આજકાલની નવાજુની

. . .

– ગયા વર્ષના ઉનાળામાં થયેલ ડેન્ગ્યુ-ટાઇફોઈડ-મેલેરીયાની ત્રીપલ બિમારીની શાહી સુકાઇ નથી ત્યાં આ વર્ષે પણ મે મહિનાની બિમારી સાથે ધમાકેદાર શરૂઆત થઇ છે. (દર વર્ષે એકાદવાર કોઇ મોટી બિમારીના ભોગ બનવું એ જાણે એક કુદરતી નિયમ બની ગયો છે.)

– લગભગ આઠ દિવસથી દિવસના ચોક્કસ સમયે મારી મુલાકાત લેતો અસહ્ય તાવ અને અશક્તિનો હુમલો મને ઘણો સતાવી રહ્યો છે. છેવટે થોડા દિવસની દવા બાદ સ્થિતિમાં સુધારો ન જણાતાં બે દિવસ પહેલા જ બ્લ્ડ-રિપોર્ટ કરાવવામાં આવ્યો. (લેબોરેટરીવાળાએ ટેસ્ટ કરવા માટે બે ઇંજેક્શન ભરીને લોહી કાઢી લીધું એ જોઇને મારું તો શેર લોહી બળી ગ્યું બોલો..)

– દસમા ધોરણની બોર્ડની પરિક્ષાના પરિણામ સમયે નાપાસ થનાર વિદ્યાર્થીને જેટલો ડર માર્કશીટ હાથમાં આવવાનો હોય એટલો ડર કાલે બ્લ્ડરિપોર્ટ લેવા જતી વખતે હતો. પરંતુ…… પેલો નાપાસ થનાર વિદ્યાર્થી ફસ્ટકલાસ સાથે પાસ થાય ત્યારે તેને લાગે એવો સુખદ (અને આશ્ચર્યજનક) ઝાટકો મને પણ લાગ્યો જ્યારે મે જાણ્યું કે મારા દરેક રિપોર્ટ નોર્મલ છે. (હાશ…….)

– રિપોર્ટ લઇને સીધા ડૉક્ટરસાહેબ સાથે મુલાકાત ગોઠવવામાં આવી અને રિપોર્ટ નોર્મલ આવ્યાની બધી ખુશી હવામાં ‘છુ’ થઇ ગઇ. 🙁 કારણ – શ્રીમાન ડૉક્ટરની આ સલાહ – “દરેક રિપોર્ટ નોર્મલ છે પણ શરીરમાં બિમારી ચોક્કસ છે એટલે હવે દવાઓના અખતરા કર્યા સિવાય જલ્દી જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું યોગ્ય છે.” (મમ્મી મને હોસ્પિટલમાં દાખલ નથી થવું…. આવી જીદ પણ ન કરી શકીએ. કેમ કે હવે મારી મોટામાં ગણતરી થવા લાગી છે ને…)

– કામકાજની જરૂરી વ્યસ્તતા છોડીને દાખલ થઇ જવું લગભગ અશક્ય છે અને હેલ્થ પણ જરૂરી છે. છેવટે આખો ‘કેસ’ યોગ્ય દલીલ સાથે પપ્પાની ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. જજ પપ્પાએ નિર્ણય જાહેર કર્યો કે પરિવારના ખાસ મિત્ર એવા એક અનુભવી ડોક્ટરની સલાહ લેવી અને તેઓ જે કહે તે મુજબ આગળ વધવું. (નિર્ણયનો અમલ સત્વરે થાય તેવો હુકમ પણ તેમાં સામેલ હતો.)

– કાલે રાત્રે જ ડોક્ટર-મિત્રની મુલાકાત લેવામાં આવી. અગાઉની દરેક દવાઓ અને રિપોર્ટના અભ્યાસ બાદ તેમનો નિર્ણય – “અત્યારે દાખલ થવાની કોઇ જરૂર નથી લાગતી, શારીરિક થાક જણાય છે અને શરીરને આરામની ખાસ જરૂર છે. ઓછામાં ઓછા ત્રણ દિવસનો ઘરે સંપુર્ણ આરામ અને થોડી દવાઓથી બિલકુલ ઠીક થઇ જવાશે.” (આ ડોક્ટર ઘણાં સારા છે. જોયું, કેવી સારી સલાહ આપે છે !!)

