સ્વ્યં નિર્મિત દેશી તુક્કલ કથા

થોડા દિવસ પહેલા કોઇએ અમારા દ્વારા બનાવેલ દેશી તુક્કલના ફોટો દેખવાની ઇચ્છા જણાવી હતી એટલે થયું કે માત્ર ફોટો મુકી દેવાથી તો અમારી એ દિવસની મહેનતને ન્યાય નહી મળે. ત્યારે તે વિષયે એક પોસ્ટ લખવાની ઇચ્છા થઇ હતી અને આજે તે પોસ્ટ ખરેખર લખવામાં આવી રહી છે! (આવેલા વિચારોને આટલી ઝડપથી અમલમાં હું મુકી રહ્યો છું તે બદલ મને ખુબ-ખુબ અભિનંદન!)

~ આજે અલગ મુડમાં છું અને થોડો નવરો પણ છું. (કદાચ નવરા હોવાના લીધે પણ અલગ મુડમાં હોઇ શકું!) એટલે આજે મનફાવે એમ લંબાવવામાં આવશે. વાત તો માત્ર ફોટો મુકવાની જ હતી પણ એમ જ ફોટો મુકી દઉ તો મારા નૌટંકીબાજ દિમાગને ચેન ન પડે ને.. 🙂 સૉ, હમ કુછ તો નખરે કરેંગે હી… જેઓને મારી નૌટંકી-કથામાં રસ ન હોય તેઓ ફોટો-દર્શન કરીને સીધા જ પ્રસાદ-પાર્ટ  તરફ જઇ શકે છે. (બહાર જવાનો રસ્તો જમણીબાજુ ઉપર કોર્નરમાં છે, જેની નોંધ લેશો.)

~ પુર્વ ભુમિકા અગાઉની પોસ્ટમાં જણાવેલ છે છતાંયે તે વાંચવા ધક્કો ન ખાવો પડે તેથી અહી શરૂઆતથી કથા રજુ કરવામાં આવશે. (કથા રજુઆતનો એક પ્રકાર છે અને દરેક કથા ઈશ્વરની જ હોય તે જરૂરી નથી. #જાણકારી)

~ કથા શરૂ થઇ રહી છે. વિક્રમ સંવત ૨૦૭૩ના શિયાળાના ઠંડા દિવસોનો આ સમયકાળ છે. ઉત્તરાયણના તહેવારના પડઘમ સંભળાઇ રહ્યા છે. કોઇ ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે ‘તો કોઇ હજુયે નોટબંધીની ચર્ચાએ અટકેલા છે. મિશ્રિત્ર પ્રતિભાવોના વાતાવરણની અસર વચ્ચે આપણી આજની કથાનું બીજ રોપવામાં આવે છે. (વાહ.. શું શરૂઆત છે!)

~ અત્રે કથાના પુર્વાધમાં બનેલી એ ઘટના પણ જાણવા જેવી છે કે ભારત-વર્ષના બંધારણથી સ્થાપિત ઉચ્ચન્યાયાલયના આદેશ, ગુર્જર પ્રદેશ મહાન્યાયાલયના આગ્રહ અને ભુતકાળમાં ક્યારેક કર્ણાવતી તરીકે ઓળખાયેલ અમદાવાદ નામક નગરીના વહીવટીય મુખીયાના હુકમના પ્રતાપે ઉત્તરાયણના ઉત્સાહભર્યા તહેવાર અગાઉ જ પતંગોથી ભરેલા બજારોમાં ચીન-દેશ બનાવટની તુક્કલોને વેચવા પર પ્રતિબંધ આવી જાય છે. (ધધડ.. ધધડ.. ધધડ… -આવો કંઇક અવાજ ઇમેજીન કરી લેવો..)

~ એમ તો આ પ્રતિબંધની જાહેરાત અગાઉ પણ ભુતકાળના આ જ સમયગાળામાં કરવામાં આવી છે પણ આ વર્ષે તેનો અમલ કડક રીતે થાય તેની ખાસ તકેદારી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહી છે અને તેથી જ તો તે વિનાશક વિદેશી તુક્કલને બજારમાંથી મેળવવી નાગરિકો માટે અશક્ય બની જાય છે. (વાહ! સરકારી કાર્યક્ષમતાનું સુંદર ઉદાહરણ.. જો ચાહે તો બધું કરી શકે એમ છે!)

