લોકસભા ચુટણી – 2014 : અપડેટ્સ

– ઘણાં સમયથી દેશની રાજકીય પરિસ્થિતિ અને ઇલેક્શન વિશે લખવાનું વિચાર્યું હતું પણ કેટલાક કારણોસર તેને અમલમાં મુકવાનું રહી ગયું છે. પણ આજે તો મેં મારી જાતને ઓર્ડર આપ્યો છે કે ‘અબકી બાર, લીખ લો યાર’

– હા, ગુજરાતમાં મતદાનના દિવસે વિચાર્યું’તું કે આ બાબતે એકાદ પોસ્ટ ઢસડી નાંખીએ પણ પછી થયું કે આચારસંહિતાનું પાલન કરવું એ નેતાઓની સાથે-સાથે પબ્લીકની પણ ફરજ બને છે, એટલે તે દિવસે કંઇ કરવામાં ન આવ્યું. (એમ તો અમે કાયદાને બહુ માન આપીયે હોં…) પરંતુ આજે લાગે છે કે આવી પોસ્ટ માટે આચારસંહિતાનું બહાનું બતાવવું ઠીક નથી. તો હાજર છે ૨૦૧૪ની ચુટણી નોંધવા જેવી નાની-મોટી બાબતો. (અલબત્ત મારી નજરે..)

– અત્યારે દેશમાં મતદાનની મોટાભાગની કામગીરી પુરી થઇ ગઇ છે અને હવે એક જ તબક્કાનું મતદાન બાકી છે જે આજે પુરુ પણ થઇ જશે. આશા છે કે આ વખતે મતદારો કોઇ એક પક્ષની વોટબેંક બનવા કરતાં યોગ્ય નેતા-પક્ષને ઓળખીને તેમનો અમુલ્ય મત કોને આપવો તે નિર્ણય લીધો હશે. (અમે તો આવી આશા જ રાખી શકીએ.)

– આ વખતનું ઇલેક્શન ઘણી રીતે સ્પેશીયલ બની રહ્યું. સ્વાભાવિક રીતે અહી સવાલ ઉભો થાય કે, એ કઇ રીતે?…. જો જવાબ મેળવવામાં રસ હોય તો જ આગળ વાંચજો.. (નહી તો ફરી મળીશું કોઇ નવી અપડેટ્સ વખતે..)

– ઓકે. દેશનું આ પ્રથમ ઇલેક્શન છે જેમાં બધા પૉલ (ગુજરાતીમાં બોલે તો.. આગમવાણી) અને રાજકીય વિશ્લેષકો કોઇ એક પક્ષ/વ્યક્તિ સત્તા સ્થાને પહોંચશે તે માટે સંપુર્ણ એકમત છે! (હવે યાર… તે પક્ષ/વ્યક્તિનું નામ પુછીને શરમાવશો નહી.)

– ઘણાં લાંબા સમય પછી એક ગુજરાતી દેશના સર્વોચ્ચ પદ માટે આગળ વધી રહ્યા છે અને હાલ તો તેમને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળતું દેખાઇ પણ રહ્યું છે તે જોઇને ગર્વ થાય તે સ્વાભાવિક છે. (જો કે કેટલાક ગુજરાતીઓ અંગત કારણોસર અમારા જેવો ગર્વ નથી અનુભવી શકતા તેઓ પ્રત્યે અમે સહાનુભૂતિ પણ ધરાવીએ છીએ.)

– ચુટણીમાં વિવાદોની શરૂઆત વિવિધ પક્ષોમાં ટિકીટની ફાળવણીના કારણે થઇ અને ત્યાર પછી આજસુધી સમગ્ર સમય દરમ્યાન નાના-મોટા વિવાદોથી રાજકીય વાતાવરણમાં ગરમાવો ફેલાયેલો રહ્યો. (આ ગરમાવાનું પ્રમાણ દેશમાં વધતી ગરમી સાથે-સાથે વધતું પણ ગયું!) સમાચાર માધ્યમોમાં પ્રાદેશીક કરતાં રાષ્ટ્રીય પક્ષો વધુ ચર્ચામાં રહ્યા.

– એક પક્ષ ચુટણી લડવાથી ભાગતા નેતાઓના કારણે તો એક પક્ષ ચુટણી લડવા માટે પડાપડી કરતા નેતાઓના કારણે ચર્ચામાં રહ્યો. એક નવો-નવો પક્ષ તેના મુખ્ય નેતાઓ દ્વારા પક્ષ છોડવાના કારણે પણ ચર્ચામાં રહ્યો. ઘણાં નેતાઓ પોતાનો પક્ષ બદલીને પણ ચર્ચામાં રહ્યા અને અડવાણીજી અગાઉની જેમ રિસાઇને ચર્ચામાં રહ્યા. અગાઉ કહેવાતું હતું કે અણ્ણા પણ આ વખતે ઇલેક્શનમાં મોટો ભાગ ભજવશે પણ શરૂઆતમાં મમતા’જીને સમર્થન આપ્યા બાદ એવા ખોવાઇ ગયા કે આજ સુધી તેમનો કોઇ પત્તો નથી મળતો.

– આ ઇલેક્શન જાણે એક નેતા વિરુધ્ધ સેકડો નેતાઓ દ્વારા લડવામાં આવી રહ્યું હોય એવો માહોલ ઉભો થયો અને વધુ નવાઇની વાત રહી કે આ એક નેતા બધા વિરોધીઓને એકસાથે ભારે પડી રહ્યા. અહી વિરોધીઓ પણ સ્વીકારશે કે આ ચુટણી સમય દરમ્યાન માત્ર એક વ્યક્તિ આખા દેશના જનમાનસમાં હાવી રહ્યા અને મોટાભાગની વાતો તેમની આસપાસ ફરતી રહી. (જનતા નોંધ લે કે અમે વ્યક્તિ કરતાં મુદ્દા આધારિત ચુટણીના પક્ષમાં વધુ છીએ.)

