~ આટલા જ દિવસોમાં મારા બગીચામાં બીજીવાર આવવું એ જ મારી માટે એક અનોખી વાત છે! સૉ, થ્રી ચિયર્સ ટુ મી! (હીપ હીપ હુર્રે..)
~ છેલ્લી અપડેટ્સ નોંધતી વખતે માઉન્ટ આબુની ટ્રીપ વિશે લખ્યું હતું, પણ બે દિવસ પછી મનમાં એક વિચાર આવ્યો કે હું કંઇક ભુલી ગયો છું. (એમ તો હું આખા ગામના કામ અને ક્યારેક તો મને પણ ભુલી જઉ છું; તોય બોલો હું આવું લખીને અહીયાં નવાઇ કરું છું!)
~ હા તો મેં મારી જ જુની અપડેટ્સ ચેક કરીને જાણ્યું કે જ્યાં વારંવાર રખડવા જઇએ તેની નોંધ તો લીધી, પણ આ વર્ષમાં થયેલ બેંગ્લોર અને મૈસૂર શહેરની પ્રથમ મુલાકાત જ ભુલાઇ ગઇ છે. (આવુ છે મગજ મારું.. શું યાદ રાખે અને શું ભુલાવી દે, કહેવાય નહી!)
~ વિસ્તારથી લખવાનો વિચાર હતો પણ વિસ્તાર કરવા રહીશ તો આખા વિચારનું વતેસર થઇ જશે એટલે આજે જેટલી નોંધ થાય એટલી કરું, પછી તો જેવી રમેશભાઇની મરજી. (વાતનું વતેસર થતું બધાએ જોયું હશે પણ ‘વિચારોનું વતેસર’ એ અમારી નવી શોધ છે! ભાષામાં આ નવા યોગદાન બદલ કોઇ ચાહક મને બિરદાવવા માંગે તો હું રોકડ સાથે સ્વીકારી લઇશ. 😇)
~ સમય હતો એપ્રિલ મહીનાનો. અમદાવાદથી ઉડીને સીધા બેંગ્લોર પહોંચ્યા હતા એટલે મુસાફરીની મજા કે સજા જેવું કંઇ ન અનુભવાયું. (મારા મતે પ્લેન સમય બચાવે; પણ મુસાફરીની અસલી મજા ટ્રેનમાં આવે. ક્યાંક દુર પહોંચ્યા હોઇએ એવું પણ લાગે!)
~ મુસાફરી દરમ્યાન નાયરાને તો દરેક વિમાન પરિચારિકાએ (બોલે તો.. એર હોસ્ટેસ) આખા પ્લેનમાં એક પછી એક ફેરવી હશે. તેઓએ જાતે ઘણાં ફોટો ક્લીક કર્યા અને થોડા અમારી પાસે કરાવ્યા છે! ઉપર હેડરમાં પણ તેવો જ એક ફોટો છે. (નાયરાને તેની સાથે જોઇને કોઇને ગેરસમજ ન થાય એટલે આ ચોખવટ કરી છે.)
~ બેંગ્લોર જવાનું કારણ આમ તો પારિવારીક હતું, પણ આટલે દુર ગયા હોઇએ તો બે નવી જગ્યા જોઇ લઇએ એમ વિચારીને આસપાસ ફરવાનું પણ ગોઠવ્યું હતું. બેંગ્લોરમાં ટ્રાફિક ખરેખર વધારે છે પણ વ્યવસ્થા અને ડ્રાઇવિંગ સેન્સ સારી લાગી મને. (દરેક અમદાવાદીએ નોંધવા જેવું છે કે આપડી ટ્રાફિક સેન્સ ખરેખર ભયાનક છે.)
~ સાંભળ્યું હતું એટલું સુંદર વાતાવરણ ન લાગ્યું; પણ સવાર-સાંજની ઠંડક બહુજ મસ્ત લાગી. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે ગરમી હવે વધી છે એવું સ્થાનિકનું કહેવું છે. આસપાસના લોકો મળતાવડા ઓછા લાગ્યા. (મારો અનુભવ કે અનુમાન ખોટા પણ હોઇ શકે છે.)
~ બેંગ્લોરમાં આમ-થી-તેમ થોડું રખડ્યા અને એક-બે મુખ્ય સ્થળ દેખ્યા. ત્યાં ફરવા માટે અમારી પાસે સમય માત્ર એક દિવસનો હતો અને વળી રસાકસીવાળી ચુટણીના ચક્કર ચાલુ હતા એટલે વધારે ફરવા જેવું ન હતું. (અમદાવાથી નીકળતી વખતે જે પ્લાન બન્યા હતા એ તો હવામાં જ છુ થઇ ગયા હતા.)
~ સીટીની ટ્રાફિક, ઇલેક્શન ટાઇમ અને અનુભવીઓના મંતવ્યના આધારે મૈસૂર જવાનો પ્લાન બનાવવામાં આવ્યો. જો કે ચિલ્લર પાર્ટીની એક્સ્ટ્રા ડિમાન્ડના લીધે સૌથી પહેલા Bannerghatta National Parkની મુલાકાત લેવાનું નક્કી થયું. (સમય-સમય બલવાન હૈ ભૈયા..)
~ જે રીતે હું અત્યારે લખી રહ્યો છું તે રીતે લખતો રહીશ તો આ પોસ્ટ ઘણી લાંબી થશે એમ જણાય છે. પણ અત્યારે પુરતો સમય નથી અને ઉમેરવા માટે બીજી વાતો પણ છે એટલે હવે બીજી વાતોને આવતીકાલે ચોક્કસ ઉમેરવાના વિચાર પર મુકવી ઠીક લાગે છે. (મારી ઇચ્છા છે કે આવતીકાલે જ હું ઉમેરી શકું.)
#સાઇડટ્રેક – આ શહેરોના નવા નામ બેંગ્લુરુ અને મય્સુરુ સ્વીકારવામાં મારા વિચિત્ર મનને મનાવવું પડશે. ત્યાં સુધી જુના નામથી ચલાવી લેવા વિનંતી. 🙏 (અથવા ચોખ્ખી ધમકી. 😂)


![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)

હા તો બોલો ફરી ક્યારે આવો છો..?
એટલે જ તો બાકી રાખ્યું છે કે ફરી આવી શકાય અને આપને પણ મળી શકાય..