– દેશમાં ચુટણીઓનો માહોલ તેની ચરમસીમાએ છે અને તેની નોંધ આજસુધી મારા બગીચામાં લેવામાં નથી આવી તે મારી માટે પણ આશ્ચર્યની વાત છે. લેકીન-બટ-કીંતુ-પરંતુ ઘણો સમય વિતી ગયો છે છેલ્લી અપડેટ્સને… એટલે આજે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. (પત્રકાર જોગ: ચુટણીઓની ખબર અંગેની પ્રેસ-નોટ ટુંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે.)

– અમારી અનિયમિતતાના કિસ્સાઓ આમ તો દેશભરમાં પ્રચલિત છે અને ગુજરાતી બ્લૉગરોમાં પણ આજકાલ અનિયમિતતાની લહેર જોવા મળી રહી છે. જો કે ગમે તે લખીને બ્લૉગ ચલાવતા કેટલાક બ્લૉગબાબાઓ[1. અનુભવીઓ આવા બાબાઓ ને ઓળખતા જ હશે.] આવી લહેરને નકારી રહ્યા છે અને તેને મજબુત બ્લૉગરો પાસે સમય ન હોવાથી ઉદભવેલી સ્થિતિનો ભાગ ગણાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

– ઘણાં દિવસથી અહી અપડેટ્સ ઉમેરવાનો વિચાર દેશભરમાં સભાઓ ભરતા નેતાઓની જેમ મારા મનમાં આમતેમ ભટકી રહ્યો છે પણ મારું મન આપણાં માનનીય નેતાઓની જાહેર ભાષાની જેમ એવું બેકાબુ બની ગયું છે કે તેને કોઇ એક વિચાર પર અટકાવવું શરીરતંત્રના મગજપંચ માટે પણ અશક્ય છે. (જો કે આ બેકાબુપણાં બદલ વિપક્ષ દ્વારા મગજપંચને લેખિત ફરિયાદ કરી દેવામાં આવી છે અને મગજપંચ દ્વારા મનપક્ષ વિરુધ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.)

– આજની નોંધમાં લાંબા સમયથી ચાલતી ગરમીના પ્રકોપ વિશે જે-જે શબ્દો ઉમેરવાનો વિચાર હતો તેની ઉપર ગઇકાલના કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે અને છેલ્લી જાણકારી અનુસાર હવે તે આખે-આખો વિચાર વાવાઝોડાંમાં કયાંક ખોવાઇ ગયો છે. (બટ ડૉન્ટ વરી રીડરબ્રધર્સ, અમારું પ્રસાશન તેને જલ્દી જ શોધી કાઢશે અને ગરમીના સમય સુધીમાં તેને આપની આંખો સમક્ષ ચોક્કસ રજુ કરવામાં આવશે એવો અમારો વાયદો છે.)

– છોટુંની બીજી બ’ડ્ડે આવવામાં હવે ચાર મહિના બાકી રહ્યા છે. પ્રથમ વર્ષગાંઠ વખતે પરિવારિક આચારસંહિતા લાગુ હોવાના કારણે ઉજવણીની સમગ્ર યોજનાને પડતી મુકવી પડી હતી પણ આ વખતે જરૂરી પરવાનગીઓ અગાઉથી લઇ લેવામાં આવી છે અને આયોજનમાં અન્ય વિક્ષેપ ન પડે તે માટે ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. (આ અંગે જલ્દી જ મેડમજી[2. આ પોસ્ટમાં મેડમજી એટલે મારા ધર્મ પત્ની શ્રી.]ના અધ્યક્ષ સ્થાને એક સામાન્ય બેઠક બોલાવવામાં આવશે જેમાં ચર્ચા-વિચારણા બાદ સર્વે પક્ષોનો વિશ્વાસમત મેળવીને યોજના માટે વર્કિંગ કમીટીની નિમણુંક અને યોજનાના અમલીકરણ માટેની ગાઇડલાઇન રજુ કરવામાં આવશે.)

