અપડેટ્સ – 181028

. . .

~ આટલા જ દિવસોમાં મારા બગીચામાં બીજીવાર આવવું એ જ એક અનોખી વાત છે મારી માટે! સૉ, થ્રી ચિયર્સ ટુ મી! (હીપ હીપ હુર્રે..)

~ છેલ્લી અપડેટ્સ નોંધતી વખતે માઉન્ટ આબુની ટ્રીપ વિશે લખ્યું હતું પણ બે દિવસ પછી મનમાં એક વિચાર આવ્યો કે હું કંઇક ભુલી ગયો છું. (એમ તો હું આખા ગામના કામ અને ક્યારેક તો મને પણ ભુલી જઉ છું તોય બોલો હું આવું લખીને આજે નવાઇ કરું છું!)

~ હા તો મેં મારી જ જુની અપડેટ્સ ચેક કરીને જાણ્યું કે જ્યાં વારંવાર રખડવા જઇએ તેની નોંધ તો લીધી પણ આ વર્ષમાં થયેલ બેંગ્લોર અને મૈસૂર શહેરની પ્રથમ મુલાકાત જ ભુલાઇ ગઇ છે. (આવુ છે મગજ મારું.. શું યાદ રાખે અને શું ભુલાવી દે.. કંઇ કહેવાય નહી!)

~ વિસ્તારથી લખવાનો વિચાર હતો પણ વિસ્તાર કરવા રહીશ તો આખા વિચારનું વતેસર થઇ જશે એટલે આજે જેટલી નોંધ થાય એટલી કરું, પછી તો જેવી રમેશભાઇની મરજી. (વાતનું વતેસર થતું બધાએ જોયું હશે પણ “વિચારોનું વતેસર” એ અમારી અનોખી શોધ છે! ભાષામાં આ નવા યોગદાન બદલ કોઇ ચાહક મને બિરદાવવા માગે તો હું રોકડ સાથે સ્વીકારી લઇશ.)

~ સમય હતો એપ્રિલ મહીનાનો. અમદાવાદથી ઉડીને સીધા બેંગ્લોર પહોંચ્યા હતા એટલે મુસાફરીની મજા કે સજા જેવું કંઇ ખાસ ન અનુભવાયું. (મારા મતે પ્લેન સમય બચાવે પણ મુસાફરીની અસલી મજા ટ્રેનમાં આવે. ક્યાંક દુર પહોંચ્યા એવુંયે લાગે!)

~ મુસાફરી દરમ્યાન નાયરાને તો દરેક વિમાન પરિચારિકાએ (બોલે તો.. એર હોસ્ટેસ) આખા પ્લેનમાં એક પછી એક ફેરવી હશે. ફોટો પણ ઘણાં ક્લિક કરાવ્યા છે. ઉપર હેડરમાં પણ તેવો જ એક ફોટો છે. (નાયરાને તેની સાથે જોઇને કોઇને ગેરસમજ ન થાય એટલે આ ચોખવટ કરી છે.)

~ બેંગ્લોર જવાનું કારણ આમ તો પારિવારીક હતું પણ આટલે દુર ગયા હોઇએ તો બે જગ્યા જોઇ લઇએ એમ વિચારીને આસપાસ ફરવાનું પણ ગોઠવ્યું હતું. બેંગ્લોરમાં ટ્રાફિક ખરેખર વધારે છે પણ વ્યવસ્થા અને ડ્રાઇવિંગ સેન્સ સારી લાગી મને. (દરેક અમદાવાદીએ નોંધવા જેવું છે કે આપડી ટ્રાફિક સેન્સ ખરેખર ભયાનક છે.)

~ સાંભળ્યું હતું એટલું સુંદર વાતાવરણ ન લાગ્યું પણ સવાર-સાંજની ઠંડક બહુજ મસ્ત લાગી. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે ગરમી હવે વધી છે એવું સ્થાનિકનું કહેવું છે. આસપાસના લોકો મળતાવડા ઓછા લાગ્યા. (મારો અનુભવ કે અનુમાન ખોટા પણ હોઇ શકે છે.)

