વાંદરાની વાર્તા

નિયમો, નીતિઓ (policies), ધાર્મિક માન્યતાઓ અને વારસાગત સંસ્કૃતિ કે રીતી રિવાજ જે વર્ષોથી ચાલી આવેલ છે. તે કેવી રીતે બન્યા હશે? એને સમજવાની આ હલકી ફુલકી વાર્તા. વાર્તાને સિરિયસલી લેવી નહિ.

  • કેટલાક વૈજ્ઞાનીઓ પાંચ વાંદરાને જંગલમાંથી પકડી લાવ્યા.
  • આ વાંદરાઓને એક પાંજરામાં પુરવામાં આવ્યા.
  • પાંજરાની વચ્ચે ટોચ પર કેળાનું એક મોટું ઝુમખું લટકાવામાં આવ્યું.
  • વાંદરા કેળાં વગર રહી શકે?
  • એ લાગ્યા કુદકા મારવા.
  • જેવું એમણે કેળાં લેવા કૂદવાનું શરુ કર્યું, પાંજરાની ચારે બાજુથી એમના પર સખત પાણીનો મારો કરવામાં આવ્યો.
  • જેટલી વાર કુદકા મારે એટલી વાર પાણીનો માર પડે.
  • કેટલાંક સ્માર્ટ આયર્નમેન વાંદરા સમજી ગયા કે “કેળાં લેવા કુદો એટલે ભારે પાણીનો મારો સહન કરો”.
  • આ વાંદરાઓએ કુદકા મારવાનું બંધ કર્યું.
  • પણ થોડાં શક્તિમાન વાંદરા હજી જોશમાં હતા.
  • આ શક્તિમાંનો જેવા કુદતા, પાણીનો મારો ફરી શરુ થતો.
  • શક્તિમાંનો ના સાહસ થી આર્યનમેન વાંદરાઓને પણ સહન કરવું પડતું.
  • બસ પત્યું.
  • જેવા શક્તિમાનઓ કેળા લેવાં કૂદવાનું શરુ કરે, આર્યનમેન વાંદરા એમને ઢીબી નાખે.
  • અંતે શક્તિમાંનો ઠેકાણે પડ્યા અને સમજી ગયા કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.
  • હવે કોઈ પણ વાંદરો કૂદતો નહિ.
  • દરેકને નિયમનું ભાન થઇ ચૂક્યું હતું.
  • હવે વૈજ્ઞાનિકોએ પાંચમાંથી એક વાંદરાને પાંજરા માંથી કાઢી મુક્યો.
  • એની જગ્યાએ એક નવા વાંદરા પપ્પુ ને પાંજરામાં મુકવામાં આવ્યો.
  • આ નવા વાંદરાને પાંજરાના નિયમોની જાણ ના હોય એ સ્વાભાવિક છે.
  • એટલે જેવું એણે કેળાનું ઝુમખું જોયું એનું મન લલચાયું ને એણે માર્યો કૂદકો.
  • આ બાજુ આર્યનમેન અને શક્તિમાન નવરા જ બેઠાં હતાં અને રાહ જોતા હતા કે ક્યારે આ પપ્પુ કુદે.
  • બસ પછી તો પપ્પુને જે ધોવામાં આવ્યો.
  • પપ્પુ પણ સમજી ગયો કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.
  • આવી રીતે એક પછી એક બધા આર્યનમેન અને શક્તિમાંનો ના બદલે પપ્પુઓને પાંજરામાં રિપ્લેસ કરવામાં આવ્યા.
  • હવે પાંજરામાં એ પપ્પુઓ હતા જેમણે ક્યારેય પાણીનો મારો સહન નથી કર્યો.
  • બસ એમને એક વાતની ખબર હતી કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.

આ પપ્પુ વાંદરાઓએ ક્યારેય તસ્દી ના લીધી એ જાણવાની કે, સાલું કેળાં લેવા કુદો તો માર કેમ પડે છે?

વાર્તા કંઈક જાણીતી લાગી?

આપણે પણ આ વાંદરા જેવું જ કરતા આવ્યા છે, કરીએ છીએ અને આગળ પણ કરતાં રહીશું. કોઈ શક.

શા માટે? આ એક અગત્યનો પ્રશ્ન કરવાની અને એનો જવાબ મેળવવાની જેને ઈચ્છા થાઈ એ જ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે.

કોઈ ઓફિસમાં નવો જોઈન થતો કર્મચારી શું કરે છે? એ જુએ છે કે બીજા શું કરે છે. બસ પછી એ જ ફોલો કરે છે. એ બીજા શું ફોલો કરતા હોય છે?

શું એ પપ્પુઓ છે? જો એ પપ્પુઓ હોય તો પત્યું. કર્મચારીઓએ પપ્પુ કે શક્તિમાન નહિ પણ આર્યનમેન ને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ મેળવવાની ધગશ હોવી જોઈએ.

અમુક ધાર્મિક કે સામાજિક રીતિરીવાજો નું પણ એવું જ છે. આપણા પૂર્વજો કરતા આવ્યા એટલે આપણે પણ કરીએ છીએ.

કોને ખબર આપણા પૂર્વજો આયર્નમેન હતા? શક્તિમાન હતાં કે પછી પપ્પુઓ હતા?

તમે કોણ છો? આયર્નમેન, શક્તિમાન કે પછી પપ્પુ? જવાબ આપવો જરૂરી નથી. હું કંઈ તમને માર્ક્સ નથી આપવાનો. ઠેંગો.

હૂપ હૂપ હૂપ

વાંદરામાંથી માણસ બનતા સેંકડો વર્ષો લાગ્યા, પણ માણસમાંથી વાંદરા બનતા એક સેકંડ પણ નથી લગતી. બોલો સાચું કહ્યું કે નહીં.

હૂપ હૂપ હૂપ

વાંદરાઓ શું કરી શકે એ જાણવા ઇચ્છતા જીવ-જંતુઓએ “Planet of the Apes (1968)” મૂવી જોઈ લેવું. મસ્ત મૂવી છે.

હૂપ હૂપ હૂપ


મુળ પોસ્ટ : વાંદરાની વાર્તા, બ્લોગઃ કલબલાટ
લેખક : નિલેશ ગામીત


~ આ વાર્તા/પોસ્ટ પર મારો પ્રતિભાવ ~

~ થોડો ફેરફાર છે પણ આ વાર્તા એમ જાણીતી છે!1 આ વાર્તામાં આયર્નમેન-શક્તિમાન-પપ્પુ ઉમેરવા માટે તથા હ્યુમર માટે લેખકને 100 માર્કસ મારા તરફથી! 😃 (માર્કસ આપવામાં માત્ર શિક્ષકોનો ઇજારો નથી.)

monkey in cage - વાંદરાની વાર્તા

~ વાંદરાની આ વાર્તા હળવાશમાં જ ઘણું કહી જાય છે. આઉટ-ઓફ-બોક્ષ વિચારવાની વાત છે.

