પોલીટીકલ અપડેટ્સ

પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી

પોલીટીકલ અપડેટ્સ મારો બગીચો.કોમ પર

~ નિયમિત અપડેટ્સમાં તો મારા વિશે લખાતું હોય છે પણ આજે દેશની પોલીટીકલ અપડેટ્સ નોંધવાની ઇચ્છા થઇ છે. લગભગ મારી બીજી અપડેટ્સમાં આ વાત આવી જતી હોય છે પણ આજે સ્પેશીયલી એક જ વિષય અપડેટ માટે પસંદ કર્યો છે. (કદાચ નોંધવા માટે ઘણું છે એટલે એક જ મુદ્દા પર લખાય એટલું સારું ને.)

~ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ કૃર આતંકવાદી હુમલો કે જેમાં 40 થી વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યો અને તેના પ્રત્યાઘાતરૂપે આપણો દેશ એક નવા અવતારમાં પ્રવેશ્યો. બદલો લેવાની ભાવના સંપુર્ણ દેશવાસીઓએ બતાવી અને નવાઇ એ લાગી કે આ હુમલા પછી કોઇપણ વાતે એક ન થતા રાજકીય પક્ષો એક જ ભાષામાં આતંકવાદ વિરુધ્ધ બોલ્યા! (ખૈર, આજની સ્થિતિ સૌ જાણે જ છે એટલે કંઇ કહેવું નથી. અફસોસ એ છે કે બધું હતું એમજ થઇ ગયું છે.)

~ ખબર નહી કેમ પણ મને એવું લાગે છે કે આપણે ઓવર-રીએક્ટીવ બની ગયા છીએ. દરેક બાબતે આપણે (હા, હું પણ આવી ગયો) સખત પ્રત્યાઘાત બતાવીએ છીએ. શક્ય છે કે હવે હદ આવી ગઇ છે એવું સૌને લાગતું હોય અને ક્યારેક રીએક્શન પણ જરુરી હોય છે. (સાઇડટ્રેકઃ કોઇ કોઇ ઘટના/વાત એવી હોય છે જેમાં ‘હદ એટલે શું?’ એ નક્કી જ ન કરી શકાય.)

~ અગાઉની સર્જીકલ સ્ટ્રાઇક બાદ આ વખતે ખરેખર યુધ્ધની આશંકાઓ વચ્ચે એકવાર ફરી ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ ઉપર હુમલા કર્યા છે જેમાં તેઓને ઘણું નુકશાન કર્યાની માહિતી દેશને આપવામાં આવી છે. યુધ્ધનો માહોલ હાલ પુરતો ઠંડો થયો જણાય છે પણ મને નથી લાગતું કે ભવિષ્ય એટલું સરળ હશે. (મારું મન કહે છે કે હજુ કંઇક મોટું તો થશે જ.)

~ અભિનંદનની આપ-લે પુર્ણ થઇ છે જે એક તરફ ભારત દેશની મજબુત સ્થિતિ બતાવે છે તો કોઇને તે ઘટનાથી ઇમરાનખાનમાં શાંતિનો ચાહક દેખાય છે. જો કે તેમનો આ શાંતિ-અવતાર ભારત દ્વારા કરાયેલા દબાણ કે ભારે સૈન્ય કાર્યવાહીના ડરના કારણે પણ હોઇ શકે છે. એક સારી શરૂઆત તો છે પણ પાકિસ્તાન પર ક્યારેય ભરોસો ન કરાય તે યાદ રાખવા જેવી હકિકત છે. (પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાનખાન કેવા વ્યક્તિ છે તે તો હજુ ભવિષ્ય બતાવશે.)

~ ઇમરાન ખાન વઝીર-એ-આઝમ બન્યા પછી પાકિસ્તાનની સ્થિતિ સુધારવા પ્રત્યે તેની ભાવનાની પણ કદર કરવા જેવી છે. મને તેનામાં એવો લાચાર વ્યક્તિ દેખાય છે કે જે દુનિયામાં બદનામ થયેલા પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા તો માગે છે પણ પોતાના ઘરમાં રહેલા તોફાની સભ્યોને સંભાળવા તેની ક્ષમતાથી બહાર છે. (મોટા આસન પર બિરાજમાન માણસ ક્યારેક મજબુર પણ હોય છે. -એવું બાબા બગીચાનંદ કહે છે.)

~ અગાઉની જેમ જ ફરીએકવાર સૈન્ય પુરાવાઓની માગવાની ફેશન દેશમાં ચાલી રહી છે. ખબર છે કે દેશની પબ્લીકના એક મોટા વર્ગમાં તેઓ વિશે ચોક્કસ અભિપ્રાય બંધાઇ જશે તો પણ મોદી પ્રત્યેના અંગત દ્રેશથી તેઓ અજાણરૂપે પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કરી દે છે. (આ બધું તેઓ અજાણતા કરે છે કે જાણીજોઇને કરે છે એ કળવું મને મુશ્કેલ લાગે છે.)

