Feb’14 : અપડેટ્સ

– ગયા મહિને ચાર પોસ્ટથી બે વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો એટલે તેની ખુશીમાં આટલા દિવસ સુધી એકપણ નવી પોસ્ટ મુકવામાં નથી આવી. (આ એક બહાનું છે.)

– જાન્યુઆરીના પાછળના દિવસો નાગપુરમાં વિતાવ્યા. નાગપુરની આ મારી પ્રથમ મુલાકાત હતી. શહેર એકંદરે શાંત છે અને હરિયાળું લાગ્યું. મુખ્ય સ્થળોની નિરાંતે મુલાકાત લીધી. (દરેક જગ્યાએ ફોટો ક્લિક કર્યા છે પણ અહી તેને અપલોડ કરવાથી આ પોસ્ટ લાંબી બની જશે.)

– થોડા સમય પહેલાં બનેલી એક ફ્રેન્ડ કે જે ત્યાં (નાગપુરમાં) RJ છે તેના રેડીયો સ્ટેશનની મુલાકાત પણ લેવામાં આવી. સાથે-સાથે બીજા RJને મળવાનો અને રેડીયો સ્ટેશનની દરેક કામગીરીને શાંતિથી નિહાળવાનો મોકો મળ્યો. (આ ગુજરાતી છોકરી નાગપુરમાં ફેમસ RJ છે તેવું રેડીયો સ્ટેશનના હેડ-મેનેજર કમ ઇન્ચાર્જ દ્વારા જાણીને એક ગુજરાતી તરીકે ગર્વ થયો.)

– 26 જાન્યુઆરીની ઉજવણી આ વખતે RSS ના નાગપુર હેડક્વાર્ટરમાં કરવામાં આવી. RSS નો ડ્રેસકોડ થોડો અપગ્રેડ થવો જોઇએ એવું લાગ્યું એટલે ત્યાં એક મહોદયને સુચવ્યું, (તેમને ન ગમ્યું. મને પણ આ મફત સલાહ આપવાની આદત બદલવી જોઇએ એમ લાગ્યું.)

– યાદ રાખવા જેવું: હાવડા એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં કયારેય મુસાફરી ન કરવી.

– નાની બહેનના ટેણીયાં (એટલે કે મારા ભાણીયાં) ના નામની કોઇ બાધા ઉતરાવવા તેની સાથે બેચરાજી મંદિરની મુલાકાત લેવામાં આવી. દર્શનમાં તો રસ ન હોય એટલે મુર્તી ઉપરાંત સ્થળ-કારીગરી અને પરિસરને નિહાળવામાં સમયનો સદુપયોગ કરવાનો અમારો નિયમ છે. (મારી આ આદત લગભગ મારા દરેક પરિવારજનો હવે જાણે છે એટલે તેઓ પણ મને તે બાબતે વધુ આગ્રહ નથી કરતા.)

– મંદિરમાં બે-ત્રણ જગ્યાએ ‘ખિસ્સા કાતરુંથી સાવધાન’ના પાટીયાં જોઇને સવાલ થયો કે આખી દુનિયામાં ઠેર-ઠેર ફેલાયેલા ભક્તોની સંભાળ રાખનારાં માતાજી પોતાના જ ઘરમાં ભક્તોનાં ખિસ્સા કેમ સાચવી નહી શકતા હોય? (મારા મગજમાં કોઇ કેમીકલ લોચો થયેલો છે એટલે મને આવા સવાલ ઉદભવે તે સ્વાભાવિક છે. ભક્તોએ દિલ પર ન લેવું.)

– સાથે આવેલા વ્યક્તિએ માતાજીની મહત્તા જતાવવા સીજનમાં કેટલી લાંબી-લાંબી લાઇનો લાગે તેનું અતોશ્યોક્તિભર્યું વર્ણન કરતાં કહ્યું કે અમે નસીબદાર છીએ કે આટલી સરળતાથી માતાજીના દર્શન થઇ ગયા! (વસંતપંચમીનો એ દિવસ હતો અને ઘરેથી નીકળતી વખતે મને તો લાગતું હતું કે આજે માતાજી પહેલાં સખત ભીડના દર્શન કરવા તૈયાર રહેવું પડશે.) અને વાત પુરી કરતાં કહ્યું કે અહીયાં સુધી આવો અને સંખલપુર દર્શન કરવા ન જાઓ તો યાત્રા (અને બાધા પણ) અધુરી રહી જાય! બીજો વિકલ્પ નહોતો, ભક્તોનો આગ્રહ મને ત્યાં પણ ખેંચી ગયો.

