂ થઇ જશે. આ વખતે શાસકપક્ષ ભવિષ્યમાં વિપક્ષ તરીકે ગોઠવાય તેવી સંભાવનાઓ વધુ છે. (આ સંભાવના ઉપર કોઇ પૈસા લગાવે અને હારી જાય તો તેની જવાબદારી અમે લેતા નથી પણ જો જીતી જાય તો અમે તેમાં હિસ્સો લેવા તૈયાર છીએ.)

– એવરેજ મતદારો કોંગ્રેસથી ત્રાસેલા છે અને મોદીમાં તેમને તારણહાર દેખાય છે એટલે લગભગ મોદીનો જાદુ ગુજરાતની જેમ દેશમાં પણ ચાલી જશે એવું લાગે છે. જો કે દેશની વિવિધતા અને રાજકારણ ગુજરાત કરતાં ઘણાં અલગ છે એટલે બની શકે કે મારો અંદાજ ખોટો પણ હોય. (સોશીયલ નેટવર્કીંગ સાઇટ્સમાં લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી અત્યારે ટૉપ ઉપર છે!)

– કોંગેસ પાસે મુદ્દો નથી અને વળી રાહુલ ગાંધી જેવા આગેવાન છે, જયારે સામે પક્ષે ભાજપ પાસે ઢગલો મુદ્દા છે અને વળી મોદીને આગેવાન બનાવ્યા છે. ખબર તો હતી જ કે ૨૦૧૪માં જંગ નરેંન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થશે અને એ પણ અંદાજ છે કે તેમાં રાહુલ ગાંધી ઘણાં નબળા પુરવાર થશે. (મને, પર્સનલી, રાહુલગાંધીમાં કોઇ રાજ્યના મુખ્યપ્રધાન બનવાની ક્ષમતા પણ નથી દેખાતી, જયારે કોંગ્રેસીઓ તેને વડાપ્રધાનનો ઉમેદવાર ગણાવે છે!!)

થોડા મહિનાઓ પહેલાં કહ્યું’તુ ને કે બિઝનેસની સફરમાં ઘણો મોટો ચેન્જ આવશે, તે આવી ગયો છે. પણ તેમાં વળાંક એટલો બધો જોરદાર છે કે ઘણું સંભાળવું પડશે પણ આ વળાંક પછીનો રસ્તો સીધો અને સરળ હશે એવું જણાય છે.

– ‘ભાગ મિલ્ખા ભાગ’ ઉત્તમ ફિલ્મ છે જેને લગભગ દરેક ભારતીયે એકવાર દેખવી જોઇએ. (હજુ મારે જોવાની બાકી છે.)

– વરસાદ-ભેજના કારણે ઘરના બારી-દરવાજા પણ ફુલી ગયા છે! (પેલા ‘લાતો કે ભુત…’ જેવી હાલત છે. ત્યારે તો ખુલે છે!)

– આમ તો હું વર્ષાપ્રેમી છું (એટલે કે વરસાદ-પ્રેમી) પણ સતત વાદળછાયું વાતાવરણ અકળાવે છે, હવે હું પેલા તડકાને મીસ્સ કરી રહ્યો છું. (બદલાતા વિચારો…)

– બસ, બહુ લાંબી પોસ્ટ થઇ ગઇ છે એટલે વિરામ લઉ છું. નવું વળી ઑગષ્ટની અપડેટ્સમાં ઉમેરવામાં માટે પણ જોઇશે ને….

– અસ્તું.

. . .

7 thoughts on “July’13 : અપડેટ્સ

  1. ટેણીયા’ની ભાષામાં ક્યા ક્યા મૂળાક્ષરો વપરાયા છે ? કઈ ભાષામાં તેનું એન્કોડિંગ થયું છે ?

    મોટાભાગે બે બાળકો આ ભાષામાં ગુપ્ત વાતો કરી લેતા હોય છે 🙂

    હું યે નાનો હતો ત્યારે આ ભાષા બોલતો હતો પણ કાળક્રમે ભૂલી ગયો 😉

    1. મૂળાક્ષરો મળે તો તો પછી એન્કોડિંગનું ડિકોડીંગ કરવાનીયે સમજ પડે પણ આ તો કોઇ બીજાગ્રહની ભાષા લાગે છે! તેને સમજવી એ તો મારા જેવા ટુંકા જ્ઞાનીની દુનિયા બહારની વાત છે. 😉

  2. નમસ્કાર!
    આપનો બ્લોગ ”મારો બગીચો” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  3. સોંગ ઓફ ધ યર નો ખિતાબ આપવો પડશે હોં ભાઈ , અમે તો ફેન થઇ ગયા , હવે આખું આલ્બમ બહાર પાડો ….
    અને ટીનટીન ના જન્મદિવસ ની ઊજવણી નું વિવરણ વાંચવું ગમશે , આવતી અપડેટ્સ માં , જેથી જરા ભૂલ્યા વગર ….

બોલો, શું કહેવું છે તમારે...