– લગભગ બે મહિના પહેલા મારી માટે એક નવો એન્ડ્રોઇડ મોબાઇલ લેવામાં આવ્યો હતો પણ મારા એપ્પલના વ્યસની મગજને ન ફાવતા આખરે તેને મેડમજીના પક્ષમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને મારા મોબાઇલના પક્ષ બદલવાની સાથે ત્યાં નવા સમિકરણો રચાતા ટેબ્લેટ ઉપર મેડમજીના એક હથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે! (પબ્લીક ટીપ: કામકાજ અંગે રેગ્યુલર હરતાં-ફરતાં લોકોએ 5″ સ્ક્રીનવાળો મોબાઇલ કયારેય ન લેવો. જનાબ.. ઔર ભી ચીજ રખની હોતી હૈ જેબ મેં, મોબાઇલ કે સિવા….)

– નવા સમિકરણો અનુસાર હાલ તો ટેબ્લેટ પર મેડમજીના ટેકાથી મારી નવી સરકાર અસ્તિત્વમાં આવી છે પણ તેનો સંપુર્ણ કબ્જો કરવાનો અમારો અંગત ધ્યેય છે. (સાથી પક્ષ અત્યારે નવા મોબાઇલ-ક્ષેત્ર માં વ્યસ્ત હોવાથી અમે ટેબ્લેટ-ક્ષેત્રે અમારી સત્તા ફેલાવવામાં ચોક્કસ સફળ બનીશું એવો વિશ્વાસ છે.)

– ટેબ્લેટમાં પ્લે-બુક્સનો ઉપયોગ હમણાંથી જોર-શોરથી કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઇ-બુક્સ ક્ષેત્રે મારો પ્રવેશ નહિવત હતો પણ હવે નવા ક્ષેત્ર ખુલવાની સાથે અમે આ દિશાએ અમારી રણનીતિ વિકસાવી રહ્યા છીએ. (આજે એમ થાય છે કે, પ્રિન્ટેડ પુસ્ત્ક ઉપલબ્ધ હોય તો ઇ-બુક્સ ન લેવાનો મારો વિરોધ ખોટો હતો.)

– ટેબ્લેટમાં બુક્સ વાંચવાની સૌથી મોટો ફાયદો એ કે તેને ગમે ત્યાં-ગમે ત્યારે-દિવસે કે રાત્રે[3. Night Theme Mode] ફાવે તેમ વાંચી શકાય છે અને એક સાથે ગમે તેટલી બુક્સ સાથે રાખી શકાય છે. (મુસાફરીમાં હું એક-બે પુસ્તકથી વધુ પુસ્તક રાખવાનું માત્ર વજન અને જગ્યાના માપદંડના કારણે જ ટાળતો હતો, જયારે અહી તો તે સમગ્ર સમસ્યા જ ટળી જાય છે. વધુમાં, ન જોવાયેલા મુવી, ગમતું મ્યુઝિક અને ટાઇમપાસ ગેમ રમવાનો આનંદ સાથે હોય તો બીજું શું જોઇએ… બોલો!)

– ટેબ્લેટના કારણે i-phone વિસ્તારમાં પણ ડેટાનું ભારણ ઘટયું છે. પણ ટેબ્લેટના ઉપયોગથી સમસ્યા એ થઇ છે કે રાત્રે પ્રકાશ વગર સરળતાથી વાંચી શકવાની સુવિધાના કારણે મારું લેટ-નાઇટ વાંચન હવે વ્યસન બની રહ્યું છે અને હવે જો રોજ સવારે ઉઠવામાં આમ જ મોડું થશે તો લાગે છે કે ઘર કી જનતા માફ નહી કરેગી! (સાથી પક્ષ પણ અમારા આવા વલણથી નારાજ છે. એટલે અમારા ગઠબંધન[4. લગ્ન પણ એક પ્રકારનું ગઠબંધન જ છે ને!]ને ટકાવી રાખવા માટે આ સમસ્યાને ખાસ પાર્ટી મેનીફેસ્ટોમાં ઉમેરવામાં આવી છે અને તેને નિવારવા અંગે જાહેર જનતા પાસે સુચનો પણ માંગવામાં આવે છે.)

