Book: Romance on facebook

નામઃ Romance on facebook | લેખક: Amrita Priya

~~

Romance on facebook By Amrita Priya

પુસ્તકના વિષયનું નામ વાંચીને આ નવલિકામાં લગભગ દરેકને રસ પડશે એમ લાગે છે! કેમ કે આ ટાઇટલમાં જ એવા શબ્દો છે કે દરેક ઉંમરની વ્યક્તિને તે વિશે જાણવાની સ્વાભાવિક જીજ્ઞાસા હોય જ. પરંતુ આપ આ પુસ્તકના નામ ઉપરથી વધુ કંઇ વિચારો તે પહેલા એક જરૂરી ચોખવટ: એકબીજા વચ્ચે સાત સમંદરનું અંતર ધરાવતા આ પુસ્તકના નાયક અને નાયિકા લગભગ 39-40 વર્ષના છે અને અલગ-અલગ વ્યક્તિ સાથે પરિણિત છે. સુખી છે. રોમાન્સનો અર્થ અહી મેસેજીસની આપ-લે સુધી જ મર્યાદિત છે. ચોખવટ પુરી.

સિધ્ધાર્થ અને ગીતી(ગીતાંજલી), બાળપણથી સમજણની આરે પહોંચેલી યુવાની સુધી એકબીજાની પડોશમાં રહેતા અને એકબીજાને પસંદ કરતા બે વ્યક્તિ. જેઓ તેમના સમયના સામાજીક વાતાવરણ/સંસ્કારના કારણે એકબીજા સાથે સામાન્ય વાત કરવાની કે આંખો મેળવવાની હિંમત પણ કેળવી નહોતા શક્યા. જ્યારે આજે તો સમય તેમને એકબીજાથી ઘણો દુર કરી ચુક્યો છે અને બંને પરસ્પર લાગણીઓ પણ ભુલાવી ચુક્યા છે. હવે ૧૯ વર્ષ બાદ ફેસબુકના માધ્યમ દ્વારા તેઓ ફરી એકવાર પરિચયમાં આવે છે અને શરૂઆત થાય છે વાતચિતની, એક જુના સમયની, ભુલાયેલા એક સંબંધની, યાદોને તાજા કરવાની… પ્રેમની… રોમાન્સની..

સમય, સ્થળ અને સ્થિતિ સંપુર્ણ બદલાઇ ચુક્યા છે પણ વર્ષો પહેલા તેમની વચ્ચે કંઇક હતું, જે આજસુધી બહાર આવ્યું ન’તું, તે બધી લાગણીઓ બંને અનુભવી રહ્યા છે. ઔપચારિકતા સાથે શરૂ થયેલી વાતચિત અણધાર્યા વળાંક પર આવી પહોચી છે. સંવાદનું અહી મુખ્ય માધ્યમ, ફેસબુક, તેના હોવાનો થોડો અહેસાસ પણ કરાવ્યા રાખે છે.

મેસેજના પ્રત્યુત્તરમાં કરવામાં આવતો મેસેજ અને જે-તે સવાલ-જવાબ પાછળની માનસિક સ્થિતિ  તથા પાત્રોના મનમાં ઉઠતી લાગણીઓ ઘણી ઉંડાણપુર્વક ઝીલવામાં આવી છે. જો કે આ પુસ્તક એક લેખિકા દ્વારા લખવામાં આવ્યું હોવાથી તેમાં સ્ત્રી પક્ષની લાગણીઓ વધુ સચોટ અને ઉંડાણથી આલેખવામાં આવી છે. લેખિકાએ પુસ્તકમાં ગીતીની સ્ત્રી સહજ ચિંતાઓ સાથે મેસેજની આપ-લેમાં સીડની પુરૂષ સહજ બેફિકરાઇ પણ સુંદર રીતે રજુ કરી છે.

ઘણાં જુના સમયની સામાજીક વ્યવસ્થા અને વાતાવરણની અસરમાં ખીલેલા પ્રેમનું આલેખન આજના આધુનિક સમયમાં અપ્રસ્તુત હોઇ શકે છે. નવી જનરેશન માટે તે સમયકાળને સમજવો પડશે; પરંતુ આજે ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓને કંઇ સમજાવવું નહી પડે! કાચી ઉંમરમાં થયેલા પ્રથમ નિર્દોષ પ્રેમને યાદ કરાવતું આ પુસ્તક આપને જુની યાદોમાં લઇ જઇ શકે છે. એવુંયે બની શકે કે તમે કોઇ જુના પ્રેમને ફેસબુકમાં શોધવામાં ખોવાઇ જાઓ. જો તમે યુવાન હોવ અને ફેસબુક કે અન્ય કોઇ સોસિયલ સાઇટ્સમાં પ્રેમભર્યા મેસેજની આપ-લે કરી હશે તો પણ તમે દરેક મેસેજની ઉંડાઇ સમજી શક્શો. ઓકે. જેઓએ આમાંથી કંઇ અનુભવ્યું નહી હોય તેમની માટે આ એક સામાન્ય/છીછરી વાર્તા બની શકે છે અથવા તો એક સુંદર ફેન્ટસી બની શકે છે!

