બગીચાની પ્રથમ વાર્ષિક વિકાસ ગાથા

. . .

– વર્ડપ્રેસ દ્વારા મારા બ્લોગનુ સરવૈયુ સુંદર રીતે તૈયાર કરીને ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યુ છે. જો કે તેમણે મોકલ્યુ તો ત્રણ દિવસ પહેલા છે પણ મે આજે જોયુ. (ભુતકાળ વાગોળવો આમ પણ મને બહુ ગમે અને સરવૈયામાં તો એ જ છે !!)

ગયા વર્ષ દરમ્યાન વિતેલા જીવનનું વાર્ષિક સરવૈયુ તો આગળની પોસ્ટમાં મુક્યુ પણ જાણ્યુ કે ઘણાં બ્લોગરો તેમના બ્લોગમાં બ્લોગીંગ વિશેનો વાર્ષિક અહેવાલ મુકે છે તો હું કેમ પાછળ રહું ? (બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા..)

# લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ બિગનીંગ :

– મારા બગીચાની શરૂઆત માર્ચના મસ્ત માહોલમાં… પ્રથમ પોસ્ટ – કર્યા કંકુના…

– બ્લોગમાં મારી દિનચર્યા લખવાની શરૂઆત જુનમાં થઇ. (જે ઘણાં ઉતાર-ચઢાવ અને બદલાવ પછી હજી પણ ચાલી રહી છે !!)

– ઓગષ્ટમાં શરૂઆતની મુળ થીમમાં બદલાવ. (જુની થીમની કોઇ યાદગીરી અત્યારે ઉપલબ્ધ નથી.)

– શરુઆતમાં દરેકને મુક્ત મને પોતાનો પ્રતિભાવ આપવાનો હક આપવામાં આવ્યો પણ બે-ચાર અળવિતરા મુલાકાતીઓ ના કારણે નવેમ્બરમાં દરેક અજાણ્યા મુલાકાતીઓના પ્રતિભાવ પર ચોકીપહેરો ગોઠવવાનો નિર્ણય લેવાયો.

– માર્ચમાં શરૂ થયેલ મારી બ્લોગયાત્રા એ ડિસેમ્બરમાં ૧૦,૦૦૦ નો આંકડો પાર કર્યો. (જો કે કોઇ એક સમયે બ્લોગના વાચકોની સંખ્યા તરફ ઘણું ધ્યાન રહેતુ જેનુ હવે એટલુ આકર્ષણ નથી રહ્યુ.)

# કેટલીક આંકડાકીય માહિતી :

  • સૌથી વધુ વંચાયેલ પોસ્ટ – ઉફ્ફ… યે શાદીયાં… (આજના લગ્નો)
  • સૌથી વધુ મુલાકાતીઓ – ડિસેમ્બર (2,927)
  • સૌથી ઓછા મુલાકાતીઓ – માર્ચ (182)
  • બગીચામાં ઉગાડવામાં આવેલા કુલ વૃક્ષો અને છોડવાઓ – 65
  • વર્ષ દરમ્યાન કુલ મુલાકાતીઓ – 10,211
  • 2011 માં કુલ કોમેન્ટ્સ – 396
  • બ્લોગથી સંપર્કમાં આવેલ મિત્રો – અગણિત (દરેક વાતને આંકડામાં માપી ન શકાય.)
  • અને વર્ષ દરમ્યાન ઘણાં અજાણ્યા લોકોનો અવિરત મળેલો અને મળતો રહેતો અપાર પ્રેમ

– આમ તો બ્લોગની શરૂઆત માર્ચમાં થઇ હોવાથી આ અહેવાલ 10 મહિનાનો જ કહેવાય પણ છતાંયે ડિસેમ્બરને વર્ષનો અંત ગણીને વાર્ષિક અહેવાલ રજુ કરવામાં સરળતા વધુ રહેશે એમ લાગે છે.

– આપ સૌનો અને વર્ડપ્રેસનો દિલથી આભાર.

. . .

થોડા સંભારણા અને અહેવાલ

. . .

– ઘણાં દિવસ પછીની પોસ્ટ. (જેમાં બે દિવસ નેટ-ઉપવાસના પણ આવી ગયા.)