– સંખલપુર પહોંચ્યા ત્યારે મુર્તીની આગળ બંધ દરવાજે તાળું મારેલું હતું. પુજારીએ જણાવ્યું કે મંદિરમાં માતાજી સુઇ ગયા છે. અમે પાછા વળ્યા. (સાથે આવેલાઓને મોડા પહોંચવા બદલ અફસોસ થયો પણ મને એવી કોઇ લાગણી ન થઇ.) ત્યાં જ જમ્યા.

– ત્યાંથી પરત આવતી વખતે મારા આગ્રહના કારણે બધાને સુર્યમંદિરની મુલાકાત લેવી પડી. ઘણાં વર્ષો બાદ તે સ્થળની નોંધ લીધી. ચારે બાજુથી ફોટો ક્લિક કરવામાં આવ્યા. (આ ફોટોમાંથી એક-બે ફોટોને ભવિષ્યમાં અહી ચોક્કસ રજુ કરવામાં આવશે.)

– ગયા રવિવારે વ્રજ અને તેની મમ્મીને લેવા અમદાવાદ-ભરૂચ-અમદાવાદની સીંગલ-ડે ટ્રીપ કરવામાં આવી. અમારું બાપ-બેટાનું લગભગ વીસ દિવસે મિલન થયું. તેના ફોટો-વીડીયો રોજે-રોજ જોવા મળતાં પણ રૂબરૂની વાત અલગ જ હોય! (અમે એકબીજાને જોઇને ઘણાં ખુશ થયા અને તે આખો દિવસ સાથે જ વિતાવ્યો. હા, ઘણાં દિવસે મેડમજીને મળીને પણ આનંદ થયો.)

– તો આ બધી હતી પાછળના થોડા દિવસોની સ્ટોરી. તાજી વાતોમાં એવું છે કે હમણાંથી ચારેય બાજુ લગ્નો ચાલી રહ્યા છે અને અમે તેમાં યથાયોગ્ય હાજરી-ફાળો આપી રહ્યા છીએ. ઠંડી વળી પાછી આવી હોય એવું લાગે છે. આજકાલ ઓનલાઇન ઘણાં અખતરાઓ કરવામાં આવી રહ્યા છે જેની નોંધ યોગ્ય સમયે અહી કરવામાં આવશે.

– અને છેલ્લે, ટ્વીટ ઑફ-ધ-ડે! (આ અનુભવની વાત નેક્સ્ટ પોસ્ટમાં)

3 thoughts on “Feb’14 : અપડેટ્સ

  1. મારા નમ્ર મતે , જેમ ખૂન ભરી માંગ હોય તેમ ફોટો ભરી પોસ્ટ હોવી જોઈએ 😉

    મહતમ મંદિરો ખાડે ગયા છે [ જનતા’ના પુણ્ય’પ્રતાપે જ ! ] અને તેમાં ટોળા’નાં ટોળા ખાબકતા જાય છે . . . લોકો’ને તાત્કાલિક ફાયદો ન થતા , તેમને ભગવાન સુધ્ધા બદલાવી નાખ્યાના દાખલા જોયા છે ❗

    Tin tin’s Picture please . . .

    1. હવેથી પોસ્ટને ફોટોભરી બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. (જો કે આ પોસ્ટમાં એક ફોટો તો છે જ! Check ‘Home’ page)

      મંદિર, ભક્ત અને ભગવાન બાબતે – નો કોમેન્ટ્સ. (જો થોડું પણ કહેવા જઇશ તો વળી વધું કહેવાઇ જશે અને કોઇને લાગી આવશે.)

      છોટુંના ફોટો આગળની પોસ્ટમાં જ મુક્યા’તા એટલે હવે બે-ત્રણ પોસ્ટનું સલામત અંતર જાળવીને નવા ફોટો રજુ કરવામાં આવશે. (દરેક જગ્યાએ સલામત અંતર જાળવવું એવો અમારો નિયમ છે.)

      1. હું તો આસ્તિક છું , એટલે મારો થોડો તો હક બને છે , કહેવાનો 😉

        પોસ્ટ’નાં હેડર’માં ફોટો નથી દેખાતો , પણ હોમ પેઈજ’નાં હેડર’માં દેખાય છે !

        😀 સલામત અંતર 😀

બોલો, શું કહેવું છે તમારે...