અપડેટ્સ – 181029

~ ગત અંકથી ચાલું…

~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ એક જ દિવસ પછી બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર મેં કેમ કર્યો હશે એ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે. (કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મારી આદતો અને વ્યસ્તતાને ધ્યાનમાં લેવી જ જોઇએ.)

~ ચલો, રમેશભાઇને ગમ્યું એ થયું એમ માની ને વાત આગળ વધારું.. (કોઇ તો વિચારતું હશે કે આ રમેશભાઇ કોણ છે!!.. જુઓ, મને પણ ખબર નથી એટલે મને તો પુછવું જ નહી.)

~ હા તો અમે અટક્યા હતા બેંગ્લોરમાં અને જવું હતું Bannerghatta નેશનલ પાર્કમાં. આ પાર્કના નામનું શુધ્ધ ઉચ્ચારણ શું થાય તે વિશે ચોક્કસ ન હોવાથી તેને અંગ્રેજીમાં જ રહેવા દીધું છે. (લગભગ “બૅનરગટ્ટા નેશનલ પાર્ક” કહેવાય પણ ચોક્કસ ખબર ન હોય તે વિશે હોંશીયારી ન બતાવવી જોઇએ એવું અમારા ગુરુ શ્રી બાબા બગીચાનંદજી એ શીખવ્યું છે.)

~ છોકરાંઓની ઇચ્છાને વશ અને કંઇક નવું જોવાની આશાએ અમે નેશનલ પાર્ક તરફ નીકળ્યા. બેંગ્લોરથી વધુ દુર નથી પણ તે જ દિવસે સાંજે મૈસૂર માટે નીકળી શકાય તે વિચારે અમે સવારે થોડા વહેલા નીકળ્યા. સ્થળ પર સમયસર પહોંચી ગયા અને સૌથી પહેલું કામ સફારીમાં એન્ટ્રી લેવાનું કર્યું.

~ બાળકો સાથે મોટાને પણ ગમે તેવું સ્થળ છે. શાયદ ગુજરાતમાં આવી જગ્યા કોઇ નથી જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓને જંગલમાં જોઇ શકાય. ખુંખાર વન્ય જીવો ને આટલા નજીકથી આઝાદ ફરતાં પહેલી વાર દેખ્યા. વ્રજ માટે પણ આવો પ્રથમ અનુભવ હતો એટલે તેને પણ મજા આવી. (પહેલા આવા પ્રાણીઓને માત્ર પીંજરામાં પુરાયેલા દેખ્યા છે.)

~ આ નેશનલ પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે અને તેમાં ફરવા માટે બસની સુંદર વ્યવસ્થા છે જેથી વન્ય પ્રાણીઓને ખલેલ કર્યા વગર અમે સામાજીક પ્રાણી બંધ બસમાં ફરી શકીયે. ત્યાં બટરફ્લાય પાર્ક પણ ઠીક-ઠીક છે અને ઘણું વિશાળ પ્રાણી સંગ્રહાલય પણ છે! (જે જોવામાં અમે થાકી ગયા અને અધુરું મુકીને પરત થયા.)

~ ઘણાં ફોટો ક્લિક કર્યા છે પણ આજે સમય હશે એટલા ઉમેરીશ. બીજા પછી કયારેક અલગ અપડેટ્સમાં દેખાશે.

~ આજ માટે આટલું ઠીક લાગે છે. હવે પછીના અપડેટ્સમાં મૈસૂરની વાતોને ફોટો સાથે નોંધવામાં આવશે. (આ વખતે સમય નક્કી નથી કરવો. પોતાની નજરમાં ખોટા પડવાની પણ હદ હોય યાર..)

~ વધુ આવતા અંકે..

#સાઇડટ્રેકઃ આ બગીચા થકી જેમના પરિચયમાં છીએ તેવા શ્રી ચંદ્રકાંતભાઇ સાથે ફોન પર મુલાકાત કરીને સંતોષ માન્યો. તેમના શહેરમાં હોવા છતાં રૂબરુ મળવા જઇ શકાય એટલો સમય મારી પાસે નહોતો અને વળી અમે કોઇ એક જગ્યાએ અટકતા ન હોવાથી તેમને કોઇ ચોક્કસ જગ્યાએ મળવા બોલાવી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. આશા છે કે ક્યારેક અમદાવાદમાં જ મુલાકાત થશે.

અપડેટ્સ – 181028

. . .