~ મને ક્યારેક એમ લાગે કે આ બધું ક્યાંક પ્લાન થયેલું છે.. કે સેના દ્વારા હુમલો કર્યાની જાહેરાત કરવી – પુરાવા માગવા માટે વિરોધીઓને આવવા દેવા – તેમને સેના વિરોધી અને ખાસ તો દેશ વિરોધી તરીકે જાહેર કરવા/કરાવવા – સરકાર દ્વારા લોકોની સહાનુભૂતી મેળવવી – અને છેલ્લે મસ્ત ટાઇમ દેખીને પુરાવા રજુ કરવા. (મોદી સાહેબનું કંઇ ન કહેવાય ભાઇ! પણ અમે તો તેમના ફેન છીએ અને જ્યાં સુધી તેમનો વિકલ્પ ન મળે ત્યાં સુધી તેમના પક્ષે રહીશું.)

~ મોદી તેમના વિરોધીઓ ને કદથી વધુ પ્રમાણમાં વેતરવામાં માસ્ટરી ધરાવે છે એ વિપક્ષમાં પણ બધા જાણે છે. છતાંયે તેમને સામેથી પોતાનું કદ વેતરવાનો ચાન્સ આપીને વિપક્ષ દેશમાં એક જ વ્યક્તિની બોલબાલા વધારી દેશે. (દુઆ કરો કે કોઇ બીજા પણ શાણા માણસો આવે અને એક તંદુરસ્ત હરિફાઇ રહે.)

~ મમતાબેન થી સુ.શ્રી.માયાવતીબેન સુધી બધા મહાગઠબંધનના નામે ભેગા તો થયા છે પણ અંગત એજન્ડાથી ચાલતા અલગ-અલગ પક્ષો એક થઇને પણ ખાસ ઉકાળી લે એવું જણાતું નથી. રાહુલભાઇ તો ડુબાડવા માટે જ બન્યા છે અને પેલા કેજરીવાલ તો…. છી.. છી… આ ભાઇનું તો નામ લેવા જેવું નથી. (બેવફા સોનમ ગુપ્તા કરતા પણ વધારે બેવફા નિકળ્યો આ નેતા.. મેરી તરફ સે ઉસકો ‘થૂ’ હૈ।)

~ ગુડ ન્યુઝમાં એ છે કે ફાઇનલી અમદાવાદમાં મેટ્રો ચાલવાની શરૂ થઇ. એમ તો હજુ ઘણું કામ બાકી છે પણ જેની શરૂઆત થઇ છે એ કાર્ય ક્યારેક પુરું પણ થશે એવા આશાવાદી બનીએ. અત્યારે તો મારું ધુળીયું નગર તેના કારણે એક્સ્ટ્રા ધુળમય લાગે છે. (મોદીજીએ લીલી ઝંડી બતાવા આવ્યા એ ગમ્યું અને આજકાલ ગુજરાતમાં ઘણાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરતા નજરે પડે છે! હમ્મ્મ્મ્મ્મ.. ઇલેક્શન ટાઇમ.. યુ નૉ..)

~ ઉપરની બધી અપડેટ્સ થોડા દિવસ પહેલા લખાયેલી પડી હતી એટલે કોઇ આઉટડેટેડ લાગશે. લેટેસ્ટ ન્યુઝમાં એ છે કે ઇલેક્શનની તારીખ જાહેર થઇ ચુકી છે તો હવે આપણાં માનનીય નેતાલોગ દ્વારા ચાલતો અને દેશ-વિદેશના ન્યુઝ ટ્રેડર્સ દ્વારા ફેલાવવામાં આવતો તુ-તુ મૈ-મૈ નો ખેલ વધારે ડેન્જર ઝોનમાં પ્રવેશ કરે છે. (સબકા અપના અપના હિડન એજન્ડા ભી હૈ દોસ્ત, લેકીન તુ સંભલ કે ચલના…બડે ધોકે હૈ ઇસ રાહ મેં!)

Loksabha Election 2019 - મારો બગીચો.કોમ

~ જાણકારી માટેઃ ગુજરાતમાં ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ લોકસભા ૨૦૧૯ની ચુટણી માટે મતદાન થશે.

