અપડેટ્સ અને ફિલ્લમ-ફિલ્લમ

. . .

– IPL 5 ને હિટ બનાવવા વધુ પડતી જાહેરાત ઉપરાંત ટીવી-રેડીયો અને મીડીયાના મરણીયાં પ્રયાસ જોઇને લાગે છે કે તે બધાએ નક્કી કરી લીધું છે કે… જે થાય તે, પણ લોકોને આ તમાસો જોવા બેસાડ્યા વગર છોડવા નથી… (બિચ્ચારા નિર્દોષ લોકો… આખરે એમનો ગુનો શું છે?.)

– રેડીયો-ટીવી-મીડીયા જબરદસ્તી તેને મોટી ચીજ બનાવી રહ્યા છે તો પણ સામાન્ય પબ્લીકને હવે તે ‘પ્રાઇવેટ-તમાશા’માં રસ નથી આવતો એવું ચોખ્ખું જણાય છે. (સાબિતી-બાજુમાં આવેલા પાનના ગલ્લામાં આ વર્ષે ક્રિકેટ સટોડિયાઓની ભીડ આશ્ચર્યજનક રીતે ઘટી રહી છે!!) આપણને સ્કોર જાણવામાં ભલે કોઇ રસ ન હોય તો પણ દર ૫ મિનિટે એ લોકો સ્કોર અપડેટ આપ્યા કરશે.

– વચ્ચે આવેલા એક ન્યુઝ : શસસ્ત્ર સેનાના હથિયારો અને સાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર !! આ ખુલાસો ખુદ સેના-અધ્યક્ષ દ્રારા કરવામાં આવ્યો છે. (ભારતીય આગેવાનોએ ભ્રષ્ટાચાર ક્ષેત્રે કરેલો વિકાસ થોડા સમયમાં જ ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન પામશે તે અંગે આપણે ગૌરવ લઇ શકીએ !)

– દેશના દરેક ખુણેથી લગભગ દર અઠવાડીયે કોઇને કોઇ મોટા કૌભાંડના સમાચાર બહાર આવતા રહે છે, કયારેક તપાસ થાય છે તો કયારેક છુપાઇ જાય છે તો કયારેક ભુલાઇ જાય છે. કેટલે જઇને અટકશે આ બધુ…. (મને ઇશ્વરીય ચમત્કારમાં લગીરેય વિશ્વાસ ન હોવા છતાં દેશની આવી હાલત જોઇને કયારેક થાય કે ખરેખર આ દેશ કોઇ દૈવી તાકાતથી જ ટકી રહ્યો હોઇ શકે.)

– પાકિસ્તાની મહેમાન ભારતમાં મહેમાનગતિ માણીને સ્વદેશ પરત ફરી ચુક્યા છે. વાટાઘાટો અને વાયદાઓ ઘણાં થયા છે, હવે અમલમાં આવે તે સાચું. (બે દેશ વચ્ચે શાંતિ અને વિકાસની દિશામાં ઉઠાવાયેલું આ પગલું મને ગમ્યું.)

– ગરમીએ તેના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે ઉનાળો જોરમાં રહેવાના પુરેપુરા સંકેત છે. (રસ્તે જતા કોઇ તરસ્યાને ઠંડુ પાણી પીવડાવીને પુણ્યનું ભાથુ બાંધવા માટેનો ઉત્તમ સમય છે. હો જાઓ શુરૂ…)

– છેલ્લા સમય દરમ્યાન જોવાયેલી ‘સારી’ હિન્દી ફિલ્મો અને તે અંગે બે-ચાર વાતો :

” કહાની ”
સુંદર અને ઉત્તમ સ્કિપ્ટ સાથેની ફિલ્મ.
આ ફિલ્મમાં બેસ્ટ – વિદ્યા (બિદ્યા)
8/10 Points

હિન્દી ફિલ્મના ચાહકોએ એક વખત તો જોવી જોઇએ. અંત સુધીમાં પ્રેક્ષકને સીટ સાથે જોડી રાખે અને પ્રેક્ષકને સીટને પકડી રાખવા મજબુર કરતી હિન્દી થ્રીલર ફિલ્મ. હિન્દી ફિલ્મ ચાહકોને આવી ફિલ્મો માણવાના ઘણાં ઓછા વિકલ્પ મળતા હોય છે. નહી જુઓતો ચોક્કસ કંઇક ગુમાવશો.