~ આટલા જ દિવસોમાં મારા બગીચામાં બીજીવાર આવવું એ જ એક અનોખી વાત છે મારી માટે! સૉ, થ્રી ચિયર્સ ટુ મી! (હીપ હીપ હુર્રે..)

~ છેલ્લી અપડેટ્સ નોંધતી વખતે માઉન્ટ આબુની ટ્રીપ વિશે લખ્યું હતું પણ બે દિવસ પછી મનમાં એક વિચાર આવ્યો કે હું કંઇક ભુલી ગયો છું. (એમ તો હું આખા ગામના કામ અને ક્યારેક તો મને પણ ભુલી જઉ છું તોય બોલો હું આવું લખીને આજે નવાઇ કરું છું!)

~ હા તો મેં મારી જ જુની અપડેટ્સ ચેક કરીને જાણ્યું કે જ્યાં વારંવાર રખડવા જઇએ તેની નોંધ તો લીધી પણ આ વર્ષમાં થયેલ બેંગ્લોર અને મૈસૂર શહેરની પ્રથમ મુલાકાત જ ભુલાઇ ગઇ છે. (આવુ છે મગજ મારું.. શું યાદ રાખે અને શું ભુલાવી દે.. કંઇ કહેવાય નહી!)

~ વિસ્તારથી લખવાનો વિચાર હતો પણ વિસ્તાર કરવા રહીશ તો આખા વિચારનું વતેસર થઇ જશે એટલે આજે જેટલી નોંધ થાય એટલી કરું, પછી તો જેવી રમેશભાઇની મરજી. (વાતનું વતેસર થતું બધાએ જોયું હશે પણ “વિચારોનું વતેસર” એ અમારી અનોખી શોધ છે! ભાષામાં આ નવા યોગદાન બદલ કોઇ ચાહક મને બિરદાવવા માગે તો હું રોકડ સાથે સ્વીકારી લઇશ.)

~ સમય હતો એપ્રિલ મહીનાનો. અમદાવાદથી ઉડીને સીધા બેંગ્લોર પહોંચ્યા હતા એટલે મુસાફરીની મજા કે સજા જેવું કંઇ ખાસ ન અનુભવાયું. (મારા મતે પ્લેન સમય બચાવે પણ મુસાફરીની અસલી મજા ટ્રેનમાં આવે. ક્યાંક દુર પહોંચ્યા એવુંયે લાગે!)

~ મુસાફરી દરમ્યાન નાયરાને તો દરેક વિમાન પરિચારિકાએ (બોલે તો.. એર હોસ્ટેસ) આખા પ્લેનમાં એક પછી એક ફેરવી હશે. ફોટો પણ ઘણાં ક્લિક કરાવ્યા છે. ઉપર હેડરમાં પણ તેવો જ એક ફોટો છે. (નાયરાને તેની સાથે જોઇને કોઇને ગેરસમજ ન થાય એટલે આ ચોખવટ કરી છે.)

~ બેંગ્લોર જવાનું કારણ આમ તો પારિવારીક હતું પણ આટલે દુર ગયા હોઇએ તો બે જગ્યા જોઇ લઇએ એમ વિચારીને આસપાસ ફરવાનું પણ ગોઠવ્યું હતું. બેંગ્લોરમાં ટ્રાફિક ખરેખર વધારે છે પણ વ્યવસ્થા અને ડ્રાઇવિંગ સેન્સ સારી લાગી મને. (દરેક અમદાવાદીએ નોંધવા જેવું છે કે આપડી ટ્રાફિક સેન્સ ખરેખર ભયાનક છે.)

~ સાંભળ્યું હતું એટલું સુંદર વાતાવરણ ન લાગ્યું પણ સવાર-સાંજની ઠંડક બહુજ મસ્ત લાગી. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે ગરમી હવે વધી છે એવું સ્થાનિકનું કહેવું છે. આસપાસના લોકો મળતાવડા ઓછા લાગ્યા. (મારો અનુભવ કે અનુમાન ખોટા પણ હોઇ શકે છે.)

~ બેંગ્લોરમાં આમ-થી-તેમ થોડું રખડ્યા અને એક-બે મુખ્ય સ્થળ દેખ્યા. ત્યાં ફરવા માટે અમારી પાસે સમય માત્ર એક દિવસનો હતો અને વળી રસાકસીવાળી ચુટણીના ચક્કર ચાલુ હતા એટલે વધારે ફરવા જેવું ન હતું. (અમદાવાથી નીકળતી વખતે જે પ્લાન બન્યા હતા એ તો હવામાં જ છુ થઇ ગયા હતા.)

