અપડેટ્સ – 55

~ લગ્નો તો દરેક વર્ષ જેવા જ છે. ઠંડીમાં જમવાની અને ઢંકાઇને ફરવાની મજા અલગ હોય છે! જો કે લેડીઝ-લોગના બેકલેસ, ડીઝાઇનર, સ્ટાઇલીસ્ટ શોર્ટ ડ્રેસ જોઇને મને જેકેટ્સમાં ઢંકાયેલા હોવા બદલ સંકોચ પણ થાય. (સ્ત્રીઓને કુદરતે અનોખી શક્તિ આપી હોય છે કે તેઓને ફેશન કરવી હોય તો વાતાવરણ તેમાં બંધનરૂપ બનતું નથી, લેકીન અપ્પન કે લીયે તો ફેશન જે જ્યાદા ઠંડી સે બચના જરૂરી હૈ દોસ્ત!)

~ મેડમજી સ્વસ્થ છે અને છઠ્ઠા મહિનાની તકલીફો જણાવ્યા રાખે છે. સાંભળ્યા સિવાય બીજું શું કરીએ? મુસાફરી, ડ્રાઇવિંગ અને ભારે કામ બંધ કરવા જેવી જરૂરી સુચનાઓ દવાઓ સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવી છે. આ પ્રોસેસમાંથી બીજીવાર પસાર થઇ રહ્યો છું એટલે પહેલાં જેવું એક્સાઇટમેન્ટ નથી થતું. (પણ એ લાસ્ટ સરપ્રાઇઝનો બેહદ ઇંતઝાર છે.)

~ રોજ સવારે વ્રજને સ્કુલે મુકવા જવું અને બપોરે સમયસર લેવા જવાનો નિત્યક્રમ જાળવવો ભારે પડે છે. એકવાર માત્ર 10 મિનિટ મોડું થયું એમાં ઘણો રડયો’તો કે બધા છોકરાંઓ જતા રહ્યા અને તમે મને લેવા કેમ ન આવ્યા. થોડું સમજાવ્યા બાદ હવે તે એ બાબતે સહમત છે કે ક્યારેક પપ્પાને મોડું થઇ શકે છે, એમાં રડવાનું ન હોય. (બાપ ઉપર ગયો છે એટલે સમજદાર તો હોવાનો જ! 🙂 )

જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!
જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!

~ ઉત્તરાયણ વિશે નવું ખાસ લખવા જેવું લાગતું નથી. ઘણાં લોકો આસપાસ હતા છતાંયે કંઇક સુનુ-સુનુ લાગ્યું. આ તહેવાર પ્રત્યેનો મારો સખ્ખત લગાવ ક્યાં ખોવાઇ ગયો હશે? વ્રજને આ વખતે પતંગ ચગાવતા શીખવ્યું છે, આવતા વર્ષે પણ ફરી શીખવવું જ પડશે એ નક્કી છે. અમે નાના હતા ત્યારે પતંગ માટે જે ઉત્સાહ હતો તે નવી જનરેશનમાં દેખાતો નથી. (અમારા વડીલો કરતાં અમારા શોખ અલગ હતા તો હવે નવી પેઢીના શોખ પણ લેટેસ્ટ જ રહેવાના જ ને.. #જનરેશન_ગેપ )

~ આ ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની અસર દેખાઇ. જુની દેશી-તુક્કલ જે પતંગની દોરી સાથે બાંધીને આકાશમાં મુકવામાં આવતી તે બધું અમે વ્રજને લાઇવ બતાવવા ઇચ્છતા હતા પણ કમનસીબે માર્કેટમાં ક્યાંય તે ન મળી. પણ એમ હાર માની લઇએ એવા તો અમે નથી. અમે તેને જાતે બનાવી અને સક્સેસફુલ્લી લૉન્ચ કરીને લક્ષ્ય પાર કર્યું! વ્રજને ઘણી મજા પડી. (અને અમને તેને કંઇક નવું બતાવ્યાનો સંતોષ થયો.)

~ આ દિવસે ઘણાં સમય પહેલાં ખરીદવામાં આવેલી એક રસપ્રદ બુક હાથમાં આવી ગઇ’તી એટલે મેં મારો ઘણો સમય કિન્ડલ સાથે વિતાવ્યો. જો કે હજુયે તે પુરી નથી થઇ અને આ પુસ્તકને પુરું વાંચી લીધા બાદ તે વિશે અલગ પોસ્ટમાં વિચાર રજુ કરવામાં આવશે. (બુક પઢનેમેં વક્ત તો લગતા હૈ.. ક્યારેક 2-4 દિવસમાં પુરી થાય તો ક્યારેક 2 મહિના પણ ચાલે!)

~ દેશ દુનિયામાં અત્યારે મુખ્યત્વે અમેરિકામાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રંપએ રાષ્ટ્રપ્તિપદના સપથગ્રહણ કર્યાના સમાચાર છે. આપણે ત્યાં ઉત્તરપ્રદેશ અને પંજાબની ચુટણીની ધમાલ ચાલું છે. સાઇકલ બાદ અખિલેશભાઇ હવે ઉત્તરપ્રદેશ જીતવામાં જોર લગાવશે. મોદી સાહેબ પણ જોર લગાવી રહ્યા છે પણ જો કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ એક થયા તો મને અહીયાં બિહારવાળી થાય એવું લાગે છે. પંજાબમાં કોંગ્રેસ-આપ-અકાલીદલ-બીજેપી વચ્ચે વિચિત્ર સ્થિતિ છે એટલે ત્યાં અનુમાન કરવું મારી માટે શક્ય નથી લાગતું. (જ્યાં ન સમજાય ત્યાં ચાંચ ન મારવી -આવું મારા ટીચરે 5માં ધોરણમાં શીખવ્યું’તું!)