# ઉપરની વાતમાં એક સવાલ છે કે;

તમે કોણ છો? આયર્નમેન, શક્તિમાન કે પછી પપ્પુ?

~ કંપનીમાં જોડાયેલ નવો કર્મચારી જુના લોકોનું જ અનુકરણ કરે અને મેનેજમેન્ટ કે પોતાની જવાબદારીને અગાઉના કર્મચારીની નજરે દેખે તો છેવટે કંઇ નવું કરવા માટે તૈયાર ન થાય. અગાઉના લોકોના બંધનને તે પોતાની હદ માની લે અને પછી તેમાં જ પોતાને બાંધી રાખે ત્યારે છેવટે પપ્પુ બનીને રહી જાય. ક્યાંક હું તો પપ્પુ નથી બનતો ને? આ સવાલ થવો જરૂરી હોય છે.

~ આવી જ અસર આપણાં વાણી-વર્તન-પુર્વગ્રહ અને વિચારો ઉપર પણ હોય છે. અજાણતા જ આપણે પોતાને એક ઇમેજમાં પુરી રાખ્યા હોય અને આ પપ્પુ ક્યારે બન્યા એ આપણને પણ ખયાલ આવતો નથી. પોતાની માન્યતા માટે જાતને સવાલ કરવા પડે અને જવાબ મેળવવા પડે!

~ ‘જુનું બધું સાચું.’ કે ‘રિવાજો/પુર્વજો ક્યારેય ખોટા હોઇ જ ન શકે.’ કે ‘મારા દાદા/પપ્પા કરતાં આવ્યા છે એટલે હું પણ કરુ.’ કે ‘આ ઓફિસમાં બધા જેમ રહે છે, એમ જ રહેવાય.’ અને ‘આવું જ થતું આવ્યું છે એટલે એમ જ થાય.’ -તેવું સ્વીકારી લેતી વ્યક્તિ માટે આ વાર્તા આત્મચિંતનની દિશા બતાવે છે. (આ દિશામાં મને પણ ઘણું દુર જવાનું છે.)

~ એક સમજણ બાદ હું લગભગ દરેક સમયે આ પ્રકારના સવાલમાં રહ્યો છું અને નિખાલસતાથી કહું તો મોટા ભાગે શરૂઆતમાં મને હું પપ્પુની કેટેગરીમાં જ મળ્યો છું.2 જ્યારે ખબર પડે કે આપણે પપ્પુની કેટેગરીમાં છીએ તો પછી જાત-સુધારણા કાર્યક્રમ ચલાવવાની નૈતિક જવાબદારી સમજીને ચુપચાપ મુળ સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલું રાખ્યો છે.

~ ક્યારેક આયર્નમેનની જેમ પ્રશ્નોના જવાબ મેળવ્યા છે અને પછી મારી જુની માન્યતાઓ માટે ખાનગીમાં જાત ઉપર હસી પણ લીધું છે.3 બધા રિવાજ/ઘટના/માન્યતા વિશે મુળ હકિકત મને સંપુર્ણ સમજાઇ ગઇ છે એમ ન કહી શકું.. પણ, આજે કેટલીક માન્યતાથી ચોક્કસ મુક્ત છું.

~ કેમ?-શા માટે?-તો હું કેમ માનું?-પુરાવા છે?-શાસ્ત્રોમાં બધું સાચું જ હોય?-પુરાણો ખોટા ન હોઇ શકે?-ભગવાન ભુલ ન કરે?-માન્યતા કેમ છોડી ન શકાય?-બીજા ધર્મ/સંપ્રદાયમાં ખોટું હોય તો તેને સત્ય કેમ ન બતાવી શકાય?-આસમાની કિતાબમાં લખ્યું એટલે સાચું જ હોય?-મહાન વ્યક્તિની ભુલો કેમ ન બતાવાય?-સમાજના ખોટા રિવાજોને કેમ ચલાવી લેવાય?-પોતાનો નેતા હંમેશા સાચો જ હોય?- -આવા અસંખ્ય સવાલોના લીધે મને બળવાખોર તરીકે ઓળખતા લોકો વધી રહ્યા છે. પણ આ એવા જ સવાલો છે જે મને પપ્પુ બનતા રોકે છે. (અથવા તો એવું મને લાગે છે.)

~ આપણી વારસાગત સંસ્કૃતિ અને નિયમો તથા રીત-રિવાજો મોટા ભાગે ધર્મ કે ધાર્મિક ક્રિયા સાથે જોડાયેલા છે, એટલે ઘણાં સવાલોના મુળ ત્યાં સુધી પહોંચી જાય છે. પણ જો તે વિશે કોઇ સવાલ કરો એટલે ‘દંગલ’ શરું!.. ધાર્મિક પપ્પુઓ ન છોડે! (સ્વ્યં જ્ઞાન મેળવીને આયર્નમેન બનવાનો વિચાર પડતો મુકી દેવાની સ્થિતિ પણ આવે!)

~ થોડા સમય પહેલાં જોવાયેલી ફિલ્મ A Beautiful Mind એક વિચિત્ર માનસિક બિમારી વિશે છે. પણ તે કેટલીક ઘટનાઓની વાસ્તવિકતા વિશે મનમાં કાયમી ઉછળતા એવા સવાલનો જવાબ મેળવી આપ્યો કે જયાં કોઇ વ્યક્તિ દ્વારા ચમત્કાર કે દૈવી પાત્રોને સ્વયં દેખ્યાના દાવા થયા હોય..

~ તેનાથી મારા સવાલોના જવાબમાં એક એવી ખુટતી કડી મળી છે, જેનાથી પુર્વે બનેલી કોઇ ખાસ ઘટનાની દરેક ફ્રેમને એક-બીજા સાથે જોડી શકાઇ છે.4 (આમાં નરસિંહ મહેતાએ નજરે જોયેલું ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીઓની રાસલીલાનું દ્રશ્ય ઉમેરી શકાય અને UFO કે એલીયન દેખ્યાની વાતોને પણ જોડી શકાય!)

~ એમ તો આપણાં દરેક ધર્મમાં પણ હવે પપ્પુઓ જ બચ્યા છે. પોતે રીત-રીવાજો કે માન્યતાઓને કારણ વગર પકડી રાખ્યા છે. ખોટું કે અકુદરતી છે એવું ક્યારેક સમજતા હોવા છતાંયે પોતે બહાર નથી આવતા અને માન્યતા તરીકે ગાડરીયા પ્રવાહમાં દરેક જોડાયેલા રહે તેવું તેઓ ઇચ્છે છે.