– દેશભરમાં આક્રમક પ્રચાર રણનીતિ અમલમાં મુકનાર ભાજપ પક્ષ ગુજરાતમાં મોદીની રેલીઓ સિવાય ચુટણી પ્રચાર માટે ટીવી-રેડિયો-હોર્ડિંગ સુધી વધારે સિમિત રહ્યો. લોકસંપર્કમાં ‘આપ’ અને કોંગ્રેસના નેતાઓ વધુ આગળ આવ્યા. (ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એકાદ બેઠક મળશે તો પણ મને નવાઇ લાગશે.)

priyanka-wadra-gandhi– શ્રી પ્રિયંકા વાડ્રા-ગાંધીએ અચાનક ભાઇ અને માં ના ઉમેદવારી ક્ષેત્રમાં પ્રચાર માટે મેદાનમાં આવીને ખેલ પાડી દીધો અને મારા આશ્ચર્ય સાથે પબ્લિકમાં તેણે સોનિયાજી-રાહુલ ગાંધી કરતાં વધુ પ્રભાવ ઉભો કર્યો. મને એ વાતનો અફસોસ છે કે કોંગ્રેસને આ યોધ્ધાના યુધ્ધ કૌશલ્યનો લાભ શરૂઆતથી અને રાષ્ટ્રીય સ્તરે મોટી સભાઓ દ્વારા લેતા ન આવડયું. હવે ગાંધી પરિવારના ભક્તોને પ્રિયંકામાં ઇન્દીરાનો બીજો અવતાર દેખાય તો નવાઇ લાગડવા જેવી નથી. (ભવિષ્ય આ માટે તૈયાર પણ રહે.)

– વારાણસી અચાનક જ ચુટણીના રાજકારણનું કેન્દ્ર સ્થાન બન્યું. જો કે તેનો શ્રેય પણ ત્યાંથી ઉમેદવારી-પત્ર ભરનાર મોદીને જ જાય છે. ભાજપ માટે આ બેઠક મેળવવી પતિષ્ઠાનો મુદ્દો છે તો અન્ય પક્ષો માટે મોદીને આગળ વધતા અટકાવવો રસ્તો છે. જો કે મારા અંદાજ મુજબ આ બેઠક પર મોદીની જીત કરતા જીતના અંતરનો સવાલ વધુ મહત્વનો બનશે. જો કે અમેઠી અને રાયબરેલી બેઠક પર પણ પ્રતિષ્ઠાનો જંગ ખેલાઇ રહ્યો છે!

mulaya-akhilesh-omar-mamta-mayavati-jaylalitha-lalu-nitish– પ્રાદેશિક તાકાત જેવી કે; યુ.પી.માં મોટા નાકવાળા બાપ-બેટાજી અને માયાજાળથી ભરપુર માયવતીજી, બિહારથી ગુસ્સાવાળી આંખોવાળા નિતિશજી અને ગોટાળા કરી-કરીને ચુટણી લડવાની યોગ્યતા ખોઇ ચુકેલા લાલુજી, કાશ્મીરથી નેશનલ કોન્ફરન્સવાળા બાપ-દિકરાએ, બંગાળથી મારફાડ મમતાજી વગેરે વગેરે નેતાએ પણ તેમના કદ અનુસાર કેન્દ્ર સરકારમાં તેમની જગ્યા બનાવવામાં દિવસ-રાત એક કર્યા છે પણ આ વખતે તેઓ ખાસ ઉકાળી શકે એમ લાગતું નથી.

the accidental prime minister book– મનમોહનજી હજુ દેશના વડાપ્રધાન તરીકે શોભી રહ્યા છે તે જ્ઞાન લગભગ દરેક લોકો ભુલી ગયા છે અથવા તો ભુલવા ઇચ્છી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે તેઓ આજકાલ પ્રધાનમંત્રી નિવાસમાં તેમનો સામાન પેક કરવામાં વ્યસ્ત છે. જો કે ચુટણીના સમયમાં જ સરકારના અંગત અધિકારીઓ દ્વારા મનમોહન સરકાર પર જે પુસ્તક બોંબ ફેંકવામાં આવ્યા છે તે તેમની માટે પડતાને પાટુ મારવા સમાન બન્યા છે અને તેની કળ વળવી પણ અઘરી છે. મનમોહનજીએ હજુ સુધી તે પુસ્તકોમાં જણાવેલી વાતો વિરુધ્ધ બોલ્યા નથી! બની શકે કે તેઓને હજુ બોલવાની છુટ ન આપવામાં આવી હોય અ થવા તો દસ વર્ષ ચુપચાપ રહીને હવે તેઓ ખરેખર બોલવાનું ભુલી ચુક્યા હોય.. કારણ જે હોય તે પણ ભવિષ્યની પ્રજા આવા મુંગા પ્રધાનમંત્રી તરીકે મનમોહનજીને કયારેય માફ નહી કરી શકે. (બોલો…. જનતા માફ નહી કરેગી..)

manmohan-sonia– પુસ્તકમાં ભલે છાપીને જાહેર કરવામાં આવ્યું હોય પણ ભારત દેશના (અને વિદેશના) દરેક વ્યક્તિઓ જાણે છે કે છેલ્લા દસ વર્ષની મનમોહન-સરકારનું રિમોર્ટ કોની પાસે હતું એટલે હવે તેને માત્ર ઓપન-સિક્રેટ કહી શકાય એમ છે. (તમને ખબર છે પણ તમે મને ન કહેતા અને મનેય ખબર છે પણ હું તમને નહી કહું.. ઓકે?)