~ બેંગ્લોરમાં આમ-થી-તેમ થોડું રખડ્યા અને એક-બે મુખ્ય સ્થળ દેખ્યા. ત્યાં ફરવા માટે અમારી પાસે સમય માત્ર એક દિવસનો હતો અને વળી રસાકસીવાળી ચુટણીના ચક્કર ચાલુ હતા એટલે વધારે ફરવા જેવું ન હતું. (અમદાવાથી નીકળતી વખતે જે પ્લાન બન્યા હતા એ તો હવામાં જ છુ થઇ ગયા હતા.)

~ સીટીની ટ્રાફિક, ઇલેક્શન ટાઇમ અને વડીલોના મંતવ્યના આધારે મૈસૂર જવાનો પ્લાન બનાવવામાં આવ્યો પણ ચિલ્લર પાર્ટીની એક્સ્ટ્રા ડિમાન્ડના લીધે સૌથી પહેલા Bannerghatta National Parkની મુલાકાત લેવાનું નક્કી થયું. (સમય-સમય બલવાન હૈ ભૈયા..)

~ જે રીતે હું અત્યારે લખી રહ્યો છું તે રીતે લખતો રહીશ તો આ પોસ્ટ ઘણી લાંબી થશે એમ જણાય છે. પણ અત્યારે પુરતો સમય નથી અને ઉમેરવા માટે બીજી વાતો પણ છે એટલે હવે બીજી વાતોને આવતીકાલે ચોક્કસ ઉમેરવાના વિચાર પર મુકવી ઠીક લાગે છે. (મારી ઇચ્છા છે કે આવતીકાલે જ હું ઉમેરી શકું.)

#સાઇડટ્રેક – આ શહેરોના નવા નામ બેંગ્લુરુ અને મય્સુરુ સ્વીકારવામાં મારા વિચિત્ર મનને મનાવવું પડશે. ત્યાં સુધી જુના નામથી ચલાવી લેવું એવી વિનંતી. (અથવા ચોખ્ખી ધમકી.)

અપડેટ્સ-43 [Aug’14]

– આજે આ ૩૪ દિવસ પછીની પોસ્ટ  છે! છેલ્લા એક વર્ષ દરમ્યાન આવું કદાચ પ્રથમવાર બન્યું છે કે એક મહિના જેટલા સમયમાં અહી કોઇ જ વાતની નોંધ ન લેવામાં આવી હોય. (મુખ્ય કારણ: આળસ. અન્ય કારણ ઉર્ફે બહાના: સમય નથી, મુસાફરીમાં હતો, લખવા જેવું નથી, મુડ નથી, વગેરે વગેરે…)

– એમ તો મુસાફરીને થોડું યોગ્ય કારણ ગણી શકાય, કેમ કે.. આ દિવસોમાં લગભગ 15-20 દિવસ મુસાફરી કે હરવા-ફરવામાં વિતાવ્યા હશે જેમાં છેલ્લા 9 દિવસના કચ્છ પ્રવાસનો પણ સમાવેશ થઇ જાય છે.

– એક આંખમાં થયેલી તકલીફે ઘણાં દિવસ કાળા ચશ્મા પહેરી રાખવા મજબુર કર્યો. કેટલાક શહેરમાં કામકાજ ઉપરાંત પારિવારિક હેતુસર અને કચ્છમાં ફરવાના હેતુસર મુસાફરી કરવામાં આવી. સ્વાભાવિક છે કે ફરવામાં વધુ આનંદ આવ્યો. આ વખતે નવા-નવા સ્થળે રખડવા કરતાં એક જ જગ્યાએ વધુ સમય પસાર કરવામાં આવ્યો. મારો અને લગભગ દરેકનો અનુભવ હશે કે ફરવાના દિવસો ઝડપથી નીકળી જતા હોય છે. (એમ તો મને આજકાલ દરેક દિવસો ઘણાં ઝડપથી પસાર થઇ રહ્યા હોય એવું લાગ્યા રાખે છે.)