[via-google. file photo.]

~ ખૈર, પ્રતિબંધ તો તેને ઉડાવવા માટે પણ હતો છતાંયે નજરે જોનાર સાક્ષીઓના મતે કોઇ-કોઇ રીઢા ગુનેગારોએ આ આદેશને અવગણીને ચીનાઓ દ્વારા નિર્મિત તે ઘાતક તુક્કલોને નિરાળા આકાશમાં તરતી મુકી હતી પરંતુ તેની સંખ્યા જુજ હોવાથી બીજા દિવસે તેના નુકશાનની જાણકારી સમાચાર માધ્યમોમાં જોવા મળતી નથી. (સવાર-સવારમાં આવેલ તાજા ન્યુઝપેપરમાં રંગીન દિવડાઓથી ઝગમગતા રાત્રીના આકાશનો ફોટો જોવાના શોખીનો પણ નારાજ થાય છે!)

~ હવે કથા મુખ્ય ભાગમાં પ્રવેશ કરે છે; અમે રીઢા ગુનેગાર નહોતા બનવા ઇચ્છતા એટલે સરકારી હુકમનું અક્ષરશઃ પાલન તો કર્યું.. પણ અગાઉના વર્ષના એ સુંદર આકાશને યાદ કરતાં-કરતાં તુક્કલો વિશેની યાદોમાં સરી પડયાં. બધાએ એકબીજાને પોતપોતાની તુક્કલ-સ્ટોરી કહી. મજાક-મસ્તી કરી. ઘણું હસ્યા અને છેલ્લે દેશી તુક્કલોની વાતો પર આવી અટક્યા. નિર્ણય આવ્યો કે ઉત્તરાયણની રાત્રીએ જો આકાશ એમ ટમટમતા દિવા વગર સુનુ પડી જાય એ કેમ ચલાવી લેવાય??? વાંધો ચાઇનીઝ તુક્કલનો છે ને તો તેની અવેજમાં આપણી દેશી તુક્કલો કેમ ન ઉડી શકે?? (આકાશની ચિંતાથી અમારું તો દિલ ભરાઇ આવ્યું..)

~ દેશી તુક્કલની વાતને પકડીને અમારા રાજકુંવર શ્રી વ્રજકુમાર પણ જીદમાં જોડાયા. આખરે અમે તેને વાયદો કર્યો કે આજે તો અમે તને દેશી તુક્કલ આ આકાશમાં ઉડાવીને જ બતાવીશું. ઘરમાં તો જુની દેશી તુક્કલ ન હોવાથી બજારમાંથી લઇ આવવી પડે એમ હતી. સમય સાંજથી રાત્રી તરફ ઝડપથી સરકતો જોઇને અને અમે બજાર તરફ દોટ મુકી. (આ એક રૂપક છે. એમ તો અમે ગાડી લઇને નીકળ્યા’તા.)

~ અહી તુક્કલ પ્રાપ્ત કરવાનો અધ્યાય શરૂ થયો છે. નીકળ્યા ત્યારે વિચાર્યું’તું કે તરત લઇને પરત ફરીશું પણ દોરી-પતંગોથી ખીચોખીચ ભરાયેલા બજારો વચ્ચે પહોંચીને જોયું તો એક પણ દેશી તુક્કલ ન મળે! શોધ્યું-પુછયું-જાણ્યું પણ એ તુક્કલ ન મળે!.. સાંજ વિતી અને રાત આવી પણ તુક્કલ ન મળે!.. આખરે નિરાશા મેળવીને અમે ઘરે પહોંચ્યા છીએ. (લગભગ છેલ્લા 3-4 વર્ષથી આ તુક્કલો બજારમાંથી અદ્રશ્ય છે. હદ તો એ છે કે અહી મુકવા માટે તેનો ફોટો ગુગલ પાસે પણ ન મળ્યો!)

~ બીજાને તો સમજાવ્યા, પણ તુક્કલ ન મળે એ વાત વ્રજ સ્વીકારે એમ નહોતો. અમે મુંજાયેલા હતા અને આ મુંજવણમાં જ અમને ગીતા યાદ આવી. (તમે સમજદાર છો એટલે અહીયાં ગીતા નામની છોકરી વાળો નક્કામો જોક્સ તમારા માથે મારતો નથી. છતાંયે એક્સ્ટ્રા જાણકારી તરીકે ગીતાની વ્યાખ્યા જોઇ લો..)

