ફિલ્મ : ‘BETTER હાફ’

– થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોંધ લેવાની ભુલાઇ ગયેલી એક સરસ ફિલ્મ એટલે… “બેટર હાફ

– આ ફિલ્મની નોંધ લેવામાં ચુક થાય તે ચલાવી તો ન લેવાય. (તો પણ હવે મારી યાદશક્તિની કમજોરી આગળ હું મજબુર છું.) જો કે એક વાત એ સારી થઇ કે આ ભુલના કારણે આજે અહી વિસ્તારથી લખી શકાશે. 🙂

– હા, તો હવે વાત ફિલ્મની…

– ફિલ્મનું નામ છે Better હાફ. નામ પરથી અંગ્રેજી ફિલ્મનું ટાઇટલ લાગે પણ આ તો છે સંપુર્ણ સ્વદેશી અને એમાંયે આપણી પોતાની ભાષામાં બનેલી એક ગુજરાતી ફિલ્મ!

– આજના યુવાનના સંદર્ભમાં પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ ઉપરાંત ઉદભવતા સમસ્યા-સમાધાનને આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે. ફેસબુકમાં મિત્ર તરીકે જોડાયેલા આ ફિલ્મના ડાયરેક્ટર શ્રી આશિષભાઇ કક્કડના કારણે આ ફિલ્મ તરફ અનાયાસે જ ધ્યાન ગયુ હતું અને તેના વિષયે તેની તરફ આકર્ષણ જગાવ્યું હતું. (જો કે આશિષભાઇ સાથે હવે કોઇ સંપર્ક નથી.)

– ફાઇનલી, હમણાં જ ડીવીડી ખરીદવામાં આવી અને નિરાંતની પળોમાં આ ફિલ્મને ન્યાય આપવામાં આવ્યો. (ફિલ્મ રીલીઝ થઇ ત્યારે થીયેટરમાં નહિ જોવાનું આજે ખરેખર દુઃખ થયું.)

– આ ફિલ્મમાં ખાસ કહેવાય એવા કોઇ દેશી-વિદેશી લોકેશન નથી કે પછી કોઇ મસ-મોટા સેટ પણ નથી! (અને હા, અહી કોઇ ધોતિયાં-કેડિયાંમાં કે ઘાઘરા-ચોલીમાં ગરબે રમતાં લોકોની વાત પણ નથી.)

– બસ, આજના માહોલને અનુરૂપ અને બદલાતા સમયના પરિમાણ મુજબની એક ‘સિમ્પલ‘ ગુજરાતી ફિલ્મ છે. મારી કે તમારી કહાની જ જોઇ લો. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અમદાવાદમાં થયેલું છે એટલે કે જાણે આસપાસની જ ઘટના લાગશે. (ગુજરાતી ફિલ્મની સામાન્ય છાપ અંગે મારૂ માઇન્ડ-ચેન્જ કરવામાં આ ફિલ્મને ક્રેડિટ આપવી પડે.)

– આ ફિલ્મમાં મને જે વધુ ગમ્યું તે એ છે કે ગુજરાતી ફિલ્મ હોવા છતાં ગુજરાતીને ન સમજાય એવી શુધ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગનો હઠાગ્રહ રાખવા કરતાં યુવાનોમાં પ્રચલિત ભાષાનો ઉપયોગ. જો ગુજરાતી ફિલ્મો આ ટ્રેક પકડશે તો તેની દશા/દિશામાં સો ટકા ફરક આવશે અને આજના યુવાન દર્શકો પણ ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષાશે.

ફાસ્ટફુડ/કોફીશૉપ-લવ થી ઘણી દુર ‘પ્રેમ’ની સુંદર વ્યાખ્યા અને સંબંધનું મહત્વ છે આ ફિલ્મમાં. લાગણી, કામ, વ્યવહાર, જરૂરિયાત અને પ્રેમની મજબુત અભિવ્યક્તિ છે આ ફિલ્મમાં. મને ખરેખર આ ફિલ્મ ઘણી ગમી.

વર્કિંગ કપલને લગ્ન બાદ કરવા પડતા સમાધાન અને ઉભી થતી સમસ્યા બાદ તેમના કામ સાથે પરિવારનો તાલમેલ આ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ અને તેનાથી વહેતા વિચારને યુવાનીના પગથિયા પર પગ મુકવાનું શરૂ કરેલા કે પ્રેમના રસ્તે આગળ વધતા અને લગ્નજીવનની શરૂઆત કરતાં કે ટકાવી રાખવાની ઇચ્છા ધરાવતા દરેક યુવાન-યુવતીએ એ ચોક્કસ જોવા જેવા અને સમજવા જેવા છે. ( મારી જેમ ઘણાં લોકો ચુકી ગયા હશે એવું મને લાગે છે.)

# આ મુવીથી ‘પ્રેમ‘ વિશે ફિલ્મમાં શીખવા મળેલી બે સુંદર વાત

  • જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ.
  • એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો એ બન્ને અલગ વાત છે.

