અપડેટ્સ – ૧૭૦૬૧૩

Sabarmati Riverfront Road

અપડેટ્સ - ૧૭૦૬૧૩

~ ઘણાં સમય પછી અપડેટ્સની નોંધ થશે એવું જણાય છે. (પોસ્ટ ન ઉમેરી હોય તો એવું જણાય ને!.. એમાં કોઇ નવાઇ નથી.)

~ નવા ઉગેલા ફુલના ચક્કરમાં બગીચાનો માળી તેના આખા બગીચાનું કાયમી કામ ભુલી ગયો હોય એવી સ્થિતિ છે. (એક રીતે જોઇએ તો એ નવા ફુલની વાતો પણ મારા બગીચાની અપડેટ્સ જ છે ને..)

~ ઓકે તો લેટેસ્ટ અપડેટ્સમાં તો એવું છે કે વ્રજ, નાયરા અને મેડમજી વેકેશન પુરું કરીને ઘરે આવી ગયા છે અને ગઇ કાલથી વ્રજની સ્કુલ શરૂ પણ થઇ ચુકી છે. મને એમ હતું કે વ્રજ આટલા લાંબા વેકેશન પછી ફરી સ્કુલ જવામાં એક-બે દિવસ આનાકાની કરશે પણ તે આ બાબતે જરાયે મારા જેવો નથી. (બોલો, ખુશી થી સ્કુલ જવા તૈયાર થઇ ગયો મારો દિકરો! ગુડ બૉય.)

~ બગીચાના ફુલો ફરી ફુલદાનીમાં ગોઠવાઇ જશે -આ વાળી વાત અત્યાર સુધી ૭૫૦ લોકો પોસ્ટ કરી ચુક્યા છે અને આ વૉટ્સએપ ફોરવર્ડીયાઓના તો મોબાઇલ છીનવી લેવા જેવા છે! 😜 આવી પોસ્ટ લખનાર/ફોરવર્ડ કરનાર ભાઇ (કે બહેન)ને એમ હશે કે તે પહેલી વાર કહી રહ્યા છે! પણ તેમની આવી ધારણા સિવાય બીજું કંઇ જ નવું નથી હોતું… (તે માસુમ ઇન્સાન જે ભલું-બુરું જણાવવા ઇચ્છતા હોય છે તે બધું જ આ સંસારમાં અગાઉ કહેવાઇ ચુક્યું હોય છે!)

~ આજકાલ સમગ્ર ગુજરાતની સ્કુલોમાં ફી વિશે જબરી અસમંજસતા ચાલી રહી છે. અન્ય વાલી’ઓ મને તેમની લડતમાં જોડાવવા અને સરકારી નિયમોના આધારે વધારે ફી ની વિરુધ્ધમાં લડવા આગ્રહ કર્યો છે પણ ખબર નહી કેમ મને આ લડતમાં તર્ક નથી દેખાતો. શિક્ષણનો ખર્ચ હવે ખરેખર ઘણો વધી ગયો છે તે આપણે સૌ જાણીયે છીએ અને તેની પર સરકારી અંકુશ હોય તો ઉત્તમ છે; પણ દરેક સ્કુલ માટે એક જ નિયમે ફી નક્કી ન કરી શકાય તે સ્વીકારવું પડશે. (અત્યારે તો મામલો હાઇકોર્ટમાં છે પણ મને લાગે છે કે છેલ્લે આમાં ભીનું સંકેલાઇ જશે. રાજકારણીઓની જ ઘણી સ્કુલો છે એટલે ચુટણી સુધી કેસ ખેંચાશે અને પછી જૈસે થે!)

~ વ્રજની સ્કુલમાં તો દરેક સ્ટુડન્ટના એડવાન્સ ચેક લઇ લીધા છે અને એક ચેક તો ક્લીઅર પણ થઇ ગયો છે. બીજા ચેક તેઓ ગવર્નમેન્ટ પોલીસી નક્કી કર્યા બાદ જ તેમના એકાઉન્ટમાં ભરશે એવું સ્કુલના વ્યવસ્થાપકોનું કહેવું છે. (જો કે કેટલાક અવિશ્વાસુ વાલીઓએ સ્ટૉપ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરેલો છે.)

