શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું?

થોડા સમય પહેલાની એક ઘટનાએ મને ઘણો મુંજવી દીધો. મારી માન્યતાને બદલવાની મને ફરજ પડી. આમ તો સમય અનુસાર ઘણી માન્યતાઓ બદલાતી હોય છે પણ અહી વાત બીજી પણ છે.

આજે એક દંપતિનો કિસ્સો જાણ્યો જે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે: આ દંપતિને સંતાનમાં બે દિકરીઓ હતી. પત્નીને ફરી સારા દિવસો રહ્યા હતા. હવે તેમને ઇચ્છા એક દિકરાની હતી. વાત પણ માનવી પડે કે ભલે જમાનો ગમે તેટલો આગળ વધે પણ આખરે તો દિકરાની આશા તો હોય જ ને. આજે ભલે દિકરા-દિકરી વચ્ચે ભેદ નથી પણ દરેક દંપતિને દિકરીના મા-બાપ બનવાની સાથે એક દિકરાના મા-બાપ બનવાની પણ ઇચ્છા તો હોય જ ને. પણ કિસમતમાં કંઇક અલગ લખ્યું હતું. તેમને ત્યાં દિકરી જન્મી. ભગવાનને ગમ્યું તે ખરું તેમ માની ને તેમણે દિકરીને પણ ખુશી થી વધાવી લીધી. પણ… મનમાં એક દુઃખ રહી ગયું કે આ દિકરીઓને કોઇ એક ભાઇ પણ હોત તો કેટલું સારું હોત.

પતિ-પત્નીએ દિકરાની આશાએ એક વાર ફરી પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. જયાં-જયાં ખબર પડી ત્યાં માળા-દોરા-ધાગા અને દુઆ-પ્રાર્થના કરી આવ્યા. પત્નીને સારા દિવસો ફરી રહ્યા પણ બે-ત્રણ મહિનામાં દંપતિને ડર સતાવવા લાગ્યો કે ફરી દિકરી હશે તો? ત્રણ દિકરીઓને તો વધાવી લીધી છે પણ ફરીવાર જો દિકરી હશે તો શું તેને ખુશીથી સ્વીકારી શકશે? માત્ર દિકરાની આશાએ ચોથા સંતાન માટે તેઓ વિચારી રહ્યા હતા અને અત્યારના જમાનામાં ચાર-ચાર સંતાનને મોટા કરવાં એ જ ઘણી અઘરી બાબત હતી પણ તેમાંય જો ચોથા સંતાનમાં દિકરી અવતરે તો? અને જો તેને ખુશીથી સ્વીકાર ન મળે તો તેમાં શું દિકરીનો ગુનો ગણવો?

પતિ-પત્ની બન્ને એ વિચાર કર્યો કે જો દિકરી હશે તો તેમનો પરિવાર તેને રાજી-ખુશીથી નહી સ્વીકારી શકે અને જો તેમ થયું તો આ દિકરીને માત્ર અપમાનિત થવા જ આ દુનીયામાં લાવવી? પ્રશ્ન વિકટ હતો. જવાબ પણ નહોતો. જો અગર દિકરા ના સ્થાને દિકરી હશે તો તેને આ સંસારમાં દુઃખ જોવાનો જ વારો આવશે તે નક્કી હતું. અહી દિકરા-દિકરીની વચ્ચેના ભેદ કરતાં જરુરીયાત અને આવનાર સંતાન જો દિકરી હોય તો તેના ભવિષ્યનો સવાલ વધારે મોટો હતો.

કયાંકથી ખબર મળ્યા કે કોઇક જગ્યાએ ખાનગીમાં છુપી રીતે ગર્ભપરિક્ષણ થાય છે. બધા પાસાઓ નો વિચાર કરીને દંપતિએ છેવટે નક્કી થયું કે એકવાર દિકરો નહી હોય તો હવે ચાલશે, ત્રણેય દિકરીઓ ને જ પુરા વ્હાલથી ઉછેરીશું. પણ…. ત્રણ દિકરી પછી જો દિકરી જ હોય તો તેને આ દુનીયામાં લાવવી એ તેની સાથે અન્યાય કરવા જેવું થશે. એટલે ઘણાં દુઃખ સાથે મક્કમ નિર્ણય પર પહોંચ્યા કે ભલે ગેરકાયદેસર હોય પણ જો દિકરી હોય તો તેને આ દુનીયામાં ન લાવવી. છેવટે ગર્ભપરિક્ષણ બાદ હવે નક્કી થઇ ગયું કે આવનાર સંતાન દિકરી જ છે. નિર્ણય પહેલેથી જ લેવાઇ ગયો હતો કે શું કરવું. એ દિકરી આ દુનીયામાં ન આવી શકી.

~ આખી ઘટના મે જ્યારે સાંભળી, શરુઆતમાં તો તે મા-બાપ પર ગુસ્સો આવ્યો કે તેઓ આવું કઇ રીતે કરી શકે?!! પોતાની દિકરીને જન્મતા પહેલા મારી નાંખવાનુ પાપ કોઇ શા માટે કરે!! જમાનો બદલાઇ ગયો છે, દિકરીને પણ દિકરાની જેમ મોટી કરી શકાય છે. એ જ દિકરી સો દિકરાની ગરજ સારી શકે છે. પણ, વિસ્તૃત રીતે જોતા તે દંપતિનો નિર્ણયને યોગ્ય ઠેરવવા હું મજબુર બની ગયો છું. અત્યારે ગર્ભપરિક્ષણ કે ગર્ભપાતની જે દિશાને હું જોઇ રહ્યો હતો તે કંઇક અલગ જ હતી. કૃત્ય તો ગેરકાયદેસર થયું જ છે. પણ છતાંયે મને તે દંપતિ માટે કોઇ ગુનેગાર ના બદલે સહાનુભુતિની લાગણી જન્મી છે. તેઓ પણ ઘણાં દુખી છે. તેમને બેહદ પસ્તાવો પણ છે. પણ આખરે તેઓ એ વાત પર મક્કમ છે કે તે દિકરીને જો આ દુનીયામાં આવવા દીધી હોત તો તેઓ તેને પુરતો ન્યાય ન આપી શકયા હોત.

મિત્રો, વડિલો કે સામાજીક માણસો.. આપને આ જણાવવાનો કે કહેવાનો અર્થ કોઇ વિવાદ અંગે નથી. હું કોઇ કાળે ભૃણ હત્યાને યોગ્ય નથી માનતો અને તેના દરેક પ્રયાસને પણ ધુત્કારું છું. છતાંયે આખી ઘટના વર્ણવવાનો હેતુ આપને પુછવાનો છે કે શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું? શું તે પતિ-પત્નીનો નિર્ણય ખોટો હતો? જવાબનો નિર્ણય આપ પર છોડી રહ્યો છું…