અપડેટ્સ – 54

~ ઠંડીની સિઝન ત્રણ દિવસથી જણાઇ રહી છે. અમદાવાદમાં રૂતુ કોઇ પણ હોય, 12 થી 4 નો તડકો ઉનાળાની યાદ અપાવશે જ. (સાંજ-સવાર ગાડીમાં હીટર યુઝ કરો અને બપોરે એસી, સાથે શરદી ફ્રી ફ્રી ફ્રી!)

~ કંઇક નવું કરવાના ચક્કરમાં આપણી સાથે જોડાયેલી જુની વ્યવસ્થા કે વસ્તુને ક્યારે ઇગ્નૉર કરવા લાગી જઇએ છીએ એ પણ ખબર નથી પડતી. (નવું ભલે ને આકર્ષક-અપડેટેડ હોય, જુનુ પણ વ્હાલું હોઇ શકે છે તે શીખવા મળ્યું.)

~ હું મારાથી દુર જઇ રહ્યો છું એવી લાગણી થયા રાખે છે. માત્ર જીંદગીને જીવી નાખતા વ્યક્તિ કરતાં મને મારું અલગ હોવાપણું જાળવી રાખવાની કવાયત ચાલું છે. (ક્યારેક મને બદલાવા માટે સામુહિક દબાણ હોવાનો અહેસાસ થાય છે.)

~ ઘણાં લાંબા સમયથી બુક્સ વિશે કોઇ અપડેટ નથી કરી. એક વાત મને સમજાઇ કે વધારે બુક્સ ખરીદવાથી તમારું વાચન ઘટવાની શક્યતા વધી જાય છે. (એક બુક પુરી થાય પછી બીજી કઇ વાચવી તે પસંદ કરવામાં હમણાં અઠવાડીયું વિતી રહ્યું છે!)

~ ચેતન ભગતની વન ઇન્ડીયન ગર્લ  વંચાઇ ગઇ છે. લેખકની છેલ્લી બુક ટુ સ્ટેટ્સ ના પ્રમાણમાં આ ઇન્ડીયન ગર્લ થોડી ફીક્કી લાગી. (બની શકે કે ‘ટુ સ્ટેટ્સ’ ની નેશનલ સ્ટોરી સામે ‘વન ઇન્ડીયન ગર્લ’ ની ઇન્ટરનેશનલ સ્ટોરી મારું લોકલ મન પચાવી શક્યું ન હોય.)

 ~ આમીરખાનની દંગલ ખરેખર સરસ મુવી છે. એક્ટીંગ અને સ્ટોરીલાઇન તો બેસ્ટ છે જ પણ મને તેનો રીયલ-લાઇફ ટચ ઘણો ગમ્યો. (સ્પોર્ટ્સ બેઝ ધરાવતી મેરીકોમ, સુલતાન અને એમ.એસ.ધોની પણ સારી ફિલ્મ હતી.)

~ આપણી આસપાસ જ ઘણી પ્રેરણારૂપ વ્યક્તિઓ અને ઘટનાઓ હોય છે પણ આપણે ત્યારે જ તેની નોંધ લઇએ છીએ જ્યારે તે વિશાળ રૂપ લઇને પ્રત્યક્ષ આવે.

~ 7 તારીખે Maker Fest માં જવાનું નક્કી કર્યું છે.

~ નવા વર્ષમાં કોઇ નવો નિયમ લેવાનું નાટક અમે નથી કરતાં તો પણ આ વર્ષે કમ-સે-કમ અહિયાં નિયમિત બનવાનો વિચાર છે. (છેલ્લા 3 વર્ષમાં 10થી વધુ વખત આ વિચારની નોંધ અહીયાં થઇ હશે.)

~ અત્યારે છોટુની બહેનની રાહ જોઇ રહ્યા છીએ. લગભગ પાચમો મહિનો પુરો થયો છે. મેડમજી સ્વસ્થ છે અને બીજુ બધુ નોર્મલ છે. જો કે આવનાર સંતાન દિકરી જ હોય તે ચોક્કસ નથી છતાંયે ઘરમાં બધાની ઇચ્છા એ જ છે. (મને લાગે છે કે જ્યાં અનિશ્ચિતતાઓ વધુ હોય ત્યાં કોઇ એક આશા ન રાખવી સારી રહેશે.)

~ બીજુ સંતાન પરિવારના વિસ્તરણનું આખરી સ્ટેજ છે, ત્યારબાદ અમે માત્ર પરિવારની જાળવણીમાં સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરીશું. (બે બસ!)

~ કાલે સવારે વ્રજને સ્કુલે મુકવા જવાનું છે અને અત્યારે રાત્રીના 2 વાગી રહ્યા એટલે હવે મન આરામ કરવા કહી રહ્યું છે. બીજું ફરી ક્યારેક ઉમેરીશ એ આશા સાથે.. અસ્તુ.

બોલો, શું કહેવું છે તમારે...