~ ધંધાની એક નવી જગ્યાને સજાવવામાં હમણાં વ્યસ્ત છું અને નિયમિતતા ને છંછેડીને થોડો અસ્તવ્યસ્ત પણ છું. જોઇએ કે આ નવી અસ્તવ્યસ્તતા મને ક્યાં સુધી લઇ જાય છે. દિમાગને હમણાં ફુલ્લી દિલથી ચલાવું છું. (મરકટ મનનું કંઇ નક્કી ન કહેવાય. કભી ઇસ ઔર તો કભી ઉસ ઔર..)

~ દેશ-દુનિયાની વધારાની ચિંતાને મનમાંથી કાઢવા માટે રાત્રે એક જ વાર ન્યુઝ ચેનલમાં હેડલાઇન્સ સિવાય વધુ ન્યુઝ ન દેખવાનો નિયમ ઉત્તમ સાબિત થઇ રહ્યો છે. આજકાલની અપડેટ્સમાં રાજકારણ વિશે ઘણી ઓછી વાતો નોંધ થતી હોવાનું મુખ્ય કારણ આ નિયમ છે. (હા પણ પેલા એન.ડી.ટી.વી. ના પ્રણવ રૉય સાથે જે થયું તે હજુ ઘણું ઓછું છે. યે દિલ માંગે મોર..)

~ વરસાદ આવવાની તૈયારી જણાય છે હવે. અત્યાર સુધી એક વાર મસ્ત કરાં અને બે વાર હળવા ઝાપટાં આવ્યા છે. લેકીન મેઇન સિઝન અભી બાકી હૈ મેરે દોસ્ત.. (આપણી ફેવરીટ સિઝન હોં કે! 🙂 )

# નોંધ લાયક: કાલે જ કોઇ સાથે ચર્ચા કરતાં યાદ આવ્યું કે હું લગભગ 3.5 વર્ષથી બિમાર નથી થયો! (ટચ વુડ!.. 😇 )

અપડેટ્સ - ૧૭૦૬૧૩

હેડર ચિત્રઃ ‘સુંદર’ રિવર ફ્રંટ રોડ, સાબરમતીના કિનારે, અમદાવાદ
ચિત્રને કેમેરામાં કંડારનારઃ એ જ.. અમે પોતે.

દિવાળી-સ્પેશીયલ પોસ્ટ !

– બે દિવસ પછી દિવાળી છે એટલે દિવાળી સ્પેશીયલ પોસ્ટ તો હોવી જ જોઇએ ને.. (એમ તો આ પહેલા એક ‘નવરાત્રી સ્પેશીયલ પોસ્ટ’ હોવી જોઇતી’તી પણ આ તો એવું છે ને કે જે ભુલાઇ ગયું હોય તે વિશે હવે કંઇ કહી ન શકાય.)

– આપ સૌ મુલાકાતીઓ તથા દુર બેઠા મારા શબ્દોને વાંચીને માણી લેતા (અને સહન કરી લેતા) સર્વે સજ્જનો (અને સન્નારીઓ) ને દિવાળીની ઘણી-ઘણી શુભેચ્છાઓ!

– આજકાલના અપડેટ્સ વિશે શોર્ટમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મોજમાં દિવસો વિત્યા છે ને મસ્તીમાં રાત વીતી છે. (આ વર્ષે પ્રથમવાર એક દિવસ સિવાય આખી નવરાત્રી ઘરે આરામ કરવામાં જ કાઢી નાખી બોલો..)

– સાલું, આ તો ઘણી નાની પોસ્ટ થાય એમ લાગે છે… ઓકે, તો ટેણીયાના થોડા ફોટો પણ ઉમેરી દઉ છું.

