નક્કામું નિરીક્ષણ-3

– હમણાં મેડમજી પીયર છે એટલે અત્યારે આ રાજા એકલા છે!!  (મમ્મી-પપ્પા છે સાથે, તો પણ આમ તો એકલા જ કહેવાઇએ ને..) તો… કંઇક નવું વિચારવાનો થોડો એકસ્ટ્રા ટાઇમ મળી રહે છે. (તમે સમજી શકો છો.)

– આ ફાલતુ ટાઇમમાં મારું સ્પેશિયલ ટાઇમપાસ વર્ક છે : ‘નિરિક્ષણ કરવું (જેમાં મોટા ભાગે નક્કામા નિરિક્ષણો જ હોય છે.)

– તો આજે મારા નવરા મગજે ફરી એક નક્કામું સંશોધન કરીને કંઇક શોધી કાઢ્યું છે અને આજના નિરિક્ષણનો વિષય અને સંશોધનનું પરિણામ નીચે મુજબ છે;

‘પત્નીના પીયર જવાથી પતિને થતા ફાયદા’

  • કપડા પોતાની પસંદના પહેરી શકાય!!
  • ગમે તે વસ્તુ મનફાવે ત્યાં મુકી શકાય. (પોતાની મરજીના સંપુર્ણ માલિક!)
  • સવાર-સાંજ નાની-નાની ફરિયાદ કે ફાલતુ કચકચ સાંભળવામાંથી છુટકારો!1
  • આખો પલંગ તમારો એકલાનો!!
  • મમ્મીના હાથની રસોઇ ખાવા મળે અને મમ્મીના વખાણ છુટથી કરી શકાય!
  • સવારે વહેલા વાગતા એલાર્મની છુટકારો!!!
  • ‘ઘરે કયારે આવશો?’ – ફોન પર પુછાતા આ કાયમી પ્રશ્નથી રજા મળે.
  • રજાઓમાં દોસ્તારોની ટોળી જમાવી શકાય. (“આજે રજા છે તો બહાર ફરવા/જમવા જઇએ” – આ બબાલથી પણ બચી શકાય.)
  • રાત્રે લેપટોપને ચાહો ત્યાં સુધી જગાડો, સમયની કોઇ પાબંધી નહી.
  • “સાંજે જમવામાં શું બનાવુ ?” – આ અઘરા સવાલથી બચી શકાય.
  • સાસ-બહુ ટાઇપ ટીવી પ્રોગ્રામથી છુટકારો અને ગમતી મુવીને કોઇ ખલેલ વગર પુરેપુરી જોઇ શકાય.
  • કોઇ પાર્ટી કે પ્રસંગમાં જવાનો અને ત્યાંથી પરત થવાનો સમય તમે પોતે નક્કી કરી શકો.

તમે પુરાણોમાં દેવ અને દાનવોના સંયુક્ત સમુદ્રમંથનવાળી કથા સાંભળી જ હશે, જેમાં અમૃત શોધતા-શોધતા ઝેર પણ મળી આવે છે. બસ એ જ રીતે એકલા રહેવાના મનોમંથનમાં ફાયદા સાથે-સાથે કેટલાક નુકશાન પણ મળી આવ્યા છે! જેમ કે..

  • કબાટમાંથી સવારે કપડાં જાતે શોધીને બહાર કાઢવા પડે. (કયારેક બાથરૂમમાં ટુવાલ લઇ જવાનુ ભુલાઇ જાય તો પલળેલા બહાર નીકળવું પડે!)
  • પેન્ટના મેચીંગ મોજા જાતે જ શોધવાના. (અને ન મળે તો ગમે-તે મોજાથી ચલાવી લેવું પડે.)
  • સવારે મોબાઇલ જાતે ચાર્જ કરવા મુકવો પડે.. (અમારે ત્યાં આ જવાબદારી મેડમજીને સોંપવામાં આવેલી છે.)
  • વસ્તુને જેમ-તેમ મુકવાની આદતના કારણે જયારે તેની જરૂર પડે ત્યારે ઘણી સમસ્યા સર્જાય.
  • રૂમમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે બીજા કોઇને જવાબદાર ઠેરવી ન શકાય. (આમાં તો સરકારને પણ જવાબદાર ન ગણી શકાય.)
  • મમ્મીને દરરોજ નવી-નવી વાનગી બનાવવા ઓર્ડર ન આપી શકાય.
  • રજાનો દિવસ મમ્મીને શોપિંગ કરાવવામાં ગુજારવો પડે અને ઘરના નાના-મોટા પરચુરણ કામ પણ કરવા પડે.
  • આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ રાત્રે ફોનથી સબમીટ કરવો પડે. (જેવો તમારો પ્રેમ અને ડર.. એવો લાંબો રિપોર્ટ!)