ફિલ્મના પોસ્ટર અને ઝલક –

નોંધ – ‘ફિલ્મ’ શબ્દનું સામાન્ય ગુજરાતી ‘ચિત્રપટ’ થાય. પરંતુ ‘ચિત્રપટ’ શબ્દનો ઉપયોગ ગુજરાતીમાં હવે નહિવત રહ્યો હોવાથી અને ‘ફિલ્મ’ શબ્દનો ઉપયોગ પ્રચલિત હોવાથી તેનો ઉપયોગ છુટથી કરવામાં આવ્યો છે. કોઇને વાંધો હોય તો સુધારીને વાંચી લે… બીજુ શું…

17 thoughts on “ફિલ્મ : ‘BETTER હાફ’

    1. આ એક સિમ્પલ પણ મસ્ત ગુજરાતી ફિલ્મ છે અને આપને જે ગમ્યું તે જાણીને કહી શકાય કે તમારી માટે આ ફિલ્મમાં ઘણું-બધું ગમાડવા જેવું છે.

      તો… સંજોગોને જલ્દી જ મેળવી લેજો અને આ ફિલ્મ જોઇને મને યાદ કરજો. 😉

  1. જયારે રીલીઝ થયું હતું ત્યારે નામ સાંભળ્યું હતું એ પછી આજે આ વાંચી ને યાદ આવ્યું…. હવે મારે પણ ક્યાંક થી ખરીદવી પડશે ડીવીડી…. અને ખાસ તો આ મુવી ના શાન અને ધ્વનિતના ગાયેલાં સોન્ગ્સ પણ સાંભળવા છે ….

  2. ફિલ્મ વિશે ન્યુઝપેપરમાં વાંચ્યું હતું. પણ હવે જોવું પડશે એવું લાગે છે. આ રીતે ગુજરાતી ફિલ્મોનું સ્તર ઉત્તમ બને તો ફિલ્મો બનાવવા માટે ઘણી સારી નવલકથાઓ ગુજરાતીમાં છે.

    1. લિન્ક આપવા બદલ આભાર વિનયભાઇ. બે વર્ષ પહેલા જે ફિલ્મ વિશે લખાયું હોય તેના વિષે મે આજે કંઇક લખ્યું છે તે જોઇને મને આશ્ચર્ય થયું… એક વાત તો છે કે તે લખનારે ત્યાં ખુબ સરસ રીતે આ ફિલ્મની લાક્ષણિકતા અને કથા વર્ણવી છે.

    1. મારા વડીલ, આ ચિત્રપટની DVD લગભગ દરેક મોટા મ્યુઝિક સ્ટોરમાં ઉપલબ્ધ છે અને જો તમે અમદાવાદમાં હોવ તો crossword માં તે મળી જશે.

      મારી પાસે એક જ ડીવીડી હતી જે અત્યારે દોસ્તોમાં ફરી રહી છે. (જો) પાછી આવશે (તો) ત્યારે આપને ચોક્કસ યાદ કરીશ.. 😉

  3. તમારી બેટર હાફની પોસ્ટ જોઇ. મને એ ફિલ્મ ગમી હતી અને હાલના સમાચાર આપુ તો “કેવી રીતે જઇશ ?” નામનુ એક ફિલ્મ આવે છે જેનુ ટ્રેલર યુ ટ્યુબ પર છે. જરૂર જોજો. તમને ગમશે.

    1. ટ્રેલર તો ઘણાં ટાઇમ પહેલા જોવાઇ ગયું હવે તો ફિલ્મનો ઇંતઝાર છે… કંઇક રસપ્રદ ચોક્કસ હશે એવું અત્યારે તો લાગે જ છે… મે તો અત્યારથી પ્લાન કરી રાખ્યો છે કે હું તે ફિલ્મ જોવા ‘કેવી રીતે જઇશ.’ 😉

      અને હા… મારા બગીચામાં આપનું હર્યુંભર્યું સ્વાગત છે..

  4. મે આ ફિલ્મ મારી હવાઈ મુસાફરી (દુબઈ થી મુંબઈ) વખતે જોઇ હતી. વિમાન ના ઇન ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સીસ્ટમ મા. હુ ઘણો જ પ્રભાવીત થયો હતો. ડીવીડી ખરીદી ને ઘરે બધાને બતાવવાનો વિચાર છે.

  5. ‘કેવી રીતે જઈશ’ અને ‘better half’ ડાઉનલોડ ક્યાંથી કરી શકાશે ? અથવા કોઈ ની પાસે ડીવીડી હોય તો આપશો….

    1. ડાઉનલૉડ તો કયાંય ઉપલબ્ધ હોય એમ લાગતું નથી. ‘Better Half’ ની ડીવીડી લગભગ મોટા મ્યુઝિક સ્ટોર્સમાં મળી શકશે અને જો ના મળે તો… ‘Sonu Sangeet’ ( 079 2535 0526 / 96) એનું માર્કેટીંગ કરે છે એટલે તેમનો સંપર્ક પણ કરી શકો છો..

      ‘ કેવી રીતે જઇશ ‘ તો હજુ થીયેટરમાં પણ ચાલે છે !!! જલ્દી જોઇ આવો. ડીવીડી આવતા તો ઘણી વાર લાગશે ભાઇ..

    1. સાચું કહું તો આ સવાલનો જવાબ નથી મારી પાસે. મેં પણ પ્રયત્ન કરી જોયો શોધવાનો પણ આ મુવી ક્યાંય ઓનલાઇન હોય એવું લાગતું નથી.

      છતાંયે જ્યારે પણ માહિતી મળશે ત્યારે આપને ચોક્કસ જણાવીશ.

બોલો, શું કહેવું છે તમારે...