~  ~  ~

આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 3 ફુલડાં!

Book: એકલવીર

 પુસ્તકનું નામ: એકલવીર લેખક: પૉલો કોએલો

~~

એકલવીર – પૉલો કોએલો

– લેખક પૉલો કોએલો (સાચો ઉચ્ચાર – પૌલો કોએલ્હો ‘Paulo Coelho‘) દ્વારા લખાયેલા પુસ્તકોને દુનિયાભરમાં લોકોએ વખાણ્યા છે અને અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. આ પુસ્તક, એકલવીર, મુળ આંરરાષ્ટ્રીય બેસ્ટસેલર બુક ‘Winners Stand Alone’ નો ગુજરાતી અનુવાદ છે. જો કે આ પુસ્તક સૌ પ્રથમ પોર્ટુગીઝ ભાષામાં લખાયેલું છે.

– પુસ્તકમાં મુખ્ય છએક પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ અને વિચારોનું વર્ણન છે. ઘણી જગ્યાએ પૈસાદાર લોકોના વૈભવ, આદત અને દુર્ગુણો પર ભારે કટાક્ષ પણ છે.

– ભાષાંતરમાં પણ મુળ લેખકની છટા જાળવી રાખવા બદલ અનુવાદકને અભિનંદન આપવા પડે. ઉપરા-ઉપરી બનતી રોચક ઘટના અને મુખ્ય પાત્રોની મનોસ્થિતિની સાથે ચાલતું આ પુસ્તક રસપ્રદ તો છે જ. પરંતુ અંગત સમજણ અનુસાર હું પુસ્તકના મુખ્ય પાત્ર, આઇગોર, ના દરેક વિચારો કે કાર્યો સાથે સહમત થઇ શકતો નથી. પણ હા, પુસ્તક અનુસાર તેનો ભુતકાળ અને વર્તમાનની સ્થિતિ આધારે તેની મનોસ્થિતિ સમજી શકાય એવી છે છતાંયે કયાંક તેના વર્તનથી તેના વિચારો અંગે મનમાં ગુંચવાડો થાય છે.

– પુસ્તકના મુખપૃષ્ટ પર શિર્ષકની ટૅગ-લાઇનમાં ‘જીંદગીના શ્રેષ્ઠ મુલ્યો શોધવાની પ્રેરણાત્મક કથા’ -એવું લખેલું છે પણ અંગત રીતે મને બે-ત્રણ વિષય-વસ્તુ ઉપરાંત કંઇ એવું ખાસ ન જણાયું. વિચિત્ર ઘટનાઓ અને વિચારો સાથે-સાથે પુસ્તકનો અંત જે સ્થિતિએ આવે છે ત્યાં, મારા મતે, વાચકને એક અતિવિચિત્ર જગ્યાએ એકલો છોડી દેવાયો હોય એવી લાગણી ઉપજે છે.

~  ~  ~

આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 2.5 ફુલડાં!

Book: I Too Had a Love Story

પુસ્તકનું નામ: આઇ ટુ હેડ અ લવ સ્ટૉરી    |  લેખક: રવિન્દર સિંઘ

~ x ~

– ઘણાં દિવસ પછી આજે કોઇ પુસ્તક વિશે લખવાનું મન થયું છે. આપણે ત્યાં વાર્તા-નવલકથા-ફિલ્મમાં સામાન્ય રીતે ‘હેપ્પી એન્ડીંગ’ની બોલબાલા છે અને એટલે જ મુંબઇવાળા પેલા શાહરુખભાઇને પણ કહેવું પડયું છે કે, “અગર અંત મે સબકુછ ઠીક નહી હો જાતા તો સમજો, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….”

– આપણને (એટલે કે ભારતીય દર્શકો-વાચકોને) દુઃખી અંત માફક નથી આવતો. પરંતુ આજે વાત કરવી છે એક એવા પુસ્તકની કે જેમાં ‘હેપ્પી એન્ડીંગ’ ના બદલે કરુણ અંત છે.

