અપડેટ્સ [ઓક્ટોબર’૨૩]

એક વર્ષ અને ઉપર દસ મહિના થઈ ગયા યાર!!! આ અત્યાર સુધીનો અહીંયાં સૌથી મોટો બ્રેક બન્યો છે. (આવો રેકોર્ડ પણ ન’તો બનાવવો જેને તોડવામાં શરમ આવે.)

હું આ સમયગાળાની વચ્ચે અહિયાં નથી આવ્યો એવું પણ નથી. (હા, ઓછો આવ્યો છું એમ જરૂર કહીશ.)

મોટાભાગે એવું બને છે કે જ્યારે લખવાના ચક્કરમાં અહિયાં આવું છું ત્યારે એમ થાય છે કે પહેલાં કઈક બદલાવ કરું. અને એ જ ચક્કરમાં પછી ફેરફાર ઉપર ફેરફાર થયા રાખે છે અને જે ઉમેરવાનું હોય એ ભુલાઈ જાય છે. (ઔર ફિર તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ..)

છેવટે, બે-ત્રણ દિવસ પહેલાં થોડોક બદલાવ કર્યો છે; આશા રાખીશ કે હવે અહિયાં સુધી આવીશ ત્યારે કંઈક લખીશ પણ ખરો. (એમ એટલું સીરિયસલી નથી પણ પોતાની જાતને એક વાયદો જરૂર છે.)

છેલ્લે, કારણ વગર એમ જ એક ફોટો. (ગયા રવિવારે ત્યાં હતા તેની યાદગીરીની નોંધ તરીકે.)

પોલો ફોરેસ્ટ
પોળો ફોરેસ્ટ રિસોર્ટ અને હોટલ

Jan’22 – અપડેટ્સ

way to kadi

કોણ જાણે કેમ આજે સવારે ઉંઘ વહેલી ઉડી ગઈ. કરી શકાય એવા અને ન કરાય એવા બધા આડાઅવળા કામ કરી લીધા; સુવા માટેના બધા અખતરાઓ પણ અજમાવી લીધા; પરંતુ નિંદ્રાદેવી હજુ રિસાયેલા છે.

તો, સમયના સદુપયોગ તરીકે કેટલાક ઉપયોગી ઈમેલ દેખ્યા અને તે સિવાય બીજા બધા (લગભગ 95 ટકા!) ઈમેલ નકામા હોવાથી ડિલીટ કર્યા. માર્કેટિંગ તરીકે મોકલાયેલા ઈમેઇલ દ્વારા પણ નવું જાણવા-શીખવા મળ્યું. કેટલીક સારી ડીલ અને ઓપ્શન પણ મળ્યા! (સારું થયું કે આવો સમય મળ્યો. હવેથી નિયમિત ઈનબૉક્સ ચેક કરવું જરૂરી લાગે છે.)

વગર કામનું કામ કરતાં-કરતાં ક્યારે instagram પહોંચ્યો એ ખબર નથી; પરંતુ પછી લાંબો સમય ત્યાં વિતાવ્યો. ના રે ના, કોઈના ફરતા-રખડતા વિવિધ મુદ્રામાં મુકાયેલા ફોટો જોવામાં અમને ઓછો રસ છે. એટલે જૂના-નવા ગીતોની મસ્ત-મસ્ત પોસ્ટ, થોડી-ઘણી કોમિક રીલ્સ અને થોડીક કરતા જરાક વધારે સિરિયસ શાયરી-કવિતાઓમાં મોટા ભાગનો સમય ગયો. (ઉદાસ-તન્હા લોકોની વાતો જોઈ-અનુભવીને એવું કોઈ દુઃખ ન હોવા છતાં હું દુઃખી થયો!)