~ સીટીની ટ્રાફિક, ઇલેક્શન ટાઇમ અને વડીલોના મંતવ્યના આધારે મૈસૂર જવાનો પ્લાન બનાવવામાં આવ્યો પણ ચિલ્લર પાર્ટીની એક્સ્ટ્રા ડિમાન્ડના લીધે સૌથી પહેલા Bannerghatta National Parkની મુલાકાત લેવાનું નક્કી થયું. (સમય-સમય બલવાન હૈ ભૈયા..)

~ જે રીતે હું અત્યારે લખી રહ્યો છું તે રીતે લખતો રહીશ તો આ પોસ્ટ ઘણી લાંબી થશે એમ જણાય છે. પણ અત્યારે પુરતો સમય નથી અને ઉમેરવા માટે બીજી વાતો પણ છે એટલે હવે બીજી વાતોને આવતીકાલે ચોક્કસ ઉમેરવાના વિચાર પર મુકવી ઠીક લાગે છે. (મારી ઇચ્છા છે કે આવતીકાલે જ હું ઉમેરી શકું.)

#સાઇડટ્રેક – આ શહેરોના નવા નામ બેંગ્લુરુ અને મય્સુરુ સ્વીકારવામાં મારા વિચિત્ર મનને મનાવવું પડશે. ત્યાં સુધી જુના નામથી ચલાવી લેવું એવી વિનંતી. (અથવા ચોખ્ખી ધમકી.)

અપડેટ્સ-40 [May’14]

– અગાઉ દેશ-ચુટણી-રાજકારણ અને જન્મદિવસની અપડેટ્સ વચ્ચે રોજબરોજની વાતો લગભગ ભુલાઇ ગઇ છે એટલે આજે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે; પરંતુ તેની સાથે-સાથે કેટલીક જરૂરી રાજકીય વાતોને પણ અહી જ સમાવી લેવામાં આવી છે. (શું ખબર… ફરી આવો સમય મળે કે ન મળે…)

– શરૂઆત કરીએ એક ખાસ મુલાકાતથી… થોડા દિવસ પહેલા ગુજરાતી-બ્લૉગીંગ-દુનિયાના મહામહિમ અને અમારા બ્લૉગીંગ માર્ગદર્શક-આદર્શ એવા શ્રી કાર્તિકભાઇ સાથે અમદાવાદમાં જ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મારી માટે થોડો સમય ફાળવવા બદલ સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે. (રૂબરૂ મુલાકાતની શ્રુંખલામાં આ લગભગ ત્રીજા વ્યક્તિને મળવાનું થયું હશે.)

– કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ બે સાવ ભિન્ન ક્ષેત્રના વ્યક્તિઓ મળે ત્યારે વાતચિત કયા મુદ્દે કરવી તે પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક ઘટના છે. જો કે મારી માટે વાતચિત કરતાં આ મુલાકાત વધુ જરૂરી હતી એટલે મને તો કોઇ વાંધો નહોતો પણ કાર્તિકભાઇની સમસ્યા અંગે હું ચોક્કસ કહી ન શકું. અમે એકબીજાના મુખ્ય વિષયની થોડીક વાતો કરી. (થોડીક એટલા માટે કે તેમના વિષયમાં મને ટપ્પી ન પડે અને મારા વિષયની બોરિંગ વાતોથી તેમની દુર રાખવાનો મારો નેક ઇરાદો!) એટલે મારા ચિત્ર-વિચિત્ર વિચારોની સાથે-સાથે અમે પરિવાર-દેશ-દુનિયા અને આસપાસના લોકોની ‘પંચાત’ વધુ કરી. (આ મુલાકાત દરમ્યાન આદત મુજબ હું જ વધારે બોલ્યો હોઇશ અને તેમને બોલવાનો ઘણો ઓછો ચાન્સ આપ્યો હશે એવું મારું માનવું છે.)