ગીતા એટલે કે હિંદુ-કુશ સંસ્કૃતિના પુરાણોનો એક મહત્વનો ભાગ ગણાતા મહાકાવ્ય મહાભારતના અંત સમા મહાયુધ્ધ વચ્ચે મહાન યોધ્ધાનું પાત્ર એવા શ્રી કુંતી માતાના ધનુર્ધારી પુત્ર શ્રી અર્જુનને ઉદ્દેશીને સારથીના રૂપે ગોઠવાયેલ મહાકાવ્યના એક મુખ્ય નાયક શ્રી કૃષ્ણના મુખે બોલાયેલ સંસારના વિવિધ કર્મ વિશે માર્ગદર્શન દર્શાવતા શ્લોકોનો શ્રેષ્ઠ લિખિત સંગ્રહ!

મુળ સ્ત્રોત: પુસ્તક – “પુરાણોમાં માનવી ક્યાં પરોવાણો”
પા.નં.87માં ‘ગીતાનું વિવરણ’ પ્રકરણની પ્રસ્તાવનામાં લખવામાં આવેલ વ્યાખ્યા. લેખક: બાબા બગીચાનંદ

~ હા તો કથા આગળ વધે છે. અમે એ જ ગીતાનો સંદર્ભ લઇને માર્ગદર્શન મેળવ્યું કે હે પાર્થ.. ઉઠાવો બાણ, હવે તો યુધ્ધ એ જ કલ્યાણ! અને જાતે જ હથિયાર ઉઠાવીને નિર્ધાર કર્યો કે હવે તો અમે હાર નહી જ માનીએ. અમારી દેશી તુક્કલની ઇચ્છાને પુરી કરવાનો માર્ગ અમને મળી ગયો છે. અમે જાતે જ તેનું નિર્માણ કરીશું અને સમગ્ર સંસાર વચ્ચે વિજયી બનીને તેની જીવંત રજુઆત કરીશું. (યે કુછ જ્યાદા હો ગયા..)

~ અમારા હથિયારોમાં કાતર, ગુંદર અને સોય તથા કેટલીક જુની કંકોત્રીઓ જેવા સામાન્ય સામાન હતા. જો કોઇ મુખ્ય હથિયાર હતું તો તે અમારો દ્રઢ નિશ્ચય હતો. વિજયી બનવું હોય તો લડી લેવું એ એકમાત્ર નિર્ણય હોય છે. ન લડનાર ને હારવાનો ભય નથી હોતો. યુધ્ધ માટે તૈયાર હોય તેને જ વિજયી બનવાની તક મળતી હોય છે. અમે યોધ્ધા બનવાનું પસંદ કર્યું હતું એટલે લડવું એ અમારું કર્મ હતું! (હું આધ્યાત્મના રસ્તે તો નથી ને? અરે ના હોય હવે..)

~ મર્યાદિત સામાનનો શ્રેષ્ઠ ઉપયોગ અને અમારો અડગ નિર્ણય રંગ લાવ્યો. (આ પણ રૂપક છે. અહી રંગનો ક્યાંય ઉપયોગ થયેલ નથી.) ટીકાકાર તો અહી પણ હતા. અમને અમારા સંકલ્પથી ડગાવવા માટે તેમણે વેધક સવાલો પુછયા અને અસફળ બનવાનો ડર પણ બતાવ્યો. અમે લડયા. જીત્યા. આખરે નિરિક્ષકો અને ટીકાકારોના આશ્ચર્ય વચ્ચે અમે તુક્કલ બનાવી લીધી હતી! (થોડુંક આશ્ચર્ય અમને પણ હતું કે આ તો ખરેખર બની ગઇ!)