~ આજે બાબા બગીચાનંદ પણ સામાજીક જવાબદારી સમજીને ૨૦૧૯ની લોકસભા ચુટણીના આ સમયકાળ દરમ્યાન ભારતવર્ષની પબ્લીકને ભાષા-વર્તન ઉપર સંયમ જાળવવા અપીલ કરે છે અને વિચારી-સમજીને પોતાનો નેતા પસંદ કરવા તથા દરેક દેશવાસીને મતદાનમાં પોતાનો મત જરુર આપવાની અપીલ કરે છે. (જાણે આમ અપીલ કરવાથી કોઇ ફરક પડતો હોય એમ!..)

પોલીટીકલ અપડેટ્સ મારો બગીચો.કોમ પર

નોટબંધી પુરાણ

~ ઘણાં દિવસ પહેલાં લખવાનું વિચાર્યું હતું પણ આજે વિચારને કીબોર્ડ મળ્યું છે એટલે કંઇક લખાશે એવું લાગે છે. એમ તો બીજે ઘણું લખાઇ ચુક્યું છે અને ઘણું ચર્ચાઇ ચુક્યું છે પણ મેં આજસુધી કંઇ નથી લખ્યું એટલે મારો તો હક બને છે. જો આ નવિન પ્રકારની સ્થાનિક / પ્રાદેશીક / રાષ્ટ્રીય ઘટના કે જેની અસર લાંબા / ટુંકા ગાળે  રાજકીય / આર્થિક / સામુહિક / વ્યક્તિગત રીતે અસર કર્તા છે તેની નોંધ અહી ન લેવાય એ શક્ય નથી. (આ પણ મારા જીવનની એક અગત્યની ઘટના બનશે એવું લાગે છે,)

# જો મારા સિવાય બીજુ પણ કોઇ આ વાંચી રહ્યું છે તો તેમની માટે ખાસ ચોખવટ કે – અહી લખનાર વ્યક્તિ કોઇ અર્થશાસ્ત્રી / મનોવિજ્ઞાનિક / રાજકીય સલાહકાર / ટેક્ષ એક્સપર્ટ / પત્રકાર / ભક્ત / રાજકારણી કે તેની આસપાસની અન્ય કોઇ લાયકાત ધરાવતા નથી છતાંયે આપને મારી વાતમાં એવો કોઇ સંયોગ દેખાય છે તો તે માત્ર આપનો દ્વષ્ટિભ્રમ હશે. ચોખવટ પુરી.

– મુખ્ય ઘટના એમ બને છે કે, કારતક સુદ 8 (અંગ્રેજીમેં બોલે તો 8, નવેમ્બર) ના તે સાધારણ દિવસના સુર્યાસ્ત બાદ ભારતવર્ષ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ સમક્ષ ટીવીના માધ્યમથી એક અસાધારણ જાહેરાત કરી કે – “આજે મધરાતથી રૂ 500 અને રૂ 1000 ની ચલણી નોટને કાયદેસર ચલણ તરીકે રદ કરવામાં આવે છે.” ઉપરાંત તેને રદ કરવાના કારણો અને ચલણમાં ફેરફાર અંગે અન્ય જાહેરાતો પણ કરવામાં આવી. (આવું પણ કરી શકાય? -એમ વિચારતા મારા મન માટે આ જાહેરાત ખરેખર અચરજ સમાન હતી.)

– એક મીટીંગમાં વ્યસ્ત હોવાથી સૌ પ્રથમ ન્યુઝ વ્હૉટ્સએપ્પ દ્વારા મળ્યા. પહેલા તો સામાન્ય મેસેજીસની જેમ તેને એક અફવા ગણીને ઇગ્નૉર કરવામાં આવ્યા પણ ધીરેધીરે આખી મીટીંગ પર તે સમાચાર છવાઇ ગયા. બહાર નીકળીને જોયું તો બાજુમાં આવેલ પેટ્રોલપંપ પર અસાધારણ ટ્રાફિક હતો. ચારેતરફ લોકો એવા બેચેન હતા કે જાણે તેમનું બધું લુંટાઇ રહ્યું છે એટલે જેટલું બચે એટલું બચાવી લો. (ડરપોક અને ચીટર લોકોની નબળી માનસિકતા!)

– જેમની પાસે ઢગલો પડયો’તો તેઓ દોડે એ સમજ્યા પણ જેમની પાસે ખિસ્સામાં માંડ 4-5 નોટ હતી એ પણ સમજ્યા વગર હાંફળા થઇને દોડી આવ્યા’તા! (આ બધા પણ મોટી નોટ  જ કહેવાય!)

~ બીજો દિવસ બધી બેંક બંધ અને વળી બંધ થયેલ નોટનું બીજું કંઇ થઇ શકે એમ ન હોવાથી લોકોએ આખો દિવસ અસમંજસ, તર્ક-વિતર્ક અને સંદેશા આપ-લે-ફોરવર્ડ કરવામાં ગુજાર્યો. (હું તેવા લોકોમાં સામેલ ન થયો -તેવું જણાવીશ તો કોઇ મને અભિમાની અથવા તો અસામાજીક વ્યક્તિ કહેશે. ભલે ને કહે.. મને કોઇ ફરક નહી પડે.)

