[171024] અપડેટ્સ

~ સૌ પ્રથમ તો આજે મારા બગીચાને દિવાળીની શુભેચ્છાઓ

~ ભલે આ એક ઇ-સ્થળ હોય, પણ મારી માટે એક કાયમી વિસામો છે. મારા વિચારોનું ગોડાઉન છે. એમ તો કારખાનું અને પ્રયોગશાળા પણ છે. કંઇ જ ન હોવા છતાંયે આ મારી માટે ઘણું વિશેષ ઠેકાણું છે. (કોઇ-કોઇ વસ્તુંનું મુલ્ય આંકી ન શકાય.)

~ હું અહી મને મુકીને આગળ વધી જઉ છું, પણ વિતેલો રસ્તો ફરી બતાવવાનું કામ આ બગીચો કરે છે. મારી કાલ સાથે મુલાકાત આ બગીચો જ કરાવે છે.

~ આ દુનિયામાં વસતી લગભગ દરેક વ્યક્તિ એમ સમજતી હશે કે ભુતકાળને આમ વળગીને રહેવાનો કોઇ મતલબ નથી. ખૈર, મને તેનાથી કોઇ ફરક નથી પડતો. (ફરક પડતો હોત તો તેઓ એ મને ઘણાં સમય પહેલા અટકાવી દીધો હોત.)

~ આ બધી વાતો ચાલતી જ રહેશે; મુળ વિષય એટલે કે આજની અપડેટ્સની વાત કરું…

~ બંને બાળકો સ્વસ્થ અને ખુશ છે. મેડમજીને મારા દ્વારા અપાતા સમયમાં કાપ મુકાવાથી થોડી નારાજગી છે, પણ તે વધારે સમય નહી રહે તેની મને ખબર છે. (તેના સપોર્ટની મને જરૂર રહેશે જ.)

~ દરવર્ષની જેમ આ વર્ષે પણ તે બધાએ નાના-નાની ને દિવાળી-વેકેશન-સ્ટોપ બનાવ્યા છે અને અમે પોતે ઘરે એકલા છીએ. (વ્રજ-નાયરા વગરનું ઘર ઘણું ખાલી-ખાલી લાગે છે.)

~ નવું કામ નવી ચેલેન્જ લઇને ઉભરી રહ્યું છે. બધી ચેલેન્જને સ્વીકારીને આગળ વધવું એ જ એકમાત્ર વિકલ્પ છે અત્યારે એટલે અન્ય બિનજરૂરી વિચારોને ઇગ્નોર કરવામાં જ મારી ભલાઇ છે.

~ અવ્યવસ્થા હવે બદલાવ બાદ ધીરેધીરે નવી વ્યવ્સ્થાનું સ્વરૂપ લઇને વ્યવસ્થિત રીતે ગોઠવાઇ રહી છે. લગભગ બધું જ ધારણા મુજબ ચાલી રહ્યું છે તેની ખુશી છે. અંદાજ કરતા સમય થોડો વધારે જાય એમ લાગે છે અને નાની-મોટી સમસ્યાઓ વારંવાર અટકાવે છે પણ સારી વાત એ છે કે મને રસ્તાઓ મળી જાય છે. (રસ્તો મળતો જાય તો કોઇ કામમાં થાક ન લાગે.)

~ લાઇફ ક્યારેક આપણને એવી જગ્યાએ લાવી ને મુકે છે જ્યાંથી આપણે કંઇ કરતા નથી હોતા છતાંયે આપણા દ્વારા જ બધું થતું હોય છે. અથવા તો એમ કહી શકાય કે હવા જ આપણને ક્યાંક ખેંચીને લઇ જતી હોય છે અને આપણે હવાની દિશામાં ખેંચાતા જઇએ છીએ. (બસ હવે, બધે વિસ્તારથી સમજાવાનું ન હોય યાર.)

~ અનિશ્ચિતતાનો આ સમયગાળો હવે અંતિમ તબક્કામાં છે. તેના પછી એક નિશ્ચિત જવાબદારી જણાઇ રહી છે. અઘરું છે તે નક્કી છે. પણ ‘બધું થઇ જશે’ તેનો વિશ્વાસ પણ અડગ છે. (આટલો કોન્ફીડન્ટ તો હું ક્યારેય નહોતો.)

~ આ દિવાળી બિલકુલ અલગ રહી. કામ અને વ્યસ્તતા તો હતા જ છતાંયે આ વખતનો ઉત્સાહ અલગ હતો. હજુ પણ તે છે જ. પાચમ પર મુહુર્ત કરવાના ન્યાયે આવતી કાલથી કામકાજ ફરી શરૂ થઇ રહ્યા છે. (ક્યારેક મને પણ હું વિચિત્ર પ્રકારનો નાસ્તિક લાગુ છું! પોતાની જાત અને કુદરતી નિયમ સિવાય કોઇનામાં વિશ્વાસ નથી કરતો છતાંયે આ બધા નખરાંમાં સાથ આપુ છું.)