ખાસ નોંધ:

– ઉપરની દરેક વાત માત્ર ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના પરણેલા પુરૂષોને જ લાગુ પડે છે. (અને જો કોઇ વધુ-ઓછી ઉંમરના વ્યક્તિઓને પણ તે લાગુ પડતી હોય તેને માત્ર સંયોગ કહેવાશે.)
– ઉપર જણાવેલા ફાયદા-નુકશાન સંપુર્ણરીતે મારા અંગત અનુભવને આધારિત છે. (આમ પણ, કોઇના ઘરે જઇને પુછવાની અમારી આદત નથી. 😀 )
– મારા કરતા વધારે અનુભવીઓ આ બગીચામાં આંટો મારતા રહે છે; તેઓ ઇચ્છે તો તેમના અનુભવ કે ફાયદા-નુકશાન અહી જણાવી શકે છે. (આપણે સુખ-દુઃખ વહેંચતા રહીએ તેના જેવું રુડું શું હોય..)
અહી કોઇની પત્નીની લાગણી દુભાવવાનો કોઇ ઇરાદો નથી. (અને છતાંયે દુભાઇ જાય તો મને કહેવા આવવું નહી; તમારું તમે ભોગવો. – હુકમથી.)
પરિણિત-પુરૂષ સમાજની નારાજગીથી બચવા કેટલાક ‘ખાસ પ્રકાર’ના ફાયદાઓનો અહી સમાવેશ કર્યો નથી. (તે જાણવા માટે ખાનગીમાં જ મળવું.)
– કુંવારાએ આ બાબતે તેમના કુંવારા મગજ બગાડવા નહી. (તેઓ તેમનો સમય આવવાની રાહ જુએ..)

120524TH0541

May’12 : અપડેટ્સ

– ગરમીનો પ્રકોપ સંપુર્ણ માત્રામાં ખીલેલો છે. (મારા જેવો ઠંડો જીવ પણ એ.સી. ના રવાડે ચડી જાય એ આ ગરમીના પ્રકોપની મોટી નિશાની.)

– પૃથ્વીને અગનગોળો બનતી બચાવવા માટે શ્રધ્ધાળુંઓ હવે  ગરમી-દેવીના મંદિરે જઇને ઠંડાઇ-ચાલિસાના પાઠ કરે તો કદાચ કોઇ કૃપા થાય… (આ ગરમીદેવીની ‘કૃપા’ સાથે નિર્મલ બાબાને કાંઇ લેવા-દેવા નથી.)

– ભ્રષ્ટાચાર, ક્રિકેટ, બાબાઓના ભવાડા, ગોટાળા, પેટ્રોલના ભાવ, નેતાઓના કાંડ, વગેરે વગેરે વગેરે….. આ બધી આપણાં દેશની કાયમી સમસ્યાઓ છે, જેની હવે મારા બગીચામાં નોંધ લેવી જરૂરી નથી લાગતી.

– આમ જોઇએ તો માણસજાતનો સ્વભાવ જ હોય છે ફરિયાદ કરતા રહેવાનો. શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી આપણને વાંધો હોય છે બોલો!! કયારેક વિચાર આવે કે આપણે કેટલા જલ્દી કંટાળી જઇએ છીએ..

– ભાણીયાંઓથી ઘર ગુંજી રહ્યું છે અને એમાંયે કાલે રજા છે. આજે સવારે જ મારી પાસે કબુલાવવામાં આવ્યું છે કે હું કાલે સાંજે તે બધાને કાંકરીયા ફરવા લઇ જઇશ. (હે પરવરદિગાર…..વેકેશનના સમયે રજાના દિવસે હરવા-ફરવા અને ખાવા માટે કીડી-મકોડાની જેમ ઉભરાતા મારા અમદાવાદી નાગરિકોની ભીડમાં સમાવવા મને થોડી જગ્યા દેજે…)

– આવતી કાલે ઇશકજાદે જોવાનો પ્લાન છે, એ પણ એકલાં-એકલાં!!! જે કોઇ સાથે આવવા ઇચ્છતું હોય તે આજે નામ નોંધાવી શકે છે. (સ્ટોરીમાં આપણને કોઇ રસ નથી. હું તો ફિલ્મની હિરોઇનને જોવા માટે જોવા જવાનો છું. સાંભળ્યું છે કે બહુ મસ્ત છે… 😉 )

– ચલો, ઓફિસ ટાઇમ પુરો થવા આવ્યો છે…તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ.