Oct’21 – અપડેટ્સ

આગળની અપડેટ્સ લખતી વખતે ગાડી અલગ દિશામાં જતી રહી હતી. આજે ચોક્કસ રસ્તો યાદ કરીને બેઠો છું. આશા રાખીશ કે વિચારો ફરી ભટકી ન જાય.

લખવા માટે અત્યારે અનેક વાતો મનમાં ભમી રહી છે. ક્યાંથી શરું કરું એ પણ વિચારવું પડે છે. ઇચ્છા તો હતી કે બીજા જ દિવસે અહીયા આવી જવું; પણ એમ ધાર્યું થતું હોત તો અમે ‘અમે’ તરીકે ઓળખાતા ન હોત. (ફરીવાર ‘અમે’ લખ્યું છે ત્યાં ‘આળસું’ સમજવું. પોતાના વિશે સીધુ જ એમ ન લખી શકાય યાર.. સમજા કરો.)

થોડાં મહિનાઓ પહેલાં મારો જન્મ દિવસ ગયો. શુષ્ક દિવસ રહ્યો. લગભગ ૩૬ થયા. સમય હાથથી નીકળી રહ્યો છે અને હું મજબૂર પ્રેક્ષકની જેમ દેખી રહ્યો હોઉં એવું લાગ્યા રાખે છે. પરિવાર અને ધંધા વચ્ચે એવો વહેંચાઈ ગયો છું કે એમાં હું પોતાને ખોઈ ચૂક્યો છું. ક્યારેક શોધી લઈશ એવી આશા  છે. બસ, એક ડર રહ્યા કરે છે કે વધારે મોડું ન થઈ જાય. (ડીયર બગ્ગી, આટલું મોડું તો થઈ ચુક્યું છે. હવે આનાથી વધારે મોડું કેટલું હશે…)

જિંદગી વિશે એમપણ વધારે વિચાર્યું નહોતું; અને એમાં પણ કોરોના કોર્ષ બહારનો વિષય નીકળ્યો, જેનો કોઈ જવાબ વર્તમાનમાં નહોતો. બધા પ્લાન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યા છે. મગજ ઘણું સ્વીકારી બેઠું છે; પણ મન માનવા તૈયાર નથી. એટલે જ તો હજુયે ‘થાય એટલું’ સમેટવાનું કામ કરી રહ્યો છું. (કોણ જાણે કેટલું સમેટી શકીશ.)

બીજી મજાઓ જરૂરથી વધારે છે પણ તે માટે સમયનો અભાવ સખત મોટું કારણ બની રહ્યો છે. એમ તો મને એ પણ ઠીક લાગે છે કે જો મને એટલો સમય મળવા લાગશે તો હું કંટ્રોલમાં નહિ રહું. સમય આપણને માપમાં રાખવા માટે જ આવી જાળ બનાવતો હોય છે. રોટલીનો ટુકડો ખાવાની લાલચ ઉંદરને પાંજરામાં પુરી દે તેવી આ વાત છે. (ઓકે.. હવે આ વાતને લાંબી નથી ખેંચવી.)

લાઈફમાં ‘શું કરવું’ તે વિશે તૈયારી ક્યારેય ન’તી કરી, પણ શું ન કરવું તે લગભગ નક્કી હતું. તો, જે ન કરવાનું નક્કી હતું તેમાંથી ઘણું હું કરી રહ્યો છું. હું પોતે બધું સ્વીકારીને મને પોતાને મજબૂર કરું છું. આપણે પોતે જ પોતાની જાતને એક એવી વિચિત્ર સ્થિતિમાં લાવીને મૂકી દઈએ કે જેમાં બીજા કોઈને દોષ પણ ન આપી શકાય. (“પગ પર કુહાડી મારવી” એવી કહેવત એમજ નહિ બની હોય!)

આજે લખવા માટે કોઈ વિષય નહોતો તોય આડુંઅવળું થોડુંક લખ્યું છે. વળી, બીજા હજારો વિચારો વચ્ચે અત્યારે હું ભમી રહ્યો છું. મને આમ વિચારોમાં ભટકવું ગમે; પણ એમ સાવ વિચારોમાં ભટકતો માણસ પાગલ કે માનસિક બિમાર પણ લાગી શકે ને..

