આજની વાત – 20/3

. . .

– રવિવાર બાદ સોમવાર અને હવે મંગળવાર પણ આવીને હવે જઇ રહ્યો છે. દિવસ બદલાતા રહે છે અને સમય વહેતો રહે છે..

– દુનિયાની દરેક વસ્તુ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. હું પણ એ જ દુનિયમાં રહેતો અને પરિવર્તન સાથે સતત બદલાતો રહેતો એક નાનકડો જીવ માત્ર જ તો છું..

– થોડા દિવસના ધોમધખતા તડકા બાદ આજે દિવસનું વાતાવરણમાં ધુમ્મસ જેવું રહ્યું અને હવામાં ધુળનું પ્રમાણ વધારે હતું. (આમ બે સિઝન ભેગી થાય એટલે બીમારીઓ વધવાની.)

– સળંગ ત્રણ દિવસમાં ત્રણ દોસ્તોની સગાઇના ન્યુઝ મળ્યા !! (વાંચો કે.. ખીલે બંધાયા.. 😉 ) મને ઘણું ગમ્યું.. નોકરી-ધંધામાં તો બધા સેટ થઇ ગયા છે એટલે હવે કોઇ એક ઠેકાણે ગોઠવાઇ જાય એ પણ ઠીક છે. (હવે એક બચ્યો.)

– આજકાલ દિવસો મેડમ’જીની સેવામાં જઇ રહ્યા છે. (પતિધર્મ પણ નીભાવવો પડે ને ભાઇ..) તેના દરેક રીપોર્ટ એકદમ સરસ છે એવું શ્રી ડૉક્ટર મહોદયનું કહેવું છે.. અને મારો રીપોર્ટ કહે છે કે હું થોડો વધારે અધીરો બન્યો છું.. 🙂

– ચાર મહિના પુરા થયા અને એક નવા મહિનામાં મંગળ પ્રવેશ થઇ ચુકયો છે. (આપણને ગમે એટલી ઉતાવળ હોય પણ કુદરત તો તેનું કામ ઘણી ધીરજ અને ચોકસાઇથી જ કરશે… ત્યાં કોઇનું ન ચાલે..)

– પ્રથમ સંતાન તરીકે મને ‘દીકરી’ની આશા છે અને જો તે ‘દીકરો’ હોય તો પણ મારી માટે એટલો જ વ્હાલો રહેવાનો. (જે હોય તે.. મને તો હવે ‘કોઇ’ જલ્દી જોઇએ છે…) હું આવનારા બાળકને રમાડવા માટે બહુ બેકરાર છું…

– આવનાર નવા સભ્ય માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કામની વ્યસ્તતા વચ્ચે જયારે તેનો ખયાલ આવે ત્યારે એક નવો આનંદ અને ઉત્સાહ આવી જાય છે. (પરિવારના દરેક માટે અત્યારે આ એક મુખ્ય વિષય છે.)

– એકાદ મહિનામાં મેડમ’જીની મદદ માટે અને (મારી ગેરહાજરીમાં) તેની બહેનનું ધ્યાન રાખવા માટે મારી સાળી ઘરનો ચાર્જ લેવા આવી પહોંચવાની છે. ત્યારબાદ મેડમને સંપુર્ણ આરામ આપવાની યોજના છે. (સાંજે સામાન્ય વોકિંગ અને ગાર્ડનમાં ટહેલવા જવાનું ચાલુ કર્યું છે અને તે ચાલુ જ રાખવાનું છે.)