~ બનેલ તુક્કલની આબેહુબ છબી સદાયે જીવંત બનીને આજના દિવસની યાદ અપાવતી રહે તે હેતુથી અમે તેને મોબાઇલ કેમેરાથી ક્લિક કરી લીધી હતી. જે આજે અહી આપ સૌ સમક્ષ આ કથાની વચ્ચે શોભામાં વધારો કરી રહી છે! આ પછી તો તેને બનાવટની પ્રક્રિયાથી લઇને કલ્પનાના વાદળોમાંથી બહાર કાઢીને સાક્ષાત આકાશમાં તરતી મુકવા સુધીની ઘટનાઓ આકાર લે છે. પરંતુ એવું જણાય છે કે તેનું સંપુર્ણ રસપાન કરાવવા માટે આ કથાને ત્રણ-ચાર અધ્યાય સુધી લંબાવવી પડે એમ છે. (મનની સભામાં લંબાઇ વિશે વિરોધ અને સમર્થનના દાવાઓ થાય છે. નિર્ણય લેવાય છે.) ઓકે. તો હવે કથાના લંબાણ અને વાચકગણની સુવિધાને ધ્યાનમાં લેતા હવે સીધા કથાસાર તરફ જ આગળ વધીએ. (ઉપર જોયું ત્યારે ખબર પડી કે આજે તો ઘણું લખાઇ ગયું છે!)

~ કથા હવે સીધા જ અંતિમ અધ્યાયના અંત ભાગમાં પહોંચે છે. આ સ્વ્યં નિર્મિત દેશી તુક્કલોને આકાશમાં લગભગ 4 કલાક સુધી તરતી રાખવામાં આવે છે અને અન્ય કોઇએ આકાશી-ચેડા (વાંચો કે પેચ) ન કરતાં છેલ્લે તેનું જમીન પર સફળ ઉતરાણ કરવામાં આવીને દિવસભરના અભિયાનના સુખદ અંતની વિજયી ઉજવણી કરવામાં આવે છે અને આવતા વર્ષ સુધી આ નમુનાને સાચવીને મુકવાનું નક્કી કરવાની સાથે આ કથા સમાપ્ત થાય છે. (અહી તાલીઓનો અવાજ યાદ કરી લેવો.)

~ આભારવિધી: સૌ પ્રથમ તો આયોજક શ્રી નો આભાર કે તેઓએ આ કથાનકના વાર્તાચિત્રમાં રસ દાખવ્યો. તેમની નિઃસ્વાર્થ સેવા-ભક્તિના કારણે જ આ કથા આપ સૌ માણી શક્યા. દરેક દર્શકો અને વાચકોનો આભાર. જો આપ અહીયા ન આવ્યા હોત તો આ કથાનો પણ કોઇ મતલબ ન હોત. ઉપરાંત આપ સૌએ સહિષ્ણુ બનીને મને સહન કર્યો તે બદલ ફરી એકવાર આભાર. મારા શબ્દો વહેંચવા માટે વિશેષ માધ્યમ પુરું પાડવા ઇંટરનેટની સેવાનો આભાર કે જેથી દુનિયાની અલગ-અલગ જગ્યાએ બેસીને પણ તમે આ કથાને માણી શક્યા. અને છેલ્લે આ કથાની માહિતી શેર કરીને મારા શબ્દોને મહત્તમ વાચકો સુધી પહોંચાડતા સૌ નામી-અનામી સ્વ્યંસેવકોને આભાર અને વંદન.

~ સૌને બગીચાના માળી (અને બાબા બગીચાનંદ) ના નમસ્તે!

~ અસ્તુ.


યાર કોઇ પાણી તો પીવડાવો હવે… હું તો લખી-લખીને થાકી ગ્યો. ઘણાં દિવસે એક પોસ્ટ લખવામાં આટલી મહેનત કરી છે!

યે ક્યા હુઆ હૈ હમેં…

~ જો હું સરકારની તરફેણમાં બોલું કે લખું તો મારી પાસેથી સરકારના પ્રવક્તા તરીકે જવાબ માંગવામાં આવે છે અને જો વિરુધ્ધમાં મત રજુ કરું તો વિરોધપક્ષના નેતા તરીકે સવાલ કરવામાં આવે છે.

~ પક્ષ, સરકાર, ધર્મ, રિવાજ, વ્યક્તિપુજા કે વ્યક્તિદ્રેષથી આગળ પણ દેશના એક નાગરિક તરીકે મારો અંગત મત હોઇ શકે એવી સમજણ આપણે ક્યારે ખોઇ નાખી? હમ સબ હંમેશા સે તો ઐસે ન થે… પ્રજા તરીકે રાજકીય પક્ષો વચ્ચે વહેંચાઇ જવું આપણાં દેશ માટે યોગ્ય નથી.