– આજકાલ તો લગભગ દરેક નાની-મોટી ન્યુઝ ચેનલો, પ્રિન્ટ-ન્યુઝ હાઉસ અને પત્રકારો મોદીના ઇન્ટર્વ્યુ માટે પડાપડી કરી રહ્યા છે અને મોદી દરેકને મુલાકાત પણ આપી રહ્યા છે. જાણે ૧૬ મે નું પરિણામ શું આવશે તે બધાને એડવાન્સમાં ખબર પડી ગઇ હોય! (ઇન્ટર્વ્યુ સુધી ઠીક હતું પણ મોદી શું ખાય છે? શું પીવે છે? કયારે ઉઠે છે અને કયારે સુઇ જાય છે? કેવી કસરત કરે છે અને કેવી રીતે દિવસ પસાર કરે છે? વગેરે વગેરે પ્રોગ્રામથી લોકોને પરાણે મોદી-ભક્તિમાં જોતરી રહ્યા છે.)

– આ મુલાકાતોના દૌરમાં બીજા પક્ષના મુખ્ય નેતાઓ બિલકુલ ખોવાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે પત્રકારોને તેમની મુલાકાતમાં રસ નથી કે પછી નેતાઓને મુલાકાત આપવામાં રસ નથી તે સમજવું મારી માટે અઘરું છે. (ઇચ્છુક વ્યક્તિ જાતે સંશોધન કરી લે તો સારું.)

– જો કે આ આક્ષેપ તો મોદી ઉપર પણ હતો કે તેઓ લોકસંપર્ક માટે મોટી-મોટી સભાઓ કરી રહ્યા છે પરંતુ પત્રકારોને જવાબ આપતા નથી. પણ… આપકી અદાલતમાં રજત શર્માને આપેલી એક મુલાકાતથી તેમણે બધા આક્ષેપોની સાથે-સાથે ઇન્ડીયા ટીવીની અને ન્યુઝ-મુલાકાત TRPના પણ રેકોર્ડ તોડી નાખ્યા (સાઇડટ્રેક- ઇન્ડીયા ટીવીને એક સમયે અમે ગપ્પા ટીવી તરીકે ઓળખતા) અને આ પછી તો નરેન્દ્ર મોદીની મુલાકાતોનું જાણે વાવાઝોડું આવી ગયું. મોદીએ પણ પત્રકારોની આ અધીરતાનો લાભ લઇને મીડિયા સાથે બરોબર બદલો પણ લઇ લીધો છે. હમણાં જ છેલ્લે-છેલ્લે એક ક્રાંતિકારી ચેનલે લીધેલા તેમના ઇન્ટર્વ્યુંમાં પત્રકારોએ તેમનો જે અનુભવ કર્યો છે તે જોઇને થતું હતું કે તે બંને બિચારા ચાલુ વાર્તાલાપ વચ્ચે સાહેબને પગે ન પડી જાય તો સારું..

– અરે હા, મોદીના આપકી અદાલત વાળી મુલાકાત વખતે જ રાહુલ ગાંધીની એકમાત્ર એક્સક્લુઝિવ મુલાકાત રજુ થઇ પણ આપણાં કમનસીબે દેશના રાજકુમાર નરેન્દ્ર મોદીના ચાહકોની આંધીમાં ભુલાઇ ગયા. તે પછી તેમનો કે તેમના તરફના કોઇ મોટા નેતાનો ઇન્ટર્વ્યુ જાહેરમાં ચર્ચાયો હોય એવું મારી જાણમાં નથી. (ઓકે. યાર… પણ રાજઠાકરેને મોટા નેતા ન કહેવાય.)

– ૨૦૧૪ લોકસભા-ચુટણીના કુરુક્ષેત્રમાં ચાલતી રાજકીય લડાઇમાં કેજરીવાલ/આમ આદમી પાર્ટી નામક એક નાનકડી સત્તાએ પણ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે ઘણું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતાને/પોતાના પક્ષને અને પોતાના ઉમેદવારોને ‘સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ-નિષ્કલંક’ ઓળખાવીને ગાદીએ બેસવા માટે માત્ર તેઓ જ યોગ્ય છે એવું મતદારોના મગજમાં ઠસાવવા પ્રયત્ન કર્યો છે. (સાચું-ખોટું તો મારો રામ જાણે…)

modi rahul kejriwal– મોદી સાહેબ રાહુલજીનો ગઢ ફતેહ કરવા અમેઠી ફરી વળ્યાના સમાચાર છે અને બદલો લેવા રાહુલજી  વારાણસીમાં રોડ શો કરી આવ્યા છે! (આ રોડ શો થી યાદ આવ્યું કે એકસો-દસ ટકા શુધ્ધ રાજકારણી અને ઉચ્ચ રાજકીય નિતિમત્તા ધરાવતા શ્રી કેજરીવાલજી એ પણ વારાણસીમાં ઘણાં ચપ્પલ ઘસ્યાં છે!)

– મારે અહી નોંધવું જોઇએ કે આ સજ્જને એક સમયે મારી ઉપર ખાસ્સો પ્રભાવ પાડ્યો હતો પણ તે બધી ઇજ્જત તેણે દિલ્લીના મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસીને કરેલા કારસ્તાનોમાં ખોઇ નાખી અને તેમના માટે જે થોડીઘણી આબરૂ મારા મનમાં બચી હતી તે બધી તેમણે દિલ્લી સરકારમાંથી રાજીનામું આપીને મુખ્યમંત્રીની ખુરશીની જેમ ગુમાવી દીધી. (હવે અમે આ પક્ષ/વ્યક્તિ વિશે જરાયે આશાવાદી નથી.)

– એક વાત નોંધી રાખજો, ઇતિહાસ આ વ્યક્તિને ‘હોંશિયાર મુર્ખ’ના રૂપમાં યાદ કરશે. જો આ સજ્જન થોડો સમય પણ દિલ્લી ઉપર સ્થિરતાથી ટકયા હોત અને પ્રજાકલ્યાણમાં સાચા-ખોટા કામ કરી દીધા હોત તો મોદીની લહેરને ચીરનારા મહાન વ્યક્તિ સાબિત થયા હોત અને લોકસભાની આ ચુટણીમાં એક મજબુત પક્ષ તરીકે બહાર આવ્યા હોત. પણ…. આખો લાડવો ખાવાના ચક્કરમાં આ ભાઇએ ભાગે આવેલો નાનો ટુકડો પણ ગુમાવ્યો છે. તેમણે મળેલી તકને જે બેવકુફીથી વેડફી છે તે જોઇને ભલભલા ધુરંધરો હવે તેને સાથ આપતા પહેલા સો વખત વિચારશે. (તેને માથે ચઢાવીને મોટો ભા બનાવનાર મીડીયાએ પણ હવે તેનાથી મોઢું ફેરવી લીધું છે.)

