ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd

– અગાઉની પોસ્ટમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને આખરે અમલમાં મુકવામાં આવી રહી છે. (હાશ, આજે એક સંભાવના તો અમલ સુધી પહોંચશે!)

– આપણે જાહેર/ખાનગીમાં હિન્દી/અંગ્રેજી ફિલ્મના હોંશે હોંશે વખાણ/નિંદા કરીએ પણ હજુયે અહી (એટલે કે ગુજરાત/ગુજરાતીઓમાં) સામાન્ય રીતે ગુજરાતી ચિત્રપટ (એટલે કે ફિલ્મ) વિશે ચર્ચા કરવાનો કે તેની રિવ્યુ અપડેટ કરવાનો રિવાજ નથી. (તે ન જ હોય ને… રીવ્યુ કરવા જેવી ફિલ્મો પણ ક્યાં બને છે!)

– પણ… છેલ્લા કેટલાક વર્ષથી આ ક્ષેત્રે પવનની દિશા બદલાઇ છે! હવે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. (આવી ગયું છે એમ તો ન કહેવાય કેમ કે હજુ તો ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.) અહી સરખામણી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટીય ફિલ્મ સાથે નથી, પણ અન્ય સ્થાનિક/પ્રાદેશિક ફિલ્મ સાથે તુલનાની વાત છે. આ માટે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઉદાહરણ/સીમાચિન્હરૂપ ગણી શકાય. (એ જમાનો કયારે આવશે જ્યારે રાષ્ટ્રીય/હિન્દી ટીવી ચેનલો ગુજરાતી ફિલ્મો હિન્દીમાં ‘ડબ’ કરીને આખા દેશના માથે મારતી હશે!! આમ પણ પેલા લુંગીધારીઓ ની ફિલ્મો જોઇને બધા થાક્યા છે…)

– કદાચ પ્રસ્તાવનામાં ઘણું કહેવાઇ ગયું છે એટલે હવે મુળ મુદ્દા તરફ આવીએ. (નહી તો કયાંક વધુ કહેવાઇ જશે તો વળી કોઇ ગુજ્જુ ફિલ્મી ચાહકની લાગણી દુભાશે.)

– સૌ પ્રથમ તો ફિલ્મના પોસ્ટર જોઇ લો… ઘણાંને ખબર જ નથી કે આવી કોઇ ફિલ્મ રિલીઝ પણ થઇ હતી તો માત્ર તેમની જાણ માટે. (અને કોઇને એમ ન લાગે કે હું ફિલ્મના નામે ગપ્પા મારી રહ્યો છું! 😉 )

– નામ પ્રમાણે થોડીક હટકે ફિલ્મ તો છે. આ ફિલ્મની આખી વાર્તા ટુંકમાં જ કહી દેવાય એવી છે પણ અહી કહેવા કરતાં આખી ફિલ્મને નિહાળવામાં વધારે મજા આવે એવું છે. (તો પણ સ્ટોરી તો જણાવીશ જ.)

– આખી ફિલ્મ એક કુટુંબના સ્વકેન્દ્રી સભ્યો અને તેમાંયે મુખ્યત્વે એક વ્યક્તિની આસપાસ ફરે છે. આ પરિવારમાં સોફિસ્ટીકેટેડ વાઇફ, સ્ટ્યુપીડ દિકરી અને ડ્યુડ જાડીયો(દિકરો) પણ છે જે તેના બાપને ‘બ્રો'(bro) કહીને બોલાવે છે! દરેક પાત્રનો અભિનય વખાણવા લાયક છે પણ આખી ફિલ્મમાં જો કંઇ નબળું લાગ્યું હોય તો તે છે તેની વાર્તા. (યાદ રાખો: હું કોઇ પ્રોફેશનલ રીવ્યુઅર નથી. આ માત્ર મારો અંગત મત છે.)

– સ્ટોરી ટુંકમાં કહું તો ફિલ્મનો મુખ્ય એક્ટર મુંબઇમાં મોટો બિઝનેસમેન છે જેને કોઇ કિલર તરફથી મારી નાખવાની ધમકી મળે છે જેથી તે કિલરથી બચવા પોતાના પરિવારને લઇને ગુગલ પણ ન શોધી શકે એવા ગામમાં છુપાવા જાય છે જે તેનું મુળવતન છે અને ત્યાં તેના મોટાભાઇ પણ રહે છે. આ એક એવું ગામ છે જયાં પૈસાની કોઇ ‘વેલ્યુ ‘ નથી અને બધા લેતી-દેતીના વ્યવહારો સાટા પધ્ધતિથી થાય છે જેના કારણે ગામમાં નવા આવેલા આ શહેરી પરિવાર માટે ગુંચવાડા/સમસ્યા અને રમુજી ઘટનાઓ ઉદભવે છે. છેલ્લે દુર રહેતા ભાઇઓ નજીક આવે છે અને સ્વકેન્દ્રી સભ્યોમાંથી એક પરિવાર બને છે. બસ, વાર્તા પુરી. (પછી ‘ખાધુ-પીધુને રાજ કર્યું’ એમ માની લેવું.)