– ખાવા-પીવામાં અને દવાઓ લેવામાં કેટલાક નિયમો પાળવાના છે. (અહી ‘મગનું પાણી પીવું’, ‘ખીચડી ખાવી’ વગેરે જેવા કેટલાક અઘરા નિયમોનો સમાવેશ થાય છે.) કામકાજને ફોનથી જ ‘પતાવવા’ એવો ડોક્ટરનો ચોખ્ખો આદેશ છે. ભીડ-ભાડ વાળી જગ્યા, લગ્ન પ્રસંગનું ભોજન, બહારનો નાસ્તો, તીખું-તળેલું વગેરેનો થોડા દિવસ ત્યાગ કરવો એવું ‘ખાસ’ સુચવવામાં આવ્યું છે. (પુસ્તકમેળાની મુલાકાત કેન્સલ. 🙁 )

– એક દુખદ નોંધ : મારો મોબાઇલ કાલે ખોવાઇ ગયો છે અને તેની સાથે જોડાયેલી ઘણી યાદો પણ ખોવાઇ ગઇ. થોડી-ઘણી શોધખોળ બાદ તેનો પત્તો ન લાગતા છેવટે આજે સવારે તેને કાયમ માટે ગુમાવેલો ગણીને તેની ‘સિમકાર્ડ સર્વિસ’ બંધ કરાવી દેવામાં આવી છે. બીજા સિમકાર્ડ અંગે સોમવારે કાર્યવાહી કરવામાં આવશે. (મોબાઇલ ખોવાયાના કેસમાં પોલિસ ફરીયાદ કરીને કોઇ ફાયદો નથી હોતો. કેમ કે ‘બિતા હુઆ વક્ત ઔર ખોયા હુઆ મોબાઇલ કભી વાપસ નહી મિલતા’.)

– ફાઇનલી, આજે…..

  • સવારથી આ સાહેબ આરામ પર છે.
  • ખવડાવી-પીવડાવીને મમ્મીએ થકાવી દીધો છે. (મેડમજી તો પીયર ગયા છે.)
  • નવરા રહેવાનો ઘણો કંટાળો આવે છે.
  • અત્યારે.. લેપટોપને બંધ કરવાનો આદેશ મળી રહ્યો છે.
  • ખોવાયેલા ફોનની શોકસભા હજુ ચાલું છે’. જેને પણ ભાગ લેવો હોય તે ઘરે આવી શકે છે. (રડવાની પ્રથા બંધ છે.)
  • કોઇ સારું પુસ્તક શોધું છું જેમાં વધારે વિચારવું ન પડે અને મારો સમય પસાર કરવામાં મદદરૂપ પણ બને.
  • અને હું આનંદમાં છું.

. .

# આજનું જ્ઞાન:

– આરામ કરવાનો પણ કયારેક થાક લાગતો હોય છે.

. . .

11 thoughts on “આજકાલની નવાજુની

    1. આભાર યશવંતકાકા.

      આજે શોકસભાને કારણે iPhone બચી ગયો તેની પાર્ટી કાલે સાંજે રાખી છે. આવતી કાલે પધારનાર સૌને વિનંતી છે કે આપના નામ અગાઉથી નોંધાવી દે જેથી દરેક માટે પુરતા પ્રમાણ માં ‘મગનું પાણી’ અને ‘ખીચડી’ની વ્યવસ્થા કરી શકાય. 🙂

  1. આપની તબિયત જલ્દી સુધરે એવી પ્રાર્થના (કે દુઆ).. આમ પણ આજકાલ ગરમી ની સીજન સાથે બીમારીની સીજન પણ આવી જ જાય છે તેમાં પણ બહારનું ભોજન લો તો માર્યા સમજો (જો કે હું પોતે પણ આ વસ્તુ રોકી નથી સકતો જીભ ના ચટાકાને કારણે). મોબાઇલ ખોવાઈ જાય એ ખરેખર ખુબજ દુઃખદાયક વાત છે. આશા છે એ જ્યાં હશે ત્યાં ખુશ હશે.

    1. આપની પ્રાર્થના સફળ બને એવી હું ઇશ્વરને પ્રાર્થના કરીશ.. 😉

      મોબાઇલ તો મારો એ બહુ ખુશમીજાજી હતો. મને કયારેય દુઃખી કે નિરાશ નથી કર્યો અને જીવનના દરેક સુખ-દુઃખમાં હંમેશા મારો ભાગીદાર રહ્યો છે.(હા, કયારેક બેટરી પુરી થઇ જતી ત્યારે થાકીને બંધ થઇ જતો.) તેની યાદ હરદમ દિલમાં રહેશે… આજે તે જયાં હશે ત્યાં ખુશ જ હશે એવો વિશ્વાસ છે અને હવે તેના નવા માલિકને પણ ખુશ કરે એવી આશા…

  2. “””””મોબાઇલ ખોવાયાના કેસમાં પોલિસ ફરીયાદ કરીને કોઇ ફાયદો નથી હોતો. કેમ કે ‘બિતા હુઆ વક્ત ઔર ખોયા હુઆ મોબાઇલ કભી વાપસ નહી મિલતા’”””
    aa vaky supar lakhiyu che. tamara darek sabd dil ne adi jay che. tamari tabiyat vahela sari thay evi bhagvan ne prathna che ..

  3. આશા રાખું કે ફરી દોડતા થઇ ગયા હશો…

    તમારા જ્ઞાન સાથે એકદમ સહમત. કંઇ ના કરવું એ સૌથી મોટું કામ છે. 🙂

બોલો, શું કહેવું છે તમારે...