~ જાહેરાતના ત્રીજા દિવસે નોટને બદલવાનું ભગીરથ કાર્ય બેંકિંગ સિસ્ટમ દ્વારા શરૂ થયું અને દેશભરમાં જોવા મળ્યું એક અભુતપુર્વ ઘટના-ચક્ર. બેંકની બહાર લાંબી લાઇનો લાગી અને લોકોની દિનચર્યા બદલાઇ ગઇ. ચલણમાં લગભગ 80-85 ટકા જેટલું પ્રમાણ બંધ થયેલ નોટનું હોવાથી રોકડનો બધો વ્યવહાર અચાનક બંધ થઇ ગયો. ચારેતરફ ચર્ચા જ ચર્ચા છે કે આ શું બની ગયું છે. (આપણે મુળ તો ચર્ચાપ્રિય પ્રજા છીએ!)

~ શરૂઆતના દિવસોમાં જે કોઇ મળે કે ફોન કરે તે સૌનો પ્રશ્ન એ રહેતા કે, “તમારે કેવી હાલત છે? નોટબંધીએ કેટલા પરેશાન કર્યા? અને કેટલી જગ્યા છે? આ નોટબંધી વિશે તમને શું લાગે છે?” (હજુયે આવા પ્રશ્નો ચાલું જ છે પણ હવે બંધ થઇ જશે એવી આશા રાખીએ.)

~કેટલી જગ્યા છે ? -એ સવાલ પુછનાર બધાના નામ-ઠામ આપીશ તો સરકારને ઘણો માલ મળી શકે એમ છે! આશા રાખીશ કે કોઇ મારી વાતને સરકાર સુધી ન પહોંચાડે અને મને કોઇ પુછવા ન આવે. (અમારું તો ભાઇ સહદેવ જેવું છે, પુછશે તો બધું જ જણાવીશું.)

~ આજે તે જાહેરાતના દિવસને 50 દિવસ પુરા થઇ ચુક્યા છે. હવે બધે સમિક્ષા ચાલી રહી છે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું. દરેકનો મત અલગ-અલગ છે. પબ્લીકનો મોટો વર્ગ આજે પણ સરકાર સાથે છે. જો કે શરૂઆતમાં મોદીના આ નિર્ણયની પ્રસંશા કરતો હતો તેમાંથી 2-5 ટકા લોકોના મત હવે બદલાયા પણ છે. આ બદલાયેલા મતનું મુખ્ય કારણ નોટ-બદલી દરમ્યાન વ્યવસ્થાની ખામી છે અથવા તો તેમને ‘કોઇ ખાસ પ્રકારનું’ નુકશાન થયું છે! (વિરોધીઓ હજુએ તેમના વિરોધી વલણ પર કાયમ છે. મોદીએ આ નિર્ણયથી આખા દેશની ઇકોનોમી ખતમ કરી દીધી છે એવો તેમનો અભિપ્રાય છે.)

~ ભારત જેવા દેશમાં આવો નિર્ણય અઘરો જ નહી, જોખમી પણ બની શકે એમ હતો પણ મોદીના નસીબ સારા કે એવું કંઇ અજુગતું ન બન્યું. દેશનો દરેક નાગરિક આજે ઇકોનોમિસ્ટ કે રાજનૈતિક વિશ્લેષક બની ગયો હોય એમ વર્તે છે. આ વિષયે તમારો જે મત હોય તે મુજબ તમને ભક્ત કે સમર્થકના લેબલ લાગી રહ્યા છે. દેશના નાગરિકો નેતાઓ વચ્ચે આટલા વહેંચાયેલા પહેલા ક્યારેય નથી રહ્યા. (પર્સનલી હું કોઇ લેબલ લાગવાના ડરથી કોઇ એક ચોક્કસ પક્ષ ન લેતા વ્યક્તિઓનો વિરોધી છું પણ આખો દેશ એમ વહેંચાઇ જાય એ ન ચાલે.)

~ નોટબંધી એ એક સૉલિડ સ્ટેપ છે એ સ્વીકાર્યું પણ આજે પહેલીવાર એવું બન્યું છે કે કોઇ ચોક્કસ ઘટના અંગે મારી પાસે કહેવા જેવું કંઇ નથી. ભવિષ્યમાં શું થશે એ વિશે અનુમાન લગાવવું અઘરું છે. (નોટબંધીએ બધાને કેસ-લેસ બનાવ્યા છે અને હું સ્પીચલેસ છું!)