બીજી વાતોને હાલ પુરતી ડ્રાફ્ટમાં મુકીને આ પોસ્ટ અહીં ટુંકાવવામાં આવે છે. ટાઇપ ઘણું કર્યું છે પણ મારું મન થશે તો તે વિચારોને અહીયાં ઉમેરીશ. આજે આટલું ‘બસ’ છે.

🏃

Sep’21 – અપડેટ્સ

એક જમાનામાં અહીયાં નિયમિત લખાતું રહેતું હોવાનું યાદ તો આવે છે પણ તે જમાનો ક્યારે બદલાઈ ગયો તે યાદ નથી આવતું. છેલ્લે અટક્યા ત્યાંથી શરૂઆત કરવી હવે અઘરી છે એટલે નવી અપડેટ્સ તરીકે આજનો દિવસ શુભ ગણીને કંઈક ઉમેરું.

એમ તો શુભ-અશુભ જેવી વાતો મારા મોઢે ન શોભે એવું મને જ લાગી રહ્યું છે! ખૈર, શબ્દો તો હું કોઇપણ ઉપયોગમાં લઈ શકું છું. તે માટે કોઇની પરવાનગીની જરૂર ન હોય. ભાષા એમપણ બધાની સહિયારી છે અને શબ્દો પર કોઈ એકનો હક નથી હોતો. (ઔર ની તો ક્યા)

કોરોના-કાળમાંથી બહાર નિકળીને થોડીક કળ વળી છે; ત્રીજી લહેરની લટકતી તલવાર પણ હજુ માથા ઉપર મંડરાઇ રહી છે. (કોણ જાણે હવે ક્યારે ડર વગર જીવીશું.)

ઓગસ્ટ-સપ્ટેમ્બર આસપાસ કોરોના ફરી દેખાશે તેવું જાણકાર કહેતા હતા પણ મને હજુ એવી સ્થિતિ બનશે એવું જણાતું નથી. આવનારા બે મહિનામાં અસર આવશે તેવું ડોક્ટર મિત્રોનું કહેવું છે. (ન થાય એવી આશા રાખીએ. બધા સાચવજો.)

સરકારી વેક્સીનેશન પ્રક્રિયા એકંદરે ઘણી સારી રહી. જો રસીથી ફરક પડતો હશે તો આશા રાખી શકીએ કે જે દિવસો કોરોનાની બીજી લહેરમાં દેખ્યા હતા તે ફરી દેખવા ન પડે. પહેલો ડોઝ ઘણો વહેલો લીધો હતો એટલે 84 દિવસો મુજબ બીજો ડોઝ પણ એક મહિના પહેલાં લાગી ગયો છે. (બીજી વખતે તો કંઈ ન થયું. મને કોરોનાની રસી આપવાને બદલે પાણી ભરેલું ઇન્જેક્શન નહીં આપ્યું હોય ને? 😉)

કેરળ-મહારાષ્ટ્ર સિવાય બીજે કોઈ ખાસ કેસ નથી રહ્યા. ગુજરાતમાં એકંદરે ઘણી સારી સ્થિતિ છે. લોકો હવે માસ્કને ભૂલી રહ્યા છે. રોડ-રસ્તાઓ સિવાય બીજે ક્યાંય કોરોના દેખાતો નથી એમ લાગે છે! જો કે રસ્તા ઉપર કોરોના કરતાં પોલીસનો ડર વધારે છે; કદાચ એટલે જ લોકો માસ્ક પહેરે છે. (ઓહ, આ તો બધાને ખબર છે.)

શાળાઓ લગભગ ખુલવા લાગી છે. વ્રજની સ્કુલમાં ક્લાસ 6 થી આગળના ધોરણ માટે સ્કૂલમાં વર્ગ શરુ થઈ ગયા છે. વ્રજનો વારો હજુ નથી આવ્યો પણ આવશે તો શું કરવું એ વિશે હજુ અસમંજસ માં છીએ. સ્કુલે મોકલી પણ શકાય અને ન મોકલવા માટે પણ કારણો છે. (જે પણ હોય… આ ઓનલાઇન ભણવાની વ્યવસ્થા કાયમી ન ચાલે. બાળકના વિકાસ માટે ભણતર ઉપરાંત સ્કૂલનું એ વાતાવરણ હોવું ઘણું જરૂરી છે.)