Rakhi-Sawant– ઓહ! એક ન્યુઝ આ પણ છે કે, આ વખતે ઇલેક્શનમાં ‘લીલી મિર્ચી’ ના ચુટણી પ્રતિક સાથે સુ.શ્રી. કુમારી રાખીજી (આ દેવીને ન ઓળખ્યા ને? યાર.. આપણી રાખી સાવંત!) પણ મેદાનમાં છે. આ બહેનના કારણે પબ્લીકે સર્વાનુમતે શ્રી કેજરીવાલને આપેલું ‘રાજકારણના રાખી સાવંત’નું નામ પાછું લેવું પડયું બોલો… એકાદ ભુલેલા ટીવી ચેનલના પત્રકાર કે મનોરંજનના રિપોર્ટર-લોગ સિવાય કોઇ આ બહેનને પુછવા ગયા હોય એવું સંસ્થાના ધ્યાનમાં નથી. જો કે આ પક્ષે લોકો વચ્ચે જવાની અને થોડીઘણી નિરર્થક મહેનત કરી હોવાના સમાચાર પણ છે. (સંસ્થા ઉમેદવારના દેશસેવાના જોશને બિરદાવે છે પણ માત્ર જોશથી દેશ ન ચાલે, તેમાં હોશ અને અક્કલ પણ જરૂરી છે.)

– પબ્લીકની ક્રિએટીવીટી આખા ઇલેક્શન દરમ્યાન ઉડીને આંખે વળગે એવી રહી છે. સોશિયલ મીડીયાથી જોડાયેલા લોકોને આ વિશે ખ્યાલ તો હશે જ. ન્યુઝ-ચેનલો પણ નવાં-નવાં અખતરાઓ કરીને ચુટણી-સમાચારો વચ્ચે પબ્લીકને મનોરંજન પુરુ પાડવાનું કામ કર્યું. આ વખતે રાજકીય પક્ષોએ સમગ્ર દેશ-શહેરોના ટીવી-રેડીયો-પ્રિન્ટ-હોર્ડીંગમાં જે જાહેરાતોનો મારો ચલાવ્યો હતો તેણે તો હદ કરી નાખી હતી અને તે બધું કયારેક તો માનસિક ત્રાસરૂપ લાગ્યું. (મોટા તો ઠીક, પણ નાના-નાના છોકરાઓ પણ હવે ‘અબકી બાર….’ શીખી ગયા છે!)

– ચુટણી દરમ્યાન ‘ચા’ અને ચાયવાળા શબ્દ ચર્ચામાં વધુ રહ્યા અને મોદીએ તેની સ્ટાઇલ મુજબ તેનો ભરપુર લાભ પણ લીધો. નરેન્દ્ર મોદીના પત્ની વગર કારણે ચર્ચાનો મુદ્દો બન્યા અને આવી વાતોને મુદ્દો બનાવનાર શ્રી દિગ્વિજય સિંહે પોતાની અંગત વાત જાહેર થતા પબ્લીકને નેતાની ‘પ્રાઇવેટ લાઇફ’માં દખલ ન દેવાની ચેતવણી આપી. અંતના પ્રચાર દિવસોમાં મોદીની જાતિ અને ‘નીચ’ શબ્દ પણ વધુ ચર્ચામાં રહ્યા. (કેટલાક એવા શબ્દો પણ ચર્ચામાં રહ્યા છે જેને મારા બગીચાના સેન્સર બોર્ડ દ્વારા જનહિત માટે અહી રજુ થતા અટકાવવામાં આવ્યા છે.)

– લગભગ દરેક જગ્યાએ ધાર્યા મુજબ બંપર વૉટીંગ થયું છે અને તે માટે મતદારો અભિનંદનને પાત્ર છે. આ વખતે ચુટણીપંચે પણ સૉલિડ તાકાત સાથે આપણાં બગડેલા નેતાઓને હેન્ડલ કર્યા તે બદલ તેમને પણ અભિનંદન આપુ છું. મતદાન કરવું એ માત્ર હક જ નથી, દરેક નાગરિકની ફરજ પણ છે. દેશના લોકો શું ઇચ્છે છે તે તો આખરે ૧૬ મે ના દિવસે જ જાણી શકાશે. જે-તે પક્ષના કાર્યકરો અને નેતાઓ પણ પરિણામના એ દિવસના ઇંતઝારમાં ચુટણી પ્રચારનો થાક ઉતારી રહ્યા છે.

– મારો બગીચો અને હું આ ઐતિહાસિક સમય દરમ્યાન આપ સૌની વચ્ચે હયાત છીએ અને આ બધી વાતોને સંસ્મરણોમાં નોંધી રહ્યા છીએ તે પણ મારી માટે એક મહત્વની વાત છે. મેં ચુટણી માટે નેતાઓનો આવો પ્રચાર અને ચુટણીમાં સીધા જ દેશના સર્વોચ્ચ પદ માટે વિચારતી પબ્લીકને આ વખતે પહેલીવાર જોઇ છે. (બની શકે કે અગાઉની ચુટણીઓ દરમ્યાન આવી નોંધ લેવા જેવી સમજણ ન હોય!)