# ‘ઓફ’લાઇન –

– પાકિસ્તાન સામેની મેચમાં ‘વિરાટ’ ની વિશાળ ઇનિંગ જોઇને અને છેલ્લે ધોની દ્વારા ચોગ્ગાની મદદથી મળેલી જીતની ખુશી પછી હું લગભગ પાગલની જેમ નાચવા લાગ્યો હતો..
ત્યારે મમ્મીનો ફન્ની ડાયલોગ, – “થોડા દિવસમાં તુ એક છોકરાનો બાપ બનવાનો છે તો હવે આવા બધા છોકરવેડા કરવાનું બંધ કર…”
હું – “કેમ ? બાપ બનેલા લોકો નાચી ન શકે એવું કોઇ શાસ્ત્રોમાં લખ્યું છે ?” 😛

(અપડેટ-આજે શ્રીલંકાની બાંગ્લાદેશ સામે હાર પછી ભારતની ફાઇનલમાં પ્રવેશની આશા પર ડહોળું પાણી ફરી વળ્યું છે. 🙁 )

. . .

અપડેટ્સ – 16/3

. . .

– લાગણીઓમાં વધારે તણાઇ જવા કરતાં પ્રેક્ટિકલ બનવું પ્રમાણમાં વધુ સારું લાગે છે. (કમસેકમ તમારા નિર્ણયોમાં કોઇ દખલ તો ન કરી શકે.)

– ફાઇનલી, ‘બગીચાના માળી’ની ફેસબુક પ્રોફાઇલ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. આગળની બન્ને પોસ્ટ (તા-૧૧/૩ અને ૧૨/૩ ) બાદનો આ છેલ્લો નિર્ણય..  (પણ.. મિત્રોની લાગણીઓ તો હંમેશા દિલમાં રહેવાની….)

– ‘મારો બગીચો‘ પેજ સલામત રહેશે. (આ રીતે ફેસબુક મિત્રોની વચ્ચે પણ રહીશ) જો કે આ પેજનો ઉપયોગ માત્ર અહી ઉમેરાતી માહિતીની જાણકારી આપવા પુરતો મર્યાદિત રહેશે. (તે માટે વર્ડપ્રેસની ઓટો-પોસ્ટનું સેટિંગ કરી દેવામાં આવ્યું છે.) અને કોઇ ફેસબુક મિત્રો ઇચ્છે તો મને ત્યાં મેસેજ દ્વારા કે પેજ પર પોતાની વાત પોસ્ટ કરી શકે છે.

– આજના દિવસના ખાસ ન્યુઝ : સચીનની સદીની સદી પુરી થઇ.. ભાઇ શ્રી ને અભિનંદન. (હાશ, હવે ઘણાં લોકોને કોઇ નવું કામ મળશે તો કોઇને ચર્ચા માટે નવો ટોપિક શોધવો પડશે.)

– આજે દેશના નાણાંમંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું અને બજેટ અંગે સવારે સરસ ધમાધમ શરૂ થઇ હતી પણ સચીનભાઇની સદી પાછળ બધુ ભુલાઇ ગયું. (ચલો, આ બહાને લોકોનું જે બે ઘડી દુઃખ ઓછું થાય તે પણ સારું જ છે ને..)

– થોડા સમય પહેલા સચીન પર માછલા ધોતા લોકો આજે તેને માથે ચડાવીને નાચશે. (ભલે નાચતા.. ખુશી તો હોય જ ને… બી પોઝિટીવ યાર !!)

– માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે આખો બિઝનેસ જાણે ‘નર્વસ-નાઇન્ટી’માં એન્ટર થયો હોય એવી હાલત થાય. નવા ક્લાયન્ટ્સ કે કસ્ટમરમાંથી ટાઇમ કાઢીને કાગળીયાની દુનિયામાં ખોવાવું પડે. (આખુ વર્ષ ગમે એટલી કાળજી રાખો પણ માર્ચ મહિનો દોડધામ વગર પુરો ન જ થાય.)

– ઘણી સુંદર ભાવના સાથે ‘નિષ્યંદન’ નામનું સામાયિક શરૂ કરનાર સંપાદક શ્રી યોગેશભાઇ વૈદ્ય (રહે.-વેરાવળ, ગુજરાત) સાથે અમદાવાદમાં રૂબરૂમાં મુલાકાત કરીને ઘણો આનંદ થયો. જેમને સાહિત્ય ઉપરાંત કવિતા કે ગઝલ પ્રત્યે લાગણી હોય તો ચોક્કસ તેમના બ્લૉગની મુલાકાત લેવા જેવી છે. (આ બીજા વ્યક્તિ છે જેમની સાથે રૂબરૂ મુલાકાત કરી.)