નાયરા માટે સ્કૂલનું શું કરવું તે સમજાતું નથી. કોઈ સમયે પ્લે-ગ્રુપમાં એડમિશન થયું હતું પણ તે કોરોના પહેલાની વાત હતી. તેને પણ બે વર્ષ થવા આવશે. આટલાં નાનકડા ટાબરિયાને ઓનલાઇન ભણવા બેસાડવા મને યોગ્ય નથી લાગતું. હા, જેમ અત્યારે મમ્મીઓ બાજુમાં બેસીને ભણે છે એમ ભણતી રહેશે તો વિદ્યાર્થીને કશું આવડે કે ન આવડે પણ જેમતેમ વર્ષ નીકળી જશે.

ગુજરાતે અચાનક મુખ્યમંત્રી બદલ્યા. કારણ વિશે હું તદ્દન અજાણ છું. રાજકારણથી દૂર રહેવાના નિયમનું પાલન સારી રીતે કરવામાં આવી રહ્યું છે. (રૂપાણીજી એમપણ ઢીલા પડતા હતા એવું અમે ઘણાં વર્ષો પહેલાં કહી ચૂક્યા છીએ. #બડાઈ)

રાજકારણથી દૂર રહેવાના નિયમની આડકતરી અસર રૂપે દરેક સોશિયલ મીડિયાની દૂર છું. ત્યાં લોકો મોટાભાગે એવી જ ચર્ચાઓમાં વ્યસ્ત હોય છે. મારી ગેરહાજરીથી કોઈ એમ માની શકે છે કે હું પણ કોરોનાની ઝપેટમાં આવીને ઉકલી ગયો હોઈશ. પણ ના, હમ અભી જિંદા હૈ! 😎

કોરોના પછી મંદીનું નામ લઈને રડતા લોકોથી તદ્દન વિરુદ્ધ મારો બિઝનેસ સારો રહ્યો છે. કોરોનાની પહેલી લહેર સખત ભારે લાગી હતી, પણ પછી ધંધા ફુલ-ફોર્મમાં ખુલ્યાં હતા. મારે તો બીજી લહેર પછી પણ લીલાલહેર છે. હા, પેમેન્ટ્સ જલ્દી ક્લીઅર નથી થતા એ એક અલગ મુસીબત છે. (‘લીલાલહેર’ કામકાજ સંદર્ભમાં છે; બીજી લહેરમાં કેટલાયે લોકોએ પોતાના અંગતને ગુમાવ્યા છે; તો તેને હવે આખી જિંદગી ભૂલી શકાય એમ નથી.)

દરેક કાચી વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા જાય છે, જેની અસર ભવિષ્યમાં દરેક ધંધામાં વર્તાશે એવું લાગે છે. ચીનથી થતી આયાતમાં જે કાપ આડકતરી રીતે મુકયો છે તે સરવાળે આપણાં સ્થાનિક માર્કેટમાં ઉલ્ટો અસર કરી રહ્યો છે. (સ્વદેશીને સંપૂર્ણ ટેકો છે પણ કેટલાક અનિષ્ટ એવા હોય જેને નિવારી ન શકાય.)

આજે કામકાજ અને કોરોના આસપાસની વાતો ઘણી થઈ. મારી વાતોની અપડેટ્સ માટે કાલે નવું પાનું ઉમેરવાનું ઠીક રહેશે.


આમ તો અહીયાં આ બધું મારા માટે જ લખું છું, પણ કોઈ ભટકતું અહીયાં આવી જાય તો માત્ર જાણકારી હેતુ પૂછવું છે કે કોઈને લેડી-બિઝનેસ પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ ખરો?

રસ, રસી અને રસીક

કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને એકમાત્ર રસ્તો હોવાથી તે દિશામાં મહેનત કરવી યોગ્ય પણ છે.

અત્યારે તો લિમિટેડ સ્ટોક સાથે મળી રહી છે એટલે બધાને મળતા થોડોક સમય લાગશે. પોતાનો નંબર ન લાગે ત્યાં સુધી ધીરજ રાખવી પડે એમ છે અને સાથે-સાથે રસી મુકાવવી પણ એટલી જ જરૂરી છે.