– ટેણીયાંને અને તેની મમ્મીને બે દિવસ પહેલા જ ઘર-ભેગા કરવામાં આવ્યા છે. (વેકેશન પુરું થયું!) અને સુનું-સુનું ઘર ફરી ગાજતું થઇ ગયું છે. વ્રજ હવે નાના-નાના સવાલોના જવાબ આપતા આવડી ગયું છે. આપણે જે બોલીયે તેના પાછળના શબ્દો રીપીટ કરવામાં પણ છોટું-સાહેબ માસ્ટર થઇ ગયા છે! લગભગ દરેક શબ્દો ચોખ્ખા બોલે છે. (જો કે ચમચીને તો હજુપણ તે ‘મન્ચી’ જ કહે છે! -આ શબ્દથી યાદ આવ્યું કે તેની ભાષામાં બોલાતા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ભુલાઇ જાય છે.)

– પોણા બે વર્ષનો આ ટેણીયો હવે અમને સવાલ પણ પુછે છે! કોઇ પણ નવી વસ્તું દેખે એટલે તેની તરફ આંગળીથી ઇશારો કરીને તેનો સવાલ તૈયાર જ હોય કે, “પપા, આ શું છે?” (જો કે અત્યારે તો કંઇ પણ જવાબ આપી દો, સ્વીકારી લે છે.)

– લગભગ ૨૨ દિવસ સુધી એકલા રહેવાનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે છેલ્લા છ મહિના દરમ્યાન ચુકી જવાયેલી ઘણી ફિલ્મને જોઇ લેવાઇ. એમ તો કામકાજમાં પણ વ્યસ્તતાનું પ્રમાણ વધારે રહ્યું. હવે થોડા દિવસોમાં દરેક વ્યક્તિ/પેઢીનો ઇન્કમટેક્ષ ભરવાનો હોવાથી એકાઉન્ટને ફાઇનલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે દિવસો કાગળીયા વચ્ચે વ્યતિત થઇ રહ્યા છે.

– છેલ્લા અઠવાડીયામાં જ રવિન્દર સિંઘના બે પુસ્તક ( I Too Had a Love Story -&- Can Love Happen Twice?) ને ઉપરાઉપરી વાંચવામાં આવ્યા. પુસ્તકો માટે હવે મારા બગીચામાં એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે જેમાં વાંચવામાં આવેલા પુસ્તક અંગે મારા મંતવ્યો રજુ કરતા રહેવાનો વિચાર છે. નવા વિભાગ માટે જુઓ- અહી [વાચકજોગ: આ વિભાગની અપડેટ્સની જાણકારી ઇમેલથી મળી શકે એમ નથી એટલે નવી વાતની જાણકારી ફેસબુક કે ગુગલ-પેજ દ્વારા આપવામાં આવશે.]

– આજકાલ ગરમીનો પારો 44-45 ની આસપાસ રહેવાના કારણે સખત ત્રાસદાયક વાતાવરણ છે. સવારે વહેલા અને રાત્રે થોડી-થોડી ઠંડક રહે છે પણ તે સિવાય આખો દિવસ સખત બફારો અનુભવાય છે. બપોરે 1 થી 5 દરમ્યાન તો બહાર નીકળી ન શકાય એવી હાલત છે. હવે તો વરસાદનો ઇંતઝાર છે. (કયારે વરસાદ આવે ને… કયારે મન મોર બની થનઘાટ કરે…)

– મારા આ બગીચાના રૂપરંગમાં ફરી બદલાવ ન કરવાનો વિચાર કર્યો હોવા છતાં એક નાનકડો ચેન્જ કરવામાં આવ્યો છે. હવેથી બેકગ્રાઉન્ડમાં લીલો-લીલો બગીચો જોઇ શકાશે. (આ હરિયાળા બેકગ્રાઉન્ડ વિના મારો બગીચો મને સુકો-સુકો લાગતો હતો!)

– આખરે દેશમાં અબકી બાર મોદી સરકાર આવી જ ગઇ. જેમ ફેસબુક પર લોકોને કહેતા સાંભળ્યા છે એમ હું કહી શકું છું કે નરેન્દ્ર મોદીની જીત માટે અમે પણ સચોટ આગાહી કરી હતી. જો કે હું અહીયાં તે બધું કહીને આપબડાઇ કરવામાં માનતો નથી એટલે કંઇ જ કહેતો નથી. (જોયું! ના-ના કહેતા કહી પણ દીધું છે! 😉 અને જો કોઇને ખાતરી કરવી હોય તો નવેમ્બર-2013 થી ચુટણી પરિણામ પહેલાની વાતો જોઇ લેવી.)