” ચિલ્લર પાર્ટી ”
થોડી જુની પણ નક્કામી ફિલ્મોના ટોળામાં ચુકી જવાયેલી એક મજાની ફિલ્મ
ફિલ્મમાં બેસ્ટ – છોકરાઓ એક નેતાની ‘વાટ’ લગાડી દે છે તે દ્રશ્ય
9/10 Points. CHILLAR PARTY

કોઇ મોટો સ્ટાર નથી પણ આ નાની ફિલ્મના મોટા સ્ટાર છે નાના-નાના પ્યારા-પ્યારા ટાબરીયાઓ અને તેમની ટોળકીનું નામ છે ‘ચિલ્લર પાર્ટી’. બાળકોને ગમે તેવી અને મોટાઓને પણ થોડી શીખ આપતી એક સરળ-સામાજીક ફિલ્મ. સંબંધ, દોસ્તી, કેળવણી ઉપરાંત બાળકોની નજરે દુનિયા જોવાની એક તક. વેકેશનમાં ભેગા થયેલા ભાણીયાંઓ-ભત્રીજાઓ અને પોતાના બાળકોને (જો હોય તો) તોફાન કરતા અટકાવવા માટે ભેગા કરી બતાવવા જેવી ફિલ્મ. (તેમને ચોક્કસ ગમશે તેની ગેરંટી.)

” શૌર્ય ”
દેશની બોર્ડરના ગામોમાં સેના દ્વારા ચાલતી કડક ચેકીંગ-ત્રાસવાદ વિરુધ્ધ પ્રવૃતિ અંગે એક નવા દ્રષ્ટિકોણથી વિચારવા મજબુર કરે તેવી ફિલ્મ.
ફિલ્મમાં બેસ્ટ – નવો વિષય, રજુઆત અને કાશ્મીરની સુંદરતા
7/10 Points.

સેનાના અધિકારીની કોઇ એક ધર્મ પ્રત્યેની એલર્જી થી બનેલી એક ઘટના અને તે અંગે સેનાના એક જવાન વિરુધ્ધ સેના-નિયમો દ્વારા કરવામાં આવેલ ‘કોર્ટ-માર્શલ’ બાદ પ્રકાશમાં આવતી ઘણી અંધકારમય વાતોને ઉજાગર કરતી ફિલ્મ. જાવેદ જાફરી અને રાહુલ બોઝ અભિનિત આ ફિલ્મ કયારે આવીને જતી રહી હતી તે ખ્યાલમાં જ ન’તુ રહ્યું. આ ફિલ્મ તમારા મગજમાં નાનકડી છાપ ચોક્કસ છોડી જશે. પૃથ્વી પરનું સ્વર્ગ ‘કાશ્મીર’ની ઝલક આ ફિલ્મમાં જોવા જેવી છે. આ ફિલ્મ શોધવા માટે વધારે ખણખોદ ન કરવી પડે એટલે આ રહી સંપુર્ણ માહિતી – http://en.wikipedia.org/wiki/Shaurya

અને બે દિવસ પહેલા જ નિહાળવામાં આવેલી ફિલ્મ,
” હાઉસફુલ-2 ”
કન્ફ્યુઝન, ગ્લેમર અને લાલચથી બનતી કોમેડીની ઘણી જુની-ફોર્મ્યુલા અનુસાર બનેલી એકવાર જોઇને હસી લેવા જેવી ફિલ્મ.
ફિલ્મમાં બેસ્ટ – અક્ષયકુમાર (અને સુંદર અસીન)
5/10 Points. HOUSEFULL-2

ઢગલો સિતારાઓ અને ગ્લેમરથી ભરપુર આ ફિલ્મ એકવાર આપને ચોક્કસ હસાવી શકે છે. ફિલ્મમાં બેસ્ટ છે, અક્ષયકુમાર અને તેનો એક બેસ્ટ ડાયલોગ – “ક્યું થક રહા હૈ….”. જો તમને ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’, ‘પાર્ટનર’ વગેરે જેવી ફિલ્મ ગમી હશે તો આ પણ ગમશે. (થીયેટરમાં જઇને પૈસા ન બગાડવા હોય તો થોડા દિવસ રાહ જુઓ, જલ્દી જ ટીવીમાં આવી જશે.)

