માર્ચ 10, 2011 બગીચાનો માળી
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે..
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે..
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે..
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે..
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે..
આ રચનાના રચયિયા છે – હિતેન આનંદપરા
(શ્રી વિનયભાઇ ખત્રી એ આપેલ જાણકારી મુજબ)
માર્ચ 7, 2011 બગીચાનો માળી

આમ તો મને હાલની ભારતની ક્રિકેટ ટીમ પર ઘણો ભરોસો છે પણ કયારેક ખબર નહી કેમ આ ટીમ બીચારી બની જાય છે એ સમજાતુ નથી…

આયર્લેન્ડ સામેની ભારતની જીત ભલે થઇ હોય પણ ભારતની જીત તેની મહત્વકાંક્ષાને છાજે તેવી ના કહેવાય.

જો કે ઇંગ્લેન્ડ જેવી ટીમને હરાવ્યા બાદ એ પણ માનવું પડે કે આયર્લેન્ડની ટીમમાં કંઇક ખાસ જરુર છે અને એ અપસેટના કારણે તો ધોનીએ કહ્યું હતુ કે અમે આઇરીશ ટીમને સરળતાથી નહી લઇએ. ભારત તરફથી બોલીંગમાં ઝહીર અને યુવરાજ સફળ રહ્યા પણ તેની સામે બીજા કોઇ બોલર ચાલ્યા જ નહી. જે રીતે બેટીંગ લાઇનપ વિખેરાઇ ગઇ તે જોતા હજુ વધુ પરિપકવતાની જરુર હોય તેમ જણાય છે.

ધોનીની ટીમમાં વિશ્વ-વિજેતા બનવાની લાયકાત જરુર છે પણ હાલના સંજોગોમાં તે લાયકાતને માત્ર લાયકાત જ ગણવી પડે તેમ છે. હવેની લગભગ દરેક મેચ માં ભારત તરફથી કોઇ સારા પ્રદર્શનની આશા જરુર રહેશે. ૨૫ માર્ચ ના દિવસે નેધરલેન્ડ સામેની ક્રિકેટ-મેચમાં ધોનીના ધુરંધરોને વધુ મહેનતની જરુર નથી લાગતી પણ હવે વિશ્વ-કપની કોઇ પણ મેચને સરળ ના સમજવી જોઇએ. આમ પણ ભારતીય ટીમ પર લોકોને અને ખાસ મને ઘણી આશાઓ છે.

માર્ચ 6, 2011 બગીચાનો માળી 1Comment

હેલ્લો મિત્રો,

કેમ છો !!!! લગભગ બધા મજ્જા જ કરતા હશો.

આ તો બ્લોગ શરું કર્યો તો તરત થોડું કંઇ સુઝવાનું ? પણ.. કંઇક તો લખવુ પડે એ નિયમના આધારે આ પોસ્ટથી શુભ શરુઆત કરું છું.

મારા અનુભવનો બગીચો તો હવે ખીલશે… તમે જોતા રહેજો..

અને હા, માત્ર દુ…ર થી જોતા રહેવાની જરુર નથી, કયારેક માણવા પણ પધારજો…

ભલે ત્યારે.. આવજો.

આપનો આભારી એવો હું, બગીચાનો માળી..