લિસ્ટ

List, યાદી લિસ્ટ
મારો બગીચો.કોમ

આગળની અપડેટ્સમાં ભુલાઇ ગયેલી મુલાકાતની નોંધ લીધી હતી તો તે જોઇને ફરી એક નવો વિચાર આવ્યો છે! (રીધમ હૈ ભાઇ.. એક વિચારથી બીજો.. અને બીજાથી ત્રીજો..)

આમ તો હું રોજ નવા-નવા વિચાર કરતો રહું છું પણ નવાઇ એ છે કે આજકાલ અમલમાં પણ મુકી રહ્યો છું! (યેહી તો બહુત બડી ચીજ હૈ બીડું!)

હા તો નવો વિચાર એ હતો કે મારા માટે એક એવું લિસ્ટ બનાવવું જેની અપડેટ્સ હું ભુલી રહ્યો છું.

તો અત્યારે યાદ આવતી અને અહીયાં નોંધ લેવામાં ભુલાઇ જતી હોય એવી વસ્તુઓ/વ્યક્તિઓ/વાતો તથા અપડેટ્સનું લીસ્ટ નીચે મુજબ છે. (યાદ આવશે તેમ નવા પોઇન્ટ્સ ઉમેરવામાં આવશે.)

  • બુક્સ ~ જે હું વાંચુ છું અને નથી પણ વાચતો! જે નિયમિત ખરીદુ છું અને ઘણી એમ જ મુકી રાખુ છું તો કોઇને સાથે લઇને ફરું છું.
  • ફિલ્મ્સ ~ રેટીંગ આપવાવાળા વધારે થઇ ગયા છે આજકાલ… પણ કોઇ-કોઇ ફિલ્મ વિશે મારા વિચારો ખરેખર લખવા જેવા હતા.
  • નાયરા ~ વ્રજ વખતે ઘણું લખ્યું હતું પણ મારી ઢબુડી વિશે લખવાનો સમય કાઢી નથી શકાતો. આમ તો દિકરી વિશે ઘણું લખાયેલું છે સાહિત્યમાં પણ મારા શબ્દોમાં લખવું છે.
  • વ્રજ ~ દિકરો મારો મોટો થતો જાય છે પણ નાયરા પછી તેને અપાતો ટાઇમ ઘટી ગયો છે. ફરિયાદ તો નથી કરતો પણ મારું દિલ કહે છે કે તેને પણ પુરતો સમય આપવો જોઇએ.
  • આસપાસના સ્થળ અને ગમેલી જગ્યાઓ ~ જ્યાં કંઇ નોખું હોય અથવા તો અનોખું હોય એવી જગ્યાઓ વિશે.
  • ફોટો ~ બહુજ બધી મસ્ત મસ્ત ક્લિક્સ છે મારા ખજાનામાં જેને અહીયાં યાદગીરી તરીકે અને દેખાડો કરવા મુકવા જેવી છે.
  • મારા અન્ય નખરાઓ અને સિક્રેટ્સ. ~ નૉ મોર કોમેંટ્સ અબાઉટ ધીસ. 🤫

ઉપરના લિસ્ટમાંથી અમલરૂપે સૌથી પહેલા નાયરાના ફોટોની એક અપડેટ કરવાનો વિચાર છે…

અજ્ઞાનવાણી

૧૭૦૨૨૪ અપડેટ્સ

~ નક્કી કર્યુ’તું કે દરેક અઠવાડીયે એક નવી પોસ્ટ ઉમેરવી પણ અમે જો નક્કી કરેલું કરતા હોત તો આટલા વિચિત્ર ન હોત. (એમ પણ પ્લાન કરેલી જીંદગી કેટલી બોરીંગ લાગે યાર..)

~ આવતી કાલે મિત્રો સાથે આબુ જવાનું છે. એમ જ, કારણ વગર. ઘણાં વર્ષો પછી આવી બોય્ઝ-ટુર કરવામાં આવી રહી છે. આબુનું નામ આવે એટલે લોકોના કાન ઉંચા થઇ જાય. અરે ના ભાઇ…અમારો હેતુ પહેલા પણ એ નહોતો અને આજે પણ નથી. આજસુધી તેને ટેસ્ટ કરવાનો પણ ચાન્સ નથી લીધો. (#પીયક્કડ-લોકો-માટે-ચોખવટ)

~ હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન તો દેવતાઓ પણ કરતાં અને આજે જેમનો દિવસ છે તે મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (કાયદાકીય જરૂરી વાક્ય: મદિરાપાન ગુજરાતમાં પ્રતિબંધિત છે અને હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય થઇ ચુક્યો છે. તથા અમે સીધી કે આડકતરી રીતે તેવી કોઇ વસ્તુનો પ્રચાર નથી કરતા.)