– કોનો ગઢ ટકે છે, કોની હવા બગડે છે, કોણ અપસેટ સર્જે છે અને કોણ નવા વિક્રમ સ્થાપે છે તે બધું આવનારા દિવસો કહી જ દેશે પણ રાજકારણમાં થોડોઘણો રસ હોવાના કારણે આ ઇલેશકન મારી અત્યાર સુધીની લાઇફનું એક સોલિડ સ્ટેશન જરૂર બન્યું છે કે જેણે મારી અંદર ફરી એક નવી ઇચ્છા જગાવી છે! (જુઓ – ઇચ્છાઓનું પાનું)

– હવે આ મુદ્દે વધુ માહિતી કે અપડેટ્સ ચુટણીના પરિણામ પછી જ નોંધવાનો વિચાર છે. મારા બગીચામાં આજસુધી નોંધાયેલી દરેક વાતોમાં આ સૌથી લાંબી વાત હશે. જો કે આ વાતોને પણ બળજબરીથી ટુંકાવીને અહી સુધી અટકાવવામાં આવી રહી છે. (જેની વાચકગણ ખાસ નોંધ લે.)

– જે કોઇ ખરેખર ઉપર લખેલું બધું વાંચીને અહીસુધી આવ્યા છે તે બધા મિત્રો-વડીલો અભિનંદન અને આભારને પાત્ર છે અને જે લોકોએ લખાણની લંબાઇના આધારે તેને ન વાંચવાનો નિર્ણય લઇને માત્ર આ છેલ્લો ફકરો વાંચી રહ્યા છે તે લોકોના શાણપણને પણ હું પ્રણામ કરું છું!

– જય હો….

અપડેટ્સ-39 [April’14]

– દેશમાં ચુટણીઓનો માહોલ તેની ચરમસીમાએ છે અને તેની નોંધ આજસુધી મારા બગીચામાં લેવામાં નથી આવી તે મારી માટે પણ આશ્ચર્યની વાત છે. લેકીન-બટ-કીંતુ-પરંતુ ઘણો સમય વિતી ગયો છે છેલ્લી અપડેટ્સને… એટલે આજે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. (પત્રકાર જોગ: ચુટણીઓની ખબર અંગેની પ્રેસ-નોટ ટુંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે.)

– અમારી અનિયમિતતાના કિસ્સાઓ આમ તો દેશભરમાં પ્રચલિત છે અને ગુજરાતી બ્લૉગરોમાં પણ આજકાલ અનિયમિતતાની લહેર જોવા મળી રહી છે. જો કે ગમે તે લખીને બ્લૉગ ચલાવતા કેટલાક બ્લૉગબાબાઓ[1. અનુભવીઓ આવા બાબાઓ ને ઓળખતા જ હશે.] આવી લહેરને નકારી રહ્યા છે અને તેને મજબુત બ્લૉગરો પાસે સમય ન હોવાથી ઉદભવેલી સ્થિતિનો ભાગ ગણાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

– ઘણાં દિવસથી અહી અપડેટ્સ ઉમેરવાનો વિચાર દેશભરમાં સભાઓ ભરતા નેતાઓની જેમ મારા મનમાં આમતેમ ભટકી રહ્યો છે પણ મારું મન આપણાં માનનીય નેતાઓની જાહેર ભાષાની જેમ એવું બેકાબુ બની ગયું છે કે તેને કોઇ એક વિચાર પર અટકાવવું શરીરતંત્રના મગજપંચ માટે પણ અશક્ય છે. (જો કે આ બેકાબુપણાં બદલ વિપક્ષ દ્વારા મગજપંચને લેખિત ફરિયાદ કરી દેવામાં આવી છે અને મગજપંચ દ્વારા મનપક્ષ વિરુધ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.)

– આજની નોંધમાં લાંબા સમયથી ચાલતી ગરમીના પ્રકોપ વિશે જે-જે શબ્દો ઉમેરવાનો વિચાર હતો તેની ઉપર ગઇકાલના કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે અને છેલ્લી જાણકારી અનુસાર હવે તે આખે-આખો વિચાર વાવાઝોડાંમાં કયાંક ખોવાઇ ગયો છે. (બટ ડૉન્ટ વરી રીડરબ્રધર્સ, અમારું પ્રસાશન તેને જલ્દી જ શોધી કાઢશે અને ગરમીના સમય સુધીમાં તેને આપની આંખો સમક્ષ ચોક્કસ રજુ કરવામાં આવશે એવો અમારો વાયદો છે.)

– છોટુંની બીજી બ’ડ્ડે આવવામાં હવે ચાર મહિના બાકી રહ્યા છે. પ્રથમ વર્ષગાંઠ વખતે પરિવારિક આચારસંહિતા લાગુ હોવાના કારણે ઉજવણીની સમગ્ર યોજનાને પડતી મુકવી પડી હતી પણ આ વખતે જરૂરી પરવાનગીઓ અગાઉથી લઇ લેવામાં આવી છે અને આયોજનમાં અન્ય વિક્ષેપ ન પડે તે માટે ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. (આ અંગે જલ્દી જ મેડમજી[2. આ પોસ્ટમાં મેડમજી એટલે મારા ધર્મ પત્ની શ્રી.]ના અધ્યક્ષ સ્થાને એક સામાન્ય બેઠક બોલાવવામાં આવશે જેમાં ચર્ચા-વિચારણા બાદ સર્વે પક્ષોનો વિશ્વાસમત મેળવીને યોજના માટે વર્કિંગ કમીટીની નિમણુંક અને યોજનાના અમલીકરણ માટેની ગાઇડલાઇન રજુ કરવામાં આવશે.)

– લગભગ બે મહિના પહેલા મારી માટે એક નવો એન્ડ્રોઇડ મોબાઇલ લેવામાં આવ્યો હતો પણ મારા એપ્પલના વ્યસની મગજને ન ફાવતા આખરે તેને મેડમજીના પક્ષમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને મારા મોબાઇલના પક્ષ બદલવાની સાથે ત્યાં નવા સમિકરણો રચાતા ટેબ્લેટ ઉપર મેડમજીના એક હથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે! (પબ્લીક ટીપ: કામકાજ અંગે રેગ્યુલર હરતાં-ફરતાં લોકોએ 5″ સ્ક્રીનવાળો મોબાઇલ કયારેય ન લેવો. જનાબ.. ઔર ભી ચીજ રખની હોતી હૈ જેબ મેં, મોબાઇલ કે સિવા….)

