Apr’21 – અપડેટ્સ

ખરેખર અપડેટ્સ તો આ સમયે નિયમિત લખવા જેવી હતી. ખૈર, હજુયે બદલાયું હોય એવું નથી. સમય ગંભીર અને નાજુક છે. કોરોનાને લીધે ચારેતરફ ભય અને અનિશ્ચિતતા નો માહોલ છે.

ગયા વર્ષે જે પરિસ્થિતિ ની આશંકા મનમાં આવતી હતી તે સ્થિતિ વચ્ચે અત્યારે જીવી રહ્યા છીએ. કોરોના કહેરનો આ બીજો તબક્કો ખરેખર ભયાનક છે. મને એમ હતું કે આપણે જેમતેમ બચીને સરળતાથી નીકળી ગયા, પણ મહામારીનું અસલી રૂપ હવે દેખાઈ રહ્યું છે.

હું પોતાને બીમારીઓ માટે સરળ શિકાર તરીકે દેખું છું અને કોરોના બાબતે જેટલો બેફિકર છેલ્લા ત્રણ મહિનાઓમાં રહ્યો છું એ જોતાં મને પણ નવાઈ લાગી રહી છે કે અત્યાર સુધી ખબર નહિ કેમ હું બચી ગયો! હા, હોઈ શકે કે મને ચેપ લાગ્યો હોય પણ સામાન્ય અસરથી અજાણતા જ તેમાંથી બહાર નીકળી ગયો હોઉં અથવા તો ‘ઇમ્યુનીટી’ નો કોઇ કમાલ હોઈ શકે.

હોસ્પિટલમાં જગ્યા અને ઇન્જેક્શન-દવા ખૂટી રહ્યા છે. ટેસ્ટ કરાવવા પડાપડી થઈ રહી છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાંથી નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે પોતાના સ્વજન ગુમાવતા લોકોને હું કોઈ જ ભાવ વગર જોઈ રહ્યો છું.

સમજાતું નથી કે પ્રયત્નથી કેટલો ફરક પડશે અને હું કેટલે સુધી કરી શકીશ. મન મજબૂત કરીને ફરી લાગી જઈએ તો પણ ફરી ક્યાંકથી કોઈ ઓળખીતા વ્યક્તિના મૃત્યુના સમાચાર મન ને ડગાવી દે છે. દવા-ઓક્સિજન કે હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી થયેલ મોત અસહ્ય હોય છે.

દરેક પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જ્યાં મળે ત્યાં રસ્તો શોધવા હવાતિયાં મારી રહ્યા છે. જેને હજુ સુધી એવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડ્યું તે બધા લોકો માટે દુર થી આવી સ્થિતિને દેખવું કદાચ અતિરેકભર્યું પણ લાગતું હશે. જેણે ભોગવ્યું છે અથવા તો નિકટના વ્યક્તિને ગુમાવ્યું છે તે જ સાચું સમજી શકશે.

સરકારી આરોગ્ય વ્યવસ્થા, જે લગભગ થાકેલી અવસ્થામાં જ હોય છે, તે હવે મરી જવાની અવસ્થામાં છે. નેતાઓ અને અધિકારીઓ હવે પોતાનું નાક બચાવવા તેને જબરદસ્તી જીવાડી રહ્યા છે. આશા રાખીએ કે તે એક સમય સુધી જીવી જાય તો ઘણાં બીજા જીવી જશે.

લોકોને સરકાર પરથી લગભગ વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. હા, હજુયે એવા લોકો છે જેઓને આવી પરિસ્થિતિમાં સરકાર પર પુરો અવિશ્વાસ નથી જાગ્યો અને એવાયે છે જેઓને હવે કોઈ ડોક્ટર પર પણ વિશ્વાસ નથી આવતો. સ્થિતિ એવી છે કે વિશ્વાસ ક્યાં અને કેટલો થઈ શકે તે નક્કી થઈ શકે એમ નથી. બધી જવાબદારી સરકાર પર નાખીને કે તેને ગાળો આપીને પબ્લીક તરીકે આપણે કંઇ જ સાબિત નથી કરી શકવાના અને સામે પક્ષે રાજકારણીઓ/અધિકારીઓ પણ ઘણી અવ્યવસ્થા માટે જવાબદાર છે.

હું હજુ અસમંજસ માં છું કે આ બધામાં સાચા કોણ અને ખોટા કોણ! વળી, એમાં સાચા ને કેટલાં સાચા કહેવા અને ખોટા ને કેટલાં ખોટા કહેવા એ પણ નક્કી થઈ શકે એમ નથી.

કોઈપણ સરકાર કે વ્યવસ્થા માટે અચાનક આવતી આવી મહામારીમાં પહોંચી વળવું અઘરું જ હોય છે. હંમેશા દરેક સ્થિતિ માટે તૈયાર રહેતી સંપુર્ણ વ્યવસ્થા શક્ય જ નથી. આપણે સારી સગવડની આશા રાખી શકીએ; પણ ઉત્તમ વ્યવસ્થાની અપેક્ષા રાખવી થોડી વધારે પડતી લાગે છે.

કેટલાક ને માત્ર મોદીની બંગાળ ‘રેલી’ઓ ગળામાં અટકી ગઈ છે તો કેટલાકને કેજરીવાલની જાહેરાતો પર પીન ચોંટેલી છે. કોઈને ચૂંટણી-સભાઓનો દોષ દેખાય છે તો કોઈને અમદાવાદનું ખીચોખીચ ભરેલું સ્ટેડિયમ હવે ખૂંચી રહ્યું છે. હા, કોઈ એમપણ કહે છે કે આપણે લોકો જ વધારે બેફિકર બની ગયા હતા. મને તો ઘણું સાચું લાગે છે અને તેના વિશે હવે વિચારવું થોડુંક બાલિશ પણ લાગે છે.

એવું નથી કે આપણો જ દેશ બીજી લહેરમાં ફસાયો હોય; દુનિયામાં આ સ્થિતિ બીજે પણ ઉભી થઈ છે અથવા તો થઈ રહી છે. અત્યારે વેક્સીનેશન એકમાત્ર ઉપાય છે. રસીકરણ જેટલું ઝડપથી થાય એ જ દુનિયાભરની સરકારોએ જોવાનું છે. મને તો કોરોના વાઇરસના બદલાતા વેરીએંટ્સથી એ સવાલ પણ થાય છે કે તે રસીને કેટલી કામયાબ રહેવા દેશે..

કેટલીક ભયાનકતા ખરેખર આશંકાથી પણ વધારે ભયાનક હોય છે. ચર્ચા કરવા સમય પછી મળશે અત્યારે તો થાય એટલું બચાવવા પ્રયત્ન કરીએ એના વગર છૂટકો નથી.

💔

બોલો, શું કહેવું છે તમારે...