– કચ્છમાં નાના ગામડાંઓ સુધી વિસ્તરેલા પવનચક્કીઓના જંગલ જોવાની અને સાંકડા-વળાંકવાળા તથા ઉતાર-ચઢાવવાળા રસ્તાઓમાં વ્રજને બુમાબુમ કરવાની ઘણી મજા આવી. (અને તેને ખુશ થતા જોઇને અમને પણ મજા આવી.) છોટું માટે પવનચક્કી એટલે મોટો-fan!

– વ્રજને બે વર્ષ પુરા થયાની ઉજવણી માટે ચાર મહિના પહેલાથી વિચાર્યું હતું પણ આખરે તે બધા પ્લાન ધોવાઇ ગયા. (‘ધોવાઇ ગયા’ -એ કહેવત છે. અહી વરસાદનો કોઇ દોષ ન ગણવો.) તેના જન્મદિવસ તથા તેની આગળ-પાછળના દિવસોમાં લગભગ મુસાફરીમાં રહેવાનું થયું અને ત્યારબાદ એવી જગ્યાએ હતા કે જયાં પાર્ટી કરવી શક્ય નહોતી.

– અમે છોટુંની બર્થ-ડે ને એક મહિનો મુલતવી રખવાનો વિચાર કર્યો છે. હવે, છોટુંને બે વર્ષ અને એક મહિનો ઉંમર થયાની ઉજવણી કરવામાં આવશે. (ઉજવણી વર્ષે-વર્ષે જ થાય એવો કોઇ નિયમ નથી હોં! અને હોય તો અમારી જાણમાં નથી. ભુલચુક લેવીદેવી.)

– અગાઉની અપડેટ્સમાં વરસાદના આગમન વિશે નોંધ લેવાઇ હતી અને આ અપડેટમાં તેના દ્વારા થયેલા નુકશાન ઉપરાંત શહેરીજનોની સમસ્યાઓ ઉમેરવાનો પ્લાન હતો, પણ…. વરસાદે ઇંગ્લેન્ડમાં રમતા ભારતીય ખેલાડીઓની જેમ હાર સ્વીકારી લીધી લાગે છે. એટલે અમે પણ અત્રેથી વરસાદી સમસ્યાઓના સમાચાર નોંધવાનું કાર્ય મોકુફ થયેલ જાહેર કરીએ છીએ. (નોંધ: જો મારા દ્વારા થયેલ સમાચાર મોકુફીની જાહેરાતના સમાચાર વાંચીને મારી મજાક ઉડાવવા વરસાદ પાછો આવે તો ઉપરોક્ત મોકુફીને રદબાદલ ગણવી. – લિ. હુકમથી.)

– એમ તો વરસાદ સાવ નથી આવ્યો એવું તો ન કહેવાય, કેમ કે મૌસમ વિભાગ દ્વારા સમાન્યથી-વધુ વરસાદ થયાના આંકડાઓ મળ્યા છે! (આ મૌસમ વિભાગ એટલે જેની માત્ર ૯૯.૯૯ ટકા આગાહીઓ ખોટી પડે છે, એ જ ને..?)

– આજની અન્ય એક અપડેટ;

Featured Image: Kutchi Traditional House 

 

 

Sep’13 : અપડેટ્સ-2

– અગાઉની અપડેટમાં ઉતાવળના કારણે ઘણી વાતોને ઉમેરવામાં નહોતી આવી એટલે આજે લગભગ દોઢ મહિનાની વાતો ભેગી થઇ છે. જે યાદ આવશે અને લખવા જેવું હશે તે જ અહી લખાશે એમ માનીને આગળ વધીએ. (જો એમ લાગે કે હું કોઇ અપડેટ ચુકી ગયો છું તો સમજી લેવું કે તેમાં નોંધવા જેવું કંઇ હતું નહી અથવા તો તે પ્રાઇવેટ પોસ્ટમાં નોંધવામાં આવ્યું છે.)