– નવા સમિકરણો અનુસાર હાલ તો ટેબ્લેટ પર મેડમજીના ટેકાથી મારી નવી સરકાર અસ્તિત્વમાં આવી છે પણ તેનો સંપુર્ણ કબ્જો કરવાનો અમારો અંગત ધ્યેય છે. (સાથી પક્ષ અત્યારે નવા મોબાઇલ-ક્ષેત્ર માં વ્યસ્ત હોવાથી અમે ટેબ્લેટ-ક્ષેત્રે અમારી સત્તા ફેલાવવામાં ચોક્કસ સફળ બનીશું એવો વિશ્વાસ છે.)

– ટેબ્લેટમાં પ્લે-બુક્સનો ઉપયોગ હમણાંથી જોર-શોરથી કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઇ-બુક્સ ક્ષેત્રે મારો પ્રવેશ નહિવત હતો પણ હવે નવા ક્ષેત્ર ખુલવાની સાથે અમે આ દિશાએ અમારી રણનીતિ વિકસાવી રહ્યા છીએ. (આજે એમ થાય છે કે, પ્રિન્ટેડ પુસ્ત્ક ઉપલબ્ધ હોય તો ઇ-બુક્સ ન લેવાનો મારો વિરોધ ખોટો હતો.)

– ટેબ્લેટમાં બુક્સ વાંચવાની સૌથી મોટો ફાયદો એ કે તેને ગમે ત્યાં-ગમે ત્યારે-દિવસે કે રાત્રે[3. Night Theme Mode] ફાવે તેમ વાંચી શકાય છે અને એક સાથે ગમે તેટલી બુક્સ સાથે રાખી શકાય છે. (મુસાફરીમાં હું એક-બે પુસ્તકથી વધુ પુસ્તક રાખવાનું માત્ર વજન અને જગ્યાના માપદંડના કારણે જ ટાળતો હતો, જયારે અહી તો તે સમગ્ર સમસ્યા જ ટળી જાય છે. વધુમાં, ન જોવાયેલા મુવી, ગમતું મ્યુઝિક અને ટાઇમપાસ ગેમ રમવાનો આનંદ સાથે હોય તો બીજું શું જોઇએ… બોલો!)

– ટેબ્લેટના કારણે i-phone વિસ્તારમાં પણ ડેટાનું ભારણ ઘટયું છે. પણ ટેબ્લેટના ઉપયોગથી સમસ્યા એ થઇ છે કે રાત્રે પ્રકાશ વગર સરળતાથી વાંચી શકવાની સુવિધાના કારણે મારું લેટ-નાઇટ વાંચન હવે વ્યસન બની રહ્યું છે અને હવે જો રોજ સવારે ઉઠવામાં આમ જ મોડું થશે તો લાગે છે કે ઘર કી જનતા માફ નહી કરેગી! (સાથી પક્ષ પણ અમારા આવા વલણથી નારાજ છે. એટલે અમારા ગઠબંધન[4. લગ્ન પણ એક પ્રકારનું ગઠબંધન જ છે ને!]ને ટકાવી રાખવા માટે આ સમસ્યાને ખાસ પાર્ટી મેનીફેસ્ટોમાં ઉમેરવામાં આવી છે અને તેને નિવારવા અંગે જાહેર જનતા પાસે સુચનો પણ માંગવામાં આવે છે.)

– ગયા ઉનાળામાં કેન્સલ થયેલી સાઉથ ઇન્ડીયા ફેમીલી-ટુર ને ફરી એકવાર ટાળવામાં આવી રહી છે. કારણ: આચારસંહિતા[5. ચુટણીમાં મત ફરજીયાત આપવો એ અમારી અંગત આચારસંહિતાનો એક ભાગ છે.] (નોંધ: પ્રવાસને માત્ર ટાળવામાં આવ્યો છે. આચારસંહિતા પુરી થયા બાદ સાથી પક્ષની ખાસ ઇચ્છા અનુસાર તેને ચોક્કસ ફાસ્ટટ્રેક કરવો પડશે. નહી તો આ માળી-સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.)

– દેશમાં ચાલી રહેલા ઇલેક્શન-ફીવરનો રંગ અમારા ઘરમાં પણ જોવા મળી રહ્યો છે. તેની સાબિતી એ છે કે આજકાલ ટીવી પ્રોગ્રામ્સમાં સાસ-બહુ કરતાં બીજેપી-આપ-કોંગ્રેસની નોંક-ઝોંકમાં વધુ રસ લેવામાં આવી રહ્યો છે અને આવનાર મહેમાન કે પડોશીઓ સાથેની ચર્ચામાં આડી-અવળી વાતોની જગ્યાએ ચુટણી ચર્ચાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. (એક સમયે આખા દેશના રાજકારણીઓમાંથી માત્ર નરેન્દ્ર મોદી અને લાલુને જ ઓળખતા મારા મેડમજી આજે સોનિયા, રાહુલ, કેજરીવાલ, રાજનાથ, અડવાણી, નિતિશકુમાર, પ્રિયંકા, વાડ્રા, મુલાયમસિંહ, સિબ્બલ, પાસવાન, દિગ્વીજય, અખિલેશ, મુખ્તાર અબ્બાસ નકવી, કુમાર વિશ્વાસ વગેરે વગેરેને તેના પક્ષની સાથે ઓળખી શકે છે!)

– લાગે છે કે આ પોસ્ટમાં રાજકારણ વધુ હાવી થઇ રહ્યું છે એટલે અપડેટ્સની પોસ્ટ અહી અટકાવવી યોગ્ય લાગે છે. હવે પછીની અપડેટ્સ ચુટણીલક્ષી વાતોની પોસ્ટ પછી જ અહી રજુ કરવું એવો વિચાર છે જેથી ચુટણીમાં (કમનસીબે) રસ ન લેતી જનતાને કંટાળો ન આવે અને આવી અપડેટ્સ વાંચ્યા પછીના તેમના ગુસ્સાથી પણ બચી શકાય. (મારા વિરોધમાં જો તમે સ્ક્રિન ઉપર ટામેટા-ઇંડા ફેંકો તો તમારી સ્ક્રિન બગડે તેની તકલીફ તો થાય જ ને..)

