અપડેટ્સ-47 [Feb’15]

– ટી.વી.માં દર્શાવવામાં આવતી નવી-નવી ફિલ્મમાં જેમ શરૂઆતમાં નાના-નાના કોમર્સિયલ-બ્રેક આવતા હોય અને જેમ-જેમ ક્લાઇમેક્ષ નજીક આવતો જાય એમ એ બ્રેકની લંબાઇ વધતી જાય એવું જ અહી મારા બગીચામાં રેગ્યુલર અપડેટ્સ સાથે પણ બની રહ્યું હોય એવું લાગે છે. (તેનો મતલબ અમારો અંત નજીક છે એવું ન માનશો! યું તો હમ લંબી રેસ કે ઘોડે હૈ..)

– જાન્યુઆરીનો આખો મહિનો ઠંડીનો રહ્યો અને અમે રહ્યા ગરમીથી ટેવાયેલા જીવ.. આમ આખો મહિનો અમારા હાથ-પગ ઠંડીમાં થીજેલા રહ્યા એટલે અમે અહી આવીને કંઇ લખી ન શકયા! (જાણું છું કે આ ગળે ઉતરે એવું બહાનું નથી, પણ આ વખતે તો આ જ છે એટલે ચલાવી લેવા વિનંતી.)

– જો કે હવે એ સખ્ખત ઠંડીની સિઝન પણ પરત ફરવાની તૈયારીમાં છે. વહેલી સવાર અને મોડી રાત સિવાય હવે હુંફાળી ગરમીનો અહેસાસ થાય છે. (હજુ એસીની જરૂર નથી પડતી પણ ધીરે-ધીરે પંખાના ફેન વધવા લાગ્યા છે!)

– લગ્નોમાં કમુરતાનો બ્રેક પુરો થયો એટલે ફરી જોરશોરથી ઢોલ-નગારા ગુંજતા થઇ ગયા છે. વર-કન્યા સહ જાનૈયા-માંડવીયા રીત-રસમ-સંબંધ અનુસાર પોતપોતાના ભાગે આવતું સાંસારીક કર્મ નિભાવી રહ્યા છે. અમે પણ અત્રેથી બેઠા-બેઠા સૌ નવા જોડાયેલા સંબંધને અભિનંદન સાથે ભવિષ્યના સહજીવન માટે ફુલ-ગુલાબી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. (આપને થશે કે અહી શુભેચ્છાનો આપવાનો શું મતલબ?…. એમ તો કોઇ મતલબ નથી પણ આ તો દિલમાં આવ્યું તો લખી નાખ્યું છે.)

– જુના અપડેટ્સની વાત કરીએ તો… આ વર્ષે ઉત્તરાયણ યાર-દોસ્તોના મેળાવડા વગર સુની-સુની રહી. પવને ઉતરાયણના દિવસે નિરાશ કર્યા પણ બીજા દિવસે એકંદરે સારી હવા રહી એટલે અમે પતંગ ઉડાવીને અને લોકોએ અમારા પતંગ કાપીને આનંદ ઉઠાવ્યો. (હાં ભ’ઇ, આ વર્ષે અમારા બહુ પતંગ કપાઇ ગ્યા..)

– વ્રજને રિવરફ્ર્ન્ટ પર પતંગ મહોત્સવમાં વિવિધ આકારના મોટા-મોટા પતંગ જોવાની ઘણી મજા આવી. અમને એમ હતું કે તે આ વર્ષે મોટા પતંગ-દોરીની માંગ કરશે પણ બન્યુ ઉલ્ટું.. તેના માટે ગયા વર્ષે ખરીદાયેલી દોરી આ વર્ષે પણ સીલ-પેક જ રહી.

