નવો કેમેરા

– થોડા દિવસ અગાઉની પોસ્ટમાં કહ્યું’તુ ને કે નવા કેમેરાના ખર્ચ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે તો આજની પોસ્ટ તે નવા કેમેરાને નામ.

– સૌ પ્રથમ તો કેમેરાનો ફોટો:

Nikon D3100 Photo

– હવે કેમેરા વિશે થોડી માહિતી;

  • કેમેરા મોડલ: Nikon D3100 (ખોખા ઉપર આવું કંઇક લખ્યું છે.)
  • કેમેરા લેન્સ: Nikkor 18-55mm f/3.5-5.6G VR (આવું પણ બોક્સ ઉપર જ છાપેલું છે!)
  • કિંમત: 27,150.00  (કોઇને વધારે તો કોઇને ‘ઠીક’ લાગશે, ઓછી લાગે તો કહેજો.)
  • વજન: થોડુંક તો છે જ. (આટલો ખર્ચો કરીએ અને જરાયે વજન ન હોય તો કેવું લાગે?)
  • આકાર: બિલકુલ કેમેરા જેવો ! (વિશ્વાસ નથી આવતો ને?)
  • ઉપયોગ: ફોટો અને વિડીયો ક્લીક કરવા (અને ફોટોગ્રાફર હોવાનો દેખાવ કરવા!)
  • ગુણવત્તા: સારી. (ન હોત તો પણ વખાણ તો કર્યા જ હોત.)
  • મેળવેલ ઓફર: કેમેરા કીટ ઉપરાંત ટ્રાઇપોડ અને 16GB કાર્ડ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી! (દરેક સ્ટોરમાં ઉપલબ્ધ નથી.)

– હજુ આ કેમેરા માટે હું સાવ નવો છું. (કંઇક ખોટું લખાઇ ગયું?) સોરી, આ કેમેરા મારી માટે સાવ નવો છે!

– હજુ શીખવાની શરૂઆત કરી છે એટલે થોડા દિવસો સુધી તો મારા શીખાઉ ફોટોને તમારા માથે (વાંચો; આંખે) મારવામાં આવશે. (નોંધ: દેખનારના આંખ-માથાની અમે કોઇ જવાબદારી લેતા નથી જેથી કોઇએ પોતાને થયેલી ઇજા દેખાડીને તકરાર કરવી નહી.)

– જુઓ મારા શીખાઉ ફોટોના કેટલાક નમુનાઓ:

Evening time
Nature, green leaf
Heritage, india

– ગમે તો વાહ કહેજો, ન ગમે તો આહ કહેવાની છુટ છે! અને કોઇ જાણકાર વડીલ-મિત્રો મારા ફોટો અંગે ટીકા-ટીપ્પણી સાથે માર્ગદર્શન આપશે તો વધુ આનંદ થશે.

– બસ, આજે આટલું સહન કરી લો ભઇસાબ. બીજું ફરી કયારેક…. 🙂

Me, Myself & Smile please.. :)

– આ અંગરેજીમાં મથાળું એટલે રાખ્યું છે કે વાંચનારને કંઇક નવું લાગે અને આ નવું કરવાનું કારણ એ છે કે આજે અહી જે રજુ કરવામાં આવી રહ્યું છે તેને કોઇએ અહી પહેલા કયારેય નહી જોયું હોય!! (ઓકે, એટલી મોટી વાત નથી..)

– વાત એમ છે કે આજની આ પોસ્ટ સાથે પ્રથમ વાર અમે અમારા પોતાના, અંગત, સાચુકલા ફોટો સાથે મારા બગીચામાં રજુ થવા જઇ રહ્યા છીએ… ઢેટેણેણ….. (ચેતવણીઃ બગીચાના માળીના હાથમાં ત્રિકમ-પાવડો કે પાણીનો ફુવારો જોવાની ઇચ્છા હશે તો તે આજે પુરી નહી થાય.)