~ ગુજરાતમાં આ બદીથી દુર રહેનાર વ્યક્તિ મુખ્ય બે કારણસર દુર હોઇ શકે; કાયદાનો ડર અથવા તો ચાન્સની ગેરહાજરી. એમ તો શોખીનો સરહદ પાર કરીને ચાન્સ લઇ લે છે તો કોઇ-કોઇ સરહદ અંદર વ્યવસ્થા ગોઠવી લે છે. (ઓપન સિક્રેટ છે ભાઇ!) જો કે અમને ચાન્સ હોવા છતાંયે સ્વયં સંયમથી દુર છીએ. (અને કાયદો તો સંયમમાં રહેવાથી આપોઆપ પળાઇ જાય છે. 😀 )

~ મારા એક જુના પાર્ટનર યુ.પી. થી હતા. જાહેરમાં કહેવાય તો નહી પણ (અહીયાં કોણ વાંચવા આવે છે એટલે) જાણી લો કે; ન હોવી જોઇએ એવી લગભગ દરેક બુરી આદત તેમને હશે એવું કોઇ પણ કહી શકે. તેઓ મને વારંવાર કહેતા કે, “આપ કો તો ભગવાન લાત માર કે વાપસ ભેજેગા ઔર બોલેગા કી જાઓ પેહલે સબકુછ કરકે આઓ.” (નોંધ લેશો કે, લંકામાં રાક્ષસો વચ્ચે નિરાધાર હોવા છતાંયે પવિત્ર રહેલી સીતા જેટલો જ પવિત્ર હું આજે પણ છું. ઓકે. આ કળયુગમાં બધી રીતે પવિત્ર કોઇ ન હોઇ શકે પણ એટલીસ્ટ આ બાબતે તો ૧૦૦% શુધ્ધ છું જ.)

~ શ્વાસ લેવાની અને મન ફાવે એમ રહેવા સિવાયની બીજી કોઇ લત હજુ લાગી નથી. (આમાં કોઇને હું સારો વ્યક્તિ લાગીશ; તો.. કોઇ મને મુર્ખ માણસ પણ ગણી શકે.)

~ બે દિવસનો પ્લાન છે પણ હું એ વિચારું છું કે ત્યાં બે દિવસ કરીશું શું? ખૈર, મિત્રો રાખે એમ રહીશું.. ચલો, હવે બેગ પેક કરીએ. સવારે વહેલા નીકળવાનું છે.

~ ફરી મળીશું.. આવજો.

~ ખુશ રહો. 🙂

અપડેટ્સ-48 [April’15]

– અહીયાં જલ્દી જ આવવાનો વિચાર કરીને આગળની વાત પુરી કરી હતી પણ એકવાર ગયા પછી ફરી આવવાનો આજે મોકો મળ્યો. (મારું તો ક્યારનુંયે મન હતું, પણ કોણ માનશે?..)

– ખૈર, આજે આવ્યો છું તો બીજી વાતો પછી કરીશ. આજે અપડેટ્સનો વારો છે તો તેને જ ન્યાય આપીશું.

– આજકાલ એક એવો સમય પસાર થઇ રહ્યો છે જેમાં અહી ઉમેરવા માટે આમ તો ઘણું બધું છે પણ એ ઉમેરવા જેવું નથી. સીધી ભાષામાં કહું તો મને મારી જ બનાવેલી છાપ નડી રહી છે. (હોય ભ’ઇ, કંઇક એવું પણ હોય જે આમ જાહેરમાં કહીએ ને તો વાટ લાગી જાય.) આજે તો વિષય અપડેટ્સનો છે એટલે ભારે વાતો માટે નવા પાનામાં ચિતરામણ કરીશું

– પાછળના દિવસોમાં ચાર-પાંચ નાની-મોટી ફિલ્મ નિહાળવામાં આવી જેમાંથી ‘દમ લગા કે હઇસા’ મને ઘણી સરસ લાગી. તે વિશે એક અલગ પોસ્ટ બનાવવાનો વિચાર છે એટલે અહીયા વધુ નથી લખવું.

– હમણાંથી મારું ટ્રાવેલીંગ વધી ગયું છે અને રોડ ઉપરની મારી સ્પીડ પણ. (ટ્રાવેલીંગનો શોખ તો સારો છે પણ આ સ્પીડનો આનંદ હેરાન કરે તે પહેલા મારું ઉડતું મન કાબુમાં આવી જાય તો સારું. યોગા કરવાથી ઉડતા મન પર કાબુ મેળવી શકાય એવું કોઇ મિત્રનું સુચન છે; પણ તેના અમલ માટે વિચારવાનું બાકી છે.)