Instagram પર એક જાહેરાતથી ERP સોફ્ટવેર તરફ વળ્યો અને પછી કેટલીક જરુરિયાતને સંતોષવા ગૂગલમાં accounting software ના વિવિધ વિકલ્પો તપાસ્યા. હું ક્યાં સેટ થઈ શકું અને મને કયું સેટ થઇ શકે તેના સરવાળા-બાદબાકી કર્યા. ત્રણ જગ્યાએ ઇન્કવાયરી મોકલી છે; કોઈ સોફ્ટવેર સેટ થાય તો સારું છે. આજકાલ મારા કામને આધારે મને એકાઉન્ટ્સ અને પેપરવર્કની વિશિષ્ટ વ્યવસ્થા માટે અલગથી વિચારવું પડે એમ છે. (Inshort, હું ધંધાને છોડી ન શકું!)

અને હવે મને મારો બગીચો યાદ આવ્યો છે. (હા બકા, બહુ મોડો યાદ આવ્યો.) એમ નથી કે હું સાવ ભૂલી ગયો છું. મને કેટલીયવાર અપડેટ કરવાનું યાદ આવ્યું હશે તોય અહિયાં સુધી પહોંચી નથી શકાયું. ખબર નહી હું ક્યાં ખોવાઈ ગયો છું. (એમ તો મને બધી ખબર છે.)

કોઈકવાર અપડેટ માટે અહિયાં સુધી આવી પણ જવાય છે. મારી જૂની પોસ્ટ જોઈને મન ફરી શરૂઆત કરવા ઈચ્છા પણ કરે, પરંતુ તરત બીજી બાજુ જરૂરી કામનું પલ્લું ભારે દેખાય એટલે આ કામ રહી જાય. સમય ક્યાં ફાળવવો એ હિસાબમાં બીજું છૂટી રહ્યું છે. (આ બિનજરૂરી કામ છે એવો મતલબ ન કાઢશો મારા ભાઈ. #રિકવેસ્ટ)

જે થયું તે, આજે આવ્યો એમ ફરી આવતા રહેવાય એવું કારણ શોધવું પડશે. વિચારું છું કે મૂળ થીમ અને દેખાવમાં કઈક નવું કરું તો મને ફરી રસ જાગે. (પોતાને જગાડવા માટે કઈક નવું કરવાનો સમય થઈ ગયો છે.)

અરે હા, આજે આ નવું પાનું ચિતરતા પહેલાં દિવાળી પછીની એક પોસ્ટ લખાયેલી પડી દેખી હતી! કદાચ ચેક કરીને પછી પબ્લિશ કરીશ એમ વિચાર્યું હશે અને પછી ભુલાઇ ગયું હશે. તે ડ્રાફ્ટ-પોસ્ટ જોઈને મને પણ નવાઈ લાગી કે તેમાં એવી કોઈ ખાસ વાત નથી તો તેને ત્યારે પોસ્ટ થતાં કેમ અટકાવી રાખી હશે. (ઓકે, મારી કોઈ પોસ્ટ ખાસ હોતી નથી તે વાત સાચી હશે. તો પણ હું લખતો રહીશ. મારા માટે.)

જુની લખાયેલી વાતોને એમ જ મુકી રાખવામાં કોઈ ભલીવાર જણાતો નથી. એટલે આ નવી પોસ્ટ publish કર્યા પછી તેને પણ અપડેટ કરી લઉં અને જે-તે તારીખ પ્રમાણે ગોઠવી દઉ જેથી સમય-રેખા જળવાઈ રહે. બીજી ઘણી અપડેટ્સ ઉમેરવા જેવી છે જેને થોડા દિવસ નિયમિત રહીને અપડેટ કરવાનો વિચાર છે.

📑


મથાળામાં ચિપકેલ છબીઃ
કલોલથી કડી તરફ જતાં રસ્તામાં ક્યાંક
..
છબીકારઃ
અમારા સિવાય બીજું કોણ નવરું હોય!

Nov’21 – અપડેટ્સ

resident society

કોઈ ખાસ આયોજન ન થયું તો પણ દિવાળી મસ્ત રહી અને હવે ફરી કામ ધંધે લાગી ગયા. રોજેરોજ એક જ પ્રકારના કામમાં એવા પરોવાઈ ગયા છીએ કે નવી ઘટનાઓ તરફ પૂરતું ધ્યાન જતું નથી.

