અપડેટ્સ – 180805

. . .

~ હા ખરેખર બહુજ સમય કહેવાય છેલ્લી અપડેટ્સની નોંધ કરી હતી તેને. સમય આગળ વધતો જાય છે અને હું વિચારતો રહી જઉ છું કે ક્યારેક કંઇક લખીશ. (વિચાર વાંચી શકે એવું મશીન જલ્દી વસાવવું પડશે.)

~ શોર્ટ લાઇફમાં એટલું બધું બન્યું છે કે જો મારી ઉપર રિસર્ચ કરવા બેસે તો એકાદ ફિલ્મ બનાવી શકાય એટલો મસાલો મળી શકે એમ છે. (ના ભ’ઇ ના, સંજુબાબા જેવા કારસ્તાન પણ નથી હોં કે..)

~ બિઝનેસ અને ફેમીલી વચ્ચે સંતુલન મુશ્કેલ બનતું જાય છે અને હું બન્ને વચ્ચે ઝુલતો રહું છું આજકાલ. એમ તો આ સ્થિતિની કલ્પના અગાઉથી કરેલી હતી. (જોયું! હું કેટલું સચોટ ભવિષ્ય જોઇ શકું છું!! બેટે, એવે હી હમ બાબા બગીચાનંદ નહી કેહલાતે..)

~ એક તો વરસાદ પણ જામતો નથી.. વરસાદ જામે તો તેના બહાને થોડું રિલેક્સ થવાનો મોકો મળે એમ છે. (આ વખતે અમદાવાદ લગભગ કોરું રહ્યું છે.)

~ નાયરાને ચાલતા આવડી ગયું છે પણ બોલવામાં હજુ શબ્દો સાથ નથી આપતા. (એમ તો મને કોઇ ઉતાવળ પણ નથી.)

~ અમને એમ હતું કે વ્રજ કરતા શાંત હશે પણ બગ્ગુએ સાબિત કરી આપ્યું કે લડકીયાં ભી કીસી સે કમ નહી હોતી હૈ! સખત ધમાલ કરે છે અને જીદ્દી પણ એટલી જ છે. (હવે એમ લાગે છે કે અમારો ટીનટીન ઘણો સીધો હતો.)

~ આજે દોસ્તોને યાદ કરવાનો દિવસ છે અને મારા દોસ્તો સાથેના સંબંધનો સરવાળો કરું તો લગભગ દરેક દોસ્તોથી કપાઇ રહ્યો હોઉ એવી સ્થિતિ બની શકે છે. (જોકે આમા મારી ખોટી આદત અને કોઇ-કોઇ અંગત કારણો પણ જવાબદાર છે.)

~ ઓકે. આજે આટલું જ.

~ અને હા, I miss Jalebi…

હેડર ચિત્રઃ ઇંદીરા બ્રીજ, અમદાવાદ-ગાંધીનગર હાઇ-વે.
ક્લિક કરનારઃ અમે પોતે!

અષ્ટ્મ-ષષ્ટ્મ

– અહીયાં અપડેટ્સ નોંધવાનું કાર્ય લગભગ ભુલાઇ રહ્યું છે. મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી તેમ પણ કહી શકાય. સમય એટલો ઝડપથી સરકી રહ્યો છે કે કંઇક નોંધ લાયક વિચારૂં તે પહેલા જ બીજી ઘટનાઓ પ્રથમ ઘટનાને દેખવાની દ્રષ્ટિ બદલી નાંખે છે. (મનમાં વિચારોનું વિચિત્ર દ્વંદ્વ યુધ્ધ જામેલું છે.)

– તાજેતરમાં નવરાત્રીનો શોર રહ્યો અને ગઇ કાલે શરદપુનમની ઉજવણી બાદ આ ગરબા ફેસ્ટીવલની ઓફિસીયલ પુર્ણાહુતી થઇ. ખેલૈયાઓની મજા શરૂઆતમાં વરસાદે બગાડી પણ અંતમાં મોજ કરવા દીધી. એક ખાસ જગ્યાના ગરબા આયોજકના નાતે વરસાદે અમને પણ ઘણાં હેરાન કર્યા પણ કુદરત સામે સૌ લાચાર છીએ. (જેમના છત્રી-રેઇનકોટ વેચાયા/ઉપયોગ વગરના રહી ગયા હોય તે સિવાય કોઇનું આ એક્સ્ટ્રા વરસાદથી લગભગ ભલું નહી થયું હોય. હશે, કુદરતને ગમ્યું તે ખરું!)