~ આવા પપ્પુઓને માત્ર અગાઉની પરંપરા પાળવાની જ ખબર છે, તેમને તર્ક કે સવાલો થતાં નથી. કમનસીબે એ આયર્નમેન લગભગ લુપ્ત થઇ ચુક્યા છે; જેઓ જાણતા હતા કે મુળ જ્ઞાન શું હતું. મુળ ધર્મ શું હતો. જે-તે માન્યતા પાછળ હકિકત શું કતી… પુછવું તો કોને? પપ્પુઓ પાસે તો માત્ર રટાવેલું જ્ઞાન છે.

~ જો પપ્પુ બની રહેવું હોત તો હું આજે આટલા સવાલો ન કરતો હોત. જવાબ ન માંગતો હોત. ઘર્મ/ઇશ્વરના આધિપત્યને અનુસરીને થયેલા મારા સવાલો જે વર્ષો પહેલા બગીચામાં મુક્યા હતા, તેના જવાબ કોઇ જ્ઞાની પાસેથી હજુ મળ્યા નથી. એમ તો મળવાની આશા પણ નથી. (કોઇને મારા સવાલો દેખવા હોય તો જુઓ; અહીં)

~ કેમ કે કહેવાતા જ્ઞાનીઓ પણ નથી જાણતા કે ક્યારેક પાણીનો મારો સહન ન કરવો પડે એટલે બીજા વાંદરાને કુદતા રોકવાના હતા એટલે લાલચ છોડીને ક્યારેક શાંત રહેતા શીખવવામાં આવ્યું હશે. હવે સ્થિતિ બદલાઇ ગઇ છે છતાંયે સમયઅનુસાર નવું જ્ઞાન આપવાના બદલે જુનું ચલાવ્યા રાખીને પપ્પુ બની રહેવામાં અને નવા પપ્પુઓ બનાવવામાં તેઓ ગર્વ અનુભવે છે!

~ પ્રતિભાવ કદાચ મુળ પોસ્ટ કરતા લાંબો થઇ ગયો લાગે છે. અંતે એક નાનકડી ચાઇનીઝ વાર્તા યાદ આવે છે5, તેને કહીને વાત પુરી કરું..

જંગલ જેવા વિસ્તારમાં આશ્રમ જેવું સ્થળ છે જ્યાં દુર-દુરથી શિષ્યો ભણવા આવ્યા છે. ગુરુ ભણાવતી વખતે નોંધે છે કે ત્યાં દોડાદોડી કરતા ઉંદરો શિષ્યોને શિક્ષણમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.

ઉંદરને ભણવાના સ્થળથી દુર રાખવાના હેતુથી ગુરુ એક બિલાડીને પાસે રાખવાનું નક્કી કરે છે. આમ ઉંદરની સમસ્યાથી છુટકારો મેળવે છે.

ઘણાં દસકાઓ વિતે છે. ગુરુ બદલાય છે, શિષ્યો પણ બદલાય છે અને સ્થળ પણ બદલાઇ ગયું છે. ઉંદરો હવે આસપાસ ક્યાંય નથી રહ્યા, પણ એક બિલાડીને ગુરુની બાજુમાં ફરજીયાત બાંધી રાખવાનો નિયમ હવે રિવાજ બની ગયો છે.

# મુળ હેતું અલગ હતો જે ત્યારે ગુરુએ અપનાવ્યો હતો. પણ હવે તેને પપ્પુ બનીને બધા માત્ર અનુસરે છે. આખરે આ રિવાજ સાથે શુભ હોવાનું કારણ જોડીને ધર્મમાં ઉમેરી દેવામાં આવે છે!..

# અસ્તુ.

bottom image of blog - વાંદરાની વાર્તા

હે ભગવાન….

faith and prayer hand

– આ અગાઉ ઇશ્વર/પરમેશ્વર વિષયે એક પોસ્ટ લખવાની દુષ્ટતા કરીને ઘણાં મિત્રોને નારાજ કર્યા હતા અને કેટલાકને કાયમી ખોઈ પણ દીધા છે. તેમ છતાં આજે ફરી તે વિષયે લખવાનું ‘રિસ્ક‘ લઇ રહ્યો છું.

– હું કોઈ ધર્મ-દેવ-દેવી-ભગવાન-પરમેશ્વર-અલ્લાહ-ઇસુનો વિરોધી નથી. (એમપણ એવું કોઈ હોવાનું હું સ્વીકારતો નથી અને મારી નજરે જેનું અસ્તિત્વ જ ન હોય તેના વિરોધનો કોઇ મતલબ પણ નથી.)

– પરંતુ મહાન ધર્મ કે ઇશ્વર-અલ્લાહના નામે ચાલતા અતિરેક ભર્યા ખયાલો અને જીવન વિશેની જડ માન્યતાઓ પ્રત્યે મને સખત વાંધો છે. (જો કે આમ તો આ મારી અંગત સમસ્યા છે.)

– આ પોસ્ટની બધી વાતો કોઇપણ પુર્વવિચારણા વગર લખાયેલી અસ્તવ્યસ્ત છે; એટલે આપને વાચવામાં-સમજવામાં મુશ્કેલ લાગી શકે છે. આમ તો બધું એક પ્રતિભાવના ઉત્તર અને એક પોસ્ટના ભાગ રૂપે લખાયેલું છે એટલે જે કોઇ આગળની વાત જાણવા ઇચ્છે તેઓ આ કડી દ્વારા તે પોસ્ટ અને તેની નીચેની કૉમેન્ટ્સ જોઇ શકે છે : marobagicho.com/he-bhagwan/

– પહેલાં તો જે સંદર્ભમાં આ બધી ચિતરામણ કરી છે તે સજ્જનની કૉમેન્ટને પણ જોઇ લઇએ. તેના પછી પ્રતિભાવને સંદર્ભે મારી વાત છે;

[મુળ કોમેન્ટ જોવા આ તારીખ પર જાઓ – September 27, 2012]

rajeshpadaya says:

મારા બ્લોગના બગીચામાં આપનુ સ્વાગત છે ”’બગિયાના માળી જી’.

આપની એકદમ વાત સાચ્ચી છે આપને આ બધુ વિચિત્ર લાગે છે. પણ એ જ તો જીવનની લિલા છે.

