પોલીટીકલ અપડેટ્સ

પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી

~ નિયમિત અપડેટ્સમાં તો મારા વિશે લખાતું હોય છે, પણ આજે દેશની પોલીટીકલ અપડેટ્સ નોંધવાની ઇચ્છા થઇ છે. લગભગ મારી બીજી અપડેટ્સમાં આ વાત આવી જતી હોય છે પણ આજે સ્પેશીયલી એક જ વિષય અપડેટ માટે પસંદ કર્યો છે. (કદાચ નોંધવા માટે ઘણું છે એટલે એક જ મુદ્દા પર લખાય એટલું સારું ને.)

~ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ કૃર આતંકવાદી હુમલો કે જેમાં 40 થી વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યો અને તેના પ્રત્યાઘાતરૂપે આપણો દેશ એક નવા અવતારમાં પ્રવેશ્યો. બદલો લેવાની ભાવના સંપુર્ણ દેશવાસીઓએ બતાવી અને નવાઇ એ લાગી કે આ હુમલા પછી કોઇપણ વાતે એક ન થતા રાજકીય પક્ષો એક જ ભાષામાં આતંકવાદ વિરુધ્ધ બોલ્યા! (ખૈર, આજની સ્થિતિ સૌ જાણે જ છે એટલે કંઇ કહેવું નથી. અફસોસ એ છે કે બધું હતું એમજ થઇ ગયું છે.)

~ ખબર નહી કેમ પણ મને એવું લાગે છે કે આપણે ઓવર-રીએક્ટીવ બની ગયા છીએ. દરેક બાબતે આપણે બધા (હા, એમાં હું પણ આવી ગયો) સખત પ્રત્યાઘાત બતાવીએ છીએ. શક્ય છે કે ‘હવે હદ આવી ગઇ‘ એવું સૌને લાગતું હશે અને ક્યારેક રીએક્શન પણ જરુરી હોય છે. (સાઇડટ્રેકઃ કોઇ-કોઇ ઘટના/વાત એવી હોય છે જેમાં ‘હદ એટલે શું?’ એ નક્કી જ ન કરી શકાય.)

~ અગાઉની સર્જીકલ સ્ટ્રાઇક બાદ આ વખતે ખરેખર યુધ્ધની આશંકાઓ વચ્ચે એકવાર ફરી ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ ઉપર હુમલા કર્યા છે; જેમાં તેઓને ઘણું નુકશાન કર્યાની માહિતી દેશને આપવામાં આવી છે. યુધ્ધનો માહોલ હાલ પુરતો ઠંડો થયો જણાય છે પણ મને નથી લાગતું કે ભવિષ્ય એટલું સરળ હશે. (મારું મન કહે છે કે હજુ કંઇક મોટું તો થશે જ.)

~ અભિનંદનની આપ-લે પુર્ણ થઇ છે જે એક તરફ ભારત દેશની મજબુત સ્થિતિ બતાવે છે, તો કોઇને તે ઘટનાથી ઇમરાનખાનમાં શાંતિનો ચાહક દેખાય છે! જો કે તેમનો આ શાંતિ-અવતાર ભારત દ્વારા કરાયેલા દબાણ કે ભારે સૈન્ય કાર્યવાહીના ડરના કારણે પણ હોઇ શકે છે. એક સારી શરૂઆત તો છે પણ પાકિસ્તાન પર ક્યારેય ભરોસો ન કરાય તે યાદ રાખવા જેવી હકિકત છે. (પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાનખાન કેવા વ્યક્તિ છે તે તો હજુ ભવિષ્ય બતાવશે.)

~ ઇમરાન ખાન વઝીર-એ-આઝમ બન્યા પછી પાકિસ્તાનની સ્થિતિ સુધારવા પ્રત્યે તેની ભાવનાની પણ કદર કરવા જેવી છે. મને તેનામાં એવો લાચાર વ્યક્તિ દેખાય છે કે જે દુનિયામાં બદનામ થયેલા પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા તો માગે છે, પણ પોતાના ઘરમાં રહેલા તોફાની સભ્યોને સંભાળવા તેની ક્ષમતાની બહાર છે. (મોટા આસન પર બિરાજમાન માણસ ક્યારેક મજબુર પણ હોય છે. – એવું બાબા બગીચાનંદ કહે છે.)

~ અગાઉની જેમ જ ફરીએકવાર સૈન્ય પુરાવાઓની માગવાની ફેશન દેશમાં ચાલી રહી છે. ખબર છે કે દેશની પબ્લીકના એક મોટા વર્ગમાં તેઓ વિશે ચોક્કસ અભિપ્રાય બંધાઇ જશે’ તો પણ મોદી પ્રત્યેના અંગત દ્રેશથી તેઓ અજાણરૂપે પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કરી દે છે. (આ બધું તેઓ અજાણતા કરે છે કે જાણીજોઇને કરે છે એ કળવું મને મુશ્કેલ લાગે છે.)

~ મને ક્યારેક એમ લાગે કે આ બધું ક્યાંક પ્લાન થયેલું છે.. કે સેના દ્વારા હુમલો કર્યાની જાહેરાત કરવી – પુરાવા માગવા માટે વિરોધીઓને આવવા દેવા – તેમને સેના વિરોધી અને ખાસ તો દેશ વિરોધી તરીકે જાહેર કરવા/કરાવવા – સરકાર દ્વારા લોકોની સહાનુભૂતી મેળવવી – અને છેલ્લે મસ્ત ટાઇમ દેખીને પુરાવા રજુ કરવા. (મોદી સાહેબનું કંઇ ન કહેવાય ભાઇ! પણ અમે તો તેમની રાજકીય કળાના ફેન છીએ અને જ્યાં સુધી તેમનો વિકલ્પ ન મળે ત્યાં સુધી તેમના પક્ષે રહીશું.)