. . .

5 thoughts on “અપડેટ્સ અને ફિલ્લમ-ફિલ્લમ

  1. હાઉસફુલ ૨ – આ બધા મુવીમાં કાંટા સમાન છે. અમે પણ ટીવી પર આવે તેની રાહ જોઈએ છીએ. ચિલ્લર પાર્ટી ક્યારનુંય બાકી છે, પણ તેને કવિન માટે વેકેશન માટે અનામત રખાયું છે. બાકીની ફિલ્મો સરસ છે. ડીવીડી ખરીદી શકાય એટલી સરસ.

    1. હાઉસફુલ-૨ કાંટા સમાન તો ખરી પણ દરેક ફિલ્મને તર્ક-વાસ્તવિકતા કે યોગ્યતાના ત્રાજવે તોળવા કરતાં માત્ર ઉટપટાંગ હરકતો જોઇને બે ઘડીની ગમ્મત મળી જતી હોય તો મગજને ઘરે મુકીને ગમ્મત લઇ લેવી એવું હું માનુ છું. જો કે તે માટે થીયેટરના દરવાજા સુધી જવું હુ જરૂરી નથી સમજતો. ઘરે આવે ત્યારે એકવાર જોઇ લેજો.
      આપણે ત્યાં બાળકો માટેની ફિલ્મ માંડ બે-ચાર બનતી હોય છે અને દરેક જોવા લાયક હોતી નથી. પણ ચિલ્લર પાર્ટી ખરેખર સરસ છે. જોવાનુ ભુલાય નહી તે યાદ રાખજો. અને ગયા વર્ષે રજુ થયેલી ‘આઇ એમ કલામ’ પણ એક સરસ ફિલ્મ હતી. કવિને ન જોઇ હોય તો તેને પણ લિસ્ટમાં ઉમેરી દેજો.

      1. આઈ એમ કલામ – મેં એકલા એ જોઈ કાઢેલી. કવિન હવે થોડું-થોડું સમજતો થયો છે. તેને સ્ટેનલી કા ડબ્બા બહુ ગમેલી એટલે હવે થોડી વધુ આ પ્રકારની ફિલ્મો જોડે તેને વાંધો નહી આવે.

        હાઉસફુલ માટે થિએટરમાં ન જ જવાય. જવાય તો – મગજ ઘરે મૂકીને જવાનુ. 😉

  2. ~ભ્રષ્ટાચાર ના સમાચારો તો લોકોના કાન માં એવા ઘુસ્યા છે, કે ઘણી વાર કોલેજ માં કોઈ છોકરો “VIVA” સફળતાથી પતાવીને બહાર નીકળે તો લોકો કહે છે, “નક્કી કઈક ભ્રષ્ટાચાર થયો છે અહી….”

    ~ગાંધીનગરમાં ૨ દિવસ થી વાદળ ની કૃપા થી ગરમી માં ટેમ્પરરી રાહત મળી છે….

    ~અક્ષય કુમાર ના મુવી હોય તો મગજ નો ઉલ્લેખ કરવો જ નહિ, તો જ એન્જોય કરી શકાય…. 😀

  3. હાઉસફુલ મુવી એકંદરે મનોરંજક અને ફૂલ ઓફ કોમેડી હતું … ખાસ તો જય ભદ્રકાળી બોલતી વખતે હાથ ઉઠાવવાની સ્ટાઈલ અત્યંત રસપ્રદ હતી… રણજીત ને સરસ tribute આપ્યું છે (એય બોલીને )…. બાકી સંબંધો ની ગુંચ સરસ રીતે વર્ણવી છે મુવી માં…(બહુ મગજ ના દોડાવવું એ સમજવા)..

    બાકીની ત્રણે મુવી જરૂરથી જોવામાં આવશે… રસપ્રદ જણાય છે !

બોલો, શું કહેવું છે તમારે...