બચપણમાં આપંણને ચોકલેટો-બિસ્કિટો-કેક-ફુગ્ગા-ચકડોળ, અને બગીચામાં રમવાનુ ખુબ ગમતુ હતુ પરંતુ આજે આપનો બાબો એક-બે મહિનાનો થયો છે એટલે આપને આપના બાબા સાથે રમવાનુ ગમતુ હશે,

એ પહેલા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમારી પત્ની જોડે રમવાનુ ગમતુ હતુ (હજુ પણ ગમતુ જ હશે અને ગમતુ રહે એવી પ્રાર્થના પણ માતા-પિતા-ભાઈ-બહેન-સગાઓ અકળામણા ના લાગે એનાથી ચોક્કસ સતેજ રહેજો).

એટલે આપણા જીવનમાં અલગ અલગ પડાવે આપણો ગમો-અણગમો બદલાય છે, આપણા વિચારો અને સ્વભાવ પણ બદલાય છે, એટલે આપને વિનંતિ કરુ છુ કે આપનો અભિપ્રાય ભવિષ્યમાં સજ્જડ રીતે કાયમ રાખજો કેમ કે ઉપરવાળાની મોરપિંછ જેવી સુંવાળી લાકડીથી અનાડીઓ સુજ્ઞ બની જાય અને સુજ્ઞ જણાતા લોકો અનાડી બની જાય છે.

તમારા મનમાં શું ચાલી રહ્યુ એ મને શું તમારા પત્ની, માતા-પિતા, મિત્રો, અથવા જે કોઈ તમારી જોડે વ્યવહાર કરે છે તેઓને ખબર નથી પડતી એવી જ રીતે તેઓની ગડમથલ પણ તમને ખબર નહિ પડે.

પણ એવી અનેક અદશ્ય શક્તિઓ આપની અને સર્વ જીવીતોની ચારો તરફ ઘુમરાતી રહીને સર્વ જીવિતોને એની ઈચ્છા અનુસાર વળવાની કોશિશ કરતી રહેતી હોય છે એ આપને અને આપના બ્લોગ પર આવતા દરેક જ્ઞાનીઓને ખર પણ નહિ હોય. જેવી રીતે બાઈક પોતે પરચાલીત છે એવી આપણે પણ સ્વયંચાલીત નહિ પણ અલગ અલગ વિચારધારાઓ દ્વારા પરચાલીત છીએ.

પણ ૪૨-૪૩ વરસની ઉંમ્મરે મને જ્યારે ખબર પડી કે ‘પરમાત્મા’ જે અદશ્ય છે એ સર્વના મનની ખબર રાખતો હોય છે અને એને સર્વ લોકો પ્યારા છે પણ અમુક લોકોને ચુમવાની ઈચ્છા રાખવા છતાંય એ ‘દયાળુ’ ચુમી નથી શકતો કેમ કે કોઈને ચુંબન કરવા માટે એની રજામંદી હોવી જોઈએને,

એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…..

દરેક મનુષ્ય ડગલે પગલે ઠેબા ખાતો હોય છે, ગરમ (જવાન) ખુનને એ ઠેબા સમજાતા નથી પણ એ જ ગરમ ખુબ પોતાના કાળજાના ટુકડાને એક નાકડી છિંકનો ઠેબુ લાગતા જ ફાળ પાડી ઉઠે ત્યારે સર્વોપરી ઉપરવાળો પરમાત્મા યાદ આવે છે.

આઠ વરસ પહેલા અમારી ઓફિસમાં બે સુંદર યુવતીઓએ કુંવારી હતી ત્યાં સુધી મંદિરોમાં કે પુજાપાઠની ઘૃણા કરતી હતી પણ આજે લગ્ન પછી ચાર વરસના થાકી નાંખે એવા ઈંતજાર પછી સ્પેશ્યલ ટૅકનીકથી બન્નેને બાળકો છે જેને તંદુરસ્થ રાખવા માટે આજે મંદિરો અને ભજન-કિર્તનોમાં ટાંટીયા ઘસે છે.

હુ આપને સિંમ્પલી કહુ છુ કે ‘અદશ્ય શક્તિઓ’ તમારી-મારી અને અન્યો ઉપર રાજ કરે છે.”

rajeshpadaya

# ઉપરની કૉમેન્ટના પ્રતિભાવમાં મારી વાત;

– મને બધું એટલે વિચિત્ર લાગે છે કેમ કે તેની પાછળ રહેલા કડવા સત્ય અને છીછરી કહાનીઓ મને ઘણાં સમજાઇ ચુકયા છે અને તેને સમજવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે.

– અભિપ્રાય અને મનોદશા અનુભવો પ્રમાણે અને જીવનના દરેક તબક્કામાં બદલાતા રહે છે એટલે દરેક ઉંમરે દરેક વ્યક્તિના શોખ, રસ-રૂચી, જરૂરિયાત કે પ્રાથમિકતા અલગ-અલગ રહેવાની જ. આ શોખ કે પ્રાથમિકતા ઉપર કોઇનો કાબુ હોતો નથી. જેમ બાળક માટે ખોરાક એક પ્રાથમિક જરૂરિયાત છે તેમ પુખ્ત વ્યક્તિ માટે પૈસો કે કુટુંબની સલામતી પ્રાથમિક જરૂરિયાત હોઇ શકે. આતંકવાદી જયારે ધર્માંધ હોય ત્યારે તેને માટે માત્ર દુશ્મનનો વિનાશ જ પ્રાથમિકતા હોઇ શકે છે!!

– હું જે વિચારું છું તેની ઉપર ત્યાં સુધી કાયમ રહીશ જ્યાં સુધી મને તેની વિરુધ્ધ કોઇ નવું સત્ય ન મળે પણ તેનો અર્થ એ નથી કે હું કોઇ દુઃખભરી અવસ્થા આવતા ભગવાનના પગે પડી જઇશ. (એટલો કમજોર હું તો નથી જ.)

– કોઇના મનને જાણવું કયારેય સંભવ નથી. હા, તે અંગે અંદાજ લગાવી શકાય. બાઇક એટલે પરચાલિત છે કેમ કે તેનું પોતાનું અસ્તિત્વ કોઇની મરજીને આધારિત છે. બાઇકની પોતાની કોઇ વિચાર કે તર્કશક્તિ હોતી નથી અને અહી મુળ વાત તો એ છે કે, એક નિર્જીવ બાઇક સાથે સજીવ માણસની તુલના કરવી કોઇ પણ રીતે યોગ્ય નથી. માણસ પેટ્રોલથી ચાલતી કે મશીનોથી બનેલી કોઇ સૉલિડ ચીજ નથી કે જેને કોઇ તેલ પુરાવીને ચાલુ કરશે તો જ ચાલશે. માણસ એક બહુકોષિય સજીવ છે. તેની પાસે રહેલી વિચારવાની અને તેને અનુરૂપ કાર્ય કરવાની શક્તિ ઉત્ક્રાંતિની બલિહારી છે અને તે સંપુર્ણરીતે કુદરતી છે. તે કોઇને આધારિત નથી કે કોઇની દેન પણ નથી.

