[170912] Photo: બગલી

~ નામ પાડવા એ અમારો જન્મસિદ્ધ હક છે અને એ જ કહથી અમે અમને ગમતી વ્યક્તિઓને નામથી વધુ ઉપનામથી ઓળખવું પસંદ કરીએ છીએ. (આ નામ પ્રથમ વખત અહીં નોંધવામાં આવી રહ્યું છે એટલે જણાવી દઉ કે આજે મારી ઢીંગલીની વાત છે.)

~ ટીનટીનના ફોટો વખતે વિચાર હતો કે અલગથી નાયરાના ફોટોની પોસ્ટ પણ બનાવવામાં આવે.. (એમ તો હું ઘણાં વિચાર કરતો જ રહો છું.)

~ બસ તો આજે એ જ..


*બગલી = બગલાનું (Stork) સ્ત્રીલિંગ…

[170907] અપડેટ્સ

~ નિયમિત શાંત જીંદગીને છંછેડીને અસ્તવ્યસ્ત કરવામાં થોડી અવ્યવસ્થા સર્જાશે એ અંદાજ હતો બસ એ જ અવ્યવસ્થા વચ્ચે આજે અપડેટ્સની નોંધ થઇ રહી છે. (આ સમયની દરેક વાતની નોંધ કરવાની ઇચ્છા છે.)

~ આસપાસમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે બદલવું જ હતું તો થોડું જ બદલાય ને… આટલું બધુ શા માટે??? –સાચું કહું તો મને પણ ખબર નથી કે મેં કેમ આ બધું સ્વીકારી લીધું છે. (કોઇ-કોઇ નિર્ણય માટે આપણી પાસે ચોક્કસ બહાનાઓ પણ બચતા નથી.)

~ સમજદાર લોકો તો કહે છે કે એકલા હાથે આટલું જોખમ ન લેવાય અને મારી અક્ક્લ પણ લોકો સાથે સહમત થાય છે; પણ મારું દિલ કહે છે કે બધુ ઠીક થઇ જશે. મને ગમે છે અને હું તૈયાર છું. હું કરી શકીશ એટલો વિશ્વાસ છે. (અબ તો સબ દિલ કે ભરોસે પે હૈ..)

~ ઘણીબધી માથાકુટ વચ્ચે પણ હું શાંત કેમ છું એ મનેય સમજાતુ નથી. હું અત્યારે પણ એટલો જ રીલેક્સ રહી શકું છું જે હું હંમેશા હતો. માથા પર ઉચકેલો બોજ મને કેમ જણાતો નથી એ તો રમેશભાઇ ને પુછવું પડે! (યાર, મારા આ દિમાગમાં ચોક્કસ કોઇ કેમીકલ લોચો છે. મને ભાર જ નથી લાગતો કોઇ વસ્તુનો એવું કેમ બની શકે..)

~ બેફિકરાઇ મારા સ્વભાવમાં કાયમી ઘર બનાવી ચુકી છે. પણ બદલાવ પછીનું જે ભવિષ્ય મેં સ્વીકાર્યું છે તેમાં બેફિકરાઇના આ કાયમી સ્ટેટસમાં ચેન્જ કરવો જરૂરી હશે. (પતા નહી ખુદ કે સાથ મેં ક્યા-ક્યા કરનેવાલા હું..)

~ લગભગ બે મહિનાનો સમયગાળો છે જ્યારે હું આ અવસ્થામાંથી પસાર થવાનો છું. તેમાં મારી માટે એક અલગ દુનિયા તૈયાર થઇ રહી છે. દુરથી જ એટલી અતિવ્યસ્તતા જણાઇ રહી છે કે શાયદ હું મારા આ બગીચા સુધી પણ નિયમિત ન પહોંચી શકું. (જો હું ઘણાં દિવસો સુધી ગાયબ રહું તો અહી આવતા વાચકોને વિનંતી છે કે મને ખેંચી ને બોલાવજો. પુણ્યનું કામ થશે ભાઇ…)

~ હા, એમ તો હું નિયમિત આજેય નથી. આશા રાખું છું કે અહી મહિનાઓમાં થતી પોસ્ટમાં વર્ષોનું અંતર ન આવી જાય. વધુ આવતા અંકે…

# સાઇડટ્રેકઃ

એક મેસેજઃ તમે તમારી જ વાતો સિવાય નવું લખતા જ નથી. બીજું કંઇક લખો તો અમને વાંચવાની મજા આવે.
ઓપન રીપ્લાય – દોસ્ત, આ મારો બગીચો છે. મારા સિવાય બીજા કોઇની મજા માટે લખતો પણ નથી અને મારી મજા આ જ બધી વાતોમાં છે.

[170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ

~ લગભગ એક વર્ષ પહેલા છેલ્લી ફોટો અપડેટ હતી. આજે ઘણાં દિવસે યાદ આવ્યું કે બીજું લખવાનો સમય ન હોય તો એકાદ ફોટો અપડેટ કરી દેવાય. (એમાં કાંઇ કોઇ ખોટું ન લગાડે.)

~ ઉપર હેડીંગમાં લખ્યું છે એમ આજે સામાન્ય ફોટો અપડેટ નથી. સ્કુલમાં કરાવવામાં આવતી એક્ટીવીટીઝ અને તેની પાછળ મેડમજીની મહેનતની નોંધ લેવા માટે આજની અપડેટ્સમાં ખાસ ફોટો ઉમેરવામાં આવ્યા છે. (આ બહાને મેડમજી પણ ખુશ થશે.)

~ આજે માત્ર વ્રજની ફોટો અપડેટ છે. નાયરા અભી બાકી હૈ મેરે દોસ્ત…. (નાની છે એટલે તેને ભુલી ગયા છીએ એમ ન સમજવું; તેના માટે પણ એક અલગ પોસ્ટ બનાવવામાં આવશે.)

 

# ગ્રીન ડે..

~ વ્રજને દ્રાક્ષનો ઝુમખો બનાવ્યો હતો. (અથવા તો તેને ઝુમખો જ બનાવ્યો છે એવું તેની મમ્મીનું માનવું છે. કેટલીક બાબતોમાં અમે ખોટી તકરાર કરતા નથી.)

# જન્માષ્ઠમી ડ્રેસીંગ

~ વ્રજને સ્કુલના કોઇ કાર્યક્રમમાં રાધા સાથે ડાન્સ કરવા માટે સ્પેશીયલી સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને સાથે-સાથે ડ્રેસીંગ કોમ્પીટીશન પણ ખરું! અરે હા, આ દિવસે અમારા આ કનૈયાનો જન્મદિવસ પણ હતો. (આ ડ્રેસ પહેરવા વ્રજ રેડી થયો એ જ અમારા માટે મોટી વાત હતી.)


કહેવાની જરૂર તો નથી લાગતી છતાંયે મારી નોંધ માટે ઉમેરું છું કે વ્રજ બંને ડ્રેસીંગમાં ફર્સ્ટ આવ્યો છે!