વ્રજ-નાયરા દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. બાળસહજ જીદ, ચંચળતા અને ઉત્સાહથી ભરપૂર છે. હા ક્યારેક કોઈ જીદ કે તોફાનથી ગુસ્સો પણ કરાવી દે અને ક્યારેક કડક બનીને તેમને આદેશ આપવા પડે; અટકાવવા પણ પડે. મા-બાપ હોવાની કેટલીક ફરજ હોય છે.

બંનેને ખબર છે કે મમ્મી ક્યારેક સટ્ટાક ચિપકાવી શકે છે! પરંતુ, પપ્પા ગમે એટલા ગુસ્સામાં હોય તો પણ ક્યારેય હાથ નહી ઉઠાવે. મારી આ કમજોરીનો ફાયદો બંને ઉઠાવી જાણે છે. 😀 (જ્યાં સુધી શબ્દોથી અંકુશ છે ત્યાં સુધી તેમને બીજો કોઈ ડર બતાવવો જરૂરી પણ નથી લાગતું.)

આટલા વર્ષોમાં પહેલીવાર ઑફિસમાં પરંપરાગત દિવાળી-પુજા અને કથા-હવન કરવામાં આવ્યા અને અમે દંપતિએ બધી વિધી પંડિતશ્રીની આજ્ઞા મુજબ પુર્ણ કરીને યજમાનનું કર્તવ્ય પણ નિભાવ્યું. (અહી ‘પુજા-હવન કરાવવામાં આવ્યા’ એમ કહેવું વધુ યોગ્ય રહ્યું હોત. ખૈર, સર્વની ઈચ્છાને માન આપવામાં મને વાંધો નથી.)

કોરોના કાળ માં લગ્ન પ્રસંગો પર જે બ્રેક લાગ્યો હતો તે હવે હટી રહ્યો છે. લગ્ન ઉત્સુકો હવે કોઈ રિસ્ક લેવા નથી ઇચ્છતા એટલે તેમને મળેલ આ સમયમાં ફટાફટ પરણી જવા માગે છે! (ઉતાવળ બધાને હોય છે.)

તો, આ મહિનામાં લગ્ન કારણસર ભરૂચ, સુરત અને વડોદરાની યાત્રા ફિક્સ છે. લાંબા સમયે પરિવાર અને દૂરના સગાઓને રૂબરૂ મળીને આનંદ પણ થશે. લોકો ભેગા થશે ત્યારે કોરોના નું શું થશે એ ખબર નથી પણ માસ્ક અને સલામત-દૂરીનું શું થશે એ અત્યારથી ખબર છે. (લેકીન કોઈ કીસીકો નહી બતાયેગા.🤫)

લગભગ કોરોના બધા વચ્ચેથી વિદાય લઈ રહ્યો છે પણ હજુયે મહામારી પુરી થયાની જાહેરાત કરી ન શકાય. રોજેરોજ બે પાંચ કેસ હજુ આવી રહ્યા છે. બે પાંચ માંથી બસો-પાંચસો અને બે-પાંચ હજાર થતાં વાર ન લાગે. આશા રાખીએ કે વેક્સિન પોતાનું કામ કરે અને કોરોના ને હવે આપણાં વચ્ચેથી રજા આપીએ.

વેકેશનમાં ફરવા જવા માટે ઘણી જગ્યાઓ ચર્ચામાં લીધી. લાગતા વળગતા લોકો પાસેથી તત્કાલીન સ્થિતિના વાવડ મેળવ્યા. મળેલ જાણકારી મુજબ દરેક જગ્યાઓ એટલી પેક હતી કે ફરવાની જગ્યાએ ભીડમાં ફસાવવાનો ડર હતો. છેવટે ફરવાનો મોહ છોડીને ઘરે આરામ કરવાનું યોગ્ય સમજ્યું. (મજબૂરી છે ભાઈસા’બ)

🏘