~ ઘણાં મતમતાંતર અત્યાર સુધી હું જોઇ ચુક્યો છું. આસપાસની સ્થિતિની સાથે સાથે વિરોધીઓ અને સમર્થકો બંનેનું શાંતિથી નિરિક્ષણ કરી રહ્યો છું. દરેકને પોતાનો મત આપવાની ઉતાવળ છે અને વળી તેને સાચો પુરવાર કરવાની વધુ ઉતાવળ છે. ખરેખર તો આ વિષયે હમણાં કંઇપણ કહેવું કે કોઇ એક પક્ષ તરફ વધુ ઝુકાવ આપવો ઉતાવળું ગણાશે. ઓકે એટલું તો છે કે હું નોટબંધીના આ સ્ટેપને સપોર્ટ કરું છું છતાંયે હું ઇચ્છું છું કે આ વિષયે મારો મત હું થોડા સમય પછી આપું. (હજુ તો આ વિષયે પ્રાથમિક કાર્ય પુરું થયું છે એટલે નિવડયે વખાણ/ટીકા કરવામાં આવશે.)

~ અત્યારે મુખ્ય વાત એ નોંધી શકાય કે આ 50 દિવસોમાં ચારે તરફ અગવડ અને અનિશ્ચિતતાઓ અસંખ્ય રહી, જોકે પબ્લીકની સહનસીલતાને સલામ કરવી પડે! આપણે સૌએ ધીરજ રાખી જેથી સરકાર એ નહી કહી શકે કે પબ્લીકે સાથ ન આપ્યો એટલે અમે રીઝલ્ટ ન આપી શક્યા. તેમની ઉપર હવે પરિણામ આપવા દબાણ બનશે. (મોટા સપના બતાવ્યા છે તો તેને અનુરુપ પરિણામ આપવું તેમની જવાબદારી પણ છે.)

~ મને શરૂઆતમાં એમ લાગતું હતું કે છપાયેલી નોટમાંથી કુલ 70% જેટલી જ રકમ બેંકમાં આવશે પણ છેલ્લા દિવસ સુધી લગભગ 90%થી વધુ રકમ બેંકમાં ભરવામાં આવી છે. પોલિસ કરતાં ચોર હંમેશા બે કદમ આગળ હોય એમ સરકાર અને કાળાબજારીઓ દોડપકડ રમી રહ્યા છે. રોજેરોજ બદલતા-ઉમેરાતા નિયમોની લોકોએ ઘણી મજાક ઉડાવી છે અને ઘણાંને વિચિત્ર લાગે છે પણ મને એ વાત ગમી કે સરકારે બદલાતી સ્થિતિ જોઇને નિર્ણય લેવામાં મોડું નથી કર્યું. (જો સરકાર આમ જ દરેક સ્થિતિ પર પ્રતિક્રિયારૂપ નિર્ણય લેવા લાગે તો આ દેશની ઘણી ફરિયાદોનો નિકાલ જલ્દી આવી જશે.)

~ ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન એક અલગ વસ્તું છે અને ડીમોનેટાઇઝેસન એક અલગ પ્રક્રિયા છે એટલે નોટબંધીને સ્વતંત્ર મુલવવામાં આવશે. આ બહાને પેમેન્ટ માટે ડિઝીટલ-મોડ હવે સર્વ સ્વીકૃત બન્યો એ મારા જેવા કાર્ડ લઇને ફરતા લોકો માટે આનંદની વાત છે. એમ તો આ દિશામાં હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે પણ નોટબંધીના કારણે તેની સ્પીડ ઘણી વધશે. જો કે તેને નોટબંધીના ફાયદા કરતાં એક ‘આડપેદાશ’ તરીકે મુલવવી ઠીક રહેશે.

~ કાશ્મીરમાં પથ્થરમારો બંધ છે અને નક્સલીઓની હાલત ખરાબ છે તેને તાત્કાલિક મળેક પરિણામોમાં ઉમેરી શકાય. હવાલા અને સોદાબાજી બંધ થઇ ચુકી છે પણ આ લોકોના હાથમાં રોકડા ફરી ન પહોંચી જાય તે જોવાનું કામ સરકારનું છે. અત્યાર સુધી જે નવી નોટોના ઢગલા સાથે લોકો પકડાયા છે તેનું મુળ ચોક્કસ બેંકીગ સિસ્ટમમાં છે. જે લોકોને શરૂઆતમાં બિરદાવવામાં આવ્યા તેમને હવે લોકો શંકાની નજરે જોઇ રહ્યા છે. (કોને વખાણવા અને કોને અવખાણવા એ જ નક્કી નથી થતું.)