– બે દિવસ પહેલા BSNL માં થયેલા અનુભવ વિશે કંઇક લખવું હતું.. પણ આજકાલ નેગેટીવ વાતો ઘણી થઇ જાય છે એટલે થયું કે તેનો ફરી કયારેક વારો લઇશ. આજે આટલું બસ છે.

. . .

BSNLનું શું થશે..

~ ગઇ કાલે BSNL ની સુભાષ-બ્રીજ સ્થિત ઓફિસની મુલાકાત બાદ ચોક્કસ કહી શકાય કે જો આ સરકારી કંપની તેના ઘરડા કર્મચારીઓ1ની ચુંગાલમાંથી જલ્દી મુક્ત નહી થાય તો તેનું પતન થવું નિશ્ચિત છે. આખી ઓફિસમાં ફરી જુઓ.. તમને બધ્ધે ડોશીઓ જ દેખાશે. (લગભગ જીવનના ૬૦ વર્ષ અને કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વિતાવી ચુકેલી !!)

~ પ્રોફેશનાલિઝમ કે કસ્ટમર સર્વિસ કોને કહેવાય તે આ લોકોને ખબર જ નથી. અહી બેઠેલા ‘સાહેબ’ કે ‘મેડમ’ને તમે તમારા હક માટે વિનંતી જ કરી શકો કેમ કે કસ્ટમરની ફરિયાદ સાંભળવા આ લોકો ટેવાયેલા નથી. (બસ, હમે ઔર કુછ ના કહો…)

bsnl logo png image~ સ્વીકાર્યું કે તે કર્મચારીઓ જયારે આ કંપનીમાં જોડાયા ત્યારે તેમની ‘સાહેબી’ હતી. (એ સમયે પબ્લીક માટે બીજો કોઇ વિકલ્પ નહોતો. અરે, પટાવાળાને પણ સાહેબ કરીને રાખવો પડતો!)

~ દિવાળીએ બી.એસ.એન.એલ.ના વાયરમેનને બૉનસ આપવું ફરજિયાત હતું. (હા, બોનસ!!! આ લોકો કસ્ટમર પાસેથી પણ હકથી બૉનસ માંગી લેતા. આ રિવાજ આજે પણ ઘણી જગ્યાએ પ્રચલિત છે!)

~ જો BSNLના તે લોકલ વાયરમેનને બૉનસ ન આપો તો ચોમાસામાં તમારો ફોન બંધ થવાનું પાક્કુ અને તેને ચાલુ કરાવવા લાખ પ્રયત્ન કરો પણ બૉનસની ચુકવણી પછી જ વાત આગળ વધે. (આ મારો અંગત અનુભવ છે. એ પણ બબ્બે વારનો..)

~ હવે સ્પર્ધાત્મક યુગમાં બીજી ઘણી કંપનીઓ BSNL ની અવેજીમાં ઉપલબ્ધ બની ગઇ છે એટલે BSNLની અને તેના કર્મચારીઓની મોનોપોલી ઘણી ઘટી ગઇ છે, પણ પેલા સાહેબી ભોગવી ચુકેલા કર્મચારીઓ ને હજુ કસ્ટમર-ફ્રેન્ડલી બનવું ફાવ્યું નથી. (હજુ તેમને સાહેબ કહીને બોલાવવાનો રિવાજ ચાલું છે !!)

~ કોમ્પ્યુટર અને સિસ્ટમ તો તેમને માથાનો દુખાવો લાગે છે !! અનેકવાર એવું થયું છે કે BSNL ઑફિસમાં જઇએ તો કોઇ સરખો જવાબ આપવા તૈયાર ન હોય.