I Too Had A Love Story - Ravinder Singh
I Too Had A Love Story – Ravinder Singh

– Play Books store માં એમ જ ખાંખા-ખોળા કરતા આ પુસ્તક ધ્યાનમાં આવ્યું અને માત્ર વાચકોના રિવ્યુ-રેટીંગ (અને ડિસ્કાઉન્ટ!) જોઇને ખરીદવાનો વિચાર બનાવ્યો. આમ પણ આપણને લવ સ્ટોરીમાં રસ ખરો. લેખકનું નામ જાણીતું હતું પણ આજસુધી તેમના કોઇ પુસ્તકનો અનુભવ ન હોવાથી થયું કે એમને વાંચવાનો અખતરો કરી જોઇએ. (અખતરા કરવા એ તો મારો જુનો શોખ છે.) આમ, કોઇ જ પુર્વધારણા કે પુસ્તકના વિવરણ વગર પુસ્તકને ખરીદીને વાંચવાની શરૂઆત કરી.

– લાંબા સમય બાદ ચાર મિત્રોની વચ્ચેની મુલાકાતની સામાન્ય ઘટનાથી સોફ્ટવેર એન્જીનીયર રવિન પુસ્તકની શરૂઆત કરે છે. જે રવિનને પોતાની માટે કોઇ જીવનસાથી શોધવાની પ્રેરણા આપે છે અને પોતાની પસંદના હમસફર શોધવાની વાત ઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટમાં રજીસ્ટ્રેશન સુધી પહોંચે છે. શરૂઆત ધીમી પણ સરસ રીતે થાય છે જેમાં વેબસાઇટ દ્વારા ખુશી નામની છોકરી તેના સંપર્કમાં આવે છે. (જે રવિનના બાયોડેટા દ્વારા તેને સંપર્ક કરે છે અને ઘણી સરળતાથી શરૂઆત થાય છે એક લવ સ્ટૉરીની…)

– આજના ફાસ્ટ જમાનામાં પણ એકબીજાને પ્રત્યક્ષ મળ્યા કે જાણ્યા વગર, માત્ર બાયોડેટા અને ફોટો જોઇને, અને મોબાઇલથી વાતો કરીને પ્રેમમાં પડવાની વાત સુધી પહોંચતું આ પુસ્તક મને વધુ ગમવાનું કારણ પણ એવું જ છે. (હવે તમને થશે કે હું તે કારણ અહી જાહેરમાં જણાવીશ… ના બાબા, ના. કંઇક તો અંગત જેવું રહેવા દો જીવનમાં..) અતિશ્યોક્તિ વગરના શુધ્ધ, નિખાલસ અને સરળ પ્રેમનું સુંદર આલેખન જોવું હોય તો આ બુક એકવાર વાંચવી જ પડે!

– વાંચતી વખતે મારા મનમાં એ ખ્યાલ હતો કે આખરે બધું ઠીક થઇ જ જશે અને આનંદ-ઉત્સવની વાત સાથે આ પુસ્તકનો અંત આવશે. પરંતુ અંત આવો હોઇ શકે તેની મેં જરાયે કલ્પના કરી નહોતી.

– બે દિવસમાં તો લગભગ ૭૦% પુસ્તક વંચાઇ ગયું હતું અને ત્રીજા દિવસની સવારે ઉંઘ વહેલી ઉડી જતા સવારના સુંદર સમયને પસાર કરતા આખું પુસ્તક પુરું કરવામાં આવ્યું. જો આ પુસ્તકના અંતમાં તમારી આંખોમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે તમારી અંદર પણ એક સંવેદનશીલ વ્યક્તિ હજુ જીવે છે.

– લેખકના જીવનની બનેલી સત્ય-ઘટનાની યાદમાં અંગ્રેજી ભાષામાં લખાયેલ આ પુસ્તકની શૈલી સંપુર્ણ ભારતીય છે. જો કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ થયો હોય એવી માહિતી મળતી નથી. લેખક દ્વારા આ પુસ્તકના બીજા ભાગરૂપે લખાયેલ પુસ્તક ‘Can Love Happen Twice?’ પણ વંચાઇ ગયું છે પણ તેની વાત ફરી કયારેક કરીશું.

~  ~  ~

આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 4.5 ફુલડાં!

__
Update: આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે જુઓ: અહીં (નિરવભાઇએ આપેલ જાણકારી મુજબ.)