~ આપણે ભારતીયોમાં આ મુળ દુષણ છે કે આપણને બધું ઠીક કરવું છે પરંતુ પોતાને મળતો ફાયદો કોઇ પણ પ્રકારે લઇ લેવો છે. આપણને ભ્રષ્ટાચાર પસંદ નથી પણ તેની જગ્યાએ આપણે હોઇએ તો તે જ ભ્રષ્ટાચારને હક તરીકે સ્વીકારી લેવામાં પણ આપણને શરમ નથી. મોદી કાળુ નાણું પકડે તેનો વાંધો નથી પણ મારી પાસે જે કંઇ છે તેમાં કોઇ નુકશાન ન થવું જોઇએ, ચાહે તેમાં બ્લેકમની પણ કેમ ન હોય. આજે કોઇ પર આક્ષેપ નથી કરવો પણ દિલ પર હાથ મુકીને કોઇ કહી ન શકે કે મેં જીવનમાં કંઇ ખોટું નથી કર્યું. (ક્યારેક અરિસા સામે ઉભા રહીને પોતાની જાતને ધ્યાનથી જોજો અને વિચારજો કે શું આ એ વ્યક્તિ છે જે વિશે એમ કહી શકાય કે તેના મનમાં કોઇ પાપ નથી?)

~ ભુતકાળ બદલવો શક્ય નથી પણ ભવિષ્ય મારા હાથમાં છે એટલે હવે જે થશે એ માત્ર કાયદેસર થશે એટલું હું નક્કી કરું છું. અસ્તું.

અપડેટ્સ-44 [Oct’14]

– વચ્ચે બે-ત્રણ પોસ્ટ એવી આવી ગઇ એટલે અપડેટ્સ ઉમેરવાનો કાર્યક્રમ લંબાઇ ગયો. હવે આજે છેક નવા મહિનામાં તેનો સમય આવ્યો છે. (જોયું! આ વખતે નવું બહાનું છે!)

– શું ઉમેરવું આજે અને કયાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી છતાંયે જેમ-જેમ યાદ આવશે તેમ-તેમ લખતા જવું એવું એમ નક્કી કરું છું. (જો કે હું ગમે તેમ લખું તોયે કોઇને કંઇ ફેર પડવાનો નથી.)

– પાછળના દિવસોમાં સૌથી વધુ યાદ આવે એવી ઘટના છોટુના જન્મદિવસની ઉજવણીની હતી તો તે વિશે થોડું વિસ્તારથી લખવાનો વિચાર કર્યો હતો પણ તેમાં તોફાન-મસ્તી-નાચ-કુદ સિવાય બીજું લખવા જેવું ન લાગ્યું અને જે બે-ચાર ફોટો હતા તેને આગળની પોસ્ટમાં જ ચોંટાડી દેવામાં આવ્યા છે એટલે થોડા-માં-ઘણું સમજીને આગળ વધીએ તો ઠીક રહેશે.

– એક રાષ્ટ્રીય સામાજીક સંગઠનમાં સમાજસેવાની નવી જવાબદારી લેવામાં આવી છે. વ્યસ્તતામાં વધારો થશે એ પણ નક્કી છે અને તે માટે હવે દેશભરમાં નિયમિત પ્રવાસ કરવા પડે એવી શક્યતાઓ પણ છે. (ચલો, એ બહાને દેશના વિવિધ ભાગ વિશે વિસ્તારથી જાણવા મળશે.) કદાચ હવે અહી અનિયમિત બની શકાય એવુંયે બને. (એમ તો હું નિયમિત પણ કયાં છું જ!)

– સંસ્થાના અને મારી જવાબદારીમાં આવતા ઘણાં કાર્યો એવા છે કે જેની અહી જાહેર નોંધ પણ લઇ શકાય. પરંતુ અગાઉ બનાવેલા ઓળખ-ગોપનીયતાના કેટલાક નિયમોના બંધન નડી રહ્યા છે, જેમાં હવે ઘણાં સુધારા-વધારા કરવાની આવશ્યક્તા પણ જણાય છે. મુખ્ય સમસ્યા અંગત ઓળખને જાહેર પ્રસિધ્ધિથી દુર રાખવાની છે. (આમ તો આ કોઇ સમસ્યા નથી પણ હું અહી મારા મનની વાત સીધી જ નોંધતો હોવાથી કોઇ વ્યક્તિ કે વિષય-વસ્તુ પ્રત્યેના દંભથી દુર રહેવા ઇચ્છુ છું.)

