Jan’14 : અપડેટ્સ-3

– મારા બગીચામાં સૌ પ્રથમવાર એવો સમય આવ્યો છે કે એક જ મહિનામાં અપડેટ્સની ત્રીજી પબ્લીક પોસ્ટ હોય! (હોય એ તો.. દરેકના જીવનમાં દરરોજ કોઇને કોઇ ઘટના પ્રથમવાર બનતી જ હોય છે, એમાં આટલી નવાઇ જેવું કંઇ ન હોય.)

– ઉત્તરાયણ પહેલાનો સમય છેક સુધી દોડભાગમાં ગયો પણ હવે મારી પાસે સમય છે. (આગળ વાંચતા જશો તો તેનું કારણ મળી જશે.) એટલે ત્યારથી જ અપડેટ્સની નોંધ શરૂ કરું છું.

– તહેવારના એક દિવસ પહેલાના ૧૮ કલાક એક સેમિનારમાં ગાળ્યા. આ સેમિનાર દરમ્યાન જય વસાવડા હંમેશની જેમ બીજા વક્તાઓમાં મેદાન મારી ગયા. (સીધી વાત હોય અને એ પણ દેશી સ્ટાઇલમાં એટલે મજા તો આવે જ.)

– જો કે કોર્ડલેસ માઇક સાથે સ્ટેજ પર એકસ્ટ્રા એનર્જીથી ઉછળતા-ઉછળતા હાથમાં રીમોટ લઇને ચવાયેલા પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવતા મોટીવેશનલ-લેક્ચર્સ મને કયારેક મોટીવેટ કરી શક્તા નથી એટલે તે દરમ્યાન કંટાળો આવવો સ્વાભાવિક છે. (સાંભળીયે ત્યાં સુધી કદાચ ઠીક લાગે પણ થોડા સમય/દિવસ પછી આ પ્રોફેશનલ સ્પીકર્સના લેક્ચર્સથી ખરેખર કેટલા લોકો મોટીવેટ થયા છે તેનો સર્વે કરાવીએ તો કોઇ નવું સત્ય મળી શકે.)

– ઉત્તરાયણ આ વર્ષે પણ દર વર્ષની જેમ શાનદાર રહી. આ સમયે ઠંડી દર વર્ષે હોય જ છે પણ આ વખતે પ્રમાણમાં વધુ કહી શકાય એમ લાગ્યું. ઉપરાંત આ વર્ષે શ્રી પવનદેવ જનતા પર મહેરબાન રહ્યા જેનો પતંગરસીકોએ ખુબ લાભ ઉઠાવ્યો. (રાત્રે ચાઇનીઝ તુક્કલોએ પણ જબરી જમાવટ કરી હોં!)

– ઉત્તરાયણમાં ઢળતી સાંજની એક ક્લિક;

– ઉત્તરાયણ પછી મેડમજીને પીયરે અને ટેણીયાને તેના નાના-નાનીના ઘરે પહોંચાડ્યા! સાથે-સાથે ત્રણ દિવસ સુધી મેં પણ મારા સાસુ-સસરા-સાળીની સરભરાનો લાભ લીધો. (વ્રજના ફોટોની પોસ્ટ અંગે જે સંભાવના હતી તેને હવે ચોક્કસ અમલમાં મુકવામાં આવશે જેની લાગતાવળગતાએ નોંધ લેવી.)

– ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવવાની ત્રણ અરજીમાંથી એક અરજીનો સંપુર્ણ નિકાલ થયો અને કાયદેસરતા જતાવતું સર્ટિફિકેટ મેળવીને આનંદ થયો. (પણ બીજી બે અરજીઓ હજુયે કાયદાઓની આંટીઘુટીમાં અટવાયેલી પડી છે.)

– સખત ઠંડીની સાથે-સાથે બે-ત્રણ દિવસથી વરસાદ પણ હાજરી પુરાવી રહ્યો છે. લાગે છે કે આપણે સિમલા-મનાલી-મહાબળેશ્વર વેગેરેને ભુલવા પડશે, કેમ કે હવે હિલ-સ્ટેશનનું વાતાવરણ તો ઘરબેઠા ઉપલબ્ધ છે! (સવાર-સવારમાં ધુમ્મસથી ઘેરાયેલું અમદાવાદ જોવાનો લ્હાવોયે લેવા જેવો ખરો!)

– ઠંડી અને માવઠાંના કારણે ઘણાં પરેશાન પણ છે. તેમાં ખાસ તો ખેડુતો અને બિચારાં લગનીયાંઓ છે. (અહી ખેડુતોની પરેશાની ટાળી શકાય એવી નથી અને પેલા પરણવા-પરણાવવા વાળાઓને રોકી શકાય એમ નથી!)

– નવી ગાડી માટે ચોઇસ નંબર અંગેની અરજી RTO દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને આ વખતે નંબર પ્લેટ પણ RTO વિભાગ દ્વારા મફતમાં આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે! (નોંધ: તેની કિંમત એડવાન્સમાં લઇ લેવામાં આવી છે!)

– ઇમેલ સબસ્ક્રાઇબર્સને લગભગ બે-ત્રણ દિવસથી દરરોજ ‘New Post’ ના ઇમેલ મળતા હશે. જેમાં જયારે-જયારે કોઇ વ્યક્તિ જુની પોસ્ટમાં Like કે Comment કરે છે ત્યારે તે પોસ્ટને વિચિત્ર સ્વયંસંચાલિત પ્રક્રિયા દ્વારા ‘નવી પોસ્ટ’ તરીકે મોકલી આપવામાં આવે છે જેમાં નવું કંઇ હોતું નથી! (એમ તો તમે હવે એમ કહેશો કે અહી ખરેખર નવી પોસ્ટમાં પણ નવું કયાં કંઇ હોય જ છે… જો કે વાત તો એ પણ સાચી જ છે!)

– ઓકે. તો જે-તે વ્યક્તિને જણાવવાનું કે તે વર્ડપ્રેસના સોફ્ટવેરનો કોઇ લોચો છે. આ દુવિધાના સમયસર નિરાકરણ હેતુ વર્ડપ્રેસને જાણ ઉપરાંત વિનંતી પણ કરવામાં આવી છે. (આ અસુવિધા બદલ અમે દિલગીર છીએ.)

-આજે ફરી એક જ પોસ્ટમાં વાતો લાંબી થઇ ગઇ છે એટલે હવે બીજી વાતો માટે સમય મળ્યે નવું પાનું ચિતરવામાં આવશે. ત્યાં સુધી આવજો. ખુશ રહો..

બોલો, શું કહેવું છે તમારે...