– રાત્રે ચાઇનીઝ તુક્કલોએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર માહોલ બનાવ્યો (જાણકારી હેતુ મથાળામાં ચોંટાડેલી છબીને નિરખો) પણ બીજા દિવસે સવારે ન્યુઝપેપરમાં તેના કારણે સર્જાયેલી આગના બનાવની ઘટનાઓ જોઇને લાગ્યું કે તેની પર પ્રતિબંધ હોય એ જ સારું. (કદાચ વડોદરામાં ચાઇનીઝ બનાવટની આવી તુક્કલ વેચવા-ખરીદવા ઉપર પ્રતિબંધ છે, અમદાવાદમાં પણ હવે તેવા પગલાં લેવા જરુરી લાગે છે.)

– દેશની સામાન્ય ચુટણીમાં હતી એવી ધમાલ અત્યારે દિલ્લીની ચુટણીમાં જામેલી છે. બીજેપીને આમ આદમી પાર્ટીથી આટલી જોરદાર ટક્કર મળશે એવો અંદાજ નહોતો. (કોંગ્રેસ? અરે એ તો કયાં રેસમાં હતી?) મોદી-બેદી અને મોટા પ્રધાનો સામે એકલા કેજરીવાલ અત્યારે મજબુત રીતે ટકેલા છે. જો કે અલગ-અલગ સર્વે માં ‘આપ’ ને બહુમતી મળતી જોઇને મને તો નવાઇ લાગી રહી છે કેમ કે દિલ્લીમાં બીજેપીની સરકાર બનશે એવો મારો અંદાજ હતો. (એમ તો હજુ પણ છે. હવે ભવિષ્યનું તો રમેશભાઇ જાણે…)

– મોદી-ઓબામાની જોડી ૨૬ જાન્યુઆરીના દિવસોમાં આખી દુનિયામાં ચર્ચામાં રહી. (એમ તો મોદીનો સુટ પણ ચર્ચામાં રહ્યો!) ખૈર, એમના બહાને મેં મારા ૨૮ વર્ષના જીવનમાં પહેલીવાર ૨૬ જાન્યુઆરીની પરેડને શાંતિથી જોઇ. કયારેક આવા સરકારી કાર્યક્રમ પણ જોવા જોઇએ એમ લાગ્યું. કદાચ પહેલીવાર ન્યુઝમાં પરેડ અને તેની સાથે જોડાયેલા સૈનિક-કમાન્ડર-બેન્ડ ને આટલું મહત્વ મળ્યું હશે. (અગાઉ મળ્યું હોય તો અમારા ધ્યાનમાં નથી. ભુલચુક લેવીદેવી.)

– આપણને ખુશ કરવા અમેરિકન ઇંગ્લીશ સ્ટાઇમમાં ઓબામાએ નમસ્ટે અને જાય હિન્ડ કહ્યું! અને કેટલાક બીજા શબ્દો પણ મહેમાનના મુખે સાંભળવા મળ્યા.. જેમ કે, મોડી(મોદી), ચય પે ચચા(ચાય પે ચર્ચા), સેનરીતા, બડે બડે ડેશ મે એસી….. (ટીવી પર ઓબામાનું વિદેશી હિન્દી સાંભળીને સોનિયાજી તેમના હિન્દી ઉચ્ચાર પર અભિમાન સહ હરખાતા હતા એવું સંસ્થાના અંગત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.)

– અને છેલ્લે.. અહી મારી લાંબી ગેરહારજરીની નોંધ લઇને મારો સંપર્ક કરનાર સૌ મિત્રો-વડીલો નો આભાર. આજકાલ ઘણાં કામકાજ વચ્ચે પણ આ અપડેટ્સ નોંધી રહ્યો છું તો માત્ર આપના કારણે જ. બસ, આમ હું કયાંયે આડો-અવળો ખોવાઇ જઉ તો ધક્કો મારીને જગાડતા રહેજો. કયારેક જરૂરી હોય છે મારી માટે…

– મળતા રહીશું… આવજો.. ખુશ રહેજો! 🙂


header image: piczload.com

બોલો, શું કહેવું છે તમારે...