– ૨૦૧૧ નુ વર્ષ પુરૂ કરીને ૨૦૧૨માં (મંગળ) પ્રવેશ. (તારીખમાં સાલ લખતી વખતે એક મહિના સુધી ભુલ થશે જ.)

– દિવાળીએ નવુ વર્ષ ગણવું એ હવે માત્ર વ્યવહારમાં જ બચ્યુ છે, આચરણથી આપણે સૌ અંગ્રેજી મહિનાઓ પ્રમાણે જ ચાલીએ છીએ. (મારા મતે ગ્લોબલ સમયમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્તવું જરુરી છે.)

– ઇંટરનેટ ઉપયોગની મારી શરુઆત ૨૦૦૧ માં ઇમેલ અને ઇમેલ ગ્રુપ થી શરૂ થઇને ૨૦૦૩ માં યાહુ-ગ્રુપ, ગુગલ-ગ્રુપ વાયા ૨૦૦૮ માં ફેસબુક-ઓરકુટ બાદ ૨૦૧૧ માં બ્લોગ પર ચાલી રહી છે. જેમાં પ્રગતિની દ્રષ્ટિએ ૨૦૧૧ નુ વર્ષ ઘણું અગત્યનું ગણાશે. (હવે એક બિઝનેસ વેબસાઇટ બનાવવાનો વિચાર છે.)

– મારી ધંધાકીય કારકિર્દીમાં પણ ગયુ વર્ષ અગત્યનુ રહ્યુ. મારા ભવિષ્યની દિશા (અને દશા) બદલી શકે એવા ઘણાં મોટા અને અગત્યના નિર્ણયો આ વર્ષમાં લેવાયા છે.

– પરિવારમાં ઘણો આનંદ રહ્યો. કોઇ ખાસ પારિવારીક પ્રસંગ ન હોવા છતાં દરેક સાથે સતત સંપર્કમાં રહ્યાની ખુશી થઇ. (બધા સંપીને હળી-મળીને રહે એનાથી વધારે કંઇ ન જોઇએ.)

– ઓનલાઇન અને ઓફલાઇન ઘણાં નવા લોકો મળ્યા, જાણ્યા અને અનુભવ્યા. મિત્રો બનાવવા, જાળવવા અને મેળવીને ગુમાવવાનો દોર આ વર્ષે પણ ચાલુ રહ્યો. (એકાદ ઘટનાના બાદ હવે મિત્રો બનાવવા અને તેમને જાળવવા અંગે મે મારી માટે કડક નિયમો લાગુ કર્યા છે.)

– પરિવાર અને દોસ્તોમાં કેટલાક દુરથી નજીક આવ્યા તો કેટલાક નજીકથી વધુ નજીક આવ્યા અને કોઇ વધુ નજીકથી થોડે દુર ગયા. (આ અંતર મારી નજરે નોંધાયેલ અંદાજીત અંતર હોવાથી તેની વાસ્તવિકતા અલગ પણ હોઇ શકે.)

– ઓનલાઇન મિત્રો ગયા વર્ષ દરમ્યાન પ્રમાણમાં વધુ હાવી રહ્યા. (પણ હવે તેમાં ફરક પડશે એવો કાયદો બની ગયો છે અને તેને મારી સંસદમાં પાસ પણ કરી દેવાયો છે !!)

– હવે નજર વર્તમાન તરફ છે. ભવિષ્યની પરવાહ પહેલા પણ નથી કરી એટલે આવનારા વર્ષમાં શું કરવું તે જે-તે સમયે નક્કી કરવામાં આવશે. (જેવા પડશે એવા દેવાશે.)

– પહેલા કરતાં આજે હું વધારે પ્રેક્ટિકલ, પરિપક્વ અને માનસિક રીતે મજબુત બન્યો છું. (કોઇની પર અંધ વિશ્વાસ મુકવાની આદત હવે લગભગ છુટી ગઇ છે.)

. .

– અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી એટલે મારી વાતોમાં ઉંમર અને કમ-અનુભવનો પ્રભાવ કે કમજોરી રહેવાની જ.. (વધુ આશાઓ રાખવી વાચકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. – જનહિતમાં પસ્તુત)

. . .

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…