– તમે કહો છે કે,

“એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…”

~ આનો અર્થ એ થાય છે કે પરમેશ્વર એક એવો ક્રુર વ્યક્તિ છે જે પોતાની મહાનતા સાબિત કરવા માટે પહેલા લોકોને ત્રાસ આપે છે અને પછી તે લોકો ત્રાસીને તેની પાસે આવે એવી ઇચ્છા રાખે છે. અહીયા તો પરમેશ્વરની આગળ ‘દયાળું’ લખવાનો કોઇ મતલબ જ નથી રહેતો સાહેબ. દયાળું તો ત્યારે કહેવાય જે વ્યક્તિને ઠેબા ખાતા પહેલા જ ચુમી લે. પીડા આપ્યા પછી શરણે આવેલાને દયા કરવી એ તો શેતાનનું કામ કહેવાય.

– ભુતકાળમાં ઘણાં ઘમંડી રાજાઓએ પોતાના ધર્મ/રાજ્યના પ્રચાર માટે આવી રીતરસમો અપનાવેલી જ છે. જેઓ શરણે નથી આવ્યા તેવા લાખોને પીડાઓ આપીને કમોતે મારી નાખવામાં આવ્યા છે અને જે વ્યક્તિ ત્રાસીને જે તે રાજાના શરણે ગયા છે તેવા લોકોને આ ક્રુર રાજાઓએ જીવનદાન આપ્યાના કિસ્સા ઇતિહાસમાં પણ ઠેર-ઠેર જોવા મળશે. તો શું તે ક્રુર રાજાઓને હવેથી દયાળું કહીશું?


# આપણે એક નાનકડું ઉદાહરણ લઇએ;

જંગલમાં એક વાઘ હરણનો શિકાર કરે છે અને તેને નિર્દયતાથી ફાડીને ખાઇ જાય છે.

હવે જો આપ આ ઘટનાને પરમેશ્વરથી સંચાલિત હોવાનું કહેતા હોવ, તો મને કેટલાક પ્રશ્નોના જવાબ આપો;

  • શું અહી પરશ્વરે હરણ સાથે ક્રુરતા ન કરી કહેવાય?
  • દયાળું હોત તો તે હરણનો શિકાર થવા દે?
  • કે પછી પરશ્વરમાં એટલી તાકાત નથી કે તે વાઘના હુમલાથી હરણને બચાવી શકે?
  • અને એમ જ હોય તો પરમેશ્વરને સર્વશક્તિમાન કેમ કહી શકાય?
  • જો હરણ પરમેશ્વર સંચાલિત હોય તો પરમેશ્વરે તેને પહેલા જ ભાગી જવાની અક્કલ કેમ ન આપી?
  • તેનો મતલબ પરમેશ્વર પણ ઇચ્છતા હતા કે હરણનો શિકાર થઇ જાય?
  • જો હરણનો શિકાર જ કરાવવો હતો તો પછી તેને જન્મ જ કેમ આપ્યો?
  • માત્ર કોઇનો શિકાર બનવા માટે? પીડા ભોગવવા માટે?
  • અને જો તે માટે જ જન્મ આપ્યો હોય તો પરમેશ્વરની નિયતને કેવી આંકી શકાય?
  • શું પરમેશ્વરને તે સમયે હરણ કરતા વાઘના ખોરાકની વધારે ચિંતા હતી?
  • એટલે કે પરમેશ્વરે તેના જ બનાવેલા બે પ્રાણીઓ પ્રત્યે ભેદભાવ ભરી નિતી અનુસરે છે?
  • શું તેમને હરણ વ્હાલા નથી? કે વાઘ વધુ વહાલો છે?
  • અને વાઘને એવો કેમ બનાવ્યો કે તેણે ખોરાક માટે નિર્દોષ જાનવરને મારવા પડે?
  • શું પરમેશ્વર જંગલના પ્રાણીઓને અંદરોઅંદર લડાવી-મરાવીને ખુશ થાય છે?
  • તેમને આવી ઘટનાથી કોઇ દુઃખ નથી થતું? આ આખી ઘટના પાછળ તેમનો મુળ આશય શું હોઇ શકે?

એક નાનકડી ઘટનાને પરમેશ્વરની આધીનતાની નજરે જોવાથી મારા મનમાં આવા કેટલાયે સવાલો ઉઠે છે.

# આ સિવાય મને સતાવતા અન્ય સવાલોનો એક નાનકડો ભાગ;

– જો બધું પરમેશ્વરની મરજી પ્રમાણે થાય છે તો આખા દેશમાં પોલિસની કે કાયદાઓ શું જરૂર છે? બધું જ પરમેશ્વરની ઇચ્છા મુજબ થતું હોય તો આ દુનિયામાં દરેક દેશને સુરક્ષા માટે લશ્કરની જરૂર કેમ પડે છે? શું તે દરેકને પરમેશ્વરની તાકાત ઉપર ભરોષો નથી?

– પડોશી પાકિસ્તાન ભારતના દરેક શહેરોને ખતમ કરી નાખે તો તેમાં પણ પરમેશ્વરની મરજી જ હોઇ શકે ને? અને જો તેમાં પરમેશ્વરની મરજી હોય તો પછી તે દરેક હુમલાઓમાં માર્યા ગયેલા લાખો લોકોની મોત પણ પરમેશ્વરની મરજી જ ગણાશે કે પછી પાછલા જન્મના કર્મોના ફળ નામનું કોઇ બહાનું સામે ધરશો?

– જો કર્મનો સિધ્ધાંત એટલો મજબુત છે તો મને સમજાવો કે, શું પરમેશ્વરની ન્યાય સિસ્ટમ આપણી ન્યાયપાલિકા જેટલી જ બેકાર છે કે એક વ્યક્તિએ આગળના જન્મમાં કરેલા પાપની સજા છેક બીજા જન્મમાં આપવામાં આવે? સર્વશક્તિમાન પરમેશ્વર કોઇ દુષ્ટને દંડ દેવામાં આટલો સમય કેમ લે છે?