– હા તો અપડેટની શરુઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ થોડા દિવસ પહેલાના ગણેશ વિસર્જનની. જય હો.. જય હો.. જય હો.. ગણેશદેવાની અને તેમના દ્વારા થતી હેરાનગતીઓની…. પ્રભુ જેવા આ વર્ષે પધાર્યા એમ જ આવતે વર્ષે પણ આવજો અને આપના ભક્તોએ જાહેર પબ્લીકની જે હેરાનગતિ કરી છે તેવી આવતા વર્ષે પણ કરતા રહે તેનું ધ્યાન રાખજો. (બીજું તો કંઇ કહેવું નથી અથવા તો કહેવા જેવું નથી, કેમ કે જે કહેવું છે તે અગાઉ પણ કહેવાઇ જ ગયું છે. જુઓ આ પોસ્ટ)

– અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જો આપને અ.મ્યુ.કો. દ્વારા પુરી પાડવામાં આવતી કોઇ સુવિધા અંગે ફરિયાદ હોય તો અહી ફોન, મેસેજ કે ઇમેલ દ્વારા રજીસ્ટર કરાવી શકો છો. (મારી પાસે તો ફરિયાદોનો ઢગલો તૈયાર જ હોય એટલે મેં એકવાર ફરિયાદ કરીને અનુભવ કરી લીધો છે. સારી સર્વિસ છે!) આ હેલ્પલાઇન અંગેની સંપુર્ણ માહિતી માટે જુઓ: http://www.amccrs.com/AMCPortal/View/AMCDetail.aspx

– Apple દ્વારા રજુ કરાયેલી iPhone ની નવી ઓપરેટીંગ સિસ્ટમ iOS7 થી મોબાઇલ અપડેટ કરી દેવામાં આવ્યો છે. હજી તો વધુ અનુભવ નથી કર્યો પણ જેમ શરૂઆતમાં નવી વસ્તું ઘણી ગમે અને આકર્ષક લાગે તેમ અત્યારે આ નવી સિસ્ટમ વાપરવાની ઘણી મજા આવે છે. જો કે હજુ તો અમે બંને (એટલે કે હું અને મારો મોબાઇલ) એકબીજા સાથે તાલમેલ મેળવી રહ્યા છીએ. (આમ તો ખુટે એવું તો કંઇ દેખાતું નથી અને વળી નવું-નવું ઘણું બધું છે એટલે ફરિયાદ જેવું હશે નહી એવું કહી શકાય.)

– આ વખતે મોદીને BJP એ PM ઉમેદવાર બનાવ્યાના ન્યુઝ તો હવે જગજાહેર છે. કોઇને ગમ્યા અથવા તો કોઇને ખટક્યા હશે!! પણ મને પર્સનલી ઘણો આનંદ થયો કે કોઇ રાજકીય પક્ષે એક એવી વ્યક્તિને આગળ મુકી છે જે કંઇક તો કરી બતાવશે. (કમ-સે-કમ પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી કરતા તો તે ઘણાં સારા સાબિત થશે તેનો મને અત્યારે વિશ્વાસ છે, આગળ તો જેવી રમેશભાઇ* ની ઇચ્છા…) હવે સામે પક્ષે પણ આવા જ કોઇ સક્ષમ ઉમેદવાર રજુ કરવામાં આવે તો ટક્કર જામે! (અહી સક્ષમ ઉમેદવારની વાત થાય છે એટલે મહેરબાની કરીને રાહુલબાબાને વચ્ચે ન લાવતા. યાર, ઔર ભી લોગ હૈ કોંગ્રેસમેં રાહુલ કે સીવા..)

