મે 2, 2017 બગીચાનો માળી 5Comment

~ ધાર્યા મુજબ રિઝલ્ટ A+ આવ્યું છે અને વ્રજની સ્કુલ ટુંકા વેકેશન પછી ફરીથી શરૂ પણ થઇ ગઇ છે. હવે નર્સરીમાંથી જુનીયર કે.જી. ના ક્લાસ તરફ પ્રગતિ કરી છે.

~ નર્સરીની પરિક્ષાઓ પછી તેને એક અઠવાડીયાનું વેકેશન મળ્યું’તું. લગભગ ૬ મે પછી મોટું વેકેશન શરૂ થશે. એપ્રિલ-મે મહિનાની અમદાવાદી ગરમી આમ તો આવા કુમળા બાળકો માટે સારી ન કહેવાય તો પણ સ્કુલવાળા ધ્યાન રાખે છે એટલે વાંધો આવે એમ નથી લાગતો. (ટોરેન્ટના લાઇન ફોલ્ટના કારણે માત્ર એક દિવસ વ્રજના ક્લાસમાં એ.સી. બંધ રહ્યું તેની ફરિયાદ ક્લાસના દરેક બાળકોએ મા-બાપને કરી. આ છોકરાઓ એમ ચલાવી લે એવા પણ નથી. 🙂 )

~ CBSE પધ્ધતિ પ્રમાણે ચાલતી સ્કુલના આ લાભ/ગેરલાભ વિશે અમે પહેલાથી માહિતગાર તો હતા જ. છતાંયે મનમાં સવાલ ઉદ્ભવે છે કે સ્કુલીંગના ચક્કરમાં અમે તેને વધારે દબાણ તો નથી કરી રહ્યા ને…? (તે ફરિયાદ નથી કરતો તેનો મતલબ એ પણ નથી કે અમે તેની સાથે કંઇ પણ કરી શકીએ.)

~ વેકેશનના કારણે આસપાસમાં ક્યારેક વધારે ટીમ ભેગી થઇ જાય ત્યારે સ્કુલ જવાનો મુડ ન થાય તે દરેક બાળક માટે સ્વાભાવિક છે એટલે તેને સ્કુલ માટે વધારે ન કહેવું તેવો ઘરમાં મારો આદેશ છે. એકવાર સ્કુલે ન જવાનું કહ્યા પછી પણ જાતે જ જવા માટે તૈયાર થઇ જાય છે એટલે હજુ સુધી આ મુદ્દે કોઇ તકરાર થઇ નથી. (એમ તો ઘણો સમજદાર છે મારો દિકરો.)

~ હમણાં તો તેનું ધ્યાન તેની નાની બહેન પર વધારે છે એટલે બહારના દોસ્તારો સાથે નહિવત સંબંધ છે. તેને પોતાની બહેન હોવાનું અને તે બેબી હવે ઘરમાં હંમેશા તેની સાથે રહેશે તેની ઘણી ખુશી છે. (વ્રજ માટે તેનું નામ છોટી બેબી છે.)

~ આજની વાતને વ્રજ પુરતી મર્યાદિત રાખવાની છે એટલે બેબી વિશેની વધારે વાતો નવી પોસ્ટમાં કરવામાં આવશે. (વ્રજની જેમ તેની અપડેટ્સ પણ શરૂ કરવાનો વિચાર છે.)

~ છેલ્લે, વ્રજના નર્સરી ક્લાસના સ્ટુડન્ટ્સનો ગ્રુપ ફોટો તેના રિઝલ્ટ સાથે આપવામાં આવ્યો છે. (સ્કુલની આ વાર્ષિક ગ્રુપ-ફોટોની સિસ્ટમ ગમી.)

# ફોટો જાણકારીઃ

 • વ્રજ વચ્ચેની લાઇનમાં ડાબી બાજુથી બીજા નંબર પર બેઠો છે.
 • તેની પાછળ જે તંદુરસ્ત મહિલા ઉભી છે તે તેની સ્કુલ પ્રિન્સીપલ છે અને જમણી તરફ કુપોષણના ઉદાહરણ જેવી મહિલા તેની ક્લાસ ટીચર છે. (તંદુરસ્તી અને કુપોષણ જેવા શબ્દો ને જરૂર ન હોવા છતાં ઉમેરવામાં આવેલ છે. શારીરિક સ્થિતિ એ વ્યક્તિની અંગત બાબત હોય અને તે વિશે જાહેર ટિપ્પણી ન કરવી જોઇએ એવું અમે હજુ શીખ્યા નથી.)
 • યાદગીરી તરીકે બીજા દરેક ક્લાસમેટના નામ વ્રજને પુછીને ફોટો પાછળ ક્રમ અનુસાર લખી લીધા છે. (મને વ્રજની યાદશક્તિ પર પણ એટલો જ ભરોસો છે જેટલો મારી યાદશક્તિ પર છે.)

5 thoughts on “[170502] વ્રજ અપડેટ્સ

 1. આ સ્કૂલોની પ્રિન્સીપાલો તંદુરસ્ત જ કેમ હોય? બીજો મુદ્દો – આ દર વર્ષે ફોટોની સિસ્ટમ સારી છે. આજ-કાલના મા-બાપો નોકરીના ફેરફારોના કારણે સ્કૂલો વારંવારે બદલે એટલે દર વર્ષે ફોટાઓ મળે તો થોડા વર્ષો પછી તે જોવાની મઝા આવે.

  મારી પાસે ધોરણ ૧ અને ધોરણ ૧૨ સિવાય અન્ય કોઇ ક્લાસ ગ્રૂપ ફોટાઓ નથી :/

  1. તંદુરસ્ત હોય તો છોકરાંઓ ડરે; એ ન્યાયે તેમની તંદુરસ્તી જોઇએ તેમને પ્રિન્સીપાલનો હોદ્દો આપવામાં આવતો હોય એવી એક સંભાવના હોઇ શકે છે. 😀

   વાર્ષિક ફોટો તો મહામુલી યાદગીરી છે. વ્રજને હમણાં તેની કિંમત નહી સમજાય પણ તેની માટે હું આ યાદગીરી ચોક્કસ સાચવતો જઇશ. મને એમ હતું કે તેના ક્લાસમેટ નવા ક્લાસમાં પણ સાથે રહેશે તો વ્રજને બધા નામ યાદ રહેશે પણ સ્કુલ સિસ્ટમ છે કે દરેક નવા વર્ષે સ્ટુડન્ટ્સના ક્લાસ ચેન્જ કરી દેવાના એટલે જ આ ફોટોમાં છે તે દરેક ક્લાસમેટ, પ્રિન્સીપાલ અને ક્લાસટીચરના નામ પુછીને લખી લીધા છે.

   તમે થોડા નસીબદાર છો ક્લાસ ગ્રુપ ફોટો બાબતે. મારી પાસે તો સ્કુલ ટાઇમના એકપણ ગ્રુપ ફોટો નથી. 🙁

 2. અસંબંધિત ટિપ્પણી : કેમકે ; કેટલાક લોકો મસ્ત હોય છે તો કેટલાક અલમસ્ત . .
  તો કેટલાક વ્યસ્ત તો કેટલાક અસ્તવ્યસ્ત 🙂

   1. જબરદસ્ત રીતે અસ્તવ્યસ્ત સ્વરૂપે વ્યસ્ત !!!

    આવી તો કોઈની પ્લાનિંગ કરીને વાટ લગાડવી હોય તો પણ ન લાગે 😉 હજુ કદાચિત એક મહિનો કે વધુ.

તમે પણ કંઇક કહો ને...