# મારા દ્વારા ગઇકાલની જ મુલાકાત વખતની એક એવી નજીવી ઘટનાનું વર્ણન…

~ ‘છુટ્ટા ની રામાયણ‘માં કેશીયર-ડોશી અને બીલ ભરવા આવનાર એક ‘ઉંમરલાયક કાકા’ વચ્ચે થયેલી બોલાચાલી.

# સમસ્યા:  ગ્રાહક-કાકાને રુ.૪૫૦ નું ટેલીફોન બિલ ભરવું હતું; અને કાકા એ ૫૦૦ ની કડકડતી નોટ કેશીયર-ડોશી સામે ધરી દીધી!! (પછીનો સંવાદ નીચે મુજબ…)

  • કેશીયર-ડોશી (મોઢુ બગાડીને) : છુટ્ટા લઇને આવતા હોવ તો…
  • ગ્રાહક-કાકા (નિર્દોષતાથી) : ખાલી ૫૦ રૂપિયા માટે છુટ્ટા લેવા કયાં જવું…? તમે જ આપી દો ને બેન..
  • કેશીયર-ડોશી (હક સાથે) : હું તમારા બિલમાં ૫૦૦ જમા કરી દઉ છું…
  • ગ્રાહકકાકા (ભડકીને) : ના. ના.. એવુ ના ચાલે ? પરચુરણની માથાકુટ ના થાય એટલે ૪૪૨ ના બીલ સામે હું ૪૫૦ તો ભરું જ છુ ને… તો હવે બીજા વધારે શા માટે જમા કરાવું ? તમારે એટલા છુટ્ટા તો રાખવા જોઇએ ને…
  • કેશીયર-ડોશી (ઉકળીને2) : એક તો છુટ્ટા લાવવા નથી અને પાછા મને ઓડર આપે છે. અમારે શું કરવાનું એ તમારે શીખવાડવાની જરૂર નથી. અમે કંઇ તમારા નોકર નથી..
  • ગ્રાહક-કાકા (થોડા ઉંચા અવાજે) : તો હું તમારો નોકર નથી કે તમે મને છુટ્ટા લઇને આવવાનું કહો છો.. તમે આ ૪૫૦નું બીલ ભરી દો ને એટલે વાત પતે..

~ ડોશી-કેશીયર ગુસ્સામાં કોમ્પ્યુટરની સ્વિચ એક આંગળીથી ધીરે-ધીરે સાચવીને-સંભાળીને દબાવતા જાય છે… અને પછી જે પ્રિન્ટ નીકળે છે તેની સાથે (ગુસ્સો ઉમેરીને) ૫૦ રૂપિયાની નોટ પેલા કાકાને પાછી આપે છે.

  • ગ્રાહક-કાકા (હવે ગુસ્સામાં) : ૫૦ છુટ્ટા તો હતા… તો પછી આટલી માથાકુટ કેમ કરી? બસ… અમને હેરાન જ કરવા છે તમારે લોકોએ તો…
  • ડોશી-કેશીયર (ધીમેથી) : ચાલ્યા આવે છે કયાંથી આવા હવાર હવારમાં… મારો તો આખો દી બગાડી નાખ્યો.. (મોટેથી) જાવ જાવ હવે… બીજીવાર છુટ્ટા લઇને આવજો…અમે કંઇ તમારી માટે છુટ્ટા રાખવા નવરા નથી બેઠા… શું જોઇને ચાલ્યા આવે છે અહીયા…. જાણે અમે તેમના નોકર હોઇએ એમ ઓડર આપે છે પાછા..

~ પેલા કાકા તો આ ‘હિટલર’ ડોશી-કેશીયરથી છુટવા મળ્યું એ સંતોષમાં તેને વળતો જવાબ આપ્યા વગર ચુપચાપ નીકળે છે. જતાં-જતાં મારી સામે જોઇને તે ડોશીના વર્તન અંગે આંખોથી અને માથુ હલાવીને નિઃસાસો નાખતા જાય છે.