– કોઇ વ્યક્તિ આ રીતે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી કોઇ દંડની સજા ભોગવી રહી છે તો તેને એ ખ્યાલ પણ નથી હોતો કે તે કયા જન્મ કે કર્મની સજા ભોગવી રહ્યો છે તો પછી આવી સજા આપવામાં પરમેશ્વરનો હેતુ શું હોઇ શકે? જે વ્યક્તિને તેના ગુનાની જ ખબર જ ન હોય તો તેણે આવતા જન્મમાં શું સુધારવું એ કેમ ખબર પડશે? કે પછીપરમેશ્વર તેની મરજી મુજબ ગમે તેમ ચલાવી શકે એટલે બધુ ભુલાવી દે છે?

– તમે માનો છો કે આ દુનિયામાં દરેક વ્યક્તિની ઇચ્છા અને કર્મ પાછળ પરમેશ્વરની જ ઇચ્છા હોય છે. કોઇપણ વ્યક્તિ પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ એક પાંદડુંયે હલાવી શકે એમ નથી એ પણ આપ સ્વીકારો છો ને? મતલબ કે આ દુનિયામાં પરમેશ્વર જ્યારે કોઇ દુષ્ટને સજા આપે છે તો તેની દુષ્ટતામાં તેમની ઇચ્છા પણ સમાયેલી હોવી જોઇએ ને? કેમ કે પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ દુષ્ટતા થવી શક્ય જ નથી. તો શું તે દુષ્ટતા માટે પરમેશ્વર પોતાને સજા કરશે? કે પછી પરમેશ્વર પાસે પોતાની માટે કોઇ સજા નથી? કે પછી પરમેશ્વર બધાનો માલિક છે એટલે તે જે કંઇ પણ કરે તેને ‘લીલા’ કહીને ચલાવી લેવાનું? શું આપણે બધા પરમેશ્વરના મનોરંજન માટે છીએ? શું પરમેશ્વર પોતાના મનોરંજન માટે આપણને લડાવે-ઝગડાવે-મરાવે છે?

– જો આપણી લડાઇ-ઝગડા-પ્રેમ કે બીજા દરેક કાર્યો ઈશ્વરની જ દેન હોય તો ડાહ્યી-મીઠી વાતો કરતા આપણાં સાધુ-સંતો-પયગંબર-બાબાઓ-પાદરીઓ શું જરૂર છે? જો તેમની વાતો સાંભળવાથી કે અનુસરવાથી કોઇ ફર્ક ન પડવાનો હોય અને ઈશ્વર-અલ્લાહની ઇચ્છા મુજબ જ બધું થવાનું હોય તો ચર્ચ-મંદિર-મસ્જીદની પણ શું જરૂર છે? તો શું હવે તમે તેને તોડી નાખવામાં સંમત થશો? ધાર્મિક પુસ્તકોને સળગાવી દેવા રાજી થશો?

– અદાલત-કાયદા દ્વારા સમાજમાં રહેલા ગુનેગારોને સજા આપવામાં આવે છે; તો શું તમે તેને યોગ્ય નથી ગણતા? જો તમને આ યોગ્ય લાગે છે તો તમને અહી એવું કેમ નથી લાગતું કે સજા કરવી એ તો પરમેશ્વરનું કાર્ય છે. પરમેશ્વરની આ સત્તામાં અદાલતો દ્વારા વિક્ષેપ કરવામાં આવે છે છતાંય તમે તેને કેમ ચલાવી લો છો? શું તમે હવે એમ કહેશો કે કોર્ટનો નિર્ણય એ પરમેશ્વરની મરજીને આધારિત છે? અને જો એમ જ હોય તો ન્યાયપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે તેમાં પણ પરમેશ્વરની મરજી હોવી જોઇએ? હજારોને મારનાર ગુનેગારને કોર્ટ નિર્દોષ છોડી દે છે તેમાં પણ પરમેશ્વરની મરજી ગણશો? કે પછી તે ગુનેગારને અત્યારે દંડ આપવામાં પરમેશ્વરનો મુડ નથી તેમ સમજવું? શું તે ગુનેગારને નવા જનમમાં દંડ આપવા આવશે કે પરમેશ્વર તેના કોઇ જુના પુણ્યોના કારણે છોડી દેશે?

– પરમેશ્વર મારી-તમારી ઉપર રાજ કરે છે તેનો મતલબ આપણે બધા તેમના ગુલામો ગણાઇએ? શું પરમેશ્વરને આવી ગુલામી પ્રથા પસંદ છે? ભારત ઉપરાંત વિશ્વમાં ઘણાં દેશોમાં કાયદા દ્રારા ગુલામીપ્રથા નાબુદ કરવામાં આવી છે, તો શું તે કાયદા અનુસાર દરેકને ગુલામ ગણનાર પરમેશ્વરને દોષી માની શકાય? તેમની ઉપર કોર્ટ-કેસ કરી શકાય? અને સર્વશક્તિમાન પરમેશ્વર પોતાના જ ગુલામો દ્વારા બનાવેલા કાયદાને કેમ સહન કરી લે છે? શું આવા નિયમો બનાવનાર દેશ કે વ્યક્તિઓને પરમેશ્વર જાતે દંડ આપવા આવશે?

– તમે ચાહે કંઇ પણ કરો આખરે તો પરમેશ્વરની મરજી પ્રમાણે જ થવાનુ છે તો નોકરી-ધંધો કરવાની શું જરૂર છે? બાળકોને ભણવાના નામે આટલો બધો માનસિક ત્રાસ આપવાની શું જરૂર છે? કે પછી પરમેશ્વર જ ઇચ્છે છે કે દરેક માણસો ત્રાસમાંથી પસાર થાય અને દરેકને દુઃખ પડે એવી તેમની ઇચ્છા છે? કે પછી દરેક લોકોને દુઃખમાં રાખીને પોતાની મહાનતા સાબિત કરવું તેમને ગમે છે? શું પરમેશ્વર સ્વાર્થી છે? તેમને બધા પુજે એવું પરમેશ્વર પોતે જ ઇચ્છે છે?

– શું પોતાને પુજવાની વિધી, શ્લોક કે કલમા-આયાતો પરમેશ્વરે જાતે બનાવ્યા છે? કે પછી પરમેશ્વરને પુજવાની વિધિ કે પ્રાર્થના લખનારા પરમેશ્વરના એજન્ટ હતા? પરમેશ્વરને પ્રાર્થના ન કરો તો શું તે સાંભળતા નથી? શું ખાસ પ્રકારની પુજા ન કરીએ તો પરમેશ્વરને નથી ગમતુ? શું પરમેશ્વરને પુજવા માટે જે-તે જગ્યાએ જવું જરૂરી છે? શું પરમેશ્વરને સંડાસ-બાથરૂમમાં ન રાખી શકાય? શું પરમેશ્વર ગંદા થઇ જાય છે? શું પરમેશ્વર સાથે આવું વર્તન કરીએ તો તેમને ખોટું લાગે છે? જો પરમેશ્વર દયાળુ-માયાળું હોય અને બધાને માફ કરી દેતા હોય તો તેમને ગાળો આપનાર કે તેમની સાથે ગેરવર્તન કરનારને પણ માફ કરતા જ હશે ને? તો પછી તેઓ સજા કોને કરે છે? સજા કરતી વખતે તેઓ દયાળુ નથી હોતા?

