ઓક્ટોબર 24, 2017 બગીચાનો માળી 0Comment

~ સૌ પ્રથમ તો આજે મારા બગીચાને દિવાળીની શુભેચ્છાઓ… ભલે આ એક ઇ-સ્થળ હોય, પણ મારી માટે એક કાયમી વિસામો છે. મારા વિચારોનું ગોડાઉન છે. એમ તો કારખાનું અને પ્રયોગશાળા પણ છે. કંઇ જ ન હોવા છતાંયે આ મારી માટે ઘણું વિશેષ ઠેકાણું છે. (કોઇ-કોઇ વસ્તુંનું મુલ્ય આંકી ન શકાય.)

~ હું અહી મને મુકીને આગળ વધી જઉ છું પણ વિતેલો રસ્તો ફરી બતાવવાનું કામ આ બગીચો કરે છે. મારી કાલ સાથે મુલાકાત આ બગીચો જ કરાવે છે. મારી આસપાસની દુનિયામાં વસતી લગભગ દરેક વ્યક્તિ એમ સમજતી હશે કે ભુતકાળને આમ વળગીને રહેવાનો કોઇ મતલબ નથી. ખૈર, મને તેનાથી કોઇ ફરક નથી પડતો. (ફરક પડતો હોત તો તેઓ એ મને ઘણાં સમય પહેલા અટકાવી દીધો હોત.)

~ આ બધી વાતો ચાલતી જ રહેશે… મુળ વિષય એટલે કે આજની અપડેટ્સ પર આવીએ…

~ બંને બાળકો સ્વસ્થ અને ખુશ છે. મેડમજીને મારા દ્વારા અપાતા સમયમાં કાપ મુકાવાથી થોડી નારાજગી છે પણ તે વધારે સમય નહી રહે તેની મને ખબર છે. (તેના સપોર્ટની મને જરૂર રહેશે જ.) દરવર્ષની જેમ આ વર્ષે પણ નાના-નાની ને દિવાળી-વેકેશન-સ્ટૉપ બનાવ્યા છે અને અમે ઘરે એકલા છીએ. (વ્રજ-નાયરા વગરનું ઘર ઘણું ખાલી-ખાલી લાગે છે.)

~ નવું કામ નવી ચેલેન્જ લઇને ઉભરી રહ્યું છે. બધી ચેલેન્જને સ્વીકારીને આગળ વધવું એ જ એકમાત્ર વિકલ્પ છે અત્યારે એટલે અન્ય બિનજરૂરી વિચારોને ઇગ્નૉર કરવામાં જ મારી ભલાઇ છે.

~ અવ્યવસ્થા હવે બદલાવ બાદ ધીરેધીરે નવી વ્યવ્સ્થાનું સ્વરૂપ લઇને વ્યવસ્થિત રીતે ગોઠવાઇ રહી છે. લગભગ બધું જ ધાર્યા મુજબ ચાલી રહ્યું છે તેની ખુશી છે. અંદાજ કરતા સમય થોડો વધારે જાય એમ લાગે છે અને નાની-મોટી સમસ્યાઓ વારંવાર અટકાવે છે પણ સારી વાત એ છે કે મને રસ્તાઓ મળી જાય છે. (રસ્તો મળતો જાય તો કોઇ કામમાં થાક ન લાગે.)

~ લાઇફ ક્યારેક આપણને એવી જગ્યાએ લાવી ને મુકે છે જ્યાંથી આપણે કંઇ કરતા નથી હોતા છતાંયે આપણા દ્વારા જ બધું થતું હોય છે.. અથવા તો એમ કહી શકાય કે હવા જ આપણને ખેંચીને લઇ જતી હોય છે અને આપણે હવાની દિશામાં ખેંચાતા જઇએ છીએ. (બસ હવે, બધે વિસ્તારથી સમજાવાનું ન હોય યાર..)

~ અનિશ્ચિતતાનો આ સમયગાળો હવે અંતિમ તબક્કામાં છે. તેના પછી એક નિશ્ચિત જવાબદારી જણાઇ રહી છે. અઘરું છે તે નક્કી છે. પણ ‘બધું થઇ જશે’ તેનો વિશ્વાસ પણ અડગ છે. (આટલો કોન્ફીડન્ટ તો હું ક્યારેય નહોતો.)

~ આ દિવાળી બિલકુલ અલગ રહી. કામ અને વ્યસ્તતા તો હતા જ છતાંયે આ વખતનો ઉત્સાહ અલગ હતો. હજુ પણ તે છે જ. પાચમ પર મુહુર્ત કરવાના ન્યાયે આવતી કાલથી કામકાજ ફરી શરૂ થઇ રહ્યા છે. (ક્યારેક મને પણ હું વિચિત્ર પ્રકારનો નાસ્તિક લાગુ છું! પોતાની જાત અને કુદરતી નિયમ સિવાય કોઇનામાં વિશ્વાસ નથી કરતો છતાંયે આ બધા નખરાંમાં સાથ આપુ છું.)

~ હું મારામાં બહુ જ મોટો ફરક પણ જોઇ રહ્યો છું. ઘણાં સમય પહેલાં અનુભલેવી કોઇક સંવેદનાઓ મન ફરી અનુભવી રહ્યું છે. દિલમાં એક નવી જ સમાંતર દુનિયા આકાર લઇ રહી છે. હા, યાદીમાં એક નવી ઇચ્છા પણ ઉમેરવામાં આવી છે. (આ ઇચ્છા તો દિવાળી પહેલા પુરી થાય એમ હતી પણ મને સમય ન મળ્યો.)

~ કોઇને પણ સરળતાથી માફ કરી દેવાની પ્રકૃતિ ધરાવતો મારો સ્વભાવ મને બહુ જ મદદ કરી રહ્યો છે! અને હા, થેન્કયું જીંદગી…

તમે પણ કંઇક કહો ને...