– પણ પણ પણ….. જે કંઇ જોવા અને માણવા જેવું છે તે બધું આ નાનકડી સ્ટોરીની વચ્ચે સમાયેલું છે અને તે માટે તો આખી ફિલ્મ જ જોવી પડે. ફિલ્મમાં વિલનના જોડકણાં સાંભળીને ફેસબુકીયા કવિઓ યાદ આવી જશે. (પ્રાસ બેસી ગયો એટલે ‘શેર’ તૈયાર!!)

– ઘણી ફ્રેશ કોમેડી છે તો કોઇ-કોઇ જગ્યાએ ચીલા-ચાલું જોક્સને નવો ઓપ આપવામાં આવ્યો છે. જો મગજ વાપરશો કે હિન્દી/અંગ્રેજી (કે તમીલ/તેલુગુ) ફિલ્મ સાથે સરખામણી કરશો તો ફિલ્મ ઓછી ગમશે પણ ગુજરાતી ફિલ્મ સાથે સરખામણી કરશો તો ચોક્કસ ‘વન ટાઇમ વૉચ’ ફિલ્મ લાગશે.

– આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ માટે ઓડિયન્સને થીયેટર સુધી ખેંચી લાવે તેવા મજબુત કારણો હોતા નથી અને વળી આ ફિલ્મ ઘણાં ઓછા થીયેટર/મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થઇ હતી એટલે તેને પ્રમાણમાં ઓછું ઑડિયન્સ મળ્યું હોઇ શકે એવું મારું માનવું છે. (અને મારા મતે માર્કેટીંગમાં પણ ‘કેવી રીતે જઇશ‘ કરતાં આ ફિલ્મ થોડી કાચી પડી છે)

– હવે કદાચ આ ફિલ્મ થીયેટરમાં તો નહી રહી હોય એટલે બીજે કયાં જોવા મળી શકે તે અત્યારે કહેવું મુશ્કેલ છે અને તેની CD/DVD માર્કેટમાં આવતા પણ એકાદ વર્ષ લાગી શકે. એટલે જેઓ ચુકી ગયા હોય તેઓએ થોડી રાહ જોવી જ પડશે.

આ ફિલ્મને બગીચાના માળી તરફથી..
rating at marobagicho5 માંથી 2.5 ફુલડાં


Photo credit : http://theahmedabadblog.com

Dec’13 : અપડેટ્સ

– એકવાર ફરી ઘણાં દિવસે અહી હાજરી પુરાવવા આવ્યો છું. (કેટલાકને તો હવે એવું લાગતું હશે કે આ મારો કાયમી ડાયલૉગ છે!)

– દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિક્કાર લગ્નો રહ્યા. અમે તો એક ગામ થી બીજે ગામ અને વચ્ચે કયારેક-કયારેક ઘરે પણ કુદકા મારતા રહ્યા. (ભલું થજો કમુરતાનું કે જેણે હવે થોડી રાહત આપી છે.) ઠંડી આવીને ચાલી ગઇ હતી પણ વળી બે દિવસથી ચમકતી જણાય છે.

– વ્રજના પરાક્રમો દિવસે-ને-દિવસે વધી રહ્યા છે. લગ્નોએ તેનું ટાઇમટેબલ પણ બગાડી નાખ્યું છે પણ તે બિમાર નથી પડયો એટલી શાંતિ છે. વળી એકવાર તેને કોઇ રસી અપાવવામાં આવી છે. મેડમજી તો તેની પાછળ દોડી-દોડીને હવે થાકે છે અને તેના પછી થાકવાનો વારો મારો હોય છે. (પણ એ નથી થાકતો..) જો તેને મજા આવતી હોય તો અમને આમ થાકવાનો પણ આનંદ છે. એકંદરે તેને એક ખુશમિજાજ પણ થોડો તોફાની છોકરો કહી શકાય.

– આમ તો ખાસ ડિમાન્ડ નથી તેમ છતાંયે અગાઉ જાહેરાત મુજબ અમારી ચંપાનો ટકા-ટક ફોટો ચોક્કસ મુકવામાં આવશે. (કમસેકમ અહી યાદગીરીમાં તો સચવાઇ રહેશે.)