~ મતભેદને મનભેદ ન બનવા દઇએ એમાં જ લોકશાહીનો વિજય છે. સૌને 68’મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ..

~ ડીડી ન્યુઝ જુઓ, ખુશ રહો! જય હિન્દ. વંદે માતરમ..

Being Social

~ એકબાર ફીર સે…

~ બે દિવસથી એક્ટીવ થયો છું. લગભગ મળેલા દરેક પ્રકારના મેસેજ કે સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. (ફેસબુક મેસેજના જવાબ તો ફટાફટ આપી દેવાય છે પણ ઇમેલમાં ઘણો ટાઇમ જાય છે.)

~ હું ક્યાં ખોવાઇ ગયો છું? અથવા તો હું ગેરહાજર કેમ છું? – એવા સવાલો પુછનાર જો એકવાર પણ અહીયાં આવ્યા હોત તો તેમણે જાણી લીધું હોત કે હું અહીયાં હંમેશા હતો. (મને નથી લાગતું કે ત્યાં ઓળખતા લોકો માંથી 5% લોકો પણ અહીયાં સુધી આવતા હશે!)

~ ‘મને પણ બ્લૉગ બનાવવામાં રસ છે અને તે માટે મદદ કરશો’ – સૌથી વધુ વખત પુછાયેલો સવાલ છે. સૌથી જુનો મેસેજ વર્ષ 2012 નો છે અને તેમને પણ રીપ્લાય કર્યો તો તે બહેન તરત ઓનલાઇન આવ્યા અને તે વિશે વધુ સવાલો પુછ્યા. (મને નવાઇ એ લાગી કે આટલા વર્ષો સુધી તેમણે માત્ર મારા મેસેજની રાહ કેમ જોઇ હશે?)

~ જો મને આવા સવાલો પુછનારા ભુલથી અહિયાં આવે અને આ માહિતી વાંચી રહ્યા છે તો તેઓને વિનંતી કે થોડું સર્ચ કરો અને થોડું રિસર્ચ કરો. એકવાર વર્ડપ્રેસ.કોમ ઓપન તો કરી જુઓ, ત્યાં અઘરું કંઇ નથી. બ્લૉગસ્પૉટ.કોમ પણ સારો વિકલ્પ છે અને કોઇને વધુ કંઇ પુછવા જેવું લાગે તો હું છું જ ને. જવાબ આપવામાં મોડું થશે પણ જવાબ ચોક્કસ મળશે એટલો વિશ્વાસ રાખજો. (જોયું! અમારું પણ ભગવાનના ઘર જેવું જ કામકાજ છે! દેર હૈ પર અંઘેર નહી.. જ્ય હો..)

~ મને કોઇ હજુયે ઓળખે છે એ અભિમાન કરાવે એવી વાત છે. જ્યાં લેવડ-દેવડનો કોઇ વ્યવહાર ન હોય તેવી વર્ચુઅલ દુનિયામાં કોઇ આપણને યાદ રાખે તે સારી વાત કહેવાય. (આનંદ સત્ય છે, સોસીયલ વર્લ્ડ મિથ્યા છે!)

~ હવે ત્યાં કેટલા દિવસ ટકીએ છીએ એ તો રમેશભાઇને ખબર પણ મને લાગે છે કે હું ત્યાં સેટ થવા માટે અન્ફીટ આત્મા છું. (મારી વાતને આધ્યાત્મિક ટચ આપવા માટે આત્મા શબ્દ ઉમેર્યો છે. નોંધ: હું જરાયે આધ્યાત્મિક માણસ નથી.)

~ અને છેલ્લે જાણી લો કે આ સોસીયલ દુનિયામાં બીજે રહું કે ન રહું, ટ્વીટર પર હંમેશા રહીશ. (એક્ટીવ તો ત્યાં પણ નથી છતાંયે હાજર જરૂર રહીશ.)

~ આજે મુખ્ય વિષય અલગ હોવાથી બીજી અપડેટ્સ નથી ઉમેરતો. તેની માટે પછી ક્યારેક એક નવું પાનું ચિતરવામાં આવશે. (અહી કવિ જણાવી રહ્યા છે કે આજે લખાણપટ્ટી ઘણી થઇ ગઇ છે, હવે તે ધંધો કરવા માંગે છે.)