# સાઇડટ્રેક: આડી અવળી પાર્ટીના વિવાદક શ્રી મુંગેરીલાલે ઇન્ડીયન બગીચા ન્યુઝ (IBN) ના વરિષ્ટ પત્રકાર બગીચાદત્તને આપેલા સ્પેશીયલ ઇન્ટર્વ્યુમાં ગઇકાલે અમદાવાદમાં આવેલા તોફાન-વરસાદ માટે મોદીની લહેરને જવાબદાર ઠેરવી હતી અને ચુટણીપંચને કરેલી લેખિત ફરિયાદમાં ગઇકાલની ઘટના દરમ્યાન કોંગ્રેસ વિરોધની ત્સુનામીનો ઉલ્લેખ કરીને ભાજપ-કોંગ્રેસની મીલીભગતની આશંકા પણ વ્યક્ત કરી છે![6. આ સ્પેશીયલ ઇન્ટર્વ્યુની વિગતો જાણવા માટે નિયમિત જોતા રહો, મારો બગીચો.]


Feature Image: સંસદ ભવન, દિલ્હી.

Dec’13 : અપડેટ્સ

– એકવાર ફરી ઘણાં દિવસે અહી હાજરી પુરાવવા આવ્યો છું. (કેટલાકને તો હવે એવું લાગતું હશે કે આ મારો કાયમી ડાયલૉગ છે!)

– દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિક્કાર લગ્નો રહ્યા. અમે તો એક ગામ થી બીજે ગામ અને વચ્ચે કયારેક-કયારેક ઘરે પણ કુદકા મારતા રહ્યા. (ભલું થજો કમુરતાનું કે જેણે હવે થોડી રાહત આપી છે.) ઠંડી આવીને ચાલી ગઇ હતી પણ વળી બે દિવસથી ચમકતી જણાય છે.

– વ્રજના પરાક્રમો દિવસે-ને-દિવસે વધી રહ્યા છે. લગ્નોએ તેનું ટાઇમટેબલ પણ બગાડી નાખ્યું છે પણ તે બિમાર નથી પડયો એટલી શાંતિ છે. વળી એકવાર તેને કોઇ રસી અપાવવામાં આવી છે. મેડમજી તો તેની પાછળ દોડી-દોડીને હવે થાકે છે અને તેના પછી થાકવાનો વારો મારો હોય છે. (પણ એ નથી થાકતો..) જો તેને મજા આવતી હોય તો અમને આમ થાકવાનો પણ આનંદ છે. એકંદરે તેને એક ખુશમિજાજ પણ થોડો તોફાની છોકરો કહી શકાય.

– આમ તો ખાસ ડિમાન્ડ નથી તેમ છતાંયે અગાઉ જાહેરાત મુજબ અમારી ચંપાનો ટકા-ટક ફોટો ચોક્કસ મુકવામાં આવશે. (કમસેકમ અહી યાદગીરીમાં તો સચવાઇ રહેશે.)

– સરસ સમાચાર: અમદાવાદ ટ્રાફિક પોલિસ હવે શહેરીજનોની સેવા-સુવિધા-સુચન અને ફરિયાદ માટે Whatsapp પર 24×7 હાજર રહેશે! જો આપને કોઇ જગ્યાએ ટ્રાફિકજામ/અકસ્માત કે રોડ પરની અસગવડતા અંગે ફરિયાદ કરવી હોય તો તમે 9979921095 નંબર પર અમદાવાદ ટ્રાફિક પોલિસનો સીધો સંપર્ક કરી શકો છો અથવા તો જે-તે ઘટનાનો ફોટો કે વિડીયો મોકલી શકો છો.

– ટ્રાફિક પોલિસ દ્વારા આવા સુચનો કે ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાનો અને ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવાનો વાયદો આપવામાં આવ્યો છે. (…તો અમદાવાદીઓ તુટી પડો! પણ મહેરબાની કરીને તેમને પેલા ચવાયેલા મેસેજ/વિડીયો ફોરવર્ડ ન કરતા.) Ref. – ન્યુઝ

– થોડા દિવસો પહેલા “હેપ્પી ફેમીલી પ્રા. લી. ” ગુજરાતી ફિલ્મ જોવામાં આવી. ગુજરાતી ફિલ્મોમાં ફરી એકવાર નવો ટચ જોવા મળ્યો! આમ તો આ ફિલ્મ વિશે વિસ્તૃતમાં લખવું છે પણ તેનો અમલ થાય તે પહેલા ભુલાઇ જવાની સંભાવના વધુ છે એટલે તે અંગે હમણાં જ લખવાનો વિચાર કરું છું અને તે પોસ્ટ બે-ચાર દિવસમાં રજુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. (ખાસ નોંધ- આ હજુ સંભાવના જ છે.)

– હમણાંથી જે રીતે વિચારોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે તેનું પ્રમાણ જોતા એવું લાગે છે કે મારે કોઇ નવા વિચારો ન કરવા જોઇએ અથવા તો નક્કી કરેલા વિચારને તુરંત અમલમાં મુકવા જોઇએ. (એમ તો આ પણ એક વિચાર જ થયો ને! 😉 )

– અગાઉ મારા બગીચામાં જે નવા વિભાગ કે વિષય અંગે લખવાની જાહેરાત કરી હતી તે હવે કોઇને ‘સરકારી જાહેરાત’ જેવી લાગતી હોય તો તે બદલ હું દિલગીર છું. ‘સમય મળતો નથી’ એમ કહીશ તો તે કદાચ ખોટું કહેવાશે, કેમ કે સમય તો હોય છે પણ તેને અન્ય જગ્યાએ ફાળવી દેવાના કારણે જાહેરાતોને અમલમાં મુકી શકાતી નથી. (નોંધ: આ જાહેરાતોને કોઇ નેતા કે પક્ષની ચુટણી જાહેરાતો સાથે ન સરખાવવા ખાસ વિનંતી.)