– જુલાઇ કામમાં વિત્યો, ઓગષ્ટ રજાઓ વચ્ચે અને સપ્ટેમ્બર રખડપટ્ટીમાં ગયો છે. હવે થોડા દિવસોમાં દિવાળી આવશે. લગભગ ધાર્મિક તહેવારોની ઉજવણીએ વ્યસ્ત રાખ્યા. કયારેક વિચાર આવે છે કે આ તહેવારો ખરેખર આપણાં જીવનના ઉત્સાહને ટકાવી રખાવા છે કે પછી આપણને નવરા ન થવા દેવા માટે કોઇએ કરેલું વિધિવત પ્લાનીંગ છે! (એમ તો આ વિચાર ઘણો જુનો છે પણ હું ખુદ હજુ કોઇ એક મત સુધી પહોંચી શક્યો નથી.)

– છેલ્લી અપડેટ્સ જુલાઇ મહિનામાં નોંધવામાં આવી હતી અને હવે ત્રણ મહિના બાદ ફરી કંઇક લખવાનો કીડો મનમાં સળવળ્યો છે. (કુછ કીડે ભી જરૂરી હોતે હૈ!)

– વ્યસ્તતાને ઉપાર્જન સાથે સીધો સંબંધ હોય એવું હું માનતો હતો પણ પોતાની જાત પરના અનુમાન બાદ કહી શકાય કે તે બંને વચ્ચે કાર્યકારણનો એવો કોઇ સંબંધ સિધ્ધ થતો નથી. (ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ -જેવી વાત છે આ.)

– આપણે સતત બદલાતા એવા સમય સાથે જીવી રહ્યા છીએ કે આજે સ્વીકારેલું સત્ય પણ આવતી કાલે આપણને જ અર્ધસત્ય કે અપ્રાસંગિક લાગવા લાગે છે. (યાદ આવ્યું કે ક્યારેક સત્ય વિશે ઘણું-બધું લખવાનું વિચાર્યું’તું.)

– બધું જ ઠીક છે અને એક સુખી આરામદાયક જીવન હોવા છતાં ખબર નથી પડતી કે હું શું ઇચ્છું છું. ના, આધ્યાત્મ કે આત્માની શોધમાં મને જરાયે રસ નથી. તેમાં સમય અને શક્તિનો બગાડ કરવા કરતાં કોઇ જન-સામાન્યના ધ્યેયને પુર્ણ કરવાનું પગથીયું બનવું પસંદ કરીશ. (મને જલ્દી કોઇ નવું લક્ષ્ય જોઇએ છે.)

– આજકાલ કંઇક અલગ લખવાની ઇચ્છા થાય છે. એક-બે કહાનીઓ છે જે મનમાં ગુંથાઇ રહી છે જેને કોઇ કાગળ જોઇએ છે. કયાં લખું અને કઇ રીતે તે વિશે દ્રિધા છે. વિચારું છું કે અહીયાં જ તેનું ચિતરામણ કરું પણ પછી એમ લાગે છે કે દરેક લખાણને પબ્લીકમાં રજુ કરતાં પહેલા યોગ્ય બનાવવું. (મનમાં ઉઠતા હજારો સ્પંદનોથી સ્ફુરતો આ એક વિચાર છે. ઇચ્છા છે કે તે દિશામાં હું આગળ વધી શકું.)

– ઓફિસ-ટાઇમમાં આવા વિચારો કરવા સંસ્થા અને સંસ્થાના વહિવટદારના આર્થિક ભવિષ્ય માટે જોખમી છે એટલે બીજા વિચારો રાત્રે કરવામાં આવશે. (આજકાલ રાત્રે ઉંઘ પણ નથી આવતી. બોલો, કેટલી ફરિયાદો છે મને મારી માટે!)

– અને મને ખબર છે કે આવું કંઇ ટાઇટલ ન હોય પણ બધી દિશાઓમાં એકસાથે ફેલાતી વાતોને યોગ્ય કોઇ મથાળુ ન સુજે તો આખરે એક માણસ પણ કેટકેટલું વિચારે! (વધારે પડતું વિચારીને મગજની મા-બેન એક થઇ જાય તે પહેલા કંઇ પણ ટાઇટલ આપી દેવું સારું ને..)

– ઓકે. અસ્તુ. ખુશ રહો!

