મુવી કે ફિલ્મો વિશે..

મુવી રીલ, lots of movie reel films.

~ અગાઉ એક મુવી વિશેની પોસ્ટ પછી લાગ્યું કે આ ક્ષેત્રે મારો બગીચો ઘણી જ ઓછી માહિતી ધરાવે છે. (મતલબ એ છે કે બગીચાના આળસુ માળીએ વધારે માહિતી ઉમેરી જ નથી બોલો!)

~ તો એક નવો વિચાર છે કે દર વર્ષની અલગ-અલગ પોસ્ટ બનાવવી. (‘હા હવે આ કોઇ મોટો વિચાર નથી’ એમ લોકો કહેશે, અને વાત તેમની સાચી છે એ હું પણ સ્વીકારીશ.)

~ ત્યાં મે દેખ્યા હોય એવા દરેક મુવીઝ ને ઉમેરતા રહેવાનો વિચાર છે અને તે વિશે રેટીંગ દ્વારા મારો અભિપ્રાય ઉમેરવાનો પણ વિચાર છે. (જોયું કેટલું બધું વિચારી રાખ્યું છે ને. કંઇ પણ, નહી?)

~ જો કોઇ ફિલ્મ વિશે અલગથી લખવામાં આવશે તો તેની લીંક ત્યાં ઉમેરતા રહેવાની ઇચ્છા પણ છે. (ઇચ્છાઓ અપરંપાર છે મારી..)

~ ફિલ્મોનો કોઇ ખાસ શોખ નથી પણ અમે ક્યારેક સમય પસાર કરવા, કોઇવાર આનંદ માટે અથવા તો ક્યારેક જાણકારી કે જીજ્ઞાસાવશ મુવી જોઇ લઇએ છીએ. (ચોક્કસ કારણ તો મને પણ નથી ખબર પણ કોઇ-કોઇ ફિલ્મ ખરેખર જોવાલાયક લાગી છે.)

~ મુવીઝને સમાજનું પ્રતિબિંબ કહેવાતું છે પણ ઘણી ફિલ્મમાં હું એ પ્રતિબિંબ ઝીલી નથી શક્યો, તો કોઇ-કોઇ મુવીમાં ઉત્તમ સર્જન પણ જણાયું છે. (ઘણી મુવીઝ તો ખરેખર જોવા જેવી હોય છે અને કેટલીક લગભગ ‘હથોડો’ હોય છે.)

~ ઘણીવાર એવું લાગ્યું છે કે ચોક્કસ વિષયને દેખવા માટે જે-તે મુવીએ મને અલગ જ દ્વષ્ટિકોણ આપ્યો હોય અને વિષય પ્રત્યે નવું જ જ્ઞાન મેળવ્યું હોય! (નવું જાણીયે ત્યારે આપણાં અજ્ઞાનની સીમા પણ દેખાઇ જાય!)

bottom image of post: મુવી કે ફિલ્મો વિશે..

લિસ્ટ

~ આગળની અપડેટ્સમાં ભુલાઇ ગયેલી મુલાકાતની નોંધ લીધી હતી તો તે જોઇને ફરી એક નવો વિચાર આવ્યો છે! (રીધમ હૈ ભાઇ.. એક વિચારથી બીજો.. અને બીજાથી ત્રીજો..)

~ આમ તો હું રોજ નવા-નવા વિચાર કરતો રહું છું પણ નવાઇ એ વાતની છે કે આજકાલ તેને અમલમાં પણ મુકી રહ્યો છું! (યહી તો બહુત બડી ચીજ હૈ બીડું!)

~ હા તો નવો વિચાર એ હતો કે મારા માટે એક એવું લિસ્ટ બનાવવું જેની અપડેટ્સ હું ભુલી રહ્યો છું.

~ તો અત્યારે યાદ આવતી અને અહીયાં નોંધ લેવામાં ભુલાઇ જતી હોય એવી વસ્તુઓ/વ્યક્તિઓ/વાતો તથા અપડેટ્સનું લીસ્ટ નીચે મુજબ છે. (યાદ આવશે તેમ નવા પોઇન્ટ્સ ઉમેરવામાં આવશે.)

List, યાદી લિસ્ટ
  • બુક્સ ~ જે હું વાંચુ છું અને નથી પણ વાચતો! જે નિયમિત ખરીદુ છું અને ઘણી એમ જ મુકી રાખુ છું તો કોઇને સાથે લઇને ફરું છું.
  • ફિલ્મ્સ ~ રેટીંગ આપવાવાળા વધારે થઇ ગયા છે આજકાલ… પણ કોઇ-કોઇ ફિલ્મ વિશે મારા વિચારો ખરેખર લખવા જેવા હતા.
  • નાયરા ~ વ્રજ વખતે ઘણું લખ્યું હતું પણ મારી ઢબુડી વિશે લખવાનો સમય કાઢી નથી શકાતો. આમ તો દિકરી વિશે ઘણું લખાયેલું છે સાહિત્યમાં પણ મારા શબ્દોમાં લખવું છે.
  • વ્રજ ~ દિકરો મારો મોટો થતો જાય છે પણ નાયરા પછી તેને અપાતો ટાઇમ ઘટી ગયો છે. ફરિયાદ તો નથી કરતો પણ મારું દિલ કહે છે કે તેને પણ પુરતો સમય આપવો જોઇએ.
  • આસપાસના સ્થળ અને ગમેલી જગ્યાઓ ~ જ્યાં કંઇ નોખું હોય અથવા તો અનોખું હોય એવી જગ્યાઓ વિશે.
  • ફોટો ~ બહુજ બધી મસ્ત મસ્ત ક્લિક્સ છે મારા ખજાનામાં જેને અહીયાં યાદગીરી તરીકે અને દેખાડો કરવા મુકવા જેવી છે.
  • મારા અન્ય નખરાઓ અને સિક્રેટ્સ ~ નો મોર કોમેંટ્સ અબાઉટ ધીસ. 🤫

~ ઉપરના લિસ્ટમાંથી અમલરૂપે સૌથી પહેલા નાયરાના ફોટોની એક અપડેટ કરવાનો વિચાર છે…