– ઘણાં વર્ષો પછી દિવ-દમણ ફરવાનું ગોઠવ્યું. જો કે અમે ડ્રાય-માણસ હોવાથી ત્યાં હોવાનો બીજો કોઇ ખાસ લાભ ન લઇ શકયા. બસ, દરિયા કિનારે છબછબીયા અને મેડમજીએ શોપિંગ કરીને દિવસ પુરો કર્યો. (દમણનો દરિયો એકંદરે ન્હાવા લાયક ન કહી શકાય.)

– ફોટોગ્રાફી માટે સુંદર સમય-લોકેશન હોવા છતાં કેમેરા ને હમણાં સંપુર્ણ આરામ આપવામાં આવી રહ્યો છે. (જો કે આ આરામ આપવા પાછળ આળસ અને બદલાયેલા શોખ જવાબદાર છે.)

– ક્રિકેટ વર્લ્ડકપ વિશે મેં અગાઉ કોઇ નોંધ લીધી નથી એવું જણાય છે તો એ વિશે પણ બે શબ્દો લખી લઉ. દરેક પ્રસંશકને આશા તો ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચે એવી જ હોય પણ આપણી ટીમ સેમી-ફાઇનલ સુધી પહોંચી એ પણ મારી માટે સંતોષજનક રહ્યું. મને તો આ વખતે એટલીયે આશા નહોતી. (અરે યાર એમાં અનુષ્કાનો કોઇ દોષ ન જુઓ, એક ન ચાલે તો બીજા તો ચાલવા જોઇએ ને!) અને હવે IPL 2015 ની વાત કરીએ તો….. એમાં અમને જરાયે રસ નથી. ફુલસ્ટૉપ.

– સિઝનલ અપડેટ્સની નોંધ લેવામાં અગાઉ ઘણીવાર બન્યું છે એમ આ વખતે પણ થયું છે. સખત ગરમી વિશે હું કંઇ લખું એ પહેલા તો આજે જોરદાર વરસાદ, કરા (બરફનો વરસાદ) અને ઠંડી એ મૌસમને સંપુર્ણ બદલી દિધો છે. મેં મારા 18 વર્ષના સમયકાળ દરમ્યાન ઋતુચક્રમાં આટલો ફેરફાર નથી જોયો. (આપને થશે કે મને તો 28 થયા છે તો આ 18 વર્ષ જ કેમ? -તો દોસ્ત, એમાં એવું છે ને કે શરૂઆતના 10 વર્ષ દરમ્યાન અમે આવી કોઇ પંચાતમાં રસ નહોતા લેતા.)

– આજકાલ પંચાતમાં રસ લેવાનું એક અન્ય કારણ પણ છે; છેલ્લા ૧૫ દિવસથી ઘરમાં થોડો સમય બચે છે કેમ કે મેડમજી અને વ્રજસાહેબ વેકેશન કરવા મામા ના ઘરે ગયા છે. બોલો, આ ટેણીયો સ્કુલ નથી જતો.. તો પણ વેકેશન કરવા જવાનું એટલે જવાનું. (ટેકનીકલી તો મારે કોઇ સાળા નથી તો પણ વ્રજ માટે તો મામાનું ઘર એ જ કહેવાય ને અને આમ પણ ત્યાં આસપાસમાં તેને ઘણાં મામાઓ તો મળી જાય છે!)

IMG_1596– આજે આટલી વાત પુરતી છે. ફરી જલ્દી જ આવવાનો વિચાર છે. આજકાલ હું અહી રેગ્યુલર બનવા માટે મને જ ટાર્ગેટ આપી રહ્યો છું. (અમે થોડા માર્કેટીંગના માણસ ને…. એટલે ટાર્ગેટ વગર જોશમાં ન આવીએ!)

– અરે હા, કોઇ ફેસબુક એક્સપર્ટએ સંશોધન કરવા જેવું છે કે મારા બગીચાના ફેસબુક પેજ પર રોજ નવા-નવા 15-20 લોકો લાઇક્સ કરે છે, એ છે કોણ??? (આ કોઇ ફરિયાદ નથી. લાઇક ભલે કરે. પણ આ તો થયું કે કોઇને ધંધે લગાડું ને. બાકી તો, એ સૌ મહાનુભાવોનું સ્વાગત છે અને આમ પણ….. લાઇક્તા લોકો તો સૌને ગમે!)

– ઓકે. ફરી જલ્દી જ મળીશું.. આવજો..

– ખુશ રહો!


Header Image : Daman Beach