– નરેન્દ્ર મોદીની ખામીઓ ચોક્કસ છે પણ તેમની ખુબીઓને તમે નજરઅંદાજ તો ન કરી શકો. અને એક એ વાત પણ સમજી લેવા જેવી છે કે બધાને સાથે લઇને ચાલનારો માણસ લાંબે જઇ શક્તો નથી અથવા તો મોટા કે અઘરા નિર્ણયો લઇ શક્તો નથી. મોદી અંગે મારી ટુંકી સમજણ પ્રમાણે કહું તો જો તેઓ PM બનશે તો કંઇક એવું કરશે જ જે અગાઉના પ્રધાનમંત્રીઓ કરી નથી શક્યા અથવા તો કરતાં ખચકાતા હતા.

– દેશની હાલની પરિસ્થિતિ, રાજકારણ અને મતદારોની સ્થિતિ જોઇએ તો મારો અંદાજ કહે છે કે આ વખતે મોદીને પ્રધાનમંત્રીની ખુરશી શોભાવતા જોવા તૈયાર રહેવાનું છે. (ચેતવણી: આ મારું અંગત તારણ છે. મારો કોઇ એક પક્ષ, વ્યક્તિ કે સંસ્થા સાથે કોઇ સીધો સંબંધ નથી અને જો કોઇ આડકતરો સંબંધ પણ હશે તો તેને માત્ર સંયોગ કહેવાશે! -ચેતવણી પુરી.)

– છેલ્લા મહિનામાં બે વખત અમદાવાદ-સુરત-અમદાવાદની મુસાફરી કરવામાં આવી અને એ પણ ભારતીય રેલ્વેના જનરલ ડબ્બામાં!! ટ્રેનમાં જનરલ ડબ્બો કોને કહેવાય, કેવો હોય અને તેમાં મુસાફરી કેવી રીતે કરાય તેનું મોંઘુ અને વિચિત્ર જ્ઞાન સ્વ-અનુભવે સાવ સસ્તામાં મેળવવામાં આવ્યું. (તે અનુભવ ફરી યાદ ન કરાવવા જાહેર વિનંતી.)

– હા, હકારાત્મક વાત એ છે કે તે બહાને એક નવી સંસ્કૃતિને જાણવામો મોકો પણ મળ્યો!! – ટ્રેન સંસ્કૃતિ!! ટ્રેનમાં કાયમી મુસાફરી કરતા લોકોની પણ એક અલગ દુનિયા-વિચારો-ગ્રંથી અને આદતો હોય છે જેનાથી આજસુધી હું લગભગ અજાણ હતો એમ કહી શકાય. એકંદરે નવું જાણવા મળ્યું તેનો આનંદ લીધો અને હવે વિશ્વાસ આવી ગયો કે ભવિષ્યમાં કયારેક આવી મુસાફરી કરવાની આવે તો મને કોઇ વાંધો નહી આવે. (રેલ્વેની દરેક મુસાફરી વખતે કન્ફર્મ બુકીંગ મળી ન શકે તે હકિકતને પણ હવે ધ્યાનમાં રાખવી પડશે.)

– સુરત ખરેખર સુંદર શહેર છે અને કોઇ-કોઇ જગ્યાએ તો તે અમદાવાદથી પણ ચઢિયાતું લાગે. રોડ-રસ્તામાં તો તેને ચોક્કસ અમદાવાદથી આગળ ગણી શકાય. જો ગુજરાત સરકાર (વાંચો, મોદી સરકાર) તેને અમદાવાદ જેટલું જ મહત્વ કે લાભ આપવાનું શરૂ કરી દે તો એ વાત ચોક્કસ છે કે સુરત થોડા જ વર્ષોમાં અમદાવાદથી આગળ નીકળી જાય! (સાઇડટ્રેક: હું ભલે આખા ગામની પંચાત કરું છું પણ સુરતમાં બીચ/દરિયાકિનારો છે તેની જાણકારી મને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ થઇ છે.)

