નવો નિયમ

હવે દિવસે પણ ટુ-વ્હિલર્સમાં લાઇટ ઑન રહેશે!

~ મને તો આ નિયમ પાછળ જે લોજીક આપવામાં આવે છે તે જરાયે પચતું નથી. (હા ભાઇ, હાજમોલા પણ કામ ન આવી.)

~ ઓકે.. યુરોપમાં આવા નિયમ વર્ષો પહેલાથી બનેલા છે પણ અહી જે કારણ આપવામાં આવે છે તે મને તો ગળે નથી ઉતરતું. જ્યાં વર્ષ દરમ્યાન ધુમ્મસ, વરસાદી કે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય ત્યાં આવા નિયમો સમજાય પણ ભારત જેવો દેશ જે મુખ્યત્વે વિષુવવૃત્ત પર છે તેની માટે સમગ્ર દેશમાં પશ્ચિમના ઠંડા દેશોના નિયમોની સમજ્યા વગર કોપી ન કરવી જોઇએ. (કદાચ કાશ્મીર કે હિમાચલના કોઇ ભાગમાં આ નિયમ અમલમાં મુકી શકાય.)

~ ફોર-વ્હીલર્સના પ્રમાણમાં ટુ-વ્હીલર્સના અકસ્માત વધારે થાય છે કારણકે તેની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. પણ તે બધા અકસ્માત થવાના અનેક કારણોમાંથી અજવાળામાં પણ ન દેખાવું  તેવું કેટલા કિસ્સામાં બનતું હશે? (ચલો વિચારી જુઓ થોડી વાર…)

~ સાંભળ્યું છે કે સુપ્રિમ કોર્ટની દેખરેખમાં કાર્ય કરતી કોઇ સમિતિએ આ સુચન કર્યું હતું અને સરકારે તેને સ્વીકારીને તરત અમલમાં મુકવા નોટીફિકેશન પણ આપી દીધું. આ નિયમ ફોર વ્હીલર્સ માટે પણ આવી શકે છે. અંધેર નગરી અને…..


# સાઇડટ્રેક: કોઇને વિષુવવૃત્ત એટલે શું -એ ન સમજાતું હોય તો કોઇ ગુજરાતી પ્રવાહના વિજ્ઞાનના શિક્ષકને પર્સનલી મળી લેવું. ના, ગુજરાતી વીકીપીડિયામાં તેનું પાનું ઉપલબ્ધ નથી. (શ્રીમાન કાર્તિકભાઇ નોંધ લે.)

# મથાળુંચિત્રઃ શ્રી google.co.in ના સહયોગથી શ્રી thekriegers.in ના ઠેકાણેથી વગર રજાએ મેળવેલ.


૧૭૦૨૨૪ અપડેટ્સ

~ નક્કી કર્યુ’તું કે દરેક અઠવાડીયે એક નવી પોસ્ટ ઉમેરવી પણ અમે જો નક્કી કરેલું કરતા હોત તો આટલા વિચિત્ર ન હોત. (એમ પણ પ્લાન કરેલી જીંદગી કેટલી બોરીંગ લાગે યાર..)

~ આવતી કાલે મિત્રો સાથે આબુ જવાનું છે. એમ જ, કારણ વગર. ઘણાં વર્ષો પછી આવી બોય્ઝ-ટુર કરવામાં આવી રહી છે. આબુનું નામ આવે એટલે લોકોના કાન ઉંચા થઇ જાય. અરે ના ભાઇ…અમારો હેતુ પહેલા પણ એ નહોતો અને આજે પણ નથી. આજસુધી તેને ટેસ્ટ કરવાનો પણ ચાન્સ નથી લીધો. (#પીયક્કડ-લોકો-માટે-ચોખવટ)

~ હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન તો દેવતાઓ પણ કરતાં અને આજે જેમનો દિવસ છે તે મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (કાયદાકીય જરૂરી વાક્ય: મદિરાપાન ગુજરાતમાં પ્રતિબંધિત છે અને હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય થઇ ચુક્યો છે. તથા અમે સીધી કે આડકતરી રીતે તેવી કોઇ વસ્તુનો પ્રચાર નથી કરતા.)

