ગુગલ+ અને હું… (મારો અનુભવ)

. . .

બે દિવસ પહેલા મુકેલા તળાવના ફોટો લોકોને બહુ ગમ્યાં તે જાણીને મને પણ આનંદ થયો. (ક્યારેક મારી કોઇ પોસ્ટ લોકોને ગમે પણ છે !!!) આજે મારા બગીચામાં ગુગલ+ નામના નવા આવેલા વેબ-ગતકડાંની પંચાત કરવાની છે.

આજકાલ ફેસબુક મારો ઘણો સમય લઇ લે છે. અને મને પણ મજા આવે છે.. લોકો સાથે વિચારો વહેંચવાની, તેમની વાતો સાંભળવાની, નવું-નવું જાણવાની અને બીજુ ઘણું બધું.. હવે તો ઘણાં મિત્રો બની ગયા છે. ઘણાં ખાસ મિત્રો પણ મળ્યા છે. શ્રી મનસુખભાઇ, તુષારભાઇ,  હિંમતભાઇ, બધીર અમદાવાદીજી, સુષ્માજી, વિપુલભાઇ શાહ, ભુપેન્દ્રસિહજી, સત્યભાઇ, દિપ્તીજી, રાજીવભાઇ, યોગી વચન, વિનુભાઇ, મનિષાજી અને બીજા ઘણાં બધા મિત્રો છે જેઓએ મારી દુનિયામાં એક અલગ હિસ્સો બનાવી લીધો છે..

હવે વાત “ગુગલ+” ની.. ત્યાં જોડાઇને શરુઆત તો કરી છે… થોડુંક નવું જરુર છે પણ ઘણું સહેલું છે. તો મુળ વાત પર આવી ને આપને “ગુગલ+”નો મારો અનુભવ જણાવું.. વાત જરા એમ છે કે અહીયા લોકોને મિત્ર નથી બનાવવાનાં !!!!(ગભરાશો નહી મારા ભાઇ – બહેન.. આ એક સોસીયલ નેટવર્કિંગ સાઇટ જ છે એટલે મિત્રો નામના સામાજીક પ્રાણીઓ તો પહેલા આવશે.. પણ વાત જરા અલગ પ્રકારની છે.) અહીં આપણાં મિત્રોને સર્કલમાં ઉમેરવાના હોય છે અને મિત્રો આપણને તેમના સર્કલમાં ઉમેરે છે. મતલબ ગોળ-ગોળ રમવાનું છે !!!! (આઇ મીન… સર્કલ-સર્કલ.)ગુગલ+  - Google+

સાચું કહું… પહેલી નજરે મને આમાં ફેસબુક અને ટ્વીટરની ભેળસેળ કરી હોવાની ગંધ આવે છે… કઇ રીતે ? … તો જુઓ.. ગુગલ+ માં “વૉલ” (News feed – wall) ની જગ્યાએ “સ્ટ્રીમ” (stream) છે. અને “Like” ની જગ્યાએ “+1” છે. પ્રતિભાવ (કોમેન્ટ) ની સગવડ અને તેને પણ “Like” એટલે કે “+1′ કરવાની સગવડ સરખી જ લાગે છે. હવે “ગુગલ+” માં ટ્વીટર જેવું શું છે તે… અહીંયા ટ્વીટરની જેમ મિત્રોએ એક-બીજાને મિત્રતા જોડાણ અરજી (Friend Request) મોકલીને એકબીજાના મિત્રો બનવાનું નથી પણ એકબીજાના અનુયાયી કે ચાહક (Follower or Fan) બનવાનું છે. જરુરી નથી કે તમે જેના ચાહક બનો તે પણ તમારા ચાહક બને જ. ટુંકમાં આ મુદ્દે ટ્વીટરની પુરી કોપી !! બીજા વિકલ્પ જેવા કે “Hangout”, “Chat with friends”, “Suggestion” વગેરે વગેરે બધી જગ્યાએ હોય એમ જ છે. આ ઉપરાંત કેટલીક પ્રખ્યાત ઇંટરનેટ સર્વિસનો અહી સરવાળો પણ કરવામાં આવ્યો છે. (નામ-રૂપ જુદા અંતે ઓ હેમનું હેમ જ હોય !!)

હજુ ઘણાં ઓછા લોકો અહીંયા આવ્યા છે. એટલે કયારેક નિરવ શાંતિ જણાય છે…(ફેસબુકની જેમ ધડાધડ સ્ટેટસ, ગીત, શાયરીઓ કે ફોટાઓ અને તેના ટેગ મુકતા લોકો હજુ અહી સુધી પહોંચ્યા નથી લાગતા !!!) મે મારા ફેસબુક મિત્રો માંથી ઘણાં લોકોને મારા “ગુ+” [ગુગલ+] સર્કલમાં ઉમેર્યા છે તો ઘણાં લોકોએ મને તેમના સર્કલમાં ઉમેર્યો છે.. (મે જેમને ઉમેર્યા છે તેઓને હું લગભગ જાણવાનો દાવો કરું છું પણ મને ઉમેરનાર દરેકને ઓળખવાની હું ખાતરી આપી ન શકું.)

આમ તો હું શાંતિનો ચાહક છું. (યાર… તમે હજુયે ગુજરાતી ભાષાની આ કમજોરી પર હસો છો.. સમજી ગયા છો તો આગળ વાંચો ને…) અને મને અહીં શાંતિ હોવાનો અહેસાસ થાય છે એટલે મને તો અહીંયા ગમશે જ. જોઇએ આ અહેસાસ કેટલા દિવસ ટકે છે. ફેસબુકમાં તો ઓરકુટવાળી બબાલો શરુ થઇ ગઇ છે – એમ લોકોને કહેતા સાંભળુ છું.. તો મને થાય કે એવું તે શું થયું હશે ઓરકુટમાં ?  (જો કે આ બાપુને ઓરકુટનો લગીરેય અનુભવ નથી હોં….આમેય જવા દો ને આપણે શું પંચાત.)

બસ ભાઇ, મારો અનુભવ તો મે લગભગ જણાવી દીધો છે.. હવે તમને આ “ગુ+” કેવું લાગ્યું તે જણાવજો.. હું તો આ ચાલ્યો શાંતિને મળવા… (બીજે કયાંય નહિ ભાઇ.. સુવા જઉ છું..) આપણે ફરી મળીશું..  આ જ જગ્યાએ.. મારા બગીચામાં.

ત્યાં સુધી… આવજો મિત્રો..