ક્રમશઃ

– છેલ્લી વાત ઉમેરતી વખતે વિચાર્યું’તું કે તે જ દિવસે રાત્રે અહીયાં કંઇક તો લખીશ. ખૈર, ત્યારે તો તે શક્ય ન બન્યું પણ આજે ચોઘડીયા સરસ છે. (જો બકા, આપણું મન માળવે હોય ને એ બધા ચોઘડીયા ઉત્તમ જ કહેવાય.)

  • સાઇડટ્રેકઃ ચોઘડીયા કઇ રીતે જોવાય એવું ઘણાં સમય પહેલા (લગભગ ૧૬-૧૭ની ઉંમરે) એક જોષી પાસેથી શીખ્યો’તો, હવે ઉપયોગના અભાવે અને આદતવશ તે જ્ઞાન ક્ષીણ બની ગયું છે. જો કે તેનો કોઇ અફસોસ નથી. (મને હજુયે યાદ છે કે આ જ્ઞાનના કારણે તે સમયમાં હું એટલો અંધશ્રધ્ધાળું બની ગયો’તો કે ઉઠવા-સુવાના, રમવા-ભણવા અને ખાવા-પીવાના સમય પણ ચોઘડીયાથી નક્કી કરતો.)
  • જ્ઞાનની એક સરળ વ્યાખ્યા એવી છે કે તે અજ્ઞાનના અંધકારને દુર કરે છે! પણ થોડા અંગત અનુભવોના આધારે મારું માનવું છે કે કોઇ-કોઇ જ્ઞાન અંધકાર દુર કરવાને બદલે વધુ અંધકારમાં ખેંચી જાય છે. (એમ તો જ્ઞાન કોને કહીશું અને અજ્ઞાન કોને કહેવાય તે એક મોટી ચર્ચાનો વિષય છે, પણ આપણે અત્યારે તેની ચર્ચામાં ન પડીયે.)

– આ સાઇડટ્રેક લાંબો ચાલ્યો ને?… ક્યાં હતો હું?…. હા, કંઇક લખવાની વાત થતી હતી ને…  પણ લખતા પહેલા હજુ એક વાંચનની વાત ઉમેરી લઉ… મારો બગીચો લગભગ છેલ્લા એક વર્ષથી ઘણી અવ્યવસ્થિત અવસ્થામાં છે. મુળ ઉદ્દેશ જે હતો તેમાં માત્ર રોજબરોજની અપડેટ્સ સિવાય કંઇ ખાસ ઉમેરી શકાતુ નથી. (અને એ અપડેટ્સમાં પણ પુરતો સમય આપી શકાયો નથી.)

– અઘરા વિષયો અને મોટી-મોટી વાતોની વચ્ચે હું મારી સરળતા ખોઇ રહ્યો છું.  વિચિત્રતાઓ તો અંદર ઘણી છે છતાંયે મારી સરળતા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે. (કોઇ કોઇ જગ્યાએ તો હું મને પોતાને જ અઘરો લાગી રહ્યો છું!)

– જયારે અહી લખવાનું શરૂ કર્યું હતું તે સમય અને આજના સમય વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક મુખ્ય કારણ છે. છતાંયે આજે પણ એક ઇચ્છા એવી જ છે કે શરૂઆતના એ સમયની સ્થિરતા હું જાળવી રાખું. (મને મારી અંદરનો એ વ્યક્તિ ખોવો નથી.)

– સમય પ્રમાણે બદલાવું જોઇએ એ ઠીક છે પણ આજે પહેલા જેવા બનવાની ઇચ્છા થાય છે. દરેક ને જેમ મોટા થયા પછી જેમ બાળપણ પાછું મેળવવાની ઇચ્છા જાગે એવી આ વાત છે. ના ભઇ, મને એમ બાળક નથી બનવું પણ બે-ત્રણ વર્ષ પહેલા જેવો હતો એવા જ બનવું છે એટલે એ અશક્ય છે એવું તો ન કહેવાય. (ટ્રાઇ કરને મે ક્યા જાતા હૈ..)

– ગમે તેટલું મેળવી લો તોયે કોઇ અવસ્થા પછી જુનું જીવન ફરી પાછું મેળવવાની ઇચ્છા કેમ થતી હશે? -અઘરો સવાલ છે ને.. (મને તો સ્કુલની પરિક્ષાઓમાં પણ બધા સવાલ કાયમ અઘરા જ લાગ્યા છે.)