– જો પરમેશ્વર માંગ્યા વગર આપી દે છે અને ભાવનો ભુખ્યો છે તો પુજા-પાટ કેમ કરવા પડે છે? ભગવાનના નામે ગુંડાઓને દાન આપવાનો કોઇ મતલબ ખરો? પરમેશ્વરને માનનારાઓમાં સૌથી મોટો વર્ગ ‘ચીટર’લોકોનો છે તો પરમેશ્વરને નથી લાગતુ કે તેમણે આત્મખોજ કરવી જોઇએ અને તેમની નીતિ બદલવી જોઇએ? કે પછી તે પરમેશ્વર છે એટલે તેમને સલાહ ન આપી શકાય; નહી તો તેમને વળી ખોટુ લાગી જશે. ગુલામોને સલાહ આપવાનો હક તો ન જ હોય એમ માનીને તે જે કરે એ બધું જ સ્વીકારી લેવાનું?

– તમારા ઘરમાં દરવાજા-લોકર કેમ રાખો છો? તમે ઘરની બહાર જતી વખતે ઘરને તાળુ કેમ લગાવો છો? તમે પરમેશ્વરમાં આટલી બધી આસ્થા ધરાવો છો અને લગભગ દરેક હવન-કર્મકાંડ-હજ-યાત્રા કરો છો તો તેના બદલામાં પરમેશ્વર તમારા ઘરની રક્ષા તો કરી શકે છે ને? અને બધુ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે અને નસીબ મુજબ થતું હોય છે તો તમે તેમની ઉપર કેમ ભરોસો રાખતા નથી? તેનો મતલબ તમારી શ્રધ્ધામાં ખોટ છે. શું તમને પરમેશ્વર પર શંકા છે? શું તમે તમારા પૈસા કે પરિવાર માટે પરમેશ્વરના ભરોસે રહેવાનુ પસંદ નહી કરો?

– હું અહી પરમેશ્વર વિશે આવુ બધું લખું છું તો તમે મારો વિરોધ કેમ કરો છો? મારું આ કાર્ય પણ પરમેશ્વરની મરજીથી જ થતું હોવું જોઇએ ને? શું તમે પરમેશ્વરની આ મરજીને સ્વીકારશો નહી? બની શકે કે પરમેશ્વર પોતે જ મારા દ્વારા તેમની બદનામી થાય એવું ઇચ્છતા હોય!! અને જો હું પરમેશ્વરની ઈચ્છાને ન માનતો હોઉ તો તે પોતે મને આવીને દંડ આપશે એવો તમને વિશ્વાસ છે ને? તો પછી મારી આવી વાતોથી આપને ગુસ્સો કેમ આવે છે? પરમેશ્વરને પોતે દંડ દેવા દો, તેમના કાર્યમાં તમે કેમ ખલેલ કરો છો?

ઉપરના દરેક સવાલમાં ‘પરમેશ્વર’ની જગ્યાએ તમે ઇશ્વર, અલ્લાહ, ઇસુ, ભગવાન, માતાજી, દેવી, પીર, સાધુ, સંત કે એવી કોઇ પણ પુજનીય વ્યક્તિને મુકી શકો છો જેમના દ્વારા આ જગત કે તેના દરેક પ્રાણીઓના સંચાલન-કર્તા હોવાનો દાવો કરાય છે.

# હું કયારેક આવી કોઇ સર્વશક્તિમાન વ્યક્તિ કે પરમેશ્વર-ભગવાનને સ્વીકારી નહી શકું તેના કારણોમાં ઉપરના સવાલો છે, જે મે અનુભવેલા થોડા-ઘણાં અનુભવો પછી પરમેશ્વર અંગે મારી અંદરથી ઉદભવેતા સવાલોનો માત્ર એક નાનકડો અંશ છે.


# શરુઆતમાં જેઓનો પ્રતિભાવ જણાવ્યો છે તે સજ્જન શ્રી રાજેશભાઇ પડાયા તેમના બ્લૉગમાં લખે છે કે;

“૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે.”

# શ્રી રાજેશભાઇની આ વાત પર પણ મને એવા પ્રશ્નો થાય છે કે;

  • શું હવે બીજા દેવોમાં કોઇ પાવર નથી રહ્યો? માત્ર પ્રભુ યીશુ જ બધુ છે? મતલબ કે હનુમાનજી, શંકર, રામ, કૃષ્ણ, અલ્લાહ, પયગંબરને પુજનારાને કોઇ ફાયદો થાય એમ નથી?
  • શું યીશુ એટલા પાવરફુલ છે કે તેમની સામે કોઇનું કંઇ ચાલે એમ નથી?
  • શું પોતાના દેવને મહાન બતાવવા બીજા બધાને નાનકડા જતાવવા એવું યીશુ શીખવે છે?
  • શું યીશુ એ જાતે આવીને કહ્યું છે કે બીજા બધા ભગવાનો તેમના કરતા તુચ્છ છે?
  • શું કોઇ એક મુર્તી કે વ્યક્તિની આધીનતા આટલી હદે સ્વીકારી લેવી એ એક માનસિક રોગ નથી જણાતો?

– ઉપરના દરેક સવાલોના તાર્કિક જવાબની આશા કોઇ ભક્તો પાસેથી રાખવી આમ તો વ્યર્થ છે છતાંયે કોઇ સમર્થ સજ્જન પોતાની સભ્ય ભાષામાં જવાબ આપવા કે મને સમજવાવા ઇચ્છે તો તેમના પ્રયાસ આવકાર્ય છે અને આવા સવાલો બીજા કોઇને પણ પજવતા હોય અને તે છતાંયે તમે પેલા કહેવાતા દયાળુ પરમેશ્વરની આધીનતા સ્વીકારતા હોવ તો તમારી શ્રધ્ધા ખરેખર વંદનને પાત્ર છે! આપનો પરમેશ્વર, ભગવાન, અલ્લાહ, ઇસુ કે અન્ય જે કોઇને આપ આપના માલિક ગણતા હોવ તે આપને શાંતિ બક્ષે એવી આશા.

– અસ્તુ.

🙏

શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું?