– કેટલાક સંબંધો મારી નિખાલસતા માટે હંમેશા નુકસાનકારક રહ્યા છે. સંદર્ભ, પુસ્તક, જ્ઞાની-સાધુ-સંત કે મહાત્માઓ ભલે ગમે તે કહીને ચાલ્યા ગયા હોય પણ મારું સ્પષ્ટ માનવું છે કે સંપુર્ણ નિખાલસ બનીને દરેક સંબંધ જાળવી શકાતા નથી. સંપુર્ણ સત્ય કે નિખાલસતા કયારેક સંબંધોમાં તિરાડ પણ ઉભી કરી શકે છે. (આ ‘સત્ય’ની વાત ઉપરથી યાદ આવ્યું કે મારે મારું સત્ય લખવાનું હજુ બાકી છે.)

– ઓકે. ફરી મુળવાત ઉપર આવીએ. નવી જવાબદારી વિશેની એક ખાસ મિટીંગ માટે બે-ત્રણ દિવસ પુ. શ્રી શ્રી (શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી 😉 ) રવિશંકરભાઇના આર્ટ-ઑફ-લીવીંગના ગુજરાત આશ્રમ વેદ-વિજ્ઞાન મહા-વિદ્યાપીઠમાં વિતાવ્યા. આ સ્થળ ગામ-શહેર (અને મોબાઇલ નેટવર્ક)થી દુર અને વળી નદી કિનારાની ફળદ્રુપ જગ્યાએ હોવાના કારણે હરિયાળી અને કુદરતી વાતાવરણથી ભરપુર છે, તેથી અહી નિરાંત અને શાંતિની અનુભૂતિ થવી સ્વાભાવિક છે. આશ્રમના ફોટો માટે ક્લિક કરો; અહી. (જો તમે આ શાંતિની અનુભૂતિને આ.ઑ.લિ. કે પુ.શ્રી.શ્રી.રવિશંકરની દિવ્યતા સાથે જોડીને જોઇ રહ્યા છો તો મારે સાફ શબ્દોમાં કહેવું જોઇએ કે; તમે છેતરાઇ રહ્યા છો. આગે આપકી મરજી.)

– ભરવરસાદમાં પાસપોર્ટ ઓફિસ સુધીનો ધક્કો સફળ રહ્યો. ત્યાંની સુંદર વ્યવસ્થા, ડોક્યુમેન્ટ ચકાસણી અને પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા બાદ લગભગ ૧૦-૧૨ દિવસમાં છોટુંનો પાસપોર્ટ આવી ગયો છે. નવો પાસપોર્ટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયાને ૧૦ માંથી ૮ પોઇન્ટ આપી શકાય. (આ ૨ પોઇન્ટ કેમ કાપ્યા? -આ સવાલ થતો હોય તો આપશ્રીએ પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા જાણી લેવી.)

– છેલ્લી અપડેટમાં વરસાદ જતો રહ્યો છે તેવી માહિતી હતી પણ તે પોસ્ટ બાદ ધારણા પ્રમાણે જ વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરી દીધો. શરૂઆતમાં ઓછા વરસાદની ચેતવણી બાદ સિઝન દરમ્યાન વરસાદનું પ્રમાણ જોતા એકંદરે ચોમાસું સારું કહી શકાય એમ રહ્યું. જો કે નવરાત્રીમાં પણ વરસાદ હેરાન કરશે -તે અંદાજ ખોટો પડ્યો. (આ ઉપરથી સાબિત થાય છે કે કોઇએ મારી ધારણા અનુસાર ચાલવું નહી. જો આમ જાહેર ચેતવણી આપવા છતાંયે તમે મને અનુસરો અને આપને કોઇ નુકશાન થાય તો તેમાં અમારી જવાબદારી નથી, પણ જો ફાયદો થાય તો તેમાં યોગ્ય હિસ્સો લેવાની જવાબદારી અમે ચોક્કસ નીભાવીશું. જોયું, અમે કયારેક અમારી જવાબદારી પણ સમજીએ છીએ!)

– વડોદરાની જેમ કોઇ-કોઇ સ્થળે વરસાદે ચિંતા પણ ઉભી કરી તો બીજી બાજુ ભારે વરસાદે અચાનક જ કાશ્મીરની દશા બગાડી નાખી અને આજકાલ આસામમાં પણ પુરની સ્થિતિના સમાચાર છે.