– મારા દર્શનની ઘણાં મિત્રોને લાંબા સમયથી આશા હતી અને તેઓની મારી પ્રત્યે આસ્થા ટકી રહે એટલે આપેલ વચન અનુસાર હું સ્વ્યં અહી ‘દર્શન‘ આપી રહ્યો છું. દર્શન કર્યા બાદ પોસ્ટની નીચે લખાયેલા મારા બેન્ક એકાઉન્ટ નંબરમાં દાન જમા કરાવી દેવું જેથી કિરપા(ઉર્ફે કૃપા) સમયસર મળી જાય. ભક્તોને ધક્કામુક્કી ન કરવા અને ઇંટરનેટ ટ્રાફિકને સહયોગ કરવા ખાસ વિનંતી છે. 😀 (અહી ‘દર્શિત દરબાર‘ ચાલું કરવાનો કોઇ ઇરાદો નથી, આ તો બે ઘડીની ગમ્મત હતી. છતાંયે ખરેખર દાન આપવા ઇચ્છતા ભક્તોએ એકાઉન્ટ નંબર અંગતમાં માંગી લેવો, હું આપીશ યાર. 😉 )

આગળની પોસ્ટ લખતી વખતે વિચાર્યું’તું કે હવે તો નવરાશનો ઘણો સમય છે તો અહીંયા રોજેરોજની નાની-મોટી અપડેટ્સ નોંધવામાં આવશે પણ આખરે તો ધાર્યું ધણીનુંં થાય છે. અને અહી કોઇ ધણીએ મારી સાથે કંઇ ધાર્યું કરાવ્યું નથી; જે થયું છે એ બધુ મારા જ પરાક્રમોની દાસ્તાન છે. (આમ તો ધણીયાણીની સામે ધણીનું કયાંય ધાર્યું થતા જાણ્યું નથી, છતાંયે આ તો કહેવત છે એટલે થયું કે ઉપયોગ કરી લઇએ. 😀 )

– છેલ્લા અપડેટની વાતોને આગળ વધારતી ત્રાસદાયક પોસ્ટ પબ્લીશ કરવા કરતાં થયું કે હવે કંઇક સારું પણ ઉમેરવું જોઇએ! (આજકાલ ઘણાં નવા લોકો Follow કરી રહ્યા છે તો તેમનું સ્વાગત બોરીંગ વાતોથી તો ન કરાય ને યાર..)

– નવરાશના આ સમયને એક ભુલાયેલા શોખ માટે ખર્ચવાનું નક્કી કર્યું છે અને એ ભુલાયેલો શોખ એટલે ફોટોગ્રાફી. કેમેરા તો હાજર હતા પણ એમજ કાંઇ જુના દેશી કેમેરાથી શોખ થોડો પુરો કરાય, તેથી નવા કેમેરાનો ખર્ચો પણ કરી દેવામાં આવ્યો છે! (આ ખર્ચની વિગતો પછી જાહેર કરવામાં આવશે.)

– હવે સ્માઇલ સાથે તમારે તે અંગેની મારી વાતો સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. આપકો કભી ભી ક્લીક કર દીયા જા સકતા હૈ…

– છેલ્લે, બધાની વચ્ચે છુપાયેલો-જળવાયેલો-ખોવાયેલો-મળેલો અને ફરીથી ખોવાયેલો એવો સ્વ્યં હું!

me with camera in front of mirror
Click Click!! oO

નોંધ:
કેમેરાની પાછળ ભલે આખો દેખાતો ન હોઉ પણ આખરે છું તો હું જ ને! સો, નો કમ્પલેઇન પ્લીઝ. 🙂
બેન્ક એકાઉન્ટ નંબર માંગવામાં શરમ કેવી? શરમમાં રહેશો તો રહી જશો, પછી કહેતા નહી કે મેં કીધુ નહોતું. 😉