~ હવે ડોશી-કેશીયરનો નવો શિકાર બનવાનો મારો વારો હતો !!… જો કે આગળની ઘટના બન્યા પછી હું તો છટકવાનો રસ્તો શોધી ચુક્યો હતો..

~ મારે જે બીલ ભરવાનું હતું તેમાં છુટ્ટાની માયાજાળમાં પડવાને બદલે કહી દઉ છું કે પુરે-પુરા ભરી દો. વાર્તા પુરી.. હેપ્પી એન્ડીંગ! 🙂


‘કસ્ટમર ઇઝ કિંગ’ – એ વાત આ લોકોને હજુ કયારે સમજાશે?

~ એક નાની અમથી વાત છે; પણ જે કંપનીના કર્મચારીનું વર્તન તેની કંપનીના કાયમી ગ્રાહક સાથે આવું હોય, જે કંપનીના કર્મચારીની સરેરાશ ઉંમર અને કાર્યક્ષમતા વૃધ્ધની કેટેગરીમાં આવતી હોય, તે કંપનીને પરાસ્ત કરવા હરિફોની જરૂર નથી. તેને તો તેના કર્મચારીઓ જ ડુબાડી દેશે..

~ BSNL ના ડેટા પ્લાન, બેન્ડવિથ, સ્પિડ, સર્વર, મોડેમ કે તેની કેપેસીટી, મોબાઇલ નેટવર્ક કે કનેક્ટીવીટી અથવા અન્ય કોઇ પણ ટેકનીકલ જાણકારી ઇચ્છો તો તે અહી બેઠેલા બુઝુર્ગ લોકો માટે અશક્ય કાર્ય છે. (તમને તરત અલગ ઑફિસનું એડ્રેસ કે નંબર પકડાવી દેશે કે ત્યાં જાઓ અથવા ત્યાં વાત કરી લો.)

~ કસ્ટમરકેર બાબતે કયારેક AEC ની પણ આ જ હાલત હતી, પણ ટોરેન્ટના આવવાથી કમ-સે-કમ કસ્ટમર-ફ્રેન્ડલી વાતાવરણ તો બન્યું છે. (ટોરેન્ટ હેલ્પ લાઇન પર કોઇ પણ સવાલનો ચોક્કસ જવાબ હવે મળી જાય છે.)

~ મોબાઇલના આવવાથી બી.એસ.એન.એલ.ના લેન્ડલાઇન ગ્રાહકમાં મોટો ઘટાડો થવો સ્વાભાવિક હતો પણ એક હદ પછી હવે તે ઘટાડો કંપનીને ખુંચવો જોઇએ… મોબાઇલ નંબર પોર્ટેબિલીટી આવવાથી મોબાઇલ ગ્રાહકમાં પણ ઘટાડો થયો છે. (કંપનીની બજારમાં પકડ ઘટી રહી છે તો પણ કર્મચારીઓની અકડ નથી જતી.)

~ જો કે BSNL નું ફોલ્ટ બુકિંગ અને રિપેરીંગ કાર્યમાં ઘણો સુધારો આવી ગયો છે. તેઓ બદલાવના અને નવી સેવાઓ ઉમેરવાના ઘણાં સારા પ્રયાસ પણ કરી રહ્યા છે. આજે હું વિશ્વાસ સાથે BSNL ના બ્રોડબેન્ડ કનેકશનનો ઉપયોગ કરું છું અને તેની સેવા મને ગમે પણ છે. મોબાઇલનો વધુ ઉપયોગ ટાળવા તેની લેન્ડલાઇનનો ઉપયોગ વધારે કરવાનુ નક્કી કર્યું છે. (હા, BSNL મોબાઇલ સર્વિસ વિશે કંઇ કહેવા જેવુ નથી.)

# સાઇડટ્રેકઃ તમે કયારેય ૧૫૦૦ નંબર ડાયલ કરીને BSNL કસ્ટમર કેર અધિકારી ‘સાહેબ’ સાથે વાત કરી છે ? જીવનમાં આ અનુભવ પણ કરવા જેવો ખરો હોં..