– અરે ટેણીયાથી યાદ આવ્યું, થોડા દિવસ પહેલા તેને શરદી-તાવ-કફ એટલા વધી ગયા’તા કે ડૉક્ટરે એક્સ-રે જોઇને ન્યુમોનીયાની અસર હોવાનું જણાવી ‘જલ્દી દાખલ કરી દો’ ની સલાહ આપી હતી. જો કે પછી ડૉક્ટરસાહેબ મમ્મીની કડક પુછપરછમાં ભાંગી પડ્યા’તા અને તેમની ‘મોંઘી’ સલાહ પરત ખેંચીને વધુ ‘મોંઘી’ દવાઓ લખી આપી’તી!! છેવટે ત્રણ-ચાર દિવસમાં અમારા ‘છોટુ સાહેબ’ ઠેકાણે આવ્યા અને અમને સૌને શાંતિ થઇ. (પેલો આમિરખાન બિચારો ‘સત્યમેવ જયતે’માં સાચું કેતો’તો.)

– ટેણીયાનું હમણાંનું નવું નામ છે – ‘ચંપા’ (અને આજકાલ તે જે નખરાં કરે તેને અમે ચંપાગીરી* કહીએ છીએ!)

– દિવાળી પછી વળી ઘણો સમય મળશે એટલે અહી નવા વિષય/વિભાગ ઉમેરવાનો વિચાર છે. (એમ તો હું કેટલાયે વિચાર કરતો રહું છું પણ અમલમાં મુકુ ત્યારે વાત…ખરું ને?)

– દિવાળીમાં ખાજો-પીજો હરજો-ફરજો અને મોજ-મજા કરજો. (અને જો એવું કંઇ ન કરવું હોય તો આરામ કરજો પણ મહેરબાની કરીને કોઇને ન નડજો.)

– એય….. આવજો હોં..

*આ શબ્દનો કોપીરાઇટ માત્ર અમારી પાસે છે!

– અમારી ચંપાના મારા દ્વારા લેવાયેલા બે-ત્રણ આડા-અવળા ક્લિક’સ..Champa_3

Sep’13 : અપડેટ્સ

. . .

– ઘણાં દિવસ થયા છેલ્લી અપડેટ્સ મુક્યાને…. લગભગ એક મહિનાથી વધુ સમય થયો છે! (આટલા દિવસોમાં લખવા લાયક કોઇ અપડેટ્સ ન હોય એવું ન બને!)

– આજે લખવા બેઠો તો છું પણ લાગતું નથી કે વધુ ઉમેરી શકાય, કેમ કે કલાક પછી એક વાર્ષિક સમારંભ માટે ગાંધીનગર જવાનું છે અને પછી આખો દિવસ ત્યાં જ સચવાઇ રહેવાનું છે. (આ મારો ફેવરીટ સમારંભ પણ છે એટલે તેને ગુમાવવો મને નહી ગમે.)

– બિમારીના એ દિવસો તો વહેલા જ પુરા થઇ ગયા’તા પણ દવાઓ ચાલું હતી. આગળના વાક્યના અંતમાં ‘હતી’ કહેવાનો મતલબ એ છે કે આજે તે દવાઓનો અંત આવ્યો. સવારે જ તેના આખરી ડૉઝને પેટમાં પધરાવ્યો અને એક લાંબી માંદગીમાંથી સફળતા પુર્વક બહાર આવ્યાનો આનંદ મનાવ્યો. (હવે એક છેલ્લો રિપોર્ટ કરાવવાનો બાકી રહ્યો પણ તે નોર્મલ જ રહેશે તે નક્કી છે.)

– ‘છ મહિના આરામ’નો એ સમય કેમ વિતશે તે વિશે હજુ તો વિચાર કરતો હતો અને આજે તે સમય પુરો થઇ પણ ગયો! ઘડીયાળ પણ એ જ છે અને તેના કાંટા પણ એ જ ગતિથી ચક્કર કાપી રહ્યા છે છતાંયે સમજાતુ નથી કે આ સમયની ઝડપ આટલી કેમ વધી ગઇ છે! (મને હમણાં બેકગ્રાઉન્ડમાં ‘મહાભારત’નો “મૈ સમય હૂં” -વાળો અવાજ સંભળાઇ રહ્યો છે!)

Read more