July’12 : અપડેટ્સ – 2

. . .

– લગભગ ૧૫ વર્ષ જુના એક બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાવવાની વિધી શરૂ કરી છે. કાયદો અને તેની જોગવાઇઓ થોડી અટપટી છે એટલે રાહ જોઇએ કે વાત કેટલે સુધી પહોંચે છે. (સરકારી નિયમો મુજબ હાલનું બાંધકામ અયોગ્ય નથી તો પણ તે સરકારી ચોપડે કાયદેસર તરીકે નોંધાઇ જાય તેમાં મને વધુ રસ છે.)

– વરસાદ નથી તો પણ વરસાદી સિઝનની અસર કામકાજ પર જણાઇ રહી છે. (પણ, રાજકીય વાતાવરણ સોલિડ ગરમ છે.)

– કન્ફ્યુઝ્ડ વાતાવરણ અને નારાજ વરસાદ વચ્ચેનો આ સમયગાળો અઘરો લાગે છે. બફારો, ઉકળાટ, વરસાદ, ઠંડક અને વળી ગરમી. (આ વાતાવરણ છે કે છોકરીઓની ફેશન? – વારંવાર બદલાયા કરે છે !!)

– વરસાદની સાથે-સાથે અમદાવાદીઓ ‘રસ્તાના ભુવા’ને પણ મિસ્સ કરે છે. 😉 (પ્લીઝ વરસાદ.. હવે તો આવી જા.. છાપાવાળાઓએ પણ તંત્રની બેદરકારી અને તેનાથી લોકોને પડતી મુશ્કેલીઓની ખબર ઍડવાન્સમાં તૈયાર કરી રાખી છે!)

– આજે ફેસબુકમાં એક મિત્ર દ્વારા એક આશ્ચર્યજનક વાત જાણવા મળી.. (કોઇને ખબર હોઇ શકે છે પણ મારી માટે તો નવી વાત જ છે.)

  • હોટેલમાં પીરસવામાં આવતી નાન, કુલચા કે રૂમાલી રોટીની બનાવટમાં ઇંડાનો ઉપયોગ કરવામાં આવે છે. મેળવેલ જાણકારી પ્રમાણે ઇંડાના ઉપયોગ વગર તેને હોટેલમાં બનાવવી અશક્ય છે. માત્ર નોનવેજ હોટેલમાં જ નહી પરંતુ દરેક પ્રકારની હોટેલ અને રેસ્ટોરન્ટમાં આ જ રીતે બનાવવામાં આવે છે. (મારા જેવા સંપુર્ણ શાકાહારી જીવને આ જાણીને મોટો ઝાટકો લાગ્યો છે બોલો…આજથી જ એ બધુ બંધ.)
  • શાકાહારીઓ માટે હોટેલમાં જમવાની આ દુવિધાના વિકલ્પરૂપે બટર રોટી એક સલામત પસંદ ગણી શકાય એમ છે. (જેઓને ઇંડા પ્રત્યે અણગમો ન હોય તેવા શાકાહારીઓને આ વિકલ્પની જરૂર નહી પડે.)
  • આ અંગેની મુળ પોસ્ટ માટે નીચેની લિંક જુઓ –
    https://www.facebook.com/dinesh.gogari/posts/333915700027989

– ફાઇનલી, હવે અંતિમ દિવસો ગણાઇ રહ્યા છે, થોડા જ દિવસોમાં એ પળ આવી જશે જેનો લાંબા સમયથી ઇંતઝાર છે. (આ બાબતે મને ચોખવટ કરવાની જરૂર નથી લાગતી.)

– આજે ‘કોકટેલ’ મુવી જોવાનો પ્લાન છે.

. . .

July’12 : અપડેટ્સ

– આજે ફરી એક નાના (કદાચ મોટો પણ કહી શકાય) એવા બ્રેક પછી બગીચામાં હું મારું પોતાનું સ્વાગત કરૂ છું. (બેકગ્રાઉન્ડમાં તાલીઓનો ગડગડાટ અને એકાદ કેમેરાની ક્લીકનો અવાજ ઇમેજીન કરી લેવો.)

– પાછળના દિવસો જેમાં ઘણી ઘટનાઓની નોંધ લેવાની ચુકી જવાઇ. (તો શું થયું..આમેય આ કોઇ સમાચારપત્ર તો છે નહી કે ડેઇલી-ન્યુઝનો ભરાવો કરવો પડે…)

– થોડા સમય પહેલા રજુ થયેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઇશ‘ વિશે બે શબ્દો લખવાની ઇચ્છા હતી, પણ હવે તે વિશે ઓલરેડી ઘણું લખાઇ ગયું હોવાથી તે બાબતે મારા કી-બોર્ડને આરામ આપવાનું ઠીક રહેશે. (ફિલ્મમાં ઘણું ગમ્યું – આટલું તો લખવા દો યાર…)

– ફેસબુકમાં ફરી એન્ટ્રી લેવામાં આવી છે. જેઓ એમ માનતા હતા કે મને ત્યાં પાછા આવવું જ પડશે, તેવા લોકોને ઉદ્દેશીને ફેસબુકમાં એક સંદેશ મુક્યો છે. (રસ ધરાવતી પાર્ટીઓ ત્યાં જઇને જોવાની તસ્દી લે.)

– આજે ‘બોલ બચ્ચન‘ જોવામાં આવ્યું. ટીપીકલ રોહિત શેટ્ટી ટાઇપ ફિલ્મ છે. એકંદરે ટાઇમપાસ-કોમેડી છે. (જોઇ-હસીને એકવાર ખુશ થવાય એવી.)

– ચોમાસાની સિઝન ચાલું છે એવું આજે લાગ્યું. (પણ… પેલો સાંબેલાધાર વરસાદ આવે તો મજા પડે..)

– બીજી વાતો પછી કયારેક…

🌨