– ચુટણીથી યાદ આવ્યું કે આજકાલ ‘આપ’ (AAP – આમ આદમી પાર્ટી) ઘણાં ચર્ચામાં છે! મારા અંદાજ વિરુધ્ધ અત્યારે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે તે જોઇને નવાઇ લાગે છે, પરંતુ ચુટણીમાં વિજય બાદ જે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે તે જોઇને વધુ નવાઇ લાગે છે!! (‘આપ’ના નેતાઓમાં રાજકીય કુનેહ-આવડત અને અનુભવનો કચાસ ચોખ્ખો દેખાઇ આવે છે.) સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ પક્ષ, AAP દ્વારા વારંવાર અપમાનિત થઇને પણ, જે રીતે તેમને બિનશરતી સમર્થન આપી રહ્યો છે!

– કેજરીવાલ ભલે સરકાર બનાવવા અંગે લોકમત માંગે પણ ફરીવાર ચુટણી યોજવી ન પડે એ પણ એક મજબુત મુદ્દો છે જેને સૌએ ધ્યાનમાં રાખવો જોઇએ અને ભાજપે જે રીતે સૌથી મોટા વિજયી પક્ષ હોવા છતાં તોડ-જોડ ન કરીને ‘આપ’ ને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું તે જોઇને તો મારું દિલ ભરાઇ આવ્યું છે બોલો… (ભારતની લોકશાહીમાં કયારેક આવો દિવસ પણ આવશે તેની કોઇએ કલ્પના નહી કરી હોય!)

– હોઇ શકે કે ભાજપ લોકોને બતાવવા માંગતો હોય કે તે કેટલો શુધ્ધ પક્ષ છે અથવા તો આમ આદમી પાર્ટીએ લોકોને જે ‘આસમાની વાયદા’ આપ્યા છે તેમાં કેટલી સચ્ચાઇ છે તે જતાવવા ઇચ્છતો હોય. કારણ જે હોય તે પણ એક નવી-સવી પાર્ટીએ વર્ષો જુના રાજકારણના અને રાજનીતિના સમીકરણો બદલી નાંખ્યા છે તે વાત તો સ્વીકારવી જ પડે. (થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી)

– ભાજપે અન્ય રાજ્યોમાં જે શાનદાર વિજય નોંધાવ્યો તેને માત્ર આ એક પાર્ટીએ ઝાંખો પાડી દીધો છે. આજકાલ તો બધે તેની જ ચર્ચા છે. જોઇએ સોમવારે શું નિર્ણય આવે છે. લગભગ શ્રી કેજરીવાલ સરકાર બનાવે તેવી સ્થિતિ છે. જો કે તેમના વાયદાઓનું લિસ્ટ જોઇએ તો લાગતું નથી કે તેઓ એક-બે સિવાય કોઇને પુરા કરી શકે. આશા રાખીએ કે તેઓ મહત્તમ કાર્ય કરી બતાવે. (કદાચ આ ડર અરવિંદભાઇને પણ હશે જ, એટલે જ તો સરકાર બનાવવાથી પણ કતરાઇ રહ્યા છે પણ આ તો હવે પબ્લીક ડિમાન્ડ છે એટલે સ્વીકાર્યા વિના છુટકો જ નથી.)

– લોકપાલ બીલ પુરપાટ ગતિથી આગળ વધી રહ્યું છે અને અણ્ણા-કેજરીવાલના બગડેલા સંબંધો એટલી જ ગતિથી વધુ બગડી રહ્યા છે. કોઇને ‘લોકપાલ’ મજબુત લાગે છે તો કોઇને જોકપાલ લાગે છે. જે હોય તે પણ આ દિશામાં એક કદમ આગળ વધ્યા તે મારે મન એક મહત્વની વાત છે. (ફરી એકવાર ખાસ નોંધ- હું અણ્ણાનો સમર્થક છું પણ અરવિંદ કેજરીવાલનો વિરોધી નથી અને હું કોંગ્રેસ કે ભાજપનો કાર્યકર નથી પણ મોદીનો ચાહક છું.)

– આજકાલ પેલા અમેરિકાવાળા દેવયાનીબેન ઘણાં ચર્ચામાં છે પણ તે અંગે મને વધુ જ્ઞાન નથી એટલે મારી ઓછી અક્કલનું પ્રદર્શન કરવું ઠીક નથી લાગતું. (નિષ્ણાંતોના મત અને સત્ય જાણ્યા બાદ જ આ મુદ્દે અહી વિશેષ ટીપ્પણી કરવામાં આવશે.)

– વળી રાજકીય વાતો ઘણી થઇ ગઇ. મારા વિચારો ઘણાં બદલાઇ ગયા છે તેનું પણ આ કારણ હોઇ શકે અને આજે પણ પોસ્ટ લાંબી થઇ ગઇ છે એટલે અત્રે વિરામની ઘોષણા કરું છું.

– જે મિત્રો/વડીલોના ઇમેલ મારા જવાબની રાહ જોઇ રહ્યા છે તેમને હજુ થોડી વધુ રાહ જોવી પડશે એમ લાગે છે. તે બદલ તેમની ક્ષમાની આશા છે. (લગભગ હજુ એક અઠવાડીયા પછી તે બધા ઇમેલને ન્યાય આપવાનો વિચાર છે.)

– શરીરમાં સ્વસ્થતા છે. મનમાં શાંતિ છે. દોડવાનું ભુલાઇ ગયું છે. કામકાજના વિષય અને દિશાઓ બદલાઇ ચુકી છે પણ ચારે તરફ બધું આનંદમંગલ છે અને હું ખુશ છું. (બીજું શું જોઇએ… 🙂 )

– તમે સૌ પણ ખુશ રહો એવી શુભકામનાઓ. આવજો.