અપડેટ્સ – 180805

. . .

~ હા ખરેખર બહુજ સમય કહેવાય છેલ્લી અપડેટ્સની નોંધ કરી હતી તેને. સમય આગળ વધતો જાય છે અને હું વિચારતો રહી જઉ છું કે ક્યારેક કંઇક લખીશ. (વિચાર વાંચી શકે એવું મશીન જલ્દી વસાવવું પડશે.)

~ શોર્ટ લાઇફમાં એટલું બધું બન્યું છે કે જો મારી ઉપર રિસર્ચ કરવા બેસે તો એકાદ ફિલ્મ બનાવી શકાય એટલો મસાલો મળી શકે એમ છે. (ના ભ’ઇ ના, સંજુબાબા જેવા કારસ્તાન પણ નથી હોં કે..)

~ બિઝનેસ અને ફેમીલી વચ્ચે સંતુલન મુશ્કેલ બનતું જાય છે અને હું બન્ને વચ્ચે ઝુલતો રહું છું આજકાલ. એમ તો આ સ્થિતિની કલ્પના અગાઉથી કરેલી હતી. (જોયું! હું કેટલું સચોટ ભવિષ્ય જોઇ શકું છું!! બેટે, એવે હી હમ બાબા બગીચાનંદ નહી કેહલાતે..)

~ એક તો વરસાદ પણ જામતો નથી.. વરસાદ જામે તો તેના બહાને થોડું રિલેક્સ થવાનો મોકો મળે એમ છે. (આ વખતે અમદાવાદ લગભગ કોરું રહ્યું છે.)

~ નાયરાને ચાલતા આવડી ગયું છે પણ બોલવામાં હજુ શબ્દો સાથ નથી આપતા. (એમ તો મને કોઇ ઉતાવળ પણ નથી.)

~ અમને એમ હતું કે વ્રજ કરતા શાંત હશે પણ બગ્ગુએ સાબિત કરી આપ્યું કે લડકીયાં ભી કીસી સે કમ નહી હોતી હૈ! સખત ધમાલ કરે છે અને જીદ્દી પણ એટલી જ છે. (હવે એમ લાગે છે કે અમારો ટીનટીન ઘણો સીધો હતો.)

~ આજે દોસ્તોને યાદ કરવાનો દિવસ છે અને મારા દોસ્તો સાથેના સંબંધનો સરવાળો કરું તો લગભગ દરેક દોસ્તોથી કપાઇ રહ્યો હોઉ એવી સ્થિતિ બની શકે છે. (જોકે આમા મારી ખોટી આદત અને કોઇ-કોઇ અંગત કારણો પણ જવાબદાર છે.)

~ ઓકે. આજે આટલું જ.

~ અને હા, I miss Jalebi…

હેડર ચિત્રઃ ઇંદીરા બ્રીજ, અમદાવાદ-ગાંધીનગર હાઇ-વે.
ક્લિક કરનારઃ અમે પોતે!

અનિર્ણાત્મક મનોદશા

. . .

– જીવનમાં સંયમિત વિચાર માર્ગે આગળ વધતા રહેવાને બદલે આજે મને એવું લાગે છે કે હું રાહ ભટકી રહ્યો છું. (કોઇ સાવ નાની વાતમાં તુટી પડું એટલો કમજોર તો હું નહોતો જ.)

– ભલે કોઇ કારણસર પણ જે અચાનક કરવામાં આવ્યું તે હવે થોડું ડંખતુ હોય એવું લાગે છે. (જે હકિકતમાં છે નહી, તેની આજે ખોટ સાલે છે !!)

– એવું નથી કે ખરાબ અનુભવ પહેલા નથી થયા તો પછી એ નિર્ણય અત્યારે જ કેમ એ જાણવા ઘણાં મિત્રો રાહ જોઇ રહ્યા છે. તો ત્રણ-ચાર મિત્રોને એવું લાગે છે કે મે તેમની સાથેના અનુભવ બાદ આ કાર્ય કર્યું છે. (દરેકને સ્પષ્ટતા કરવી અઘરી છે અને તેઓ કંઇ પણ વિચારે પણ તેમના પ્રત્યે દિલથી લાગણી જરૂર છે.)

– ફેસબુક છોડવું આમ તો અઘરું નથી પણ હવે લાગી રહ્યું છે કે કોઇ ઉતાવળીયો નિર્ણય તો નથી ને ? (જો ખરેખર એવું લાગશે તો પરત જતાં ખચકાવું ન જોઇએ.)

– એકવાર બોલ્યા એટલે બધુ છોડી જ દેવું જરૂરી પણ નથી, કેમ કે લાગણીથી સાથે જોડાયેલા અને મને પણ જેમનો સાથ ગમતો એવા દોસ્તોને સાવ એમ જ છોડી દેવા એ જીદ કહેવાશે. (‘કોઇ શું વિચારશે ?’ – એ સવાલ એટલો અગત્યનો નથી.)

– હજુ એક-બે દિવસ ખુદની પરિક્ષા લઇ જોઉ છું, જો મને ખરેખર એમ લાગશે કે ત્યાં રહેવું ખોટું નથી તો પછી ચોક્કસ પરત ફરવામાં આવશે અને જો એમ લાગ્યું કે મારા ત્યાં રહેવા કે ન રહેવાથી મને કે મારા મિત્રોને કોઇ ખાસ ફરક નથી પડતો… તો પછી આખી પ્રોફાઇલ ડીલીટ કરવાનો વિચાર અમલમાં મુકી દેવાશે. (ન રહે બાંસ, ન બજે બાસુરી !) જે મિત્રો મારી સાથે સંપકમાં રહેવા ઇચ્છે છે તેમની માટે હું અહિયાં તો છું જ.

– ફેસબુક મિત્રોમાં જેમને મારા આ કાર્યથી દુઃખ થયું હોય (ખાસ તો તે મિત્રોને જે એમ સમજે છે કે આ તેઓના કારણે કર્યું છે) તેમને.. સૉરી… દિલથી..

. . .

– (માત્ર જાણકારી હેતુ) ટાઇટલમાં જે ‘અનિર્ણાત્મક મનોદશા’ લખ્યું છે તે ‘કન્ફ્યુઝન’ શબ્દનો ગુજરાતી અનુવાદ છે !!