થોડા સમય પહેલાની એક ઘટનાએ મને ઘણો મુંજવી દીધો. મારી માન્યતાને બદલવાની મને ફરજ પડી. આમ તો સમય અનુસાર ઘણી માન્યતાઓ બદલાતી હોય છે પણ અહી વાત બીજી પણ છે.

આજે એક દંપતિનો કિસ્સો જાણ્યો જે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે: આ દંપતિને સંતાનમાં બે દિકરીઓ હતી. પત્નીને ફરી સારા દિવસો રહ્યા હતા. હવે તેમને ઇચ્છા એક દિકરાની હતી. વાત પણ માનવી પડે કે ભલે જમાનો ગમે તેટલો આગળ વધે પણ આખરે તો દિકરાની આશા તો હોય જ ને. આજે ભલે દિકરા-દિકરી વચ્ચે ભેદ નથી પણ દરેક દંપતિને દિકરીના મા-બાપ બનવાની સાથે એક દિકરાના મા-બાપ બનવાની પણ ઇચ્છા તો હોય જ ને. પણ કિસમતમાં કંઇક અલગ લખ્યું હતું. તેમને ત્યાં દિકરી જન્મી. ભગવાનને ગમ્યું તે ખરું તેમ માની ને તેમણે દિકરીને પણ ખુશી થી વધાવી લીધી. પણ… મનમાં એક દુઃખ રહી ગયું કે આ દિકરીઓને કોઇ એક ભાઇ પણ હોત તો કેટલું સારું હોત.

પતિ-પત્નીએ દિકરાની આશાએ એક વાર ફરી પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. જયાં-જયાં ખબર પડી ત્યાં માળા-દોરા-ધાગા અને દુઆ-પ્રાર્થના કરી આવ્યા. પત્નીને સારા દિવસો ફરી રહ્યા પણ બે-ત્રણ મહિનામાં દંપતિને ડર સતાવવા લાગ્યો કે ફરી દિકરી હશે તો? ત્રણ દિકરીઓને તો વધાવી લીધી છે પણ ફરીવાર જો દિકરી હશે તો શું તેને ખુશીથી સ્વીકારી શકશે? માત્ર દિકરાની આશાએ ચોથા સંતાન માટે તેઓ વિચારી રહ્યા હતા અને અત્યારના જમાનામાં ચાર-ચાર સંતાનને મોટા કરવાં એ જ ઘણી અઘરી બાબત હતી પણ તેમાંય જો ચોથા સંતાનમાં દિકરી અવતરે તો? અને જો તેને ખુશીથી સ્વીકાર ન મળે તો તેમાં શું દિકરીનો ગુનો ગણવો?

પતિ-પત્ની બન્ને એ વિચાર કર્યો કે જો દિકરી હશે તો તેમનો પરિવાર તેને રાજી-ખુશીથી નહી સ્વીકારી શકે અને જો તેમ થયું તો આ દિકરીને માત્ર અપમાનિત થવા જ આ દુનીયામાં લાવવી? પ્રશ્ન વિકટ હતો. જવાબ પણ નહોતો. જો અગર દિકરા ના સ્થાને દિકરી હશે તો તેને આ સંસારમાં દુઃખ જોવાનો જ વારો આવશે તે નક્કી હતું. અહી દિકરા-દિકરીની વચ્ચેના ભેદ કરતાં જરુરીયાત અને આવનાર સંતાન જો દિકરી હોય તો તેના ભવિષ્યનો સવાલ વધારે મોટો હતો.

કયાંકથી ખબર મળ્યા કે કોઇક જગ્યાએ ખાનગીમાં છુપી રીતે ગર્ભપરિક્ષણ થાય છે. બધા પાસાઓ નો વિચાર કરીને દંપતિએ છેવટે નક્કી થયું કે એકવાર દિકરો નહી હોય તો હવે ચાલશે, ત્રણેય દિકરીઓ ને જ પુરા વ્હાલથી ઉછેરીશું. પણ…. ત્રણ દિકરી પછી જો દિકરી જ હોય તો તેને આ દુનીયામાં લાવવી એ તેની સાથે અન્યાય કરવા જેવું થશે. એટલે ઘણાં દુઃખ સાથે મક્કમ નિર્ણય પર પહોંચ્યા કે ભલે ગેરકાયદેસર હોય પણ જો દિકરી હોય તો તેને આ દુનીયામાં ન લાવવી. છેવટે ગર્ભપરિક્ષણ બાદ હવે નક્કી થઇ ગયું કે આવનાર સંતાન દિકરી જ છે. નિર્ણય પહેલેથી જ લેવાઇ ગયો હતો કે શું કરવું. એ દિકરી આ દુનીયામાં ન આવી શકી.

~ આખી ઘટના મે જ્યારે સાંભળી, શરુઆતમાં તો તે મા-બાપ પર ગુસ્સો આવ્યો કે તેઓ આવું કઇ રીતે કરી શકે?!! પોતાની દિકરીને જન્મતા પહેલા મારી નાંખવાનુ પાપ કોઇ શા માટે કરે!! જમાનો બદલાઇ ગયો છે, દિકરીને પણ દિકરાની જેમ મોટી કરી શકાય છે. એ જ દિકરી સો દિકરાની ગરજ સારી શકે છે. પણ, વિસ્તૃત રીતે જોતા તે દંપતિનો નિર્ણયને યોગ્ય ઠેરવવા હું મજબુર બની ગયો છું. અત્યારે ગર્ભપરિક્ષણ કે ગર્ભપાતની જે દિશાને હું જોઇ રહ્યો હતો તે કંઇક અલગ જ હતી. કૃત્ય તો ગેરકાયદેસર થયું જ છે. પણ છતાંયે મને તે દંપતિ માટે કોઇ ગુનેગાર ના બદલે સહાનુભુતિની લાગણી જન્મી છે. તેઓ પણ ઘણાં દુખી છે. તેમને બેહદ પસ્તાવો પણ છે. પણ આખરે તેઓ એ વાત પર મક્કમ છે કે તે દિકરીને જો આ દુનીયામાં આવવા દીધી હોત તો તેઓ તેને પુરતો ન્યાય ન આપી શકયા હોત.

મિત્રો, વડિલો કે સામાજીક માણસો.. આપને આ જણાવવાનો કે કહેવાનો અર્થ કોઇ વિવાદ અંગે નથી. હું કોઇ કાળે ભૃણ હત્યાને યોગ્ય નથી માનતો અને તેના દરેક પ્રયાસને પણ ધુત્કારું છું. છતાંયે આખી ઘટના વર્ણવવાનો હેતુ આપને પુછવાનો છે કે શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું? શું તે પતિ-પત્નીનો નિર્ણય ખોટો હતો? જવાબનો નિર્ણય આપ પર છોડી રહ્યો છું…