~ હું મારામાં બહુ જ મોટો ફરક પણ જોઇ રહ્યો છું. ઘણાં સમય પહેલાં અનુભલેવી કોઇક સંવેદનાઓ મન ફરી અનુભવી રહ્યું છે. દિલમાં એક નવી જ સમાંતર દુનિયા આકાર લઇ રહી છે.

~ કોઇને પણ સરળતાથી માફ કરી દેવાની પ્રકૃતિ ધરાવતો મારો સ્વભાવ મને બહુ જ મદદ કરી રહ્યો છે. મારી ઇચ્છોની યાદીમાં એક નવી ઇચ્છા પણ ઉમેરવામાં આવી છે. (આ ઇચ્છા તો દિવાળી પહેલા પુરી થાય એમ હતી પણ.. ચુકી જવાયું.)

~ અને હા, થેન્કયું જીંદગી

[170907] અપડેટ્સ

મારો બગીચો.કોમ

~ નિયમિત શાંત જીંદગીને છંછેડીને અસ્તવ્યસ્ત કરવામાં થોડી અવ્યવસ્થા સર્જાશે એ અંદાજ હતો બસ એ જ અવ્યવસ્થા વચ્ચે આજે અપડેટ્સની નોંધ થઇ રહી છે. (આ સમયની દરેક વાતની નોંધ કરવાની ઇચ્છા છે.)

~ આસપાસમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે બદલવું જ હતું તો થોડું જ બદલાય ને… આટલું બધુ શા માટે??? –સાચું કહું તો મને પણ ખબર નથી કે મેં કેમ આ બધું સ્વીકારી લીધું છે. (કોઇ-કોઇ નિર્ણય માટે આપણી પાસે ચોક્કસ બહાનાઓ પણ બચતા નથી.)

~ સમજદાર લોકો તો કહે છે કે એકલા હાથે આટલું જોખમ ન લેવાય અને મારી અક્ક્લ પણ લોકો સાથે સહમત થાય છે; પણ મારું દિલ કહે છે કે બધુ ઠીક થઇ જશે. મને ગમે છે અને હું તૈયાર છું. હું કરી શકીશ એટલો વિશ્વાસ છે. (અબ તો સબ દિલ કે ભરોસે પે હૈ..)

~ ઘણીબધી માથાકુટ વચ્ચે પણ હું શાંત કેમ છું એ મનેય સમજાતુ નથી. હું અત્યારે પણ એટલો જ રીલેક્સ રહી શકું છું જે હું હંમેશા હતો. માથા પર ઉચકેલો બોજ મને કેમ જણાતો નથી એ તો રમેશભાઇ ને પુછવું પડે! (યાર, મારા આ દિમાગમાં ચોક્કસ કોઇ કેમીકલ લોચો છે. મને ભાર જ નથી લાગતો કોઇ વસ્તુનો એવું કેમ બની શકે..)

~ બેફિકરાઇ મારા સ્વભાવમાં કાયમી ઘર બનાવી ચુકી છે. પણ બદલાવ પછીનું જે ભવિષ્ય મેં સ્વીકાર્યું છે તેમાં બેફિકરાઇના આ કાયમી સ્ટેટસમાં ચેન્જ કરવો જરૂરી હશે. (પતા નહી ખુદ કે સાથ મેં ક્યા-ક્યા કરનેવાલા હું..)

~ લગભગ બે મહિનાનો સમયગાળો છે જ્યારે હું આ અવસ્થામાંથી પસાર થવાનો છું. તેમાં મારી માટે એક અલગ દુનિયા તૈયાર થઇ રહી છે. દુરથી જ એટલી અતિવ્યસ્તતા જણાઇ રહી છે કે શાયદ હું મારા આ બગીચા સુધી પણ નિયમિત ન પહોંચી શકું. (જો હું ઘણાં દિવસો સુધી ગાયબ રહું તો અહી આવતા વાચકોને વિનંતી છે કે મને ખેંચી ને બોલાવજો. પુણ્યનું કામ થશે ભાઇ…)

~ હા, એમ તો હું નિયમિત આજેય નથી. આશા રાખું છું કે અહી મહિનાઓમાં થતી પોસ્ટમાં વર્ષોનું અંતર ન આવી જાય. વધુ આવતા અંકે…


# સાઇડટ્રેકઃ

એક મેસેજઃ તમે તમારી જ વાતો સિવાય નવું લખતા જ નથી. બીજું કંઇક લખો તો અમને વાંચવાની મજા આવે.

ઓપન રીપ્લાય દોસ્ત, આ મારો બગીચો છે. મારા સિવાય બીજા કોઇની મજા માટે લખતો પણ નથી.
અને મારી મજા આ જ બધી વાતોમાં છે.