~ ગુજરાતમાં આ બદીથી દુર રહેનાર વ્યક્તિ મુખ્ય બે કારણસર દુર હોઇ શકે; કાયદાનો ડર અથવા તો ચાન્સની ગેરહાજરી. એમ તો શોખીનો સરહદ પાર કરીને ચાન્સ લઇ લે છે તો કોઇ-કોઇ સરહદ અંદર વ્યવસ્થા ગોઠવી લે છે. (ઓપન સિક્રેટ છે ભાઇ!) જો કે અમને ચાન્સ હોવા છતાંયે સ્વયં સંયમથી દુર છીએ. (અને કાયદો તો સંયમમાં રહેવાથી આપોઆપ પળાઇ જાય છે. 😀 )

~ મારા એક જુના પાર્ટનર યુ.પી. થી હતા. જાહેરમાં કહેવાય તો નહી પણ (અહીયાં કોણ વાંચવા આવે છે એટલે) જાણી લો કે; ન હોવી જોઇએ એવી લગભગ દરેક બુરી આદત તેમને હશે એવું કોઇ પણ કહી શકે. તેઓ મને વારંવાર કહેતા કે, “આપ કો તો ભગવાન લાત માર કે વાપસ ભેજેગા ઔર બોલેગા કી જાઓ પેહલે સબકુછ કરકે આઓ.” (નોંધ લેશો કે, લંકામાં રાક્ષસો વચ્ચે નિરાધાર હોવા છતાંયે પવિત્ર રહેલી સીતા જેટલો જ પવિત્ર હું આજે પણ છું. ઓકે. આ કળયુગમાં બધી રીતે પવિત્ર કોઇ ન હોઇ શકે પણ એટલીસ્ટ આ બાબતે તો ૧૦૦% શુધ્ધ છું જ.)

~ શ્વાસ લેવાની અને મન ફાવે એમ રહેવા સિવાયની બીજી કોઇ લત હજુ લાગી નથી. (આમાં કોઇને હું સારો વ્યક્તિ લાગીશ; તો.. કોઇ મને મુર્ખ માણસ પણ ગણી શકે.)

~ બે દિવસનો પ્લાન છે પણ હું એ વિચારું છું કે ત્યાં બે દિવસ કરીશું શું? ખૈર, મિત્રો રાખે એમ રહીશું.. ચલો, હવે બેગ પેક કરીએ. સવારે વહેલા નીકળવાનું છે.

~ ફરી મળીશું.. આવજો.

~ ખુશ રહો. 🙂


Annual Day!

~ વ્રજની સ્કુલમાં હતો. છોટું સાહેબ પ્રથમવાર આવી રીતે સ્ટેજ પર પરફોર્મ કરે એટલે અમને ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. (પણ મેડમજીનો ઉત્સાહ એટલો બધો હતો કે તેને અસ્વાભાવિક ની કેટેગરીમાં મુકવો પડે!)

~ આયોજન સરસ કર્યું હતું પણ આ સ્કુલવાળાએ અમને એટલે દુર બેસાડ્યા’તા કે અમે ઇચ્છીએ તોયે તેની ક્લીઅર વિડીયોગ્રાફી ન કરી શકીએ. (કેમેરાએ થાય એટલું ઝુમ-બરાબર-ઝુમ કર્યું. બટ, પુઅર રીઝલ્ટ.)

Gode jaisi chaal, hathi jaisi dum…

~ એમ તો સ્કુલ મેનેજમેન્ટે અમને સમગ્ર કાર્યક્રમની CD આપવાનો વાયદો કર્યો ત્યારે મેડમજી તથા તેમની આંદોલનકારી બહેનપણીઓએ શાંતીથી કાર્યક્રમ પુરો થવા દીધો. ટેણીયાઓની બાબતમાં એમનો એક જ મંત્ર છે – નો-કોંમ્પ્રોમાઇઝ. (આ નવા-નવા ટેણીયાઓની મમ્મીઓને તો ના પહોંચાય. હા, એમાંથી જ એક અમારા ઘરે છે!)

~ મારો દિકરો છે એટલે ડાન્સ સારો કર્યો એમ કહીશ તો કોઇ માનશે નહી, પણ ખરેખર સરસ ડાન્સ કરે છે! (આ વિષયે તે જરાયે તેના બાપ પર નથી ગયો.)

~ હજુયે કોઇ ડાયરેક્ટ ફોટો ક્લિક કરે એ વ્રજને ગમતું નથી તો પણ તૈયાર થયો તે ફોટો યાદગીરી માટે તો રાખવો પડે ને. તે ફોટો અહી નીચે છે અને ઉપર જે ફોટો છે તે વ્રજના ડાન્સનો છે. તેમાં તે ક્યાં છે એ જાતે શોધી બતાવો. જોઇએ કોઇ શોધી શકે છે કે નહી! (ન મળે તો પુછજો હોં ને?)