– મારા એક નિયમને ‘બાયપાસ’ કરીને થોડા દિવસો પહેલા જ યુવરાજભાઇની મુલાકાત લેવામાં આવી હતી. (કેટલાક નિયમો તોડવા માટે જ બનતા હોય છે.) અમે નાની-મોટી ચર્ચા કરી જે ખરેખર જરૂરી નહોતી પણ મળ્યા એટલે સામ-સામે ચુપ બેસી રહેવા કરતાં બે વાતો કરીએ તો સારું લાગે અને સ્વાભાવિક છે કે અમારી મુલાકાત જે કોમન વિષયના આધારે થઇ છે તે વિષય ચર્ચામાં વધુ રહ્યો. ત્યારે ઓવરઑલ હું વધારે બોલ્યો હોઇશ, યુવરાજભાઇ જરૂરપુરતું બોલ્યા હતા અને અમારા (પોતપોતાના) ધર્મપત્ની મુખ્યત્વે શ્રોતાગણના સ્થાને રહ્યા!! (જયારે હું સળંગ બોલતો હોઉ ત્યારે મને અટકાવવો ખરેખર અઘરું કામ હશે એવું મને પણ કયારેક લાગતું હોય છે!)

– યુવરાજભાઇ પાસે સમય નહોતો છતાંયે મારી માટે સમય ફાળવ્યો તે બદલ તેમનો આભાર માનવો પડે અને છેલ્લે, મળીને આનંદ થયો -એવું લખવાનો અને કહેવાનો આપણે ત્યાં રિવાજ છે એટલે કહી દઉ છું. 🙂 (સારો રિવાજ છે!) જો કે દિલથી કહું તો એક નવા મિત્ર મળ્યા તેની ખુશી થઇ, યુવરાજભાઇની નિખાલસતા ખરેખર ઘણી ગમી. તેમણે બે પુસ્તકો આપ્યા છે; જેમાંથી એકને થોડો ન્યાય આપવામાં આવ્યો છે અને બીજું પુસ્તક તેમની નવલકથા ‘સળગતા શ્વાસો’ છે જે વાંચી લેવામાં આવી છે. (તેને હવે પાછી આપવાની છે પણ આળસમાં ભુલાઇ જાય છે.)

– મારો ટેણીયો હવે ઘરની બહાર રખડવાનો ઘણો શોખીન થઇ ગયો છે. ઘરે આવો એટલે પહેલા તો તમને તે પોતાને તેડી લેવા કહે અને પછી તરત બહાર જવાનો રસ્તો બતાવશે. (આ નાના છોકરાંઓને બહાર જવું કેમ વધારે ગમતું હશે? ઘરમાં રહીને કંટાળી જતા હશે કે પછી બહારની દુનિયાને જાણવાનું કુતુહલ વધારે હશે કે પછી કોઇ અન્ય કારણ પણ હોઇ શકે.)

– બે દિવસથી વરસાદ છે અને વાતાવરણમાં હવે ઠંડક પણ છે એટલે ડ્રાફ્ટમાં લખાયેલી ગરમીની ગરમા-ગરમ વાતોને રીમુવ કરી દેવી પડી છે. (સમયસર પોસ્ટને ‘Publish’ ન કરવામાં આવે તો આવી સમસ્યાઓ બની શકે છે.)

– ઘણાં દિવસોની વાતો ભેગી કરી છે એટલે પોસ્ટ લાંબી થઇ જાય તે સ્વાભાવિક છે એટલે હવે વધારે આડીઅવળી વાતો ન ઉમેરવી યોગ્ય લાગે છે. (હાશ…… – કોણ બોલ્યું?)

– બીજું બધું તો તેની જગ્યાએ બરોબર ચાલી રહ્યું છે. વજન 56 કિલો એ પહોંચ્યું છે. દવાઓ બંધ થઇ ચુકી છે. હું સંપુર્ણ સ્વસ્થ છું અને જીવનમાં એકંદરે શાંતિ છે.


*મારા જીવનનું એક અગત્યનું કેરેક્ટર, જેમની ઓળખાણ અહી કયારેક કરાવવામાં આવશે.