– આ વખતે પ્રથમવાર દેશના વડાપ્રધાનની સપથવિધિનો શાનદાર સમારોહ નિરાંતે નિહાળવામાં આવ્યો. જો કે એક-ને-એક સપથ અલગ-અલગ વ્યક્તિઓના મુખે સાંભળીને ત્યાં પધારેલા મહેમાનોની જેમ મનેય કંટાળો આવતો હતો પણ સપથવિધી બાદ નવા-નવા વડાપ્રધાનના મુખે કંઇક સાંભળવાની લાલચે ટીવી સામે બેસી રહ્યો હતો પણ છેક સુધી તેઓ ન આવ્યા. (વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી મોદી’જી નું કોઇ જાહેર ભાષણ સાંભળવા નથી મળ્યું. જો કે સુત્રોથી મળતી જાણકારી અનુસાર બે દિવસમાં વડાપ્રધાન દેશની પ્રજાને સંબોધન કરશે એવા સમાચાર છે.)

– સપથવિધી બાદ મોદીસરકાર જે રીતે કામકાજ કરી રહી છે તે જોતા લાગે છે કે અચ્છે દિન જલ્દ હી આ જાયેંગે.. જો કે કેટલાક લોકોને તેમાં શંકા પણ છે. (આ કેટલાક લોકો આજકાલ કોંગ્રેસી તરીકે ઓળખાય છે! આમ તો હવે સરકારના દરેક કાર્યોમાં શંકા કરવી તેમની ફરજ પણ છે.)

– દેશના પડોશીઓ સાથે જે રીતે નિકળતા કેળવવામાં આવી રહી છે તે પ્રક્રિયાને અમે સંપુર્ણ ટેકો આપીએ છે. અમે અગાઉ જણાવી ચુક્યા છીએ કે આસપાસના દેશ સાથેના વિવાદિત મુદ્દે વાતચિત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ જો સામે પક્ષે શાંતિ-પ્રયાસના બદલે વારંવાર છમકલાં કરવામાં આવે તો યુધ્ધને અમે છેલ્લો વિકલ્પ પણ ગણીયે છીએ. (તમને એમ લાગશે કે હું તો એવી રીતે મારો મત જણાવી રહ્યો છું કે જાણે અમારા આ મતથી કોઇ મોટો ફરક પડવાનો હોય!)

– મારી ધારણા મુજબ જ ગુજરાતમાં હવે મોદી-સરકારની જગ્યાએ પટેલ-સરકાર આવી ગઇ છે. (જુઓ- છ મહિના પહેલાની આગાહી) મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના પ્રમાણમાં આનંદીબેન થોડા કમજોર ચોક્કસ છે પણ તેમની ઉપર સાહેબનો હાથ રહેશે એટલે વાંધો નહી આવે એવું અમારું માનવું છે. (આનંદીબહેનની ગણના કડક વ્યક્તિ તરીકેની છે પણ રાજકારણમાં કડક વ્યક્તિત્વ કરતાં સમય અનુસાર નિર્ણય લઇ શકે એવી પ્રેક્ટિકલ વ્યક્તિ વધુ સફળ રહે છે.)

– રાજકારણ વિશેની અપડેટ્સ તો ઘણી છે પણ આજે અહી અટકીએ તે ઠીક રહેશે. બીજી કોઇ અપડેટ્સ ધ્યાનમાં આવતી નથી અને સંપુર્ણ કોમર્સિયલ ઇવેન્ટ એવી IPL માં મને જરાયે રસ ન હોવાથી તેની કોઇ જ વિગત મારા બગીચામાં ઉમેરવાની જરૂર લાગતી નથી. (ચોખવટ: અહી માત્ર અમારું જ શાસન હોવાથી અમને રસ હોય એ જ માહિતી ઉમેરવામાં આવે છે.)

અને છેલ્લે એક #કોશ્ચન….


#સુધારો: વંચાયેલાં પુસ્તક વિશેના વિભાગમાં નવી પોસ્ટની જાણકારી હવે બગીચા સાથે જોડાયેલા મિત્રો માટે ઇમેલ દ્વારા ઉપલબ્ધ છે. જો અન્ય કોઇ મારા બગીચામાં ઉમેરાતી નવી વાતોને ઇમેલથી મેળવવામાં રસ ધરાવતા હોવ તો તે માટે અહી જમણી બાજુમાં ‘subscribe’ નો વિકલ્પ ઉપલબ્ધ છે. આભાર.