અપડેટ્સ-45 [Oct’14]

– સૌ પ્રથમ તો સૌને વિતી ગયેલી દિવાળીની ભુલાઇ ગયેલી શુભેચ્છાઓ અને નવા વર્ષની મીઠી-મધુરી શુભકામનાઓ! (દેવ-દિવાળી સુધી દિવાળીની શુભેચ્છાઓ આપી શકાય -એવું અમે કયાંક વાંચેલું.)

– આજે સરદાર પટેલનો હેપ્પી બડ્ડે છે. આઝાદીના ઘડવૈયાઓમાં સરદાર મને સૌથી પ્રિય. પણ હંમેશા ગાંધી પરિવારની ભક્તિમાં તલ્લીન કોંગ્રેસ દ્વારા વર્ષોથી તેમની ઉપેક્ષા થતી જોઇને વિચાર આવતો કે લોખંડી સરદાર સાવ ભુલાઇ તો નહી જાય ને…  પણ, મોદીસાહેબે જે રીતે તેમને કોંગ્રેસ પાસેથી હાઇજેક કર્યા છે તે જોઇને લાગે છે કે સરદાર પટેલ કે અચ્છે દિન આ ગયે!

– આ દિવાળી એકંદરે શાંત અને નિરાંતવાળી દિવાળી રહી. છોટું માટે તેના યોગ્ય નાની-મોટી બે-ચાર વસ્તુઓ લેવામાં આવી હતી પણ તેના અગમ્ય ડરના કારણે તેણે કોઇને માન ન આપ્યું. હજુ તેને મોટો થવા દઇએ તો ઠીક રહેશે, એમ વિચારીને અમે પણ તેને વધુ આગ્રહ ન કર્યો. તેને દિવાળીની મીઠાઇઓ વધારે ગમી!

– વ્રજને કોઇ ‘પ્લે-સ્કુલ’માં જોડીને ઠેકાણે પાડવાનો વિચાર ઘરમાં ચાલી રહ્યો છે. જો કે હું તેનો વિરોધ કરી રહ્યો છું. કારણ? – હજુ તો એ નાનો છે યાર. જો કે તેની સમજણ અને બકબક જોઇને કોઇ કહી ન શકે કે તે હજુ બે વર્ષનો જ હશે. હવે તો એ બૉસ અમને પણ સલાહ આપતા હોય છે કે શું કરાય અને શું ન કરાય. બૉલો, અમારું શીખવેલું અમને સમજાવે!

– આજથી પાંચ વર્ષ પહેલા ૩૦ ઑક્ટોબરના દિવસે મેં મારી જાતને રાજીખુશીથી એક ખાસ વ્યક્તિ સાથેના બંધનમાં જોડી હતી (સામે પક્ષે પણ એવું જ હતું!) તેને ગઇકાલે પાંચ વર્ષ પુરા થયા! (અરે હજુ હમણાં જ તો પરણ્યા’તા અને તેને આટલા બધા દિવસ થઇ ગયા કે!!! -આવી લાગણી મારા ભુલક્કડ સ્વભાવને થાય તે સ્વાભાવિક છે.)

– એટલે પાંચ વર્ષથી જળવાયેલ આ બંધનને આજસુધી સુંદર રીતે નિભાવી શકવાની ખુશીમાં તથા મારી સાથે રહીને સળંગ પાંચ વર્ષ સુધી મને સહન કરી શકવાની મેડમજીની સહનશક્તિના સન્માનમાં ગઇકાલે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. (જાણવાજોગ- અમારા ઘરમાં કેક ગમે તે કારણે આવે પણ તેને કાપવાનો અબાધિત અધિકાર માત્ર છોટું પાસે છે.) અન્ય સેલિબ્રેશન માટે સમય-સંજોગ અને યોગ્ય વિકલ્પના અભાવે ના-છુટકે કાલે SRKની ‘હેપ્પી ન્યુ યર’ ફિલ્મ નિહાળવામાં આવી. (ફિલ્મ એટલી ખરાબ પણ ન લાગી.)

IMG_20141007_135602736– થોડી જુની અપડેટ: ફ્લીપકાર્ટના કોઇ મોટા દિવસે અમે પણ તે વેબસાઇટ પર થોડો ટાઇમ ચોંટી રહ્યા હતા પણ… કંઇ ખાસ દિવસ ન જણાતા આખરે ચેતન ભગતનું એક લેટેસ્ટ પુસ્તક થોડું સસ્તામાં ખરીદીને તેમના એ ફ્લૉપ દિવસમાં અમારો યથાયોગ્ય ફાળો આપ્યો. (જો કે બીજા દિવસે તેમણે પુસ્તક સાથે માફીનામું મોકલીને થોડું દર્દ ઓછું કર્યું. બધા જાણે છે કે અમારું હ્રદય ઘણું નરમ છે, તેમને માફ કરી દીધા.)

3 thoughts on “અપડેટ્સ-45 [Oct’14]

    1. અમારું ગઠબંધન ઘણું મજબુત છે અને એકબીજા પ્રત્યે ઘણી સમજણ-આદર પુર્વક સરકાર ચલાવી રહ્યા છીએ એટલે તેમાં તિરાડ પડે કે સરકાર ભાંગી પડે એવી કોઇ શક્યતા જ નથી.

      છતાંયે આપશ્રી એ અપક્ષ તરીકે અમારા ગઠબંધનને જે બિનશરતી શુભકામનાઓ આપી છે, તે બદલ સરકાર આપનો આભાર વ્યક્ત કરે છે!

  1. આપને તથા આપના પરીવાર જનો ને નવ વર્ષ ની શુભકામ્નાઓ…. જાણુ છુ કે મોડુ છે પણ મને કોઇ એ કિધેલુ છે કે, નવા વર્ષ ની શુભકામ્નાઓ એક મહિના સુધિ આપિ શકાય્ 🙂 અને આપનુ આ મજ્બૂત ગઠબંધન વધારે મજ્બુત અને પ્રેમ ભરિયુ બને એવિ દિલ થી શુભેછાઓ….

બોલો, શું કહેવું છે તમારે...