~ ઓકે. આ પોસ્ટ પુરતી વાતો થઇ ચુકી છે એટલે બીજી વાતો નવા પેજ પર કરવામાં આવશે. (એ બહાને ફરી અહીયાં આવીશ તો કંઇક વધારે પણ લખી શકાશે.)

અપડેટ્સ – 54

~ ઠંડીની સિઝન ત્રણ દિવસથી જણાઇ રહી છે. અમદાવાદમાં રૂતુ કોઇ પણ હોય, 12 થી 4 નો તડકો ઉનાળાની યાદ અપાવશે જ. (સાંજ-સવાર ગાડીમાં હીટર યુઝ કરો અને બપોરે એસી, સાથે શરદી ફ્રી ફ્રી ફ્રી!)

~ કંઇક નવું કરવાના ચક્કરમાં આપણી સાથે જોડાયેલી જુની વ્યવસ્થા કે વસ્તુને ક્યારે ઇગ્નૉર કરવા લાગી જઇએ છીએ એ પણ ખબર નથી પડતી. (નવું ભલે ને આકર્ષક-અપડેટેડ હોય, જુનુ પણ વ્હાલું હોઇ શકે છે તે શીખવા મળ્યું.)

~ હું મારાથી દુર જઇ રહ્યો છું એવી લાગણી થયા રાખે છે. માત્ર જીંદગીને જીવી નાખતા વ્યક્તિ કરતાં મને મારું અલગ હોવાપણું જાળવી રાખવાની કવાયત ચાલું છે. (ક્યારેક મને બદલાવા માટે સામુહિક દબાણ હોવાનો અહેસાસ થાય છે.)

~ ઘણાં લાંબા સમયથી બુક્સ વિશે કોઇ અપડેટ નથી કરી. એક વાત મને સમજાઇ કે વધારે બુક્સ ખરીદવાથી તમારું વાચન ઘટવાની શક્યતા વધી જાય છે. (એક બુક પુરી થાય પછી બીજી કઇ વાચવી તે પસંદ કરવામાં હમણાં અઠવાડીયું વિતી રહ્યું છે!)

~ ચેતન ભગતની વન ઇન્ડીયન ગર્લ  વંચાઇ ગઇ છે. લેખકની છેલ્લી બુક ટુ સ્ટેટ્સ ના પ્રમાણમાં આ ઇન્ડીયન ગર્લ થોડી ફીક્કી લાગી. (બની શકે કે ‘ટુ સ્ટેટ્સ’ ની નેશનલ સ્ટોરી સામે ‘વન ઇન્ડીયન ગર્લ’ ની ઇન્ટરનેશનલ સ્ટોરી મારું લોકલ મન પચાવી શક્યું ન હોય.)

 ~ આમીરખાનની દંગલ ખરેખર સરસ મુવી છે. એક્ટીંગ અને સ્ટોરીલાઇન તો બેસ્ટ છે જ પણ મને તેનો રીયલ-લાઇફ ટચ ઘણો ગમ્યો. (સ્પોર્ટ્સ બેઝ ધરાવતી મેરીકોમ, સુલતાન અને એમ.એસ.ધોની પણ સારી ફિલ્મ હતી.)

~ આપણી આસપાસ જ ઘણી પ્રેરણારૂપ વ્યક્તિઓ અને ઘટનાઓ હોય છે પણ આપણે ત્યારે જ તેની નોંધ લઇએ છીએ જ્યારે તે વિશાળ રૂપ લઇને પ્રત્યક્ષ આવે.

~ 7 તારીખે Maker Fest માં જવાનું નક્કી કર્યું છે.

~ નવા વર્ષમાં કોઇ નવો નિયમ લેવાનું નાટક અમે નથી કરતાં તો પણ આ વર્ષે કમ-સે-કમ અહિયાં નિયમિત બનવાનો વિચાર છે. (છેલ્લા 3 વર્ષમાં 10થી વધુ વખત આ વિચારની નોંધ અહીયાં થઇ હશે.)

~ અત્યારે છોટુની બહેનની રાહ જોઇ રહ્યા છીએ. લગભગ પાચમો મહિનો પુરો થયો છે. મેડમજી સ્વસ્થ છે અને બીજુ બધુ નોર્મલ છે. જો કે આવનાર સંતાન દિકરી જ હોય તે ચોક્કસ નથી છતાંયે ઘરમાં બધાની ઇચ્છા એ જ છે. (મને લાગે છે કે જ્યાં અનિશ્ચિતતાઓ વધુ હોય ત્યાં કોઇ એક આશા ન રાખવી સારી રહેશે.)

~ બીજુ સંતાન પરિવારના વિસ્તરણનું આખરી સ્ટેજ છે, ત્યારબાદ અમે માત્ર પરિવારની જાળવણીમાં સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરીશું. (બે બસ!)

~ કાલે સવારે વ્રજને સ્કુલે મુકવા જવાનું છે અને અત્યારે રાત્રીના 2 વાગી રહ્યા એટલે હવે મન આરામ કરવા કહી રહ્યું છે. બીજું ફરી ક્યારેક ઉમેરીશ એ આશા સાથે.. અસ્તુ.