– નવરાત્રી પુરી થવામાં હવે બે દિવસ બાકી રહ્યા છે પણ આ વર્ષે હજુયે રાસ-ગરબા કરવામાં મન માન્યું નથી. (કારણ? -રમેશભાઇને ખબર..) છેલ્લા દિવસો માટે પણ ખાસ ઉત્સાહ નથી, છતાંયે જો ઇચ્છા થશે તો એકાદ રાઉન્ડ રાસ-ગરબાનો ચાન્સ લેવામાં આવશે. નહી તો, નેક્સ્ટ નવરાત્રીમાં.. 🙂

– મોદી સાહેબ આજકાલ દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવા મથી રહ્યા છે. તેમનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. આશા રાખીએ કે તેમની આ મથામણ ભારતને ફળે. ઓબામાભાઇના આમંત્રણને માન આપીને અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપીને પ્રધાનમંત્રીજી આજે જ અમેરિકાની ‘રોકસ્ટાર’ યાત્રા પતાવીને સ્વદેશ પરત ફર્યા છે. (પ્રવાસી ભારતીય દ્વારા આયોજીત મેડિસન સ્ક્વેર ગાર્ડનનું એ ભાષણ ઇતિહાસમાં ખરેખર યાદગાર બની જશે. લખી રાખજો.)

– અમેરિકાની આ યાત્રા દરમ્યાન ત્યાંથી ભારતીય મીડીયાની ઓવર-રિપોર્ટીંગ અને પળેપળનું કવરેજ જોઇને નવાઇ લાગી. (નોર્મલ રિપોર્ટીંગ સુધી ઠીક લાગે પણ સાવ આમ પાગલપનની હદ સુધી તો ન જવાય ને… ખૈર.. અમેરિકાનું તો રામજાણે પણ મોદી સાહેબનું કદ આ લોકોએ ભારતભરમાં થોડું ઔર વધારી આપ્યું એ નક્કી છે.)

– લગભગ હવે બધા જાણે જ છે એટલે પેલા ક્રાંતિકારી ચેનલવાળા રાજદિપભાઇ સાથે બનેલી સુખદ ઘટનાનું લાંબુ વિવરણ કરતો નથી.. (એ ભાઇના લખ્ખણ જ એવા હતા કે…) અને આ યાત્રા દરમ્યાન અર્નબભાઇ ગોસ્વામીને મોદીના વખાણ કરતા જોઇને આંખમાં હરખના આંસુ ઉભરાઇ આવતા. ઇન્ડીયા ટીવી અને ઝી ન્યુઝવાળા તો જાણે આ મુલાકાત દરમ્યાન હરખઘેલા થયા’તા એમ કહી શકાય! (એમ તો મને પણ આ આખી ઘટના ઘણી ગમી છે.)

– વચ્ચે, ચીનના પ્રમુખ શ્રી શી’ભાઇ જીનપીંગ (ગુજરાતીમાં આમ જ લખાય) ચીનથી સીધા અમદાવાદ આવ્યા હતા. આપણાં નરેન્દ્રભાઇ તો જાણે વેવાઇ જાન જોડીને આવ્યા હોય એમ હરખાઇને દિકરીના બાપની જેમ ચીની પ્રમુખની આગતા-સ્વાગતા કરી હતી અને ઝુલે ઝુલાવ્યા હતા! (અરે.. ના ભાઇ ના. મોદી સાહેબે શી’ભાઇને રિવરફ્રન્ટ પર ઝુલે ઝુલાવ્યા તેનો મને કોઇ વાંધો નથી; પણ આ તો એવું છે ને કે કંઇક આડુંઅવળું શોધીને મુકીએ તો લોકોમાં આપણી’બી ઇજ્જત વધે અને આપણે ઇન્ટેલીજન્ટ લોકોમાં ગણાઇએ! 😉 )

– આજે ગાંધીજયંતિના દિવસે દેશના સ્વચ્છતાના આગ્રહનું સુંદર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તો તેમાં યથાયોગ્ય ભાગીદાર બનવા સૌને આગ્રહ છે. જો ગંદકીને સાફ કરવામાં યોગદાન આપી શકો એમ ન હોવ તો કમ-સે-કમ આપ હવે ગંદકી નહી ફેલાવીને પણ સ્વચ્છતાના આ અભિયાનમાં આપનું યોગદાન આપી શકો છો. (નોંધ: મોબાઇલ-કોમ્પ્યુટરમાંથી વધારાના ફોટો-વિડીયો-ફાઇલ ડીલીટ કરવા -એ આ અભિયાનનો હિસ્સો ન ગણી શકાય.)

– લાગે છે કે હવે અપડેટ્સની ગાડી રાજકીય ટ્રેક ઉપર ચડી ગઇ છે. ઓકે. તો વધુ અપડેટ્સ નવી પોસ્ટમાં ઉમેરવામાં આવશે એવા શુભ વિચાર સાથે અહી એક અલ્પવિરામ લઇએ.

– આવજો.. ખુશ રહેજો..

# આ પોસ્ટ બે દિવસ પહેલા લખાયેલી પડી છે પણ તેને ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં થોડો સમય થયો હોવાથી આજે કેટલીક જુની અપડેટ્સ જોવા મળશે. ફેશ અપડેટ્સ માટે જોતા રહો, મારો બગીચો! 🙂