– સરસ સમાચાર: અમદાવાદ ટ્રાફિક પોલિસ હવે શહેરીજનોની સેવા-સુવિધા-સુચન અને ફરિયાદ માટે Whatsapp પર 24×7 હાજર રહેશે! જો આપને કોઇ જગ્યાએ ટ્રાફિકજામ/અકસ્માત કે રોડ પરની અસગવડતા અંગે ફરિયાદ કરવી હોય તો તમે 9979921095 નંબર પર અમદાવાદ ટ્રાફિક પોલિસનો સીધો સંપર્ક કરી શકો છો અથવા તો જે-તે ઘટનાનો ફોટો કે વિડીયો મોકલી શકો છો.

– ટ્રાફિક પોલિસ દ્વારા આવા સુચનો કે ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાનો અને ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવાનો વાયદો આપવામાં આવ્યો છે. (…તો અમદાવાદીઓ તુટી પડો! પણ મહેરબાની કરીને તેમને પેલા ચવાયેલા મેસેજ/વિડીયો ફોરવર્ડ ન કરતા.) Ref. – ન્યુઝ

– થોડા દિવસો પહેલા “હેપ્પી ફેમીલી પ્રા. લી. ” ગુજરાતી ફિલ્મ જોવામાં આવી. ગુજરાતી ફિલ્મોમાં ફરી એકવાર નવો ટચ જોવા મળ્યો! આમ તો આ ફિલ્મ વિશે વિસ્તૃતમાં લખવું છે પણ તેનો અમલ થાય તે પહેલા ભુલાઇ જવાની સંભાવના વધુ છે એટલે તે અંગે હમણાં જ લખવાનો વિચાર કરું છું અને તે પોસ્ટ બે-ચાર દિવસમાં રજુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. (ખાસ નોંધ- આ હજુ સંભાવના જ છે.)

– હમણાંથી જે રીતે વિચારોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે તેનું પ્રમાણ જોતા એવું લાગે છે કે મારે કોઇ નવા વિચારો ન કરવા જોઇએ અથવા તો નક્કી કરેલા વિચારને તુરંત અમલમાં મુકવા જોઇએ. (એમ તો આ પણ એક વિચાર જ થયો ને! 😉 )

– અગાઉ મારા બગીચામાં જે નવા વિભાગ કે વિષય અંગે લખવાની જાહેરાત કરી હતી તે હવે કોઇને ‘સરકારી જાહેરાત’ જેવી લાગતી હોય તો તે બદલ હું દિલગીર છું. ‘સમય મળતો નથી’ એમ કહીશ તો તે કદાચ ખોટું કહેવાશે, કેમ કે સમય તો હોય છે પણ તેને અન્ય જગ્યાએ ફાળવી દેવાના કારણે જાહેરાતોને અમલમાં મુકી શકાતી નથી. (નોંધ: આ જાહેરાતોને કોઇ નેતા કે પક્ષની ચુટણી જાહેરાતો સાથે ન સરખાવવા ખાસ વિનંતી.)

– ચુટણીથી યાદ આવ્યું કે આજકાલ ‘આપ’ (AAP – આમ આદમી પાર્ટી) ઘણાં ચર્ચામાં છે! મારા અંદાજ વિરુધ્ધ અત્યારે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે તે જોઇને નવાઇ લાગે છે, પરંતુ ચુટણીમાં વિજય બાદ જે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે તે જોઇને વધુ નવાઇ લાગે છે!! (‘આપ’ના નેતાઓમાં રાજકીય કુનેહ-આવડત અને અનુભવનો કચાસ ચોખ્ખો દેખાઇ આવે છે.) સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ પક્ષ, AAP દ્વારા વારંવાર અપમાનિત થઇને પણ, જે રીતે તેમને બિનશરતી સમર્થન આપી રહ્યો છે!

– કેજરીવાલ ભલે સરકાર બનાવવા અંગે લોકમત માંગે પણ ફરીવાર ચુટણી યોજવી ન પડે એ પણ એક મજબુત મુદ્દો છે જેને સૌએ ધ્યાનમાં રાખવો જોઇએ અને ભાજપે જે રીતે સૌથી મોટા વિજયી પક્ષ હોવા છતાં તોડ-જોડ ન કરીને ‘આપ’ ને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું તે જોઇને તો મારું દિલ ભરાઇ આવ્યું છે બોલો… (ભારતની લોકશાહીમાં કયારેક આવો દિવસ પણ આવશે તેની કોઇએ કલ્પના નહી કરી હોય!)

