જે થાય છે તે સારા માટે જ થાય છે?..

~ મને આ વાતમાં પહેલાથી શ્રધ્ધા નહોતી અને આજે ફરી એકવાર નક્કી થયું કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.

~ મારી આસપાસ ઘણાં લોકો છે જે હંમેશા એમ માને છે કે જે થાય છે તે બધું સારું જ થાય છે.

~ જો ભુતકાળમાં કંઇ ખરાબ થયું હોય તો તેમાં ભવિષ્યમાં કંઇક સારું થવાનું હોવાની આશા તેઓ શોધી લે છે.

~ જો બીજું કોઇ કારણ ન શોધી શકે તો છેલ્લે ઇશ્વરની મરજી માનીને સ્વીકારી લે છે.

~ સૌની શ્રધ્ધા અને વિશ્વાસ તેમને મુબારક.. 🙏


જે થાય છે તે સારા માટે જ થાય છે તેવું નથી હોતું. Je thay che te sara mate nathi thatu..

બાબા બગીચાનંદ જણાવે છે કે;

ભુલને ભુલ તરીકે અથવા તો કોઇ દુર્ઘટનાને દુર્ઘટના તરીકે ન સ્વીકારી શકવાની આવી માનસિકતાનો ઉપયોગ જે-તે વ્યક્તિ આશાવાદી બનીને પોતાની અંદરનો ડર છુપાવવા માટે કરતો હોય છે ;અથવા તો વાસ્તવિક પરિસ્થિતિથી દુર ભાગવા માટે કરતો હોય છે.

આશાવાદી બનવું ખોટું નથી પણ સ્વીકારવું પડશે કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.

નશીબ કે ઇશ્વર મરજી સમજીને નિષ્ક્રિય બની રહેવા કરતાં ભુલને સુધારવા માટે કે દુર્ઘટનાથી બહાર આવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.

લાઇફ લાઇન મંત્ર

~ ક્યારેક એવું બને છે કે લાલ-લાલ એવા ઉત્તમ ગાજરના મીઠાં સ્વાદિષ્ટ હલવામાં વધુ સ્વાદ વધારવા માટે નાખવામાં આવેલી ઇલાયચી જ તેનો આસ્વાદ બગાડતી હોય છે! (જેમને હલવામાં ઇલાયચીનો સ્વાદ ગમતો હોય તેમને તે મુબારક લેકીન બાબા કો વો બિલકુલ પસંદ નહી હૈ।)

~ જીવનનું પણ એવું જ છે ભક્તજનો..  મોજ-મસ્તી કે થ્રીલ (થ્રીલ બોલે તો.. રોમાંચ) જીવનના સ્વાદમાં એક્સ્ટ્રા વધારો કરે છે પણ કોઇ-કોઇ ધમાલ મસ્તી (પેલી ફિલ્મ મસ્તી માં છે ને એવી મસ્તી પણ) આખા જીવનનો સ્વાદ બગાડી નાખતી હોય છે અને સંસારસુખમાં કડવાશ આવી જતી હોય છે.

~ માટે હે ભક્તજનો સમયાનુસાર સમજ અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. સંયમિત રહો અને ખુશ રહો એવા આશિર્વાદ સહ.. કલ્યાણં ભવઃ

~ અસ્તુ.

[“બાબાજીની અંતઃસ્ફુર્ણા” ગ્રંથનો એક નાનકડો અંશ]

.

વિશેષ:

ભક્તજનો નોંધ લે કે ભાવકોના અતિ આગ્રહને માન આપીને હવેથી સ્વ્યં બાબા બગીચાનંદ દ્વારા ઇ-સંસારીઓના કલ્યાણ માટે અહી પણ નિરંતર લાઇફ લાઇન મંત્ર આપવામાં આવશે. આ ઉપરાંત બાબાજીના જ્ઞાનનો લાભ પહેલા લેવાનું ચુકી ગયા હોય તે સજ્જનો આ ગ્રીન આશ્રમમાં ભુતકાળમાં રજુ થયેલી વાણીને માણવા જુઓ: બાબા બગીચાનંદના સંદેશ


header image: vishvagujarat.com