~ મોદી તેમના વિરોધીઓ ને કદથી વધુ પ્રમાણમાં વેતરવામાં માસ્ટરી ધરાવે છે, એવું વિપક્ષમાં પણ બધા જાણે છે. છતાંયે તેમને સામેથી પોતાનું કદ વેતરવાનો ચાન્સ આપીને વિપક્ષ દેશમાં એક જ વ્યક્તિની બોલબાલા વધારી દેશે. (દુઆ કરો કે કોઇ બીજા પણ શાણા માણસો રાજકારણમાં આવે અને એક તંદુરસ્ત હરિફાઇ રહે.)

~ મમતાબેન થી સુ.શ્રી.માયાવતીબેન સુધી બધા મહાગઠબંધનના નામે ભેગા તો થયા છે પણ અંગત એજન્ડાથી ચાલતા અલગ-અલગ પક્ષો એક થઇને પણ ખાસ ઉકાળી લે એવું જણાતું નથી. રાહુલભાઇ તો ડુબાડવા માટે જ બન્યા છે અને પેલા કેજરીવાલ તો…. છી.. છી… આ ભાઇનું તો નામ લેવા જેવું નથી. (બેવફા સોનમ ગુપ્તા કરતા પણ વધારે બેવફા નિકળ્યો આ નેતા.. મેરી તરફ સે ઉસકો ‘થૂ‘ હૈ।)

~ ગુડ ન્યુઝમાં એ છે કે ફાઇનલી અમદાવાદમાં મેટ્રો ચાલવાની શરૂ થઇ. એમ તો હજુ ઘણું કામ બાકી છે, પણ જેની શરૂઆત થઇ છે એ કાર્ય ક્યારેક પુરું પણ થશે એવા આશાવાદી બનીએ. અત્યારે તો મારું ધુળીયું નગર તેના કારણે એક્સ્ટ્રા ધુળમય લાગે છે. (મોદીજી લીલી ઝંડી બતાવવા આવ્યા એ ગમ્યું. આજકાલ ગુજરાતમાં ઘણાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરતા નજરે પડે છે! હમ્મ્મ્મ્મ્મ.. ઇલેક્શન ટાઇમ.. યુ નૉ..)

~ ઉપરની બધી અપડેટ્સ થોડા દિવસ પહેલા લખાયેલી પડી હતી એટલે કોઇ આઉટડેટેડ લાગશે. લેટેસ્ટ ન્યુઝમાં એ છે કે ઇલેક્શનની તારીખ જાહેર થઇ ચુકી છે, તો હવે આપણાં માનનીય નેતાલોગ દ્વારા ચાલતો અને દેશ-વિદેશના ન્યુઝ ટ્રેડર્સ દ્વારા ફેલાવવામાં આવતો તુ-તુ મૈ-મૈ નો ખેલ વધારે ડેન્જર ઝોનમાં પ્રવેશ કરે છે. (સબકા અપના અપના હિડન એજન્ડા ભી હૈ દોસ્ત, લેકીન તુ સંભલ કે ચલના…બડે ધોકે હૈ ઇસ રાહ મેં!)

Loksabha Election 2019 - મારો બગીચો.કોમ

# જાણકારી માટેઃ ગુજરાતમાં ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ લોકસભા ૨૦૧૯ની ચુટણી માટે મતદાન થશે.


# આજે બાબા બગીચાનંદ પણ સામાજીક જવાબદારી સમજીને ૨૦૧૯ની લોકસભા ચુટણીના આ સમયકાળ દરમ્યાન ભારતવર્ષની પબ્લીકને ભાષા-વર્તન ઉપર સંયમ જાળવવા અપીલ કરે છે; અને સમજી-વિચારીને પોતાનો નેતા પસંદ કરવા તથા દરેક દેશવાસીને મતદાનમાં પોતાનો મત જરુર આપવાની અપીલ કરે છે. (જાણે આમ અપીલ કરવાથી કોઇ ફરક પડતો હોય છે!!..)

પવાર, FDI, આંદોલન, લોકપાલ અને મફત સલાહ

. . .

# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…

– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)

– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)

– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)

– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.

– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)

– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.

– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)

. . .

અભિનંદન ભારતીય ક્રિકેટ ટીમને

આખરે આપણે દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ ટ્રોફી લાવવા માટે સફળ થયા. અત્યારે આખા અમદાવાદમાં દિવાળીથી પણ મોટા તહેવારનો માહોલ છે. આ ઉજવણીમાં કયાંય નાત-જાત નથી દેખાતી કેમ કે આજે મારા દેશના એક-એક નાગરીકમાં માત્ર ભારતીય હોવાનો ગર્વ છે. બધા ભારતીયોને અને આપણી ક્રિકેટ ટીમને ખુબ-ખુબ અભિનંદન.

આજની આ મેચમાં ગંભીર, ધોની, ઝહીર, યુવરાજે ખરેખર સુંદર પ્રદર્શન કર્યું. ધોનીના ધુરંધરોની આ સિધ્ધિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમાં મને કોઇ શક નથી. દેશને એક તાતણે બાંધીને લોકોને એક કરનાર આ વિક્રમના હું વખાણ કરતા થાકુ એમ નથી. લોકોને વિનંતિ કે ઉજવણીના ઉત્સાહમાં અતિરેક ન થાય કે કોઇને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખજો પણ ઉજવણી તો કરજો જ. ચાલો હું હવે જાઉ છું..

આવજો.