– હોઇ શકે કે ભાજપ લોકોને બતાવવા માંગતો હોય કે તે કેટલો શુધ્ધ પક્ષ છે અથવા તો આમ આદમી પાર્ટીએ લોકોને જે ‘આસમાની વાયદા’ આપ્યા છે તેમાં કેટલી સચ્ચાઇ છે તે જતાવવા ઇચ્છતો હોય. કારણ જે હોય તે પણ એક નવી-સવી પાર્ટીએ વર્ષો જુના રાજકારણના અને રાજનીતિના સમીકરણો બદલી નાંખ્યા છે તે વાત તો સ્વીકારવી જ પડે. (થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી)

– ભાજપે અન્ય રાજ્યોમાં જે શાનદાર વિજય નોંધાવ્યો તેને માત્ર આ એક પાર્ટીએ ઝાંખો પાડી દીધો છે. આજકાલ તો બધે તેની જ ચર્ચા છે. જોઇએ સોમવારે શું નિર્ણય આવે છે. લગભગ શ્રી કેજરીવાલ સરકાર બનાવે તેવી સ્થિતિ છે. જો કે તેમના વાયદાઓનું લિસ્ટ જોઇએ તો લાગતું નથી કે તેઓ એક-બે સિવાય કોઇને પુરા કરી શકે. આશા રાખીએ કે તેઓ મહત્તમ કાર્ય કરી બતાવે. (કદાચ આ ડર અરવિંદભાઇને પણ હશે જ, એટલે જ તો સરકાર બનાવવાથી પણ કતરાઇ રહ્યા છે પણ આ તો હવે પબ્લીક ડિમાન્ડ છે એટલે સ્વીકાર્યા વિના છુટકો જ નથી.)

– લોકપાલ બીલ પુરપાટ ગતિથી આગળ વધી રહ્યું છે અને અણ્ણા-કેજરીવાલના બગડેલા સંબંધો એટલી જ ગતિથી વધુ બગડી રહ્યા છે. કોઇને ‘લોકપાલ’ મજબુત લાગે છે તો કોઇને જોકપાલ લાગે છે. જે હોય તે પણ આ દિશામાં એક કદમ આગળ વધ્યા તે મારે મન એક મહત્વની વાત છે. (ફરી એકવાર ખાસ નોંધ- હું અણ્ણાનો સમર્થક છું પણ અરવિંદ કેજરીવાલનો વિરોધી નથી અને હું કોંગ્રેસ કે ભાજપનો કાર્યકર નથી પણ મોદીનો ચાહક છું.)

– આજકાલ પેલા અમેરિકાવાળા દેવયાનીબેન ઘણાં ચર્ચામાં છે પણ તે અંગે મને વધુ જ્ઞાન નથી એટલે મારી ઓછી અક્કલનું પ્રદર્શન કરવું ઠીક નથી લાગતું. (નિષ્ણાંતોના મત અને સત્ય જાણ્યા બાદ જ આ મુદ્દે અહી વિશેષ ટીપ્પણી કરવામાં આવશે.)

– વળી રાજકીય વાતો ઘણી થઇ ગઇ. મારા વિચારો ઘણાં બદલાઇ ગયા છે તેનું પણ આ કારણ હોઇ શકે અને આજે પણ પોસ્ટ લાંબી થઇ ગઇ છે એટલે અત્રે વિરામની ઘોષણા કરું છું.

– જે મિત્રો/વડીલોના ઇમેલ મારા જવાબની રાહ જોઇ રહ્યા છે તેમને હજુ થોડી વધુ રાહ જોવી પડશે એમ લાગે છે. તે બદલ તેમની ક્ષમાની આશા છે. (લગભગ હજુ એક અઠવાડીયા પછી તે બધા ઇમેલને ન્યાય આપવાનો વિચાર છે.)

– શરીરમાં સ્વસ્થતા છે. મનમાં શાંતિ છે. દોડવાનું ભુલાઇ ગયું છે. કામકાજના વિષય અને દિશાઓ બદલાઇ ચુકી છે પણ ચારે તરફ બધું આનંદમંગલ છે અને હું ખુશ છું. (બીજું શું જોઇએ… 🙂 )

– તમે સૌ પણ ખુશ રહો એવી શુભકામનાઓ. આવજો.

મતદાન: થિએટરમાં તમે જોયેલી છેલ્લી ગુજરાતી ફિલમ કઈ હતી?

મેં મારો મત જણાવી દીધો છે.. 🙂