– ગયા ઉનાળામાં કેન્સલ થયેલી સાઉથ ઇન્ડીયા ફેમીલી-ટુર ને ફરી એકવાર ટાળવામાં આવી રહી છે. કારણ: આચારસંહિતા[5. ચુટણીમાં મત ફરજીયાત આપવો એ અમારી અંગત આચારસંહિતાનો એક ભાગ છે.] (નોંધ: પ્રવાસને માત્ર ટાળવામાં આવ્યો છે. આચારસંહિતા પુરી થયા બાદ સાથી પક્ષની ખાસ ઇચ્છા અનુસાર તેને ચોક્કસ ફાસ્ટટ્રેક કરવો પડશે. નહી તો આ માળી-સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.)

– દેશમાં ચાલી રહેલા ઇલેક્શન-ફીવરનો રંગ અમારા ઘરમાં પણ જોવા મળી રહ્યો છે. તેની સાબિતી એ છે કે આજકાલ ટીવી પ્રોગ્રામ્સમાં સાસ-બહુ કરતાં બીજેપી-આપ-કોંગ્રેસની નોંક-ઝોંકમાં વધુ રસ લેવામાં આવી રહ્યો છે અને આવનાર મહેમાન કે પડોશીઓ સાથેની ચર્ચામાં આડી-અવળી વાતોની જગ્યાએ ચુટણી ચર્ચાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. (એક સમયે આખા દેશના રાજકારણીઓમાંથી માત્ર નરેન્દ્ર મોદી અને લાલુને જ ઓળખતા મારા મેડમજી આજે સોનિયા, રાહુલ, કેજરીવાલ, રાજનાથ, અડવાણી, નિતિશકુમાર, પ્રિયંકા, વાડ્રા, મુલાયમસિંહ, સિબ્બલ, પાસવાન, દિગ્વીજય, અખિલેશ, મુખ્તાર અબ્બાસ નકવી, કુમાર વિશ્વાસ વગેરે વગેરેને તેના પક્ષની સાથે ઓળખી શકે છે!)

– લાગે છે કે આ પોસ્ટમાં રાજકારણ વધુ હાવી થઇ રહ્યું છે એટલે અપડેટ્સની પોસ્ટ અહી અટકાવવી યોગ્ય લાગે છે. હવે પછીની અપડેટ્સ ચુટણીલક્ષી વાતોની પોસ્ટ પછી જ અહી રજુ કરવું એવો વિચાર છે જેથી ચુટણીમાં (કમનસીબે) રસ ન લેતી જનતાને કંટાળો ન આવે અને આવી અપડેટ્સ વાંચ્યા પછીના તેમના ગુસ્સાથી પણ બચી શકાય. (મારા વિરોધમાં જો તમે સ્ક્રિન ઉપર ટામેટા-ઇંડા ફેંકો તો તમારી સ્ક્રિન બગડે તેની તકલીફ તો થાય જ ને..)

# સાઇડટ્રેક: આડી અવળી પાર્ટીના વિવાદક શ્રી મુંગેરીલાલે ઇન્ડીયન બગીચા ન્યુઝ (IBN) ના વરિષ્ટ પત્રકાર બગીચાદત્તને આપેલા સ્પેશીયલ ઇન્ટર્વ્યુમાં ગઇકાલે અમદાવાદમાં આવેલા તોફાન-વરસાદ માટે મોદીની લહેરને જવાબદાર ઠેરવી હતી અને ચુટણીપંચને કરેલી લેખિત ફરિયાદમાં ગઇકાલની ઘટના દરમ્યાન કોંગ્રેસ વિરોધની ત્સુનામીનો ઉલ્લેખ કરીને ભાજપ-કોંગ્રેસની મીલીભગતની આશંકા પણ વ્યક્ત કરી છે![6. આ સ્પેશીયલ ઇન્ટર્વ્યુની વિગતો જાણવા માટે નિયમિત જોતા રહો, મારો બગીચો.]


Feature Image: સંસદ ભવન, દિલ્હી.

4 thoughts on “અપડેટ્સ-39 [April’14]

તમે પણ કંઇક કહો ને...