એમ તો મારી આસપાસમાં જ બે-ચાર એવા લોકો પણ છે જેમને રસી કેટલી જરૂરી છે તે સમજાવવામાં હું અસફળ રહ્યો છું; એટલે બધા સરળતાથી માનશે એવું નથી લાગતું. કોરોના ચેપથી કાયમી બચવા માટ રસી સિવાય અત્યારે કોઇ વિકલ્પ નથી દેખાતો.

આજે અમો અહી આ જાહેર યાદી પ્રસિદ્ધ કરીએ છીએ કે અમે પોતે પણ સ-જોડે રસી મુકાવી લીધી છે. જો કે હજુ સુધી કોઈ ઈ-જગ્યાએ તે અન્વયે ફોટો-જાહેરાત નથી કર્યા; જેની લાગતા-વળગતાં લોકો નોંધ લે.

પ્રવર્તિત સામાજીક રિવાજ પ્રમાણે અહીં અમારો પોતાનો ઇન્જેક્શન લઈને ઉભેલી નર્સ સાથેનો ફોટો રજૂ કરવાનો હોય પરંતુ સંસ્થાના બંધારણમાં સુચવેલ ઓળખ-ગુપ્તતા-અધિનિયમ નં-4ક અનુસાર તે શક્ય નથી.

નિયમ એટલે નિયમ. તો ફોટોની નોંધ શક્ય નથી; પણ અનુભવની નોંધ ચોક્કસ કરીશ. જે રીતે લોકો રસીથી ડરી રહ્યા છે, તેમને હિંમત આપવા મારો આ અંગત અનુભવ કદાચ કામ આવી શકે.

  • સાવ ભૂખ્યા પેટે ન જવું એવું અમને કોઈએ સમજાવ્યું હતું એટલે બપોરે ધરાઈને રસ-રોટલી-શાક ખાઈને રસી અપાવવા ગયા હતા.
  • જે બપોરે રસી મુકાવી તે દિવસે રાત્રે તાવ આવ્યો જે બીજા દિવસે સવારથી ઓછો થતો ગયો. બપોર સુધીમાં બિલકુલ ઠીક અને બધું નોર્મલ. (બસ ઈતની સી સ્ટોરી હૈ)
  • રસી સમયે આપેલ દવા ચાર ટાઈમ સમયસર લીધી. (તાવ ઉતરી ગયો હતો તોય સોંય ભોંકનાર પરિચારિકાના શબ્દોનું માન રાખીને બાકી રહેલી છેલ્લી એક ગોળીને યોગ્ય સન્માન પણ આપ્યું હતું!)
  • રસી લિધા બાદ આજ સુધી બીજી કોઈ પ્રકારની તકલીફ થઈ નથી. પણ… જે હાથ પર રસી લીધી હતી તે હાથ કુલ ત્રણ દિવસ દુખ્યો. (આ થોડુંક અઘરું લાગ્યું હતું.)

અરે હા, અમે તો સરળતાથી નીકળી ગયા પણ મેડમજીનો અનુભવ અલગ રહ્યો. તેને બે દિવસ તાવ રહ્યો અને સતત ચક્કર આવવાની ફરિયાદ રહી. એમ તો ત્રીજા દિવસ પછી તે પણ ઠીક થઈ ગઈ હતી.

 

એકંદરે લોકો ડરાવતા હતા એવું કંઈ જ નથી. મને તો ઇન્જેક્શન ની સોય પણ ન’તી વાગી! (ઇન્જેક્શન લેતા પહેલાં મને આવોય ડર હતો બોલો, તમે માનશો?)

 

તો… હે સજ્જન તથા સન્નારીઓ અને મત આપવાની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિઓ, આપનો વારો આવે તેવો પ્રયત્ન કરીને જેમ બને તેમ ઝડપથી રસી મુકાવી લેશો.

💉

 

સાઇડટ્રેકઃ

બગ્ગી – ટાઇટલમાં જે રસ અને રસી છે તે વિશે ઉપર લખાયેલું છે; પણ ત્યાં રસીક શું કરે છે એવું નહી પુછો?
હું – જો બગ્ગી, અહીયાં આવીને આ બધું વાંચનારા ક્યારેય આવા સવાલ કરતા નથી.
બ. – સાચ્ચે?
હું. – હા બકા.
બ. – તો